অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અલ્ટ્રાવાયોલેટ કિરણો રોજ તમને કેટલું નુકસાન પહોંચાડે છે..?

તડકામાં અવર જવર કરતાં પહેલા સનપ્રોટેક્શન ક્રીમ લગાવનારાઓની સંખ્યા ગુજરાતમાં લાખોમાં છે. પણ ક્યારેય તમે એવું વિચાર્યું છે કે તડકામાં આવન જાવન દરમિયાન સૂર્યના કિરણો તમને કેટલું નુકસાન પહોંચાડે છે? સનપ્રોટેક્શન ક્રીમથી આપણો બચાવ થાય છે કે નહીં? એવી કોઈ માપણી કરવા માટે આપણી પાસે કોઈ સાધન પણ નથી. જોકે, ટેક્નોલોજીની દુનિયામાં હવે આવું પણ શક્ય છે. જો આ શક્ય છે તો પછી આપણને પણ એ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે. સ્કીન કેરની દુનિયાની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની લોરિયલે એક એવું ગેજેટ બનાવ્યું છે જે તમને એ સવાલનો જવાબ આપશે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો તમને કેટલું નુકસાન પહોંચાડે છે. કયા દિવસે અને કયા કલાકે કેટલું નુકસાન પહોંચાડ્યું છે એવી ઝીણવટભરેલી વિગતો જાણવી હોય તો પણ આ ગેજેટ તમને મદદ કરે છે. આ ગેજેટનું નામ છે UV SENSE..

નખ પર ચોંટાડી દો

આ ગેજેટને નેઇલ ડિઝાઇનર સ્ટીકરની જેમ તમારા કોઈપણ એક નખ પર ચોંટાડી દેવાનું છે. તમારા શરીર પર યુવી કિરણોનો કેટલો મારો દરરોજ કે દર કલાકે આવે છે તેને રેકોર્ડ કરી લે છે. સતત ત્રણ મહિના સુધીનો ડેટા આટલા ટચુકડા ગેજેટમાં સ્ટોર થઈ જાય છે. તેનો વ્યાસ માત્ર નવ મિલિમીટર અને જાડાઈ બે મિલિમીટર છે એટલે નખ પર વધારાનું વજન પણ અનુભવાતું નથી. આ ગેજેટ ચોંટાડ્યું હશે તો લોકોને તો એવું લાગશે કે તમે કોઈ નેઇલ આર્ટ કરી છે.

એપ સાથે કનેક્ટ કરો

આ ગેજેટ તમારા ફોન સાથે કનેક્ટ થાય છે. જોકે તેને વાઇફાઇ કે બ્લ્યુટૂથની જરૂર નથી પડતી, પણ તને NFC એટલે કે નિયર ફિલ્ડ કમ્યુનિકેશન દ્વારા કનેક્ટ કરવામાં આવે છે. તમારા ગેજેટનો ત્રણ મહિનાનો ડેટા iOS અને એન્ડ્રોઇડ એપ દ્વારા એનલાઇઝ થાય છે. એટલું જ નહીં આ ડેટા પરથી તમારું યુવી પ્રોટેક્શન પર્યાપ્ત છે કે નહીં, કેટલું છે અને ક્યારે સૌથી વધારે રહ્યું એના પણ જવાબ મળી શકે છે. આ એપ તમને યુવી પ્રોટેક્શનથી બચવા માટે કેવા પગલાં લેવા તેની સલાહ પણ આપે છે.

ઉખડી જાય તો શું કરીશું?

ચોંટાડવાના મોટાભાગના ગેજેટની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે એકવાર ઉખડી જાય તો ચોંટાડવું મુશ્કેલ બની જાય છે, પણ તેના સંશોધકે ખાસ એ વાતનો ખ્યાલ રાખ્યો છે કે ઓછામાં ઓછા બે અઠવાડિયા આ ગેજેટ ચોંટી રહે. જો તેનું એડ્હેસીવ ખરાબ થઈ જાય તો ગેજેટની કીટમાં જરૂરી વધારાનું એડ્હેસીવ પણ આપવામાં આવ્યું છે.

શા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો?

સૂર્યમાંથી નીકળતા આ કિરણો માનવજાત માટે બહુ જોખમી હોય છે. એટલે પૃથ્વીને ફરતે કુદરતે ઓઝોન વાયુનું પડ આપ્યું છે જે યુવી કિરણોને ફિલ્ટર કરીને પૃથ્વી તરફ મોકલે છે. ઔદ્યોગિક વિકાસની દોડમાં માનવજાતે ગ્રીનહાઉસ ગેસ છોડીને ઓઝોનના પડને ભયાનક હદે નુકસાન પહોંચાડ્યું છે. મતલબ કે ‘આ બૈલ મુઝે માર' જેવો વહીવટ કર્યો છે. આ યુવી કિરણો માણસને કેન્સર જેવા ઘાતક રોગોના ભોગ બનાવી શકે છે. એટલે જ તેનાથી પ્રોટેક્શન આપણી બહુ મોટી પ્રાથમિકતા બને છે.

પહેલો અભ્યાસ

વર્ષ ૨૦૧૬માં લોરિયલે માય યુવી પેચ નામનું સાધન વિકસાવ્યું હતું. તેને સ્ટીકરની જેમ શરીર પર ચોંટાડવાનું હતું. સ્માર્ટફોનથી તેને સ્કેન કરીને યુવી કિરણોના આક્રમણનો ડેટા મેળવાતો હતો. આ પ્રોજેક્ટથી પ્રેરાઈને સંશોધકોએ UV SENSEની રચના કરી છે.

સ્ત્રોત  : ઋત્વિક ત્રિવેદી, ગુલમહોર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate