অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાળજી પૂર્વક કરો સ્વાસ્થ્યનું જતન

કાળજી પૂર્વક કરો સ્વાસ્થ્યનું જતન

સામાન્ય રીતે આપણે આપણા સ્વાસ્થ્ય સંબંધિત નાની-નાની વાતો પ્રત્યે દુર્લક્ષ સેવતાં હોઈએ છીએ. પંરતુ વાસ્તવમાં આવી ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન ન આપવાને  કારણે ક્યારેક તંદુરસ્તી જોખમમાં મૂકાઈ જાય છે. એટલે આવી કેટલીક વાતો જાણી રાખવી જરૃરી છે. જેમ કે :
 • ક્યારેય ભૂખ્યા પેટે દવા ન લેવી. જમ્યાના બે કલાક બાદ ગોળી લેવાની હોય, તો તે લેતી વખતે ચા કે દૂધ સાથે બે બિસ્કિટ ખાવા.
 • કેટલીક એન્ટિ-બાયોટિક દવાઓની સાથે દૂધનું સેવન ન કરી શકાય. આથી એન્ટિ-બાયોટિક દવા લેતી વખતે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
 • કેટલીક દવાઓને ગરમ પાણી સાથે ન લઈ શકાય.
 • દવા ખરીદતી વખતે મેન્યુફેક્ચરીંગ અને એક્સપાયરી ડેટ અવશ્ય જોવી.
 • એન્ટિબાયોટીક દવાઓને કારણે ગર્ભનિરોધક ગોળીઓની અસર ઓછી થાય છે. એમ્પીસીલિન  અથવા ટેટ્રાસાયક્લીન એન્ટિબાયોટીક દવાઓનો મહત્તમ ઉપયોગ થાય છે. પરંતુ તે આપતી વખતે ડોેક્ટરો આ વાત જણાવતાં નથી અને જાણકારીના અભાવે મહિલાઓ ગર્ભવતી બને છે.
 • દમ, આર્થરાઈટીસ, ડાયાબિટીઝ, હાઈ-બ્લડપ્રેશર જેવી બીમારીઓમાં દવાનું નિયમીત સેવન કરવું જરૃરી છે. જોકે આમાંની કોઈ બીમારી ધરાવતી ગર્ભવતીએ ડોેક્ટરની દેખરેખ હેઠળ જ દવા લેવી જોઈએ.
 • ડોક્ટરને પૂછ્યા વગર એક સમયે એક કરતાં અધિક દવાઓ ન લેવી. દવાના કાગળ પર લખેલી સૂચના અનુસાર જ ડોઝ લેવા. વધુ માત્રામાં દવા લેવાથી જલ્દી સારું થઈ જાય છે તે માન્યતા ભૂલભરેલી છે. આવા તુક્કાને કારણે શરીરને ભારે નુકસાન થઈ શકે છે.
 • કોલસ્ટ્રોલનું ઊંચુ પ્રમાણ હૃદયરોગ થવા તરફ અંગુલિનિર્દેશ કરે છે. એટલે ચેતીને રહેવું.
 • એક અભ્યાસ અનુસાર રજોનિવૃત્તિ પછી એસ્ટ્રોજનની ગોળીને એકલી અથવા પ્રોજેસ્ટ્રોનની સાથે લેવાથી પણ હૃદયરોગનું જોખમ ઉદ્ભવે છે. વળી  આ જ દવાઓ ખોટી રીતે લેવાને કારણે ગર્ભાશય કે સ્તનનું કેન્સર થવાનું જોેખમ રહે છે.
 • કમર અથવા પીઠમાં દુખાવો થતો હોય તો પણ શારીરિક રીતે સક્રિય જ રહેવું. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે  આ પ્રકારની ઘણી તકલીફોમાં આરામની જરૃર હોતી નથી.
 • સાધારણ શરદી-ઉધરસ કે તાવ હોય તો તરત જ ડોક્ટરની દવા લેવા દોડવું નહીં. આપણા શરીરમાં સેલ્ફહિલીંગ પાવર હોય છે. પહેલાં મીઠાના પાણીના કોગળાં કે તુલસીના પાન, આદુ, ફુદિનો નાંખેલી ચા બે-ત્રણ વખત પીવી જોવી. આ નુસ્ખાઓથી આરામ મળશે. જો બાદમાં તાવ વધી જાય તો પછી ડોક્ટરની દવા લેવી.
 • જો તમારા વિચાર અસ્વાભાવિક કે અયોગ્ય હોય, તમે તમારી સમસ્યાઓ અન્યોને ન જણાવી શકો અથવા શરમાળ સ્વભાવને કારણે છુપાવો, બબડાટ કરો, કંઈક અઘટિત ઘટવાની આશંકા રહ્યા કરે અને સરખી રીતે વિચારી ન શકો તો તમે મનોરોગથી પીડાવ છો એટલે તાત્કાલિક મનોચિકિત્સકનો સંપર્ક કરવો.

પથરીની પીડા ટાળવા પુષ્કળ પાણી પીઓ

આજના ભાગદોડભર્યા જીવનમાં પ્રત્યેક યુવાન માત્ર પ્રગતિની ઈચ્છામાં દોડતો જ રહે છે. તેને માત્ર કામ જ કરવું છે. તે ખાવા-પીવા કે ઊંઘવાની ફિકર ધરાવતો નથી. બે ટંકના ભોજનમાંથી મળતી ઊર્જા ચા-કોફી કે ઠંડા પીણાંમાંથી શોધવામાં આવે છે.

વારંવાર ચા-કોફી પીનારાઓને કિડનીમાં પથરી થઈ શકે છે. એક અહેવાલ અનુસાર હાલમાં ૨૦-૪૦ વર્ષના વયજૂથમાં કિડનીમાં પથરી થવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ વયજૂથમાં આવતાં યુવક-યુવતીઓ કામમાં એટલા ગળાડૂબ હોય છે કે સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી અને આ જ કારણે અનેક રોગનો શિકાર બને છે.

આપણા દેશની આબોહવા ગરમ અને ભેજવાળી છે. આને કારણે આપણા શરીરમાં પાણીની ઉણપ રહ્યા જ કરે છે. વળી પરસેવો થવાને કારણે પણ શરીરમાંથી પાણી નીકળી જાય છે. આવા સંજોગોમાં પાણી ઓછું પીવાથી અને સંતુલિત આહાર ન લેવાથી કિડનીમાં પથરી થઈ શકે છે. આ ઉપરાંત ખાન-પાનની અનિયમીતતા તથા વધારે નમકવાળું ભોજન લેવાથી પણ કિડનીમાં પથરી થઈ શકે છે.

આજના યુવાવર્ગમાં  ફાસ્ટફૂડનું ચલણ પણ વધી રહ્યું છે. ફાસ્ટફૂડમાં નમકનું પ્રમાણ વધારે હોય છે જે પથરી નિર્માણ કરવામાં મદદરૃપ બને છે. પથરી થવાનું ત્રીજું કારણ ચા-કોફી તથા કોકોથી નિર્મિત ચોકલેટ વગેરેનો વધુ ઉપયોગ છે. જ્યારે ચોથું કારણ અનુવાંશિક છે. પરિવારમાં કોઈને પથરીની તકલીફ હોય તો આ તકલીફ થવાની શક્યતા વધી જાય છે.

પથરી ઘણા પ્રકારની હોય છે જેમાં કેલ્શ્યિમ ઓક્સીલેટ સ્ટોન, કેલ્શિયમ ફોસ્ફેટ સ્ટોન, યુરિક એસિડ સ્ટોેન વગેરે હોય છે. જોકે  ૯૦ ટકા કિસ્સામાં કેલ્શિયમ ઓક્સીલેટ સ્ટોન જ હોય છે. પેશાબમાં કેલ્શિયમ તથા ઓક્સીલેટનું પ્રમાણ વધવાથી પથરી થવાની સંભાવના વધી જાય છે.

કિડનીની આસપાસના ભાગમાં સખત દુખાવો, મૂત્રપ્રવાહમાં અવરોધ, મૂત્ર સાથે લોહી નીકળવું, પેશાબમાં ચેપ વગેરે પથરીના મુખ્ય લક્ષણો છે. અલ્ટ્રાસાઉન્ડ, આઈવીપી અથવા સીટી સ્કેન દ્વારા પથરીનું નિદાન કરી શકાય છે. ૨૦ મિ.મી. જેટલી પથરી ઓપરેશન વગર લેસર કિરણોથી જ દૂર કરી શકાય છે.

સ્ત્રોત: સહિયર© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate