વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આયુર્વેદિક વિન્ટર સ્કીનકેર

આયુર્વેદિક વિન્ટર સ્કીનકેર કેવી રીતે કરી શકાય તે વિશેની માહિતી આપવામાં આવી છે

ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ શરીરમાં ફેરફાર અનુભવાય છે. ગરમી, બાફ, પરસેવાથી થતી અકળામણથી છુટકારો મળતા આહલાદ અનુભવાય તે સ્વાભાવિક છે. પરંતુ હવાની ઠંડક અને શુષ્કતાની આડઅસર ચામડી પર તુરંત થવા લાગે છે. ઠંડી હવાનો સ્પર્શ મનને તો આનંદ આપે, પરંતુ ઠંડક અને લુખ્ખાશથી ચામડીને જરૂરી આદ્તા ન મળવાથી ચામડીમાં ડ્રાયનેસ, ચીરા પડવા, ચામડી ઉખડવી, હોઠ વારંવાર સૂકાઈ જવા, હોઠ ફાટી જવા તો ક્યારેક લોહી નીકળવાની તકલીફ થવા લાગે છે. આથી જ શિયાળાની શરૂઆત થતાં જ માથાનાં વાળથી લઈને પગની એડી સુધી ખાસ માવજત કરવાની જરૂર પડે છે. આ વાત સહુ કોઈ જાણે છે. ખાસ કરીને સ્ત્રીઓ તો આ વિશે વધુ ચીવટ લેવાનું પસંદ કરે છે. કેમકે લુખ્ખા-બરછટ વાળ સહેલાઈથી તૂટી જાય છે. વાળના મૂળ નબળા થઇ, વાળ ઉતરવાની સમસ્યા વધી જાય છે. વાળનાં છેડા બરછટ થઇ ફાટી જતાં હોય છે. આ બાબત જો યોગ્ય દરકાર રાખવામાં ન આવે તો થોડા અઠવાડિયાઓમાં જ વાળનો જથ્થો ઘટી ગયેલો અનુભવાય છે. તેવી જ સમસ્યા ચામડીમાં પણ અનુભવાય છે. ચામડીની સુંવાળપ અને ચમક માટે ચામડીનાં રોમછિદ્રોમાંથી ઝરતો તૈલી પદાર્થ જવાબદાર છે. પરંતુ ઠંડી હવાનાં સંપર્કથી ચામડીના કોષો સંકોચાય છે, જેની આડઅસરરૂપે તૈલી પદાર્થનું પ્રમાણ ઘટવાથી ચામડીમાં લુખ્ખાશ આવવી, ચીરા પડવા, ખંજવાળ આવવાની સમસ્યા સર્જાય છે. ખાસ તો શરીરનો જે ભાગ બહારની હવાના સંપર્કમાં વધુ આવતો હોય જેમકે ચેહરો, હાથ-પગના પંજા, પગની એડીની ચામડી લુખ્ખી થઇ, ફાટવાની સમસ્યા થતી હોય છે.
સામાન્ય રીતે ચામડીની લુખ્ખાશને દૂર કરવા માટે વેસેલિન, કોલ્ડક્રિમ, મોશ્વચરાઈઝર, બોડીલોશન જેવા પ્રસાધનોનો ઉપયોગ હાથવગો અને સરળ હોવાથી થતો હોય છે. પરંતુ જયારે પ્રસાધનો વાપરવા છતાંપણ ડ્રાયનેસ, ચીરા, વાઢિયામાં રાહત ન મળે ત્યારે કશું વિશેષ કરવાની જરૂરિયાત અનુભવાય છે. આવા સમયે પરંપરાગત રીતે વપરાતા તલનું તેલ, નારિયેળનું તેલ કે પછી દિવેલની માલિશ પણ આપણે કરતાં હોઈએ છીએ. તેમ છતાં તેલ લગાવીને રાખવું તો શક્ય નથી હોતું. તેલથી ધૂળ ચોંટવી, ચીપ-ચીપ થવું અનુકૂળ આવતું નથી. આથી તેલ લગાવીને થોડો સમય રાખી ન્હાવા કે તેલ દૂર કરવામાં આવતાં જ ફરી પાછી ડ્રાયનેસ અનુભવાય છે. આ બધા જ અનુભવો શિયાળાની મજા ઓછી કરે છે.

વિન્ટર સ્કીન કેર માટે જરૂરી ટીપ્સ

આગોતરી તૈયારી: શિયાળો શરૂ થઇ ગયા બાદ ત્વચામાં રૂક્ષતા, ચીરા પડવા – વાઢિયા પડવાનાં શરૂ થાય ત્યારબાદ ઉપાય શરૂ કરવાથી ધાર્યું પરિણામ મળશે નહીં. શિયાળો શરૂ થતાં જ ત્વચાની રૂક્ષતા અટકાવે તેવા ઉપાયના ભાગરૂપે રાત્રે પગનાં તળિયા-એડી પર દિવેલ, નારિયેળનું તેલ અથવા કોકમનાં તેલથી માલિશ કરી કોટન સોક્સ પહેરવાનું શરૂ કરવાથી વાઢિયા પડતાં જ અટકાવી શકાશે.

ન્હાવામાં નવશેકું ગરમ પાણી વાપરો : સ્હેજ ઠંડીની શરૂઆત થતાં જ ગિઝરની સગવડથી અગવડ જ વધે છે. કેમકે ગરમ પાણીનાં સંપર્કથી ત્વચાની પ્રાકૃતિક ચીકાશ દૂર થઇ જાય છે. આથી ત્વચા વધુ લુખ્ખી થઇ જાય છે. ઠંડી વધુ હોય ત્યારે નવશેકા હુંફાળા પાણીથી જ ન્હાવું જોઈએ. તેમ કરવાથી ચામડી-વાળમાં આવતી શુષ્કતા રોકી શકાશે.

તેલ માલિશ : જો આપની વાયુ કે કફ પ્રકૃતિ હોય તો ન્હાતા પહેલા તલનાં તેલની માલિશ કરી, ૧૦ થી ૧૫ મિનીટ જેટલો સમયગાળો ઓછામાં ઓછો પસાર કરવો જરૂરી છે. જેથી તેલ ચામડીના છિદ્રોથી ત્વચામાં ઉતરી શકે. ત્યારબાદ હાર્ડ કેમિકલવાળા સાબુ, બોડીવોશનો ઉપયોગ ટાળવો. જો તમે કપૂરકાચલીનું ચૂર્ણ, લીમડાનો પાવડર, મુલતાની માટી, ગુલાબજળ, કપૂર ભેળવીને બનાવેલા ઉબટનનો ઉપયોગ કરશો તો, ત્વચાની આવશ્યક સફાઈ સાથે કોમળતાને પણ જાળવી શકશો. સમયનો અભાવ રહેતો હોય તેઓ આ મિશ્રણ બનાવીને રાખી શકાય.

ઉબટનથી થતાં ફાયદા : વર્તમાન સમયમાં ઉબટનનું સ્થાન વિવિધ જાતનાં સ્ક્ર્બીંગ ક્રિમ અને પેકે લઇ લીધું છે. પારંપરિક ઉબટન વાપરવામાં વસ્તુઓ લાવવી, બનાવવાની ઝંઝટ અનુભવાય છે. પરંતુ જો તમે કેમિકલમુક્ત નેચરલ સ્ક્રબ વાપરવા માંગતા હોવ તો થોડી ચીવટ અને આગોતરી તૈયારીથી શક્ય બને છે. સામાન્ય રીતે તો એવા કુદરતી પદાર્થો કે જે ખરબચડા હોય, જેમાં ચામડીના ડેડ સેલને દૂર કરી, ચામડીમાં સુંવાળપ અને રૂઝ લાવવાનાં ગુણ હોય તેવા કોઇપણ પદાર્થો સ્ક્રબિંગ માટે વાપરી શકીએ.

મગની દાળ, મસૂરની દાળ, ચણાની દાળને હલકી શેકી મિક્સરમાં કકરી દળી લઇ તેમાં કપૂર તુલસીનાં પાનની સુકવણીનો ભૂક્કો, નારિયેળનું તેલ ઉમેરી રૂંવાટીની અવળી દિશામાં ચામડી પર ઘસી અને માલિશ કરવાથી રૂક્ષ થઇ ગયેલી ત્વચાનાં ડેડ સેલ્સ, મેલ નીકળી જવાથી ચામડી સ્વચ્છ થાય છે. ત્વચાનાં રોમછિદ્રો ખૂલ્લા થવાથી સ્કીનકેર માટે જે પણ લગાવવામાં આવે તે લોશન, તેલ, મોશ્ચરાઈઝર ત્વચામાં એબઝોર્બ થઇ શકે છે. જો ત્વચા પર અગાઉ લગાવેલ ક્રિમ-લોશન, મેલ, ડેડ સેલની પરત જામેલી હોય, ત્વચા યોગ્ય રીતે સાફ ન થઇ હોય તો ત્યારબાદ કરવામાં આવતાં એપ્લીકેશનનો ફાયદો ત્વચાને મળશે નહીં. આથી સમયાંતરે ઉબટન કરતાં રહેવાથી ત્વચાની શુષ્કતામાં ફાયદો થાય છે.

મોશ્ચરાઈઝીંગ માટેનો યોગ્ય સમય : ન્હાયા પછી તરત ત્વચા જયારે થોડી ભીની હોય ત્યારે મોશ્ચરાઈઝર અથવા બદામનું તેલ, ઓલીવ ઓઈલ અથવા પેરાફીન વગરનો શુદ્ધ નારિયેળનું તેલ ત્વચા પર લગાવવાથી રોમછિદ્રો ઉપર તૈલી પદાર્થની પરત ત્વચાની ભીનાશ લાંબો સમય ટકાવી રાખે છે.

શુષ્કતા દૂર કરવા પ્રવાહી ખોરાક અસરકારક : માત્ર ત્વચા પર ચીકાશયુક્ત કે તૈલી લોશન-ક્રિમ લગાવવું પર્યાપ્ત નથી. શિયાળુ વાતાવરણથી શરીરમાં વાયુદોષ વધુ પ્રકુપિત થતો હોય છે. વાયુદોષનો ગુણ હલકાપણું અને રૂક્ષતાનો છે. આથી શિયાળા દરમ્યાન પચવામાં સરળ હોય તેવા ચીકાશયુક્ત અને પ્રવાહી ખોરાક-પીણાનો ઉપયોગ વધારવો. આ માટે ટમેટા, કાકડી, પાલક-મેથીની ભાજી, કોબીચ, દુધી-તુરિયા-ગલકા જેવા શાકભાજી-સલાડનો ઉપયોગ વધુ કરવો. તરબૂચ, ટેટી, નારંગી, અનાનસ જેવા ફળો, સૂકુ કે તાજું ટોપરું, તલ, શિંગ, બદામ જેવા તૈલી પદાર્થોનો રોજબરોજનાં ખાવામાં ઉપયોગ કરવાથી ચામડીને ચળકતી અને કોમળ રાખવા માટે જરૂરી હાઈડ્રેશન અને ચીકાશ મળી રહે છે.

અનુભવ સિદ્ધ :

કેટલીયે સ્ત્રીઓ શિયાળામાં હાથ-પગમાં લુખ્ખાશ, ચીરા પડી જવાની ફરિયાદ લઈને આવતી હોય છે, તેમને હાર્ડ કેમિકલવાળા સોપ્સ ન્હાવા, વાસણ-કપડાં ધોવામાં ન વાપરવા જણાવું છું. બને તો કામ કરતાં સમયે રબ્બરનાં મોજા પહેરવા કહું છું. આ સાથે જો કાયમી કબજીયાત રહેતી હોય તો રાત્રે જમ્યાનાં ૨ કલાક બાદ એરંડભૃષ્ટ હરડે ટેબલેટ અથવા પાવડર નવશેકા પાણી સાથે લઇ કબજીયાત દૂર કરવા જણાવું છું. હથેળી-પગનાં તળિયે દિવેલ રાતભર લગાવવા કહું છું. માત્ર આવા સસ્તા-સરળ ઉપાયથી વર્ષોથી થતાં વાઢિયા અને હથેળીનાં ચીરા મટે છે. કેમકે કબજીયાતને દૂર કરવાથી વાયુથી થતી રૂક્ષતા દૂર કરવી જરૂરી હોય છે.

ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન), નવગુજરાત સમય

3.11111111111
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top