પાંચ ગ્રામ લીમડાનો મો’ર અથવા તેનાં કુમળાં પાન માં ૫૦ ગ્રામ પાણી નાખીને જ્યુસ બનાવવો. તેમાં એક ચપટી મીઠું-નમક અને એક ચપટી કાળાં મરીનો પાવડર ઉમેરવો. તેને રોજ સવારે ખાલી પેટે લેવાથી ઋતુના ફેરફારને કારણે જે એસિડિટી અને અરુચિ થાય છે, તેમાં ચમત્કારિક પરિણામ જોવા મળે છે.
ગુડી પડવાથી શરૂ થયેલો ચૈત્ર મહિનો એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ અને ગ્રીષ્મ ઋતુની શરૂઆત. વસંત ઋતુમાં સામાન્ય રીતે કફનો પ્રકોપ થતો હોય છે. આ કફ પ્રકોપને શાંત કરવા માટે કડવાણી- કડવો રસ શ્રેષ્ઠ ગણાય છે, જે લીમડામાં પૂરતા પ્રમાણમાં છે.
ચૈત્ર મહિનો અને લીમડો:
જાગૃત લોકો ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીતા હોય છે. લીમડાને ચૈત્ર મહિનામાં કુમળાં પાન અને સફેદ માંજર આવે છે, જેને લીમડાનો મો’ર કહે છે.
હેલ્થ ટિપ્સ:
પાંચ ગ્રામ લીમડાનો મો’ર અથવા તેનાં કુમળાં પાન માં ૫૦ ગ્રામ પાણી નાખીને જ્યુસ બનાવવો. તેમાં એક ચપટી મીઠું-નમક અને એક ચપટી કાળાં મરીનો પાવડર ઉમેરવો. તેને રોજ સવારે ખાલી પેટે લેવાથી ઋતુના ફેરફારને કારણે જે એસિડિટી અને અરુચિ થાય છે, તેમાં ચમત્કારિક પરિણામ જોવા મળે છે.
ઓળી-અછબડા, હર્પિસ ઝોસ્ટર, શરદી-ખાંસી જેવા વાયરલ ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે. ઉપરાંત એ તમારી બ્લડ સુગરને પણ ઘટાડે છે.
ઘામિયા: ઉનાળામાં ઘામિયા નામના ગુમડાં ઘણાને થતાં હોય છે. ઉપરાંત ચામડીની ખંજવાળ સાથે દાદર, ખરજવું વગેરે દર્દો પણ થતાં હોય છે. ચામડીનાં આવાં દર્દોમાં લીમડો ખૂબ ચમત્કારિક પરિણામો આપે છે. લીમડાનો એક સંસ્કૃત પર્યાય અરિષ્ટ પણ છે. અરિષ્ટ એટલે કે જે ક્યારેય અશુભ કે હાનિકારક રહેતો નથી. ચામડી પર જે જગ્યાએ ઘામિયા કે ખરજવું –દાદર જેવી તકલીફ હોય ત્યાં લીમડાનો રસ લગાડવામાં આવે છે.
Wonder plant- Margosa tree : પશ્ચિમના લોકો જેને માર્ગોસા ટ્રી તરીકે ઓળખે છે, તે આપણે ત્યાં લીમડા તરીકે ઓળખાય છે. ડો. વિટમેયરે તેને ‘Wonder plant’- તરીકેની ઉપમા આપી છે. તેનાં સંશોધનો કરતાં જાણવા મળ્યું છે કે લીમડામાંથી બનાવવામાં આવેલા રાસાયણિક યોગો ૨૦૦ જાતના કિટાણુઓનો ધ્વંસ કરે છે. તેનો સૌથી પ્રભાવશાળી ગુણ એ છે કે એનાથી આપણાં ખાદ્યાન્નોને દસ મહિના સુધી કિટાણુઓથી બચાવીને રાખી શકાય છે. આપણે ગરમ કપડાં, ગાદલાં-ગોદડાંની જાળવણીમાં લીમડાનાં સૂકાં પાન વાપરીએ જ છીએ ને!
જંતુનાશક :
લીમડો કિટાણુનાશક હોવા છતાં તેની રાસાયણિક દવાઓની માનવો કે પશુઓ પર કોઇ આડઅસર થતી નથી. આજકાલ ઓર્ગેનિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે. લીમડામાંથી બનતી જંતુનાશક દવાઓથી ૪૭૦ પ્રકારનાં કિટાણુઓને નિયંત્રણમાં રાખીને પાકને સુરક્ષિત કરી શકાય છે.
તાવમાં લીમડાની ચા:આ ઋતુમાં તાવ આવે ત્યારે લીમડાની ચા પીવાથી ઘણો ફાયદો થાય છે. આ ચા બનાવવાની પદ્ધતિ આ મુજબ છે : લીમડાનાં પાન ૨૦ નંગ, તુલસીનાં પાન ૨૦ નંગ, મરી દાણા-પાંચ, પાણી ૨૫૦ મિલિ. આ તમામ વસ્તુઓ તપેલામાં નાખીને તેને ધીમા તાપે ઉકાળવા મૂકવી. અડધું પાણી બળી જાય પછી તેને ગાળીને ચાની માફક દિવસમાં બે-ત્રણ વાર પીવાથી પરસેવો વળી જાય છે અને તેના થકી તાવ ઉતરે છે. આ ચા પીવાથી શરદી અને માથાનો દુ:ખાવો પણ મટે છે.
લીંબોળીનું તેલ : લીમડાના બી ને લીંબોળી કહે છે. માથામાં થતી જૂ માટે લીંબોળીનું તેલ અકસીર છે. માથામાં થતાં, સખત દુ:ખતાં અને પાકી જતાં ગુમડાં, જેને આયુર્વેદમાં અરુંષિકા કહે છે, તેમાં ઉપરથી લીંબોળીનું તેલ લગાવવાથી તે ઝડપથી મટે છે. વર્ષોથી ન મટતાં ઘા-ગૂમડાં મટાડવા માટે તેના પર લીંબોળીના તેલનું પોતું મૂકીને પાટો બાંધવો. એઅનીથી ગૂમડાં મટે છે અને ઘા પણ રૂઝાય છે.
સોરાયસિસ : સફેદ ડાઘ અથવા સોરાયસિસના બાહ્યોપચારમાં અઢળક ટ્યુબો અને સોલ્યુશન્સ છે, જે કાયમી રાહત આપવા સક્ષમ નથી. જ્યારે લીમડાનાં પાંદડાં ને તુલસીનાં પાંદડાંને ગરમ પાણીમાં નાખીને તેમાં બે-ત્રણ ચમચી ગ્લિસરીન ઉમેરીને એ પાણીમાં સોરાયસિસવાળા હાથ-પગને ૧૦-૧૫ મિનિટ સુધી પલાળી રાખવાથી ચામડી ઝડપથી નોર્મલ થાય છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com