હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / એઈડ્ઝની ભયાનકતા અટકાવવા દેશ-વિદેશોમાં સર્વે-સંશોધનો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એઈડ્ઝની ભયાનકતા અટકાવવા દેશ-વિદેશોમાં સર્વે-સંશોધનો

એઈડ્ઝની ભયાનકતા અટકાવવા વિશેની માહિતી

ધનિક રાષ્ટ્રો એઈડ્સના રાક્ષસને રોકવા માટે સક્રિય પગલા નહીં ભરે તો આવતા ૨૦ વર્ષમાં ૭ કરોડ લોકોના મોત નિપજશે. યુનોએ પોતાના એક અહેવાલમાં આવી ચેતવણી આપતા કહ્યું છે કે એઈડ્સની બિમારી વિશ્વમાં હજુ શરૃઆતના તબક્કામાં છે. અત્યારે વિશ્વભરમાં લગભગ ૪ કરોડથી વધુ લોકોને એઈડ્સની બિમારી છે. બે વર્ષ અગાઉ એઈડ્સના દર્દીઓની સંખ્યા ૩ કરોડ ૪૦ લાખની હતી. એઈડ્સનો ચેપ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમ યુએન એઈડ્સના રિપોર્ટમાં જણાવાયું છે

રિપોર્ટ તૈયાર કરનાર ડૉ. પીટર પીઓટના જણાવ્યા પ્રમાણે એઈડ્સ હજુ તેની ચરમસીમાએ પહોંચ્યો નથી. ટોચના નિષ્ણાંતોને આ આશા છે કે આગામી વર્ષોમાં એઈડ્સનો ઈલાજ કરવા માટેની ટેકનિક શોધાશે. અને આ ખતરનાક બિમારીને અંકુશમાં લઈ શકાશે. આફ્રિકામાં એઈડ્સે એટલું ખતરનાક રૃપ ધારણ કર્યું છે કે એક આખી પેઢીનો નાશ થઈ ગયો છે. સમગ્ર આફ્રિકા આ બિમારીની ઝપેટમાં આવીને અસ્થિર બની ચૂક્યું છે. એઈડ્સ આજે એક સંપૂર્ણ મેડિકલ પ્રોબ્લેમ છે. સમાજની સુરક્ષા તેમજ આર્થિક અને સામાજિક વિકાસ માટે એઈડ્સ આજે એક સૌથી વધુ જટિલ પ્રશ્ન બની ચુક્યો છે.

પીઓટના જણાવ્યા પ્રમાણે એઈડ્સના કારણે એક આખો ખંડ અસ્થિર બની જાય તે વિશ્વને પોષાય તેમ નથી. એઈડ્સ જો આફ્રિકાને પોતાનો ભોગ બનાવશે તો તેની અસર અન્ય ખંડો પર પણ પડશે. યુનોના એઈડ્સ રિપોર્ટને બે વર્ષ અગાઉના રિપોર્ટ બાદ અપડેટ કરાયો છે. તેમાં રજુ કરાયેલ વિગતો ચિંતાજનક છે. ગયા વર્ષે એઈડ્સની બિમારીથી ૩૦ લાખ લોકોના મોત નિપજ્યા હતા. તેમાંથી ૨૨ લાખ એકલા આફ્રિકામાં માર્યા ગયા હતા. ગયા વર્ષે ૫૦ લાખ લોકોને એચઆઈવીનો ચેપ લાગ્યો હતો. ૧૯૮૧માં એઈડ્સથી મોતનો પ્રથમ કિસ્સો નોંધાયા બાદ અત્યાર સુધીમાં બે કરોડ લોકો એઈડ્સથી માર્યા ગયા છે. એઈડ્સે કુલ ૧.૪ કરોડ બાળકોને અનાથ બનાવ્યા છે. અત્યારે ૪ કરોડ લોકો એઈડ્સનો ભોગ બન્યા છે. તેમાંથી ૩૦ લાખ જેટલા બાળકો છે. ૧૯૮૦ના દાયકામાં એઈડ્સ અંગે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ શરૃ થયા બાદ વિકસીત દેશોમાં એઈડ્સ લોકોની નજરે ચડી ગયો છે. તેના કારણે વિકસીત દેશોમાં એઈડ્સ બહુ ઝડપથી ફેલાતો નથી. પરંતુ સબ-સહારા આફ્રિકાના વિસ્તારમાં ૨.૮૫ કરોડ લોકોને એઈડ્સની બિમારી છે. જે વિશ્વમાં એઈડ્સના કુલ દર્દીઓના ૭૦ ટકા જેટલા છે.

આફ્રિકામાં ૧૫ થી ૪૯ વર્ષની વયમાં નવ ટકા લોકોને એઈડ્સ થયો છે. ૧૯૯૯માં આ ટકાવારી ૮.૯ ટકા હતી. ઝિમ્બાબ્વેમાં ૩૩ ટકા જેટલા પુખ્તવયના લોકો એઈડ્સથી પીડાય છે. બે વર્ષ અગાઉ આ પ્રમાણ ૨૫ ટકાનું હતું. એચઆઈવીનો ચેપ લાગ્યો હોય તેવા લોકોનું પ્રમાણ ઝિમ્બાબ્વેમાં ૩૯ ટકા જેટલું છે. બે વર્ષ અગાઉ આ ટકાવારી ૩૬ ટકાની હતી. એઈડ્સના કારણે આફ્રિકાના બોત્સવાના દેશમાં સરેરાશ આયુષ્ય ઘટીને ૪૦.૯ વર્ષનું થઈ ગયું છે. પૂર્વ એશિયા અને પશ્ચિમ યુરોપમાં એઈડ્સની બિમારી ઝડપથી ફેલાઈ રહી છે.

યુનોનો અહેવાલ જણાવે છે કે ધનિક દેશોએ એઈડ્સને રોકવા માટે વધુને વધુ નાણાં ખર્ચવા જોઈએ. એઈડ્સની રોકથામ પાછળ ૭ થી ૧૦ અબજ ડોલર દર વર્ષે ખર્ચવા જરૃરી છે. ધનિક દેશો માટે આ કોઈ મોટી રકમ નથી. ત્રાસવાદી હુમલાઓ બાદ પૈસાદાર રાષ્ટ્રો પોતાની સુરક્ષા માટે જેટલું ધન ખર્ચે છે તેનો આ એક ટેકો પણ ન ગણાય. વૈશ્વિક સ્તરે એઈડ્સનો સામનો કરવા માટે એક વૈશ્વિક એઈડ્સ ફંડની જરૃર છે. ટીબી અને મેલેરીયા સામે લડવા માટે પણ અબજો ડોલરના ફંડની જરૃર છે.

આ વર્ષે ગરીબ દેશોમાં ૩ અબજ ડોલરનો ખર્ચ થશે. ૧૯૯૮માં ૧૬.૫ કરોડ ડોલરનો ખર્ચ થયો હતો. એઈડ્સને રોકવા માટે યુરોપ અને અમેરિકા ફંડ આપવામાં ડાંડાઈ કરે છે. વિકસતા રાષ્ટ્રોમાં માત્ર ચાર ટકા જેટલા એઈડ્સના દર્દીઓને દવા મળી રહે છે. જ્યારે ઉત્તર અમેરિકામાં ૫૦ ટકા દર્દીઓને લેટેસ્ટ દવા મળે છે. ધનિક દેશોનાં ૫ લાખ લોકોને વૈકલ્પિક દવાઓ મળે છે અને ગયા વર્ષે ૨૫ હજાર લોકો એઈડ્સથી માર્યા ગયા હતા. બીજી તરફ આફ્રિકામાં ૩૦,૦૦૦ લોકોને એઈડ્સની દવા મળે છે અને એઈડ્સના કારણે ૨૨ લાખના મોત નિપજ્યા હતા.

ચીનમાં એચઆઈવી પીડિતોની સંખ્યામાં વૃદ્ધિ અને તેનો સામનો કરવા માટે અપર્યાપ્ત સરકારી પ્રયાસોને જોતાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે એવી ચીમકી આપી છે કે આવનાર વર્ષોમાં ચીનને એઈડ્ઝરૃપી મહાસંકટનો સામનો કરવો પડશે. ચીનમાં એઈડ્સની સ્થિતિ પર યૂનો દ્વારા તાજેતરમાં જારી કરાયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ હાલ ચીનમાં એચઆઈવી પીડિત લોકોની સંખ્યા અંદાજે ૧૫ લાખ જેટલી છે. જો ચીન સરકાર એઈડ્સનો સામનો કરવા સમયસર જરૃરી પગલાં નહીં લે તો ૨૦૧૦ સુધીમાં આ સંખ્યા એક કરોડનાં આંકને પણ પાર કરી જઈ શકે તેમ છે. અહેવાલ મુજબ હાલ ચીનમાં એચઆઈવીનો ચેપ મુખ્યત્વે સીરીંઝની મદદ વડે લેવાતા માદક દ્રવ્યોને ચેપી લોહી તંદુરસ્ત વ્યક્તિને આપી દેવાને કારણે વધુ પ્રસરી રહ્યો છે.

રિપોર્ટમાં એવી ચેતવણી પણ અપાઈ છે કે ટૂંક સમયમાં એચઆઈવીના જીવાણું સામાન્ય જનતાની વચ્ચે ફેલાઈ જશે અને ત્યારે સ્થિતિ પર કાબુ મેળવવો મુશ્કેલ બનશે. પરંતુ ચીને યુનોનાં આ અહેવાલને ફગાવી દીધો છે. ચીન સરકારના કહેવા મુજબ હાલ ત્યાં એચઆઈવી પીડિત લોકોની સંખ્યા માત્ર આઠ લાખ પચાસ હજારની છે જે ગત વર્ષે છ લાખની હતી.

વિશ્વભરમાં એઈડ્ઝના ભરડાએ આતંક મચાવ્યા પછી દેશભરમાં એઈડ્ઝની ભયાનકતા વિશે વિજ્ઞાાનીઓ વધુ ચિંતત બન્યા છે. કુલ મળીને ૧.૯૦ કરોડ લોકોના જાન લેનારા અને ૩.૪૦ કરોડ લોકો જેના શિકાર છે એવા એઈડ્ઝે મોટાભાગના આફ્રિકાના દેશોની સમાજતંત્ર અને આર્થિક તંત્રની હાલત વધુ કફોડી બનાવી છે.

એચ.આઈ.વી. અને એઈડ્ઝ પરના યુ.એન.ના કાર્યક્રમના અહેવાલમાં જણાવાયું છે કે યુગાન્ડા, બ્રાઝીલ, ભારત તથા થાઈલેન્ડ જેવા દેશોમાં સંયુક્ત રાષ્ટ્રોએ અનેક મુશ્કેલ યોજનાઓ અમલમાં લાવી એઈડ્ઝના ચેપનો ફેલાવો ધીમો કરી શકાયો છે. પરંતુ એઈડ્ઝના સૌથી વધારે અસરકારકતાવાળા દેશોની અડધાથી વધારે મધ્યમ ઉંમરના લોકોની જાન લેનાર આ ભયંકર બિમારીને અવગણી શકાય એમ નથી. ખાસ કરીને ધનાઢ્ય દેશોમાં પણ આ રોગનો ફેલાવો નોંધપાત્ર રીતે વધ્યો છે.

ઓસ્ટ્રેલીયા અને અમેરિકામાં કરાયેલા સર્વેક્ષણોમાં એવું જાણવા મળ્યું છે કે અસુરક્ષિત સંભોગ અને અલગ-અલગ સાથી જોડે સંબંધ કરવાથી આ દેશોમાં સજાતીય સંબંધ ધરાવતા યુવાવર્ગમાં એઈડ્ઝના ફેલાવામાં વધારો થયો છે. વિશ્વ સ્તરે નવા ૫૪ લાખ લોકોને ગયા વર્ષે એચ.આઈ.વી. વાઈરસનો ચેપ લાગ્યો છે. આ રોગને કારણે ૧.૩૨ કરોડ બાળકો પણ અનાથ થયા છે. જોકે અપવાદરૃપે કેવળ થોડાક લોકો જ આ રોગમાંથી મુક્તિ મેળવી શક્યા છે.

તાજેતરમાં ડર્બન ખાતે ૧૩મી આંતરરાષ્ટ્રિય એઈડ્ઝ પરિષદ યોજાઈ ગઈ. તેમાં ભાગ લઈ ચૂકેલા એક ભારતીય તબીબે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ભારત સરકાર ટૂંક સમયમાં આ પડકારને પહોંચી વળવામાં નિષ્ફળ જશે તો વિશ્વના એચઆઈવી ગ્રસ્ત લોકો પૈકીના અડધા લોકો ભારતમાં હશે. કારણ કે ભારતની વસ્તી પૈકીની પાંચમાં ભાગની વસ્તી એચઆઈવી વાયરસથી ગ્રસ્ત છે.

વિશ્વભરમાં ગયા વર્ષે રોજની ૬૦૦૦ મહિલાઓને એઈડ્ઝનો ચેપ લાગ્યો હતો. યુએસ પોપ્યુલેશન રેફરન્સ બ્યુરોના જણાવ્યા અનુસાર એઈડ્ઝનો ચેપ લાગતા તમામ પુખ્તોમાંથી ૪૧ ટકા સ્ત્રીઓ છે. સહરા વિસ્તારના આફ્રિકી દેશોમાં ૧૯૮ કરોડ પુખ્તોને ચેપ લાગ્યો છે. જેમાં ૫૦ ટકા સ્ત્રીઓ છે. બ્યુરોના જણાવ્યા અનુસાર એઈડ્ઝના રોગચાળાની આરંભથી આજ પર્યન્ત ૪૦ લાખ મહિલાઓ સહીત કુલ ૧.૧૭ કરોડ વ્યક્તિઓના મરણ થયા છે. દર વર્ષે છ લાખ સ્ત્રીઓ ગર્ભાવસ્થા, પ્રસુતિ કે ગર્ભપાતને કારણે મરણ પામે છે. અને આમાંના મોટાભાગના મૃત્યુ આફ્રિકા અને એશિયામાં વધુ થાય છે.

લેખક : દીપક જગતાપ

સ્ત્રોત: ગુજરાત સમાચાર

3.22727272727
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top