હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આરોગ્યમય જીવન માટે સાત્ત્વિક ગુણો વિકસાવો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આરોગ્યમય જીવન માટે સાત્ત્વિક ગુણો વિકસાવો

આરોગ્યમય જીવન માટે સાત્ત્વિક ગુણો વિકસાવો

હાલમાં જ ઉજવાયેલા સંવત્સરી પર્વ દરમ્યાન જૈન ધર્મ અનુયાયીઓ ‘મિચ્છામી દુક્કડમ' કહી પોતાના વડીલો, મિત્રો, સગા-સબંધીઓ પાસે માફીની પ્રાર્થના કરે છે. જૈન ધર્મમાં અહિંસાને ખૂબ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સૂક્ષ્મ જીવોની હિંસા વિશે વિશિષ્ટ ચીવટ રાખતા સૂચનો-પ્રથા છે. તેવી જ રીતે પર્યુષણ પર્વનાં અંતિમ દિવસે ઉજવાતા સંવત્સરી પર્વ દરમ્યાન જાણ્યે કે અજાણ્યે, કાયિક, વાચિક કે માનસિક દુઃખ પહોંચાડવા બદલ માફી માંગવામાં આવે છે.
દરેક પર્વ, તહેવાર કે વ્રત જીવનોપયોગી સંદેશ આપે છે. સંવત્સરીનું પર્વ જીવનમાં સરળતા જાળવવા માફીનું મહત્વ સમજાવે છે. શું આપ જાણો છો કે માફી કુટુંબ કે સામાજિક જીવનમાં તો સંવાદિતતા લાવે છે, પરંતુ માફીનો ગુણ આરોગ્યની જાળવણીમાં પણ મદદરૂપ છે ?

માફીનું મહત્વ

જેનાં દ્વારા કાયિક, વાચિક કે માનસિક દુઃખ, દગો કે નુકશાન થયું હોય તેના તરફ દ્વેષ, અણગમો કે માઠું લગાડવાથી મુક્ત થવું તે માફી.સામાન્ય રીતે માફી માંગી, માફી આપી કે માફ કર્યા જેવા ભાવથી-કર્તા ભાવથી માફી માંગવામાં કે આપવામાં આવતી હોય છે. પરંતુ માફીની ભાવનાનો અનુભવ ત્યારે જ શક્ય બને છે, જયારે આપણે સામેની વ્યકિતને અને આપણને આ સમગ્ર જગતની જીવસૃષ્ટિના એક ભાગ રૂપે જોઈ અલગાવની તથા અહમની ભાવનાથી મુક્ત થઇ શકીએ. માફી માંગવાનું પણ ત્યારે જ શક્ય બને જયારે આપણે સ્વયંનું મહત્વ, અહમનાં સંકુચિત ભાવમાંથી મુક્ત થઇ અને નમ્રતા અપનાવી શકીએ. માફી માંગવા માટે જરૂરી નમ્રતા ત્યારે જ શક્ય બને જયારે આપણે આપણી અંદર રહેલા ગર્વ, ડર, ઈર્ષ્યા, દ્વેષ જેવા ભાવમાંથી આપણી જાતને મુક્ત કરી શકીએ. આથી જ કહેવાય છે કે માફી માંગીને કે પછી માફ કરીને ખરેખર તો આપણે આપણા પર જ ઉપકાર કરીએ છીએ.બૌદ્ધ વાર્તા મુજબ જયારે બે બૌદ્ધભિક્ષુઓને જેલમાંથી છોડવામાં આવ્યા ત્યારે રસ્તામાં પાછા ફરતાં એક ભિક્ષુએ બીજા ભીક્ષુને કહ્યું; ‘હું આ રાજાથી થયેલા અન્યાયને ક્યારેય નહીં ભૂલું.' આ સાંભળી બીજો ભિક્ષુ બોલ્યો; ‘જો તેમ જ થશે તો તું રાજાની જેલથી છૂટી, તારી બનાવેલી માનસિક જેલમાં કેદી બનીને જ રહીશ'.

ખૂબ જ ટૂંકી વાર્તા દ્વારા માફીનું મૂલ્ય સમજાવાયું છે. માત્ર માનસિક શાંતિ અને કલેશથી દૂર રહેવામાં જ માફી ઉપયોગી છે તેવું નથી. લાગણીઓની શરીર પર થતી અસર વિશે અનેક પ્રયોગો થયાં છે જેનાં તારણો સ્પષ્ટ કરે છે કે અંત:કરણથી આપેલી માફી આરોગ્યમય છે.

  • નેધરલેન્ડની એક યુનિવર્સિટીની કોલેજમાં મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓના એક ગ્રુપને પોતાને દુઃખ-નુકશાન પહોંચાડનારને માફી આપવાનાં અનુભવ વિશે લખવા જણાવ્યું. બીજા ગ્રુપને જીવનમાં દુઃખ-નુકશાન પહોંચાડનાર તરફની દ્વેષપૂર્ણ-તિરસ્કારની લાગણી તથા માફી નહીં આપવા વિશે લખવા કહ્યું. ત્યારબાદ બન્ને ગ્રુપને નજીકની ટેકરી પર ચઢવા તથા તેનો અનુભવ જણાવવા કહ્યું. જેઓએ માફી વિશે લખેલું તેઓએ ટેકરી ચઢવાનો અનુભવ સામાન્ય-સરળ કહ્યો. જેઓએ દુઃખ પહોંચાડનાર તરફ તિરસ્કાર-દ્વેષ અને માફી નહીં આપવાનાં કારણો વિશે લખેલું તેઓએ ટેકરીનું ચઢાણ થકાવી દે તેવું, કપરું જણાવ્યું. આ સંશોધનાત્મક પ્રયોગનું તારણ કહે છે કે માફીની ભાવનાથી શરીરનાં રક્તપરિભ્રમણ, બળ અને ક્ષમતા જળવાઈ રહે છે. જ્યારે નકારાત્મક ભાવના અનુભવથી શરીરનું બળ, સ્નાયુઓની ક્ષમતા, રક્તપરિભ્રમણ પર આડઅસર થાય છે.

