অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આરોગ્ય માટે ઘરમાં હવા-ઉજાસ

આરોગ્ય માટે ઘરમાં હવા-ઉજાસ હોવા જરૂરી છે

સામાન્ય રીતે ઘરમાં યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવે તો અજવાળું રહે. ઘર અંધારિયું ન રહે તે માટે ઉજાસને મહત્વ આપવામાં આવે છે. પરંતુ માત્ર અજવાળું જ નહીં સૂર્યપ્રકાશ અને તડકો અમુક સમયગાળા સુધી ઘરમાં પ્રવેશવાની અસર તેમાં વસતા લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય ઉપર પણ થાય છે. જે બાબત વધુ સ્પષ્ટતાથી જાણીએ. સૂર્યપ્રકાશની હાજરીથી ઘરનાં ખૂણે-ખૂણામાં રહેલ નાની-મોટી જીવાંત પર અસર પહોંચે છે. ઉનાળાના તડકાવાળા, શુષ્ક વાતાવરણવાળા દિવસોમાં ઘરમાં તડકો-પ્રકાશ ન આવે તેવું આપણે ઈચ્છીએ છીએ. કેમકે સૂર્યના કિરણોની પ્રખરતા અને તાપમાનથી ગરમી, પરસેવાથી તકલીફ અનુભવીએ છીએ. પંખા, એરકૂલર કે એરકન્ડીશનર મશીનની મદદથી રૂમનું તાપમાન નીચે લાવ્યા બાદ રાહત રહે છે. પરંતુ સવારના સમયે સૂર્યનું બળ ઓછું હોય, તડકો કૂણો હોય તેવા સમયગાળા દરમ્યાન પડદા હટાવી, બારી બારણા ખોલી ઘરમાં પ્રકાશ અને હવા પ્રવેશે તે જરૂરી છે. સૂર્યકિરણોની અસરથી સૂક્ષ્માતિસૂક્ષ્મ બેક્ટેરિયા, ફુગ અન્ય જીવાંતનો નાશ થાય છે. રોજબરોજના વપરાશમાં આવતા ગાદલા, તકિયા, ઓશિકા, ખુરશી-સોફાના કુશન ઉપરાંત ઘરનાં છુપા-અંધારિયા ખૂણે જમા થતી ધૂળ, રજકણમાં બેક્ટેરિયા, ફુગ, અન્ય જીવાંત પેદા થવાની શક્યતા રહે છે. જે માત્ર ધૂળ લૂછવાથી કે ઝાપટવાથી દૂર થતી નથી. રોજબરોજના જીવનમાં વારંવાર કેમિકલયુક્ત જીવાણુનાશક છાંટવાથી તેની આડઅસર નાના બાળકો તથા શ્વસનતંત્રની બીમારીથી પીડાતા લોકો પર થાય છે.

વારંવાર શરદી-એલર્જી

ઘરનાં વાતાવરણમાં ઉડતા રજકણો, ફુગના સૂક્ષ્મકણો અન્ય સૂક્ષ્મ જીવાંતો જ્યારે શ્વાસોચ્છવાસ દ્વારા નાક-ગળાની અંત:ત્વચાના સંપર્કમાં આવે ત્યારે નાકમાંથી પાણી વહેવું, છીંકો આવવી, ખાંસી આવવી, ચામડીમાં લાલાશવાળો સોજો થવો, ખંજવાળ આવવી, ફોડકી થવી જેવી વિવિધ પ્રતિક્રિયા શરીર સ્વબચાવ માટે કરે છે. પરંતુ સ્ત્રાવ થવાથી, ખંજવાળથી સોજો અને લાલાશ અનુક્રમે રોગનું સ્વરૂપ પકડે છે. આથી જેઓની રોગ પ્રતિકારકશક્તિ ઓછી હોય તેઓ વારંવાર આવી નાની-મોટી તકલીફનો ભોગ બને છે. સમજવામાં સરળતા રહે તેથી તેને એલર્જીની બીમારીથી ઓળખવામાં આવે છે. ઘરનાં વાતાવરણમાં એલર્જીનું કારણ દૂર કરવા માટે સાફ સફાઈની સાથે ઘરમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવે તથા હવાદાર વાતાવરણ રહે તે જરૂરી છે.

ઉનાળાના દિવસોમાં એરકંડિશન મશીનની હવા જેમાંથી ફિલ્ટર થઈને આવે છે, તે જાળીઓની સફાઈ નિયમિત રીતે થવી જરૂરી છે. એરકંડિશનર કે એરકુલરનો ઉપયોગ યોગ્ય રીતે થવો જરૂરી છે. સવારના સમયે રૂમનું વાતાવરણ સૂર્યપ્રકાશ અને તાજી હવાથી શુદ્ધ થાય તે જરૂરી છે.

સૂર્યપ્રકાશની આરોગ્ય પર અસર

આટલી કાળઝાળ ગરમીમાં સૂર્યપ્રકાશનાં ગુણો વિશે જાણવું પણ આકરું લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ચામડી કાળી પડી જવાના ભયથી અને UV raysથી બચવા માટે વપરાતાં સનબ્લોક લોશનનો અતિરેક શરીરને સૂર્યપ્રકાશની ઘણી ફાયદાકારક અસરથી વંચિત રાખે છે.

  • સૂર્યકિરણો ચામડી પર પ્રતિક્રિયા કરી ત્યાં રહેલ કોલેસ્ટેરોલ સાથે મળી Vitamin D3 બનાવી હાડકાનાં પોષણ માટે જરૂરી Vitamin D બનાવે છે.
  • યોગ્ય પ્રમાણમાં ઓછી તીવ્રતાવાળા સૂર્યકિરણો સોરાયસિસ, ખરજવું, ફંગલ ઈન્ફેકશન જેવા ચામડીના રોગમાં ફાયદો કરે છે.
  • નોબેલ પ્રાઈઝ વિનર નેલ્સ ફિનસેનનાં જણાવ્યાનુસાર પ્રથમ વર્લ્ડ વોરમાં જર્મન સૈનિકો તેમના ઘા રૂઝવવા માટે સૂર્યપ્રકાશમાં બેસતાં.
  • સંશોધનોથી પૂરવાર થયું છે કે સૂર્યકિરણોથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, લોહીની નળીઓની સફાઈ અને સ્થિતિસ્થાપકતા જળવાય છે..
  • સૂર્યપ્રકાશ અને અજવાળાથી વંચિત રહેતા અને સતત કૃત્રિમ પ્રકાશમાં લાંબો સમય ગાળતાં કર્મચારીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળે છે તેવું જણાવતા અનેક સંશોધનો ખુલ્લા વાતાવરણ, સૂર્યપ્રકાશ, કસરતને ડિપ્રેશનની ટ્રીટમેન્ટ માટે જરૂરી જણાવે છે.

અતિ સર્વત્ર વર્જયેત્

હાડકા મજબૂત બને, વિટામીન ડી મળે, કોલેસ્ટેરોલ ઘટે, બ્લડપ્રેશર ઘટે તેવી અપેક્ષા સાથે સૂર્યકિરણોની પ્રખરતાનો સામનો શરીરની કુદરતી સહનશીલતાથી વિશેષ કરવાથી શરીરને નુકશાન થાય છે. ખાસ કરીને પિત્તનો ઉદ્દેક થવાથી અનેક પિત્તજનક રોગો થાય છે જેવા કે, માથાનો દુખાવો, ઉલટી-ઉબકા, ચામડીમાં લાલાશ-ફોડકી વગેરે.

વધુ તાપને કારણે વાળ-ત્વચાને નુકશાન થાય છે. ચામડીમાં કરચલી, કાળાશ અને કેન્સર જેવા રોગની સંભાવના વધે છે.

સ્ત્રોત:  લેખક , યુવા ઐયર , ફેમિના, નવગુજરાત સમય© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate