অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓવરઇટીંગ, દોડધામ ગેસ, અકળામણ તમામ

બે શિકારી કૂતરાઓને પેટ ભરીને ખોરાક આપવામાં આવ્યો. એક કૂતરાને ત્રણ કલાક જંગલમાં શિકાર પાછળ ખૂબ દોડાવવામાં આવ્યો અને બીજા કૂતરાને ત્રણ કલાક સંપૂર્ણ આરામ આપવામાં આવ્યો. પછી તેમનાં પેટ તપાસવામાં આવ્યાં. જે કૂતરાને આરામ આપવામાં આવ્યો હતો, તેનો ખોરાક લગભગ પચી ચૂક્યો હતો. પરંતુ જે કૂતરાને શિકાર માટે દોડાવવામાં આવ્યો હતો તેનો ખોરાક હોજરીમાં પચ્યા વગર પડી રહ્યો હતો. પશ્ચિમના તબીબોએ કરેલું આ સંશોધન છે.

વામકુક્ષિ શા માટે કરવી જોઇએ?

ખાઈને થોડીવાર આરામ કરવો જોઈએ. આડા પડવું જોઈએ. બપોરના ભોજન પછી ડાબા પડખે આડા પડી આરામ કરવો તેને વામકુક્ષિ કહે છે. જમીને તરત આરામ ન થાય તો તંદ્રા લાગુ પડે છે. જમ્યા પછી તરત ઘસઘસાટ બે-ત્રણ કલાક ઊંઘી જનારને ચરબી વધવાનો રોગ થાય છે. જમીને સો ડગલા ચાલનારનું આયુષ્ય વૃદ્ધિ પામે છે અને જે વ્યક્તિ જમીને તરત દોડે છે, તેની પાછળ મૃત્યુ પણ દોડે છે. મૃત્યુ: ધાવતિ ધાવત: -ખાઈને તરત સ્કૂલે દોડતા, ઓફિસે પહોંચવા હાંફળાં-ફાંફળાં ચાલતા, ટ્રેઈન કે બસ પકડવા હડીયું કાઢતા લોકોએ વિચારવું જોઇએ.
જે લોકો ખાઈને તરત દોડે છે તેમની પાચનશક્તિ ધીમે-ધીમે નબળી પડતી જાય છે. પાચન નબળું પડતાં ગેસ-અપચો જેવી સમસ્યાઓ ઉગ્ર બને છે. આવી શરૂઆતની નાની સમસ્યાઓની અવગણના કરવાથી ક્યારેક તે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. ગેસ થવાની સમસ્યાથી કોઈ અજાણ નહીં હોય ખોરાક અને જીવનશૈલીના શાસ્ત્રીય નિયમોનું ઉલ્લંઘન કરવાથી ગેસ અપચાની સમસ્યા અવારનવાર થઈ આવે છે.

 • વારંવાર ઓડકાર આવ્યા કરે - ક્યારેક વાયુના જ ઓડકાર આવે ઘણાને મોટે મોટેથી ‘હોઈયાં – હોઈયાં’ કરીને ઓડકાર આવે છે તો કેટલાકને ખાધેલા ખોરાકના સ્વાદ સાથે એસિડિટીવાળાને ખાટા-કડવા ઓડકાર આવે છે.
 • મળદ્વારેથી વારંવાર પવનમુક્તિ- વા છૂટ અવાજ સાથે થાય. ક્યારેક તેમાં વાસ-દુર્ગંધ પણ આવે.
 • ઉપરના માર્ગેથી ઓડકાર ન આવે કે મળદ્વારેથી વાછૂટ ન થાય તો ગેસ-વાયુની ત્રીજી ગતિને તિર્યંકગતિ કહવામાં આવે છે. વાયુની આ તિર્યંકગતિ ક્યારેક મોટી સમસ્યાઓ પેદા કરે છે. જેમ કે છાતીમાં ભરાય તો ગભરામણ, મૂંઝવણ પેદા થાય.
 • ગેસ માથા તરફ ગતિ કરે તો માથું-ડોક જકડાઈ જાય.
 • આંતરડામાં ગેસ ભરાઈ રહે તો ગડગડાટ થાય.
 • ગેસ બહુ થાય તો પેટ ફૂલીને ઢમઢોલ થઈ જાય. દર્દી બેચેની અનુભવે, વાછૂટ કે ઓડકાર આવે તો સારું લાગે.
 • ઘણીવાર ગેસને કારણે હાથ-પગની માંસપેશીઓમાં કંઈ ફરકતું હોય તેવું લાગે.
 • જમ્યા પછી પેટ ભારે થઈ જાય. પેટ તણાય, આળસ ચઢે.
 • મૂત્રાશય પર ગેસ-વાયુનું દબાણ વધે તો વારંવાર પેશાબ કરવા જવું પડે જોર કરવું પડે.
 • ગેસના દર્દીની જીભ પર છારી બાઝી જાય. મોંમાથી વાસ આવે. મોંનો સ્વાદ બગડી જાય, લાળ બહુ આવે.
 • પેટમાં ચૂંક આવે ઉબકા-ઊલટી થશે એવી સતત પ્રતિતિ થાય.
 • ગેસની સમસ્યાથી પીડાતા દર્દીઓને માનસિક સમસ્યાઓ પણ પેદા થાય છે. તાણ, ડિપ્રેશન, ચીડ, ગુસ્સો, બ્લડપ્રેશર પણ વધી જાય.
 • દર્દીના શરીરનો કોઈ ભાગ દબાવવાથી પણ ઓડકાર આવે છે.

ગેસ થવાનાં અન્ય કારણો

દોડધામ ઉતાવળ સિવાય પણ જરૂરિયાતને મંદ કરી ગેસ અપચાની સમસ્યાઓ પેદા કરતાં અન્ય કારણો-

 • વધુ પડતા ચા, કોફી, સોપારીથી અગ્નિમાંદ્ય થતાં ગેસની સમસ્યા ઊભી થાય છે.
 • ઓવરઈટિંગ - ભૂખ હોય એના કરતાં વધારે ઠાંસી-ઠાંસીને જમવાની ટેવ હોય, જમ્યા પછી ઘણા તરત ચવાણુ કે ફરસાણ, મીઠાઈ ખાતા હોય છે. પહેલાંનું ખાધેલું પચ્યું ના હોય તો પણ ખાવાની આદતથી ગેસ થાય.
 • કઠોળને આયુર્વેદમાં દુર્જર કહ્યા છે. ચોખા, ચણા, વાલ, વટાણા, વગેરેથી ગેસ ખૂબ થાય છે. ફણગાવેલા કઠોળથી પણ ગેસ થાય છે.
 • દૂધ સાથે ફળો વધારે કે ખટાશ લેવાથી - વિરુદ્ધ ભોજનથી અગ્નિમંદ થતાં ગેસ થાય છે.
 • આગળ, પ્રમાદ ગેસ થવા માટેનાં મજબૂત કારણો છે. શારીરિક શ્રમ વગરનું બેઠાડુ જીવન જીવવાથી ગેસ વધુ થાય છે.
 • રાત્રે મોડા જમવાથી પાચન મંદ થતાં ગેસ થાય છે.
 • ઉજાગરા કરવાથી પણ પાચન નબળું પડે છે. ગેસ થાય.
 • ચિંતા, ઉદવેગ, સતત ગુસ્સો, વગેરેની અસર જઠરાગ્નિપર પડે છે. છેવટે ગેસની સમસ્યા ઉદભવે છે.
 • બહેનોને મોનોપોઝના સમયમાં ગેસ-ઓડકારની સમસ્યા સતાવે છે.

ઉપચારક્રમ

 • બને ત્યાં સુધી જમવાનો સમય એક સરખો રાખવો. એમાં ફેરબદલ ન કરવું.
 • ભોજન ખૂબ ચાવીને ખાવું જોઈએ. ચાવીને જમવાથી લાળસ્ત્રાવ સાથે ખોરાક ભેગા થાય છે. લાળસ્ત્રાવમાં રહેલું ટાયલીન નામનો એન્ઝાઇમ સ્ટાર્ચમય પદાર્થોને શર્કરામાં રૂપાંતરિત કરી દે છે. એટલે જઠરમાં સ્ટાર્ચવાળા પદાર્થો ઝડપથી પચી શકે છે.
 • ગેસની સમસ્યાવાળાઓએ નિયમિત કસરત, યોગદાન, પ્રાણાયામ, ધ્યાન, મસાજ માટે રોજ એકાદ કલાક ફાળવવો.
 • નાભિની આજુબાજુ ક્લોક્વાઈઝ (જમણેથી ડાબી તરફ) હિંગની પેસ્ટ, દિવેલ કે તલના તેલનું માલિશ કરવું. અરીઠાના ફીણનું પણ માલિશ કરી શકાય. આ ઉપચાર પેટ સાફ થવા પછી ખાલી પેટે સવારે કરવો.
 • સૂંઠ, સંચળ અને હિંગ, આ ત્રણેયને સરખા ભાગે લઈ ફાકી બનાવી ઘરમાં રાખી મૂકવી. જ્યારે પણ ગેસની તકલીફ લાગે ત્યારે જમ્યા પછી અડધી ચમચી ફાકી પાણી સાથે લેવી.
 • જેમને લાંબા સમયથી ગેસની તકલીફ હોય તેમણે બૃહદ શંખવટીની એક-એક ગોળી જમતી વખતે વચ્ચે પાણી સાથે લેવી.
 • શંખવટીના શંખભસ્મ, પિત્ત, વાયુની સમસ્યાને મટાડે છે. એકોનાઈટ-વચ્છનાગની પ્રમાણસર માત્ર શંખવટીમાં છે. જે વાયુનું શીઘ્ર અનુલોમન કરે છે. ઉપરાંત તેમાં ઘણાં પાચન ઔષધો છે. જે વાયુ ગેસ સમસ્યાનું નિવારણ કરે છે. પેટ સાફ રહે તે માટે અજમો, સીંધાલૂણ, હરડે, મીંઢી આવળની ફાકી રોજ રાત્રે સૂતી વખતે એક ચમચી જેટલી ફાકી જવી, પેટ સાફ આવશે. અને ગેસ થશે નહીં.
 • ઘણાં દર્દીઓને લાંબા સમયથી ગેસ-અપચાની સમસ્યા હોય તેમણે કૂવ્યાદ રસ, અગ્નિમુખ ચૂર્ણ, લવણ ભાસ્કર, અજમોદાચૂર્ણ વગેરે ઔષધિઓ પણ લઈ શકાય. આ ઔષધિઓ તમારા નજીકના વૈદ્યરાજના માર્ગદર્શન હેઠળ લેવી.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate