વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આરોગ્યની દૃષ્ટિએ ઘણી ગુણકારી છે કોથમીર

આરોગ્યની દૃષ્ટિએ ઘણી ગુણકારી છે કોથમીર વિશેની માહિતી આપવામાં આવી છે

કોથમીર આપણે ત્યાં સદીઓથી ભોજનમાં અને ઐષધિ તરીકે ઉપયોગમાં લેવાતી આવી છે. શાક- દાળથી માંડી ભેળપુરી, પુલાવ અને ફરસાણની મઝા કોથમીર વગર અધૂરી છે. ફૂદીના અને લીલાં મરચાં સાથે બનાવવામાં આવતી કોથમીરની ચટણી તો ઘરે ઘરે ભોજન સાથે ઉપયોગમાં લેવાય છે.

અંગ્રેજીમાં કોરિએન્ડર કે સિલેન્ત્રો તરીકે ઓળખાતી કોથમીરના નાનાં, કૂણાં પાનમાં પોષક તત્ત્વોનો ભંડાર છે. કોથમીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન - બી, વિટામિન - સી, વિટામિન - ઈ અને વિટામિન કે રહેલાં છે. તેમાં ઝિંક,આયર્ન, ફોસ્ફરસ, મેંગેનિઝ જેવાં ખનિજો પણ છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર કોથમીરમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર અને પાણી રહેલાં છે, જે ભોજનને સુપાચ્ય બનાવે છે.

કોથમીરનાં પાન અને તેનાં બીજ (ધાણા) બન્ને આરોગ્યપ્રદ ગુણો ધરાવે અને બન્નેનો આપણે આપણા ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. કોથમીર શરીર માટે ઠંડી છે. જ્યારે ધાણાનો ગુણધર્મ ગરમ છે.

કોથમીરના આરોગ્યલક્ષી ઉપયોગ

કોથમીર અનેક શારીરિક તકલીફોમાં રાહત આપે છે. અપચો, એસિડિટી, ગેસ જેવી પેટની તકલીફોમાં કોથમીરનો રસ અથવા ધાણા, જીરુ અને વરિયાળીનું શરબત બનાવીને પીવાથી રાહત થાય છે. યુરિન ઈન્ફેક્શન, વધુ પડતો માસિક સ્ત્રાવ, હીટ સ્ટ્રોક જેવી તકલીફોમાં કોથમીરના પાનનો રસ પીવાથી ફાયદો થાય છે. કોથમીર શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે. તે સાંધાના દુખાવા તેમ જ સાંધાની તકલીફોમાં પણ રાહત આપે છે. તે રક્તમાંથી કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું કરે છે.

આંખોમાં બે- ત્રણ ટીપાં કોથમીરનો તાજો રસ નાખવાથી આંખોની બળતરા, ખંજવાળ વગેરે દૂર થાય છે. નસકોરી ફૂટે તો નાકમાં કોથમીરનાં પાનનાં રસનાં બે- ત્રણ ટીપાં નાંખવાતી રાહત થાય છે. કોથમીરના બીજ એટલે કે ધાણા એન્ટી બક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણધર્મ ધરાવે છે. તે શરદી- ઉધરસ, કફ જેવી સમસ્યામાં રાહત પહોચાડે છે. ધાણા, હળદર અને જીરુનો ઉકાળો બનાવીને પીવાથી શરદી- ઉધરસમાં તરત ફાયદો થાય છે.

કોથમીરના પાનની પેસ્ટ બનાવીને કપાળ પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. ચહેરા પરથી ખીલને દૂર કરવા માટે કોથમીરનાં પાનને વાટી તેની પેસ્ટને ખીલ પર લગાવો. સૂકાઈ જાય પછી સાદા પાણીથી ચહેરો ધોઈ નાંખો. થોડા દિવસ નિયમિત આ પ્રયોગ કરવાથી ખીલ સૂકાઈને દૂર થશે અને ત્વચા બેદાગ બનશે.ટાલ પડી હોય ત્યાં અઠવાડિયામાં બેથી ત્રણ વખત કોથમીરના પાનનો રસ લગાવીને કલાક રહેવા દેવો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ નાંખવા. ધીરે ધીરે ટાલની જગ્યાએ નવા વાળ ઉગશે.

કોથમીરની સ્વાદિષ્ષ્ટ અને પૌષ્ટિક ચટણી

કોથમીરનાં પાનને કૂમળી ડાળી સાથે સમારીને પાણીમાં બરાબર ધોઈ નાંખો. પાણી નીતારી લો. હવે તેમાં બે લીલાં મરચાં સમારીને નાંખો, થોડું આદુ અને બે- ત્રણ ડાળખી લીલું લસણ અથવા બે કળી સૂકું લસણ ઉમેરો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, આખું જીરું, લીંબુનો રસ અને થોડી સાકર ઉમેરી બ્લેન્ડરમાં વાટી લો. પરાઠા, સેન્ડવિચ, થેપલા કે કોઈ પણ ફરસાણ સાથે કોથમીરની ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. કોથમીરની ચટણીને એરટાઈટ ડબ્બામાં ફ્રીજમાં રાખવાથી તે એક અઠવાડિયા સુધી બગડતી નથી.

Healthy living નવગુજરાત સમય

1.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top