વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અડદ અતિ પૌષ્ટિક કઠોળ છે

અડદ અતિ પૌષ્ટિક કઠોળ છે

આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગણમાં-ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે. જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય.

ગુણકર્મ :

અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ. કદાચ અડદના આ માંસવર્ધક પૌષ્ટિક ગુણને લીધે જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખાવાનું ગોઠવાયું લાગે છે. આધુનિકો પણ કહે છે કે અડદમાં ઉત્કૃષ્ટ પ્રકારનું પ્રોટીન રહેલું છે. તમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. પ્રોટીન વગર (આહારમાં) માંસની પુષ્ટતાની વૃદ્ધિ થાય નહીં. આ કારણથી જ કઠોળમાં અડદ સૌથી વધારે પૌષ્ટિક છે. ધાવણ વધારનાર અને વાયુના રોગો મટાડનાર કહેવાયા છે.

અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. આજે તેની ઉપેક્ષા થતી જોવા મળે છે, પરંતુ આહારમાં તેને આગવું સ્થાન આપવાની ખાસ જરૂર છે. અડદ પચવામાં ભારે, મળમૂત્ર સાફ લાવનાર, રુચિકારક, બળપ્રદ, શુક્રના દોષો દૂર કરી શુક્રજંતુઓ વધારનાર, મસા, મોઢાનો લકવા, આમાશય, શૂળ, શ્વાસ, આહાર પચ્યા પછી પેટમાં થતો ધીમો દુખાવો વગેરે અડદના સેવનથી મટે છે.

મર્હિષ ચરકે અડદ વિશે લખ્યું છે કે પુંસત્વ માષઃ શીઘ્રં દદાતિ ચ એટલે કે અડદના સેવનથી પુરુષાતન ઝડપથી વધે છે. કામશક્તિ અવરોધવામાં વાયુ અગત્યનો ભાગ ભજવે છે. અડદ તેના સ્નિગ્ધ ગુણોથી વાયુનો નાશ કરે છે. જેમનામાં કામશક્તિ ઓછી હોય, વીર્યમાં શુક્રજંતુઓનું પ્રમાણ ઓછું હોય તેમણે અઠવાડિયામાં ત્રણ-ચાર વાર અડદની દાળ, સૂપ, વડાં વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. રોજ સવારે એકથી બે ટુકડા અડદિયા પાક ખાવો જોઈએ.

અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ.

પ્રોટીનનું પ્રમાણ વધારે હોય એવાં આહાર દ્રવ્યો પૌષ્ટિક ગણાય છે. અડદમાં પ્રોટીનની સારી એવી માત્રા રહેલી છે. આપણું શરીર અસંખ્ય અગણિત કોષોનું બનેલું છે. તેના સંયોજન અને સંગઠનનો આધાર નત્રલ તત્ત્વ પર અવલંબે છે. અડદમાં આ નત્રલની સારી એવી માત્રા હોય છે. આ કારણથી જ જે લોકો અડદનો નિયમિત ઉપયોગ કરે છે, તેઓ બળવાન અને સાહસિક હોય છે. પંજાબીઓ અને કાઠિયાવાડીઓ અડદનો વધારે ઉપયોગ કરે છે. આ કારણથી જ તેઓ બળવાન અને સાહસિક છે.

અડદ વાયુથી થતી વિકૃતિઓનો નાશ કરે છે. અડદિયો વા-આર્િદત વા અથવા ફેસ્યલ પેરાલિસીસમાં અડદ ઉત્તમ પરિણામ આપે છે. આ વિકૃતિમાં અડદના લોટમાં વાયુનાશક ઔષધો નાંખીને તલના તેલમાં બનાવેલાં વડાં ખાવા આપવાની સૂચના અપાય છે. આ ઉપરાંત હાથપગનો કંપ, સંધિવા, લકવા વગેરેથી વિકૃતિઓમાં વાતજન્ય કારણો જ્ઞાનતંતુઓની ક્રિયાશીલતાને અટકાવે છે. આ કારણથી જ મગજ તે અવયવો પરથી કાર્યક્ષમતા ગુમાવે છે. જેથી સ્પર્શનું જ્ઞાન થતું નથી. ચલન-કંપ એ વાયુનો ગુણ છે. આધુનિકો કહે છે. લિસિથિન તત્ત્વ ઉપર્યુક્ત રોગોમાં ઉત્તમ ગણાય છે, અને જે અડદમાં રહેલું છે.

જે પ્રસૂતા સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય એવી સ્ત્રીઓએ અડદની દાળનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને પુખ્ત ઉંમરની જુવાન સ્ત્રીઓને માસિક ઓછું અને અનિયમિત આવતં હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જેને રાંઝણ કહીએ છીએ તેને અંગ્રેજીમાં સાયટીકા કહે છે. આયુર્વેદમાં આ વિકૃતિને ગૃધ્રસી કહેવામાં આવે છે જે વાતજન્ય વિકૃતિ છે. આવા રોગીઓને અડદ ખાવાની સલાહ અપાય છે.

આવા અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદની ઉપેક્ષા આપણને કઈ રીતે પાલવે?

ઘરગથ્થુ ઉપચાર

ભોયરીંગણીનો છોડ પંચાંગ (ફળ, ફૂલ, મૂળ, પર્ણ અને ડાળીઓ) એટલે પાંચે અંગો સાથે સૂકવી લેવાં. પછી તેને અધકચરા ખાંડી બાટલી ભરી લેવી. તેમાંથી બે ચમચી જેટલો આ ભુક્કો એક ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો. એક કપ દ્રવ્ય બાકી રહે ત્યારે ઉતારીને ઠંડું પાડી પી જવું. જેથી દમ, ઉધરસ, શરદી, કફ, વરાધ, મૂત્રદાહ, મૂત્રાવરોધ, જીર્ણજ્વર, અડદિયો વા મટે છે.

આરોગ્ય ચિંતન - વૈદ્ય મનુભાઈ ગૌદાની

2.875
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top