આ મુજબનાં જ એક પ્રયોગબાદ બન્ને ગ્રુપનાં વિદ્યાર્થીઓને હવામાં કુદકો મારવાં જણાવાયું. માફી આપનારાં વિદ્યાર્થીઓ માફી નહીં આપનારાં, નકારાત્મક ભાવનાથી પીડાતા વિદ્યાર્થીઓ કરતાં ઉંચા કુદકા મારી શક્યા. વૈજ્ઞાનિકો જે જેમાં સાયકોલોજીસ્ટ, ન્યુરોસાયકોલોજીસ્ટ, ફિઝીયોથેરાપીસ્ટની ટીમે જણાવ્યું કે માફી આપનાર ગ્રુપનાં વિદ્યાર્થીઓ સ્વયં પોતાની ક્ષમતાનું મૂલ્યાંકન યોગ્ય કરી અને માનસિક તથા શારીરિક રીતે હળવાશ અનુભવે છે. જયારે માફી નહીં આપનારાં પોતાને ઓછી ક્ષમતાવાળા તથા માનસિક ભાર અનુભવે છે. માફ કરનારા વિદ્યાર્થીઓએ ખાધેલા ખોરાકમાંથી કાર્બોહાઇડ્રેટસનું ગ્લુકોઝમાં રૂપાંતર કરી સ્નાયુઓમાં સક્રિયતા વધુ મેળવી હતી. આથી જ માનસિક નકારાત્મક ભાવ, ભાર અનુભવતી વ્યક્તિઓના પાચન, મેટાબોલિઝમ પર આડઅસર થાય છે. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા, અનિંદ્રા, અંત:સ્ત્રાવોની અનિયમિતતા જેવી દેહધાર્મિક ક્રિયાઓમાં વિકૃતિથી થતાં રોગ થવાની સંભાવના વધી જાય છે. જો રોગ હોય અને દવા લેતાં હોય તો દવાનો ડોઝ વધુ લેવા છતાં આરોગ્યમય સ્થિતિ જળવાતી નથી. .

પ્રાણની જાળવણી માટે સાત્વિકતાનું મહત્વ

અહીં આપણે માત્ર માફીનાં ગુણ વિશે જાણ્યું. આયુર્વેદમાં જપ, તપ, દાન, યમ-નિયમ, સદાચાર, સદવૃત્તનાં વર્ણનથી જીવનમાં સાત્વિક ગુણોનાં વિકાસનાં મહત્વ પર સમજાવાયું છે. માત્ર વડીલો, બ્રાહ્મણો, ગુરૂજનો તરફ જ નમ્રતા નહીં પરંતુ સૂર્ય, ચંદ્ર, નદી, વૃક્ષ જેવા કુદરતી પાલક-પોષક તત્વો તરફ આદરભાવ ધરાવવા આયુર્વેદ સૂચવે છે. અકારણ થતી હિંસાથી બચવા જણાવે છે. બાળકો તરફ સ્નેહ, નોકરો તરફ સમભાવ તથા સ્ત્રીદાક્ષિણ્યનાં ગુણો વિકસાવી જીવનમાં સરળતા જાળવવા જણાવે છે.

ઈર્ષ્યા, ડર, મોહ, દ્વેષ, દમન, ક્રોધ, અજંપો, ચિંતા જેવા ભાવ માત્ર માનસિક વિકૃત ભાવ છે તેવું નથી. શરીરમાં અવિરતપણે ચાલતાં શ્વસન, પાચન, ધાતુપચન, અંત:સ્ત્રાવો વગેરેનું સ્ત્રવણ જેવા શરીરનું પ્રીણન-જાળવણી, ટકાવી રાખતાં કાર્યોએ ‘પ્રાણ' કહેવાય છે. જયારે વિકૃત ભાવથી હ્રદયસ્થ ઓજને નુકશાન થાય છે ત્યારે પ્રાણમાં ક્ષતિ પહોંચે છે. આયુર્વેદે જણાવેલી આ બધી જ બાબતો ઓક્સિટોસીન, સેરેટોનીન, ડોપામાઇન, એન્ડોરફીન જેવા બાયોકેમિકલની ઉત્પત્તિ-કાર્યો અને મહત્ત્વ વિશે આધુનિકો પ્રયોગાત્મક સંશોધનથી વિશ્લેષણપૂર્વક સાબિત કરી ચૂક્યા છે.

જરૂરીયાતમંદને મદદ, અશક્તને સહારો, ઉપકારક તરફ આદર જેવા કાર્યોથી હ્રદય-મનમાં વિશાળતા અને આનંદ અનુભવાય છે. જેની આરોગ્ય પર ખૂબ સકારાત્મક અસર થાય છે.

અનુભવ સિદ્ધ : પૌષ્ટિક ખોરાક, જરૂરી કસરત-યોગ, બીમારી માટે યોગ્ય ઉપચારની સાથે રોજબરોજનાં જીવનમાં સાત્વિક ગુણ વધે તેવી પ્રવૃત્તિ આરોગ્ય આરોગ્ય માટેમદદરૂપ છે.

સ્ત્રોત :  ડો યુવા ઐયર, ફેમિના

3.27272727273
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top