অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વર્ષામાં વકરતો રોગ મેલેરિયા

મેલેરીયા' નામક તાવથી અબાલ-વૃધ્ધ સૌ કોઈ વાકેફ છે. કારણ કે તેનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. આપણે આઝાદ થયા ત્યારે આપણાં દેશમાં દર વર્ષે સાડા-સાત કરોડ દર્દી મેલેરીયાનાં જોવા મળતા હતાં.જેમાંથી આઠ લાખ દર્દીઓ આ રોગથી મૃત્યુ પામતા હતાં. આ રોગે ૧૯૮૮નાં જુલાઈ માસથી ફરી દેશમાં ભયાનક રૃપ ધારણ કર્યું હતું.

જો ઘણી મોટી સંખ્યામાં અબાલ-વૃધ્ધને ભરખી ગયો હતો. આવાં રૌદ્રરૃપી મેલેરિયા ને જો નાના-મોટા સહુ જાણે તો જ તેનાં નિવારણ માટે સઘન પગલાં ભરી શકાય. સર્વવ્યાપક આરોગને આયુર્વેદીક ઔષધો અને ઘરગથ્થુ પ્રયોગો પણ મહાત કરી શકે છે, પણ આપણે આ રોગ અને તેનાં ઉપરનાં પ્રયોગો વિશે જાણતા હોઈએ તો જ તેને દૂર કરી શકાય ને ! તેથી આજે આ રોગ વિશે લખવાનું વિચાર્યું છે, જે માહિતી વાચકમિત્રોને ઘણી જ ઉપયોગી સિધ્ધ થશે.

'મેલેરીયા' રોગ એ 'મેલેરિયા પેરાસાઇટ્સ' નામનાં સૂક્ષ્મ જંતુઓથી થાય છે. આ જંતુ નરી આંખે જોઈ શકાતા નથી. આ જંતુઓનું નામ 'પ્લાઝમોડિયમ' છે. જે ચાર પ્રકારનાં હોય છે.

પ્લાઝમોડિયમ વાઇવેક્સ, પ્લાઝમોડિયમ ઓવેલ, પ્લાઝમોડિયમ મેલેરી, પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ ઉપર જણાવેલ મેલેરિયાનાં જીવાણુથી ચાર જાતિમાંથી પ્રથમ ત્રણ જાતિની વૃધ્ધિ માણસનાં લીવરમાં થાય છે, પણ ચોથી ફાલ્સીપેરમની વૃધ્ધિ લીવરમાં થતી નથી. આ ચારેય જાતિનાં જંતુઓ લોહીમાં જ મુસાફરી કરે છે. તેમાંથી ટ્રોફોઝોઇક્સ થાય છે કે જે લોહીનાં રક્તકણોને તોડીને તેમાં પેસી જાય છે. આવા અસંખ્ય રક્તકણોનો નાશ થવાથી દર્દીમાં ફીકાશ આવી જાય છે.

તેનું લોહી ઓછું થઇ જાય છે. આ જીવાણુઓ પાકટ થઇ 'શીઝોન્ટ' બને છે. તે ફાટે છે, અને પાછા તેમાંથી અસંખ્ય મેરોઝાઇટસ નીકળે છે, જે લોહીનાં કણોને ચોંટે છે. આ જંતુઓ જ્યારે નીકળે છે, ત્યારે દર્દીને ઠંડીના ઉકળાટા આવે છે. આ જીવાણુઓ જુદી જુદી જાતિનાં હોય છે, તે પ્રમાણે તેઓ જુદા જુદા પ્રકારનાં તાવ લાવે છે. તે પરથી દરરોજ આવતો તાવ, એકાંતરે આવતો તાવ, તૃત્તીયક, ચતુર્થક એવાં તેનાં જુદા જુદા પ્રકારો પડેલાં છે.

મેલેરીયાનાં લક્ષણો ત્રણ તબક્કા

મેલેરીયાનાં લક્ષણો ત્રણ તબક્કામાં જોવા મળે છે.

 1. ઠંડી લાગવી
 2. તાવનું ચઢવું
 3. પરસેવો થવો.
 4. દર્દીને અચાનક ઠંડી ચઢે ને તે ધુ્રજવા લાગે, તેનાં દાંત ખખડે અને એક પછી એક ધાબળા કે રજાઈઓ ઓઢવા માંગે અને છતાં પણ તેની ઠંડી ઊડે નહીં.
 5. ઠંડી ચાલુ હોય ત્યાં તાવ ચઢવા માંડે અને એકદમ ૧૦૪ ડીગ્રી કે તેથી વધુ પણ થઇ જાય, માથું સતત દુ:ખે અને શરીર ખૂબ તપે.
 6. તાવ ઉતરવા માંડે ત્યારે શરીરમાંથી પરસેવો છૂટવા માંડે. દર્દી એક-એક કરીને બધું ઓઢવાનું કાઢતો જાય અને તાવ ઝડપથી ઉતરવા માંડે. આ બધું જ ૩થી ૪ કલાકમાં પતી જાય. પછી ફરી તાવ તેની મુદત પ્રમાણે આ જ ક્રમમાં ફરી ચઢે.

કેટલીક વાર તાવ ચઢે, ઊંઘ ન આવે, બરોળ વધે, લીવર પણ વધે. બાળકોમાં લીવર વધુ વધે છે. મેલેરિયા કોઈપણ ઉંમરે થઇ શકે છે. નાનાં બાળકથી માંડી મૃત્યુને કિનારે બેઠેલા વૃધ્ધ માણસ સુધી કોઈપણ વ્યક્તિ મેલેરિયાનો ભોગ બની શકે છે. તાવ આવતાં પહેલાં અજીર્ણ, ભૂખ ન લાગવી, હાથ-પગ દુ:ખવા, ફીકાશ આવવી વગેરે લક્ષણો અગાઉથી દેખાય છે. કોઈકવાર ઝાડા-ઉલટી પણ થાય છે.

વરસાદ અને બફારાવાળું હવામાન મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકુળ બની રહે છે. તેથી આવી સીઝનમાં આ રોગ વધારે જોવા મળે છે.

ઘરગથ્થુ અને આયુર્વેદીક ઔષધોપચાર

મેલેરિયાના તાવ માટે કેટલાંક ઘરગથ્થુ અને આયુર્વેદીક ઔષધોપચાર અહીં સૂચવું છું.

 1. તુલસી-મરીનો ઉકાળો ગરમ-ગરમ પીવાથી ઠંડી ઉતરી જાય છે. ઉકાળામાં ગોળ નાખવો અને ગેસ પરથી ઉતારીને લીંબુ નીચોવી પિવડાવવાથી મેલેરિયામાં ઘણો જ ફાયદો થાય છે.
 2. ૧ ચમચી મીઠું ગરમ પાણીમાં મેળવી દિવસમાં ત્રણ વાર પીવું તેથી તાવ ઉતરી જશે. તાવ ઉતર્યા પછી પણ ૨ દિવસ સુધી સવાર-સાંજ ગરમ પાણીમાં ચપટી મીઠું  નાખી પીવું.
 3. લસણની પાંચ કળી વાટી તલનાં તેલમાં કે ઘીમાં સાંતળી સિંધવ ભભરાવી ખાવું.
 4. એક ચમચી પીપરીમૂળનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવું. તેનાથી પણ મેલેરિયાનાં રોગમાં ઘણો જ ફાયદો થાય છે.
 5. ડીકામારીનાં પાનનું ચૂર્ણ અને મરી સરખા ભાગે ચૂર્ણ કરી ૧/૪-૧/૪ ચમચી પાણી સાથે ૩ દિવસ સુધી લેવું. આ પ્રયોગથી ઠંડી અને તાવ બંનેમાં ફાયદો થાય છે.
 6. સુદર્શન ચૂર્ણ અને સૂંઠનો ક્વાથ બનાવી થોડો ગોળ નાખી તે દર્દીને પીવડાવવાથી પણ મેલેરીયા અને શરદીનો તાવ મટે છે.

ઉપરોક્ત બતાવેલાં પ્રયોગોમાંથી જે પ્રયોગ સુલભ લાગે તે કોઈપણ એક પ્રયોગ કરવો. આયુર્વેદીક ઔષધોપચારમાં લક્ષ્મીનારાયણ રસ, વિષમ જ્વરદની વટી, ત્રિભુવનકીર્તીરસ, વિષમ જવરાન્તક રસ વગેરે ઔષધો વૈદ્યની સલાહ મુજબ આપી શકાય છે.

આ રોગમાં રોગીની ધાતુઓનો ક્ષય થતો હોઈ રોગીને ઘઉં, ચોખા, મગનું પાણી, ગાયનું દૂધ વગેરે જેવો લઘુ, બલ્ય અને સુપાચ્ય આહાર આપવો જોઇએ.

જ્હાનવીબેન ભટ્ટ- આરોગ્ય સંજીવની© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate