હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / ઉતરતા શિયાળે શું સાવચેતી રાખશો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉતરતા શિયાળે શું સાવચેતી રાખશો

ઉતરતા શિયાળે શું સાવચેતી રાખશો

ઉતરતા શિયાળે વધેલા વાયુને શરીરમાં રોગ પેદા કરતો અટકાવવા માટે સરસિયા તેલને હુંફાળુ ગરમ કરી માલિશ કરવાથી ફાયદો થાય છે.
શિયાળાની શરૂઆતના દિવસો ખૂબ જ આહલાદક હોય છે. વરસાદી વાતાવરણના ભેજ અને બાફમાંથી છુટકારો મળે છે. ગુલાબી ઠંડીની શરૂઆતના દિવસોમાં વાતાવરણની શરીર પર હકારાત્મક અસર થવાનું શરૂ થાય છે. શિયાળા દરમ્યાન શરીર શક્તિ મેળવે છે. ભૂખ લાગે છે. ખોરાક સરળતાથી પચે છે. શિયાળુ ખોરાકમાં શાકભાજી, કચુંબર અને ફળોમાં પણ વિવિધતા હોવાથી જમવાની પણ મજા પડે તે સ્વાભાવિક છે. શિયાળો લગભગ પુરો થવા આવે ત્યારે ઉત્તરાયણનાં તહેવારની આતુરતાથી રાહ જોવાતી હોય છે.
‘ઉત્તરાયણ’ તરીકે આપણે જે તહેવાર ઉજવીએ છીએ, તે માત્ર સામાજિક અને ધાર્મિક રીતે એક જ દિવસે ઉજવાતો હોય છે. પરંતુ ઉત્તરાયણ એક જ દિવસનું હોતું નથી, ‘ઉત્તરાયણ’ શબ્દ, બે શબ્દોના જોડાણથી બનેલો છે. ‘ઉત્તર’ અને ‘અયન’. જે ઋતુઓ દરમ્યાન સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે, તેવા સમયગાળાને ઉત્તરાયણ કહે છે. લગભગ ગુજરાતી મહા મહિનાથી લઈને અષાઢ મહિના સુધી, જે અંગ્રેજી કેલેન્ડર મૂજબ જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધીનો સમયગાળો તે ઉત્તરાયણનો સમયગાળો.

ઉત્તરાયણમાં કેવા ફેરફાર થાય છે ?

ઉત્તરાયણ દરમ્યાન પૃથ્વીની સ્થિતિ સૂર્યની નજીક હોવાને કારણે આ સમયગાળો જેમ-જેમ જાન્યુઆરી મહિનાથી જુલાઈ તરફ આગળ વધે છે, તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે.

શિયાળાની શરૂઆતની ઋતુ હેમંત દરમ્યાન તાપમાન ઓછું હોવાથી ઠંડી વધુ લાગે છે. જાન્યુઆરીની ૧૪ પછી ઠંડીનું પ્રમાણ ઘટે છે. તેની સાથે શરીરમાં ઠંડા તાપમાનને કારણે કફ જમા થતો રહેતો હોય છે. વાતાવરણની ઠંડકને કારણે તથા ઓછી થતી જતી ઠંડીમાં જો શરીરનું ગરમ કપડાથી રક્ષણ કરવામાં ન આવે તો, વાયુ દોષ વધે છે. સામાન્ય રીતે શિયાળા દરમ્યાન વાયુદોષથી થતાં રોગો ત્વચામાં રૂક્ષતા, વાળ રૂક્ષ થઇ જવા, વાળ ઉતરવા, પગના તળીયામાં ચીરા પડવા, પાચન નબળું હોય તેઓને પણ ગેસ ટ્રબલ વધી જવી, શ્વાસના દર્દીઓને શ્વાસ વારંવાર ચઢી જવો જેવી વાયુને કારણે થતી બીમારીઓ વધુ થતી હોય છે.

ઉતરતા શિયાળાની શરૂઆતના દિવસોમાં અગાઉની ઠંડકને કારણે જમા થયેલો કફ જ્યારે વિકૃત થયેલા વાયુ સાથે જોડાય છે. ત્યારે સાંધાના દર્દો, ચામડીના દર્દો, શ્વાસ, ખાંસી જેવા રોગ વધુ ઊથલો મારે છે.

શું સાવચેતી રાખશો ?

ઉતરતા શિયાળે ખાસ કરીને ઉત્તરાયણ પછીના દિવસોમાં તાપમાન થોડું વધે ત્યારે, તરત જ ઠંડુ પાણી, ફ્રીઝનું પાણી, ઠંડા પીણા રોજબરોજના વપરાશમાં લેવાનું ચાલુ કરવાની ઉતાવળ ન કરવી.
શિયાળાની સૌમ્યતા જેમ-જેમ ઓછી થતી જાય, તેમ-તેમ ઠંડક ઘટી અને ગરમી શરૂ થવાની સાથે જ ઠંડુ પાણી પીવાથી શિયાળામાં જમા થયેલો કફ અને વધેલા વાયુનું બળ વધવાથી ખાંસી, શ્વાસ, સાંધાના દુઃખાવા, ચામડીના રોગથી પીડાતા દર્દીઓની તકલીફ વધે છે. જેઓને રોગ નથી તેઓએ પણ ઠંડુ પાણી પીવાની શરૂઆત કરવા માટે ઉતાવળા થવું જોઈએ નહીં. જેથી શરીરમાં જમા થયેલો કફ જ્યારે કુદરતી રીતે જ નીકળી અને શરીર પોતાની જાતે જ દોષોનું સંતુલન કરવાનો પ્રયત્ન કરતું હોય, તેમાં આપણે જાતે જ શરીરની સ્વબચાવની કામગીરીમાં બાધા ઉભી કરીએ નહીં.

ખાંસી-શ્વાસથી છુટકારો મેળવવા શું કરવું ?

જમા થયેલો કફ અને બહારના વાતાવરણની અસરથી વધેલા વાયુની જુગલબંધી તોડવી ખૂબ આવશ્યક છે. આ માટે નીચે મુજબના સરળ ઉપચારો કરવા જોઈએ.
શરીરને ઠંડી હવા લાગે નહીં, તે માટે સ્વેટર, શાલ, ગરમ કપડાં, ટોપી-મફલરથી રક્ષણ કરવું.

  • ફ્રિઝ કોલ્ડ પાણી, પીણા, ડેઝર્ટનો ઉપયોગ ન કરવો.
  • ભોજનમાં નિયમિત વેજીટેબલ સૂપ, આદું-લસણ-અજમો નાંખી બનાવેલ મગનું પાણી જેવા પ્રવાહી ખોરાક નવશેકા ગરમ-ગરમ પીવા.
  • ભોજનમાં દહીં, રાયતું, મલાઈ-માખણ-માવાની વાનગીઓ ન ખાવી.
  • પીવાના ૧ લીટર પાણીમાં ૩-૪ ઈંચ સૂંઠનો ટૂકડો નાંખી ઉકાળેલું પાણી ૧/૪ ભાગનું બળી જાય, ત્યાર પછી ઠંડુ પડે, તેવા પાણીનો પીવામાં ઉપયોગ કરવાથી ખાંસી, શ્વાસ અને સાંધાના રોગીઓને રોગ વધશે નહીં.
  • શ્વાસ-ખાંસીની તકલીફ વધુ થતી હોય, તેઓ ત્રિકટુ ચૂર્ણ કે જે સૂંઠ, મરી અને લીંડી પીપરને સરખા પ્રમાણમાં મેળવીને ચૂર્ણ કરી બનાવી શકાય છે. આવું ત્રિકટુ ચૂર્ણ નવશેકા ગરમ પાણી સાથે સામાન્ય રીતે ૩ ગ્રામ જેટલું દિવસમાં બે વખત લઇ શકાય.
  • ઉતરતા શિયાળે વધેલા વાયુને શરીરમાં રોગ પેદા કરતો અટકાવવા માટે સરસિયા તેલને હુંફાળુ ગરમ કરી માલિશ કરવાથી ફાયદો થાય છે. જેઓની પિત્ત પ્રકૃતિ હોય, ગરમી વધુ લાગતી હોય તેઓ તલના તેલને નવશેકું ગરમ કરી માલિશ કરે તો વાયુ અને કફથી થતાં રોગ અટકાવી શકાય છે.

અનુભવ સિદ્ધ : ઉત્તરાયણમાં ખવાતી તલ સાંકળી કે જે તલ અને ગોળના મિશ્રણથી બને છે. તલની ચીકાશ ઉત્તરાયણ દરમ્યાન વધતા વાયુની રૂક્ષતાને ઘટાડી, શરીરમાં દોષોને સંતુલિત રાખવામાં મદદ કરે છે. પરંતુ પ્રમાણ ભાન રાખવું જોઈએ, કેમકે કોઇપણ ખોરાક કે ક્રિયા પ્રમાણસર હોવી જરૂરી છે. અતિરેક કરવાથી વજન વધવું, માસિક વધુ આવવું જેવી નાની-મોટી સમસ્યા થઇ શકે છે.

સ્ત્રોત : ડો યુવા ઐયર આરોગ્ય,

2.88888888889
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top