অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના-પાંચતલાવડાં

નિદર્શન યોજના-પાંચતલાવડાં

સ્વૈચ્છિક સંસ્થા તથા સ્થાનિક સ્થિતિ

લોકભારતી

ભાવનગર જિલ્લામાં છેલ્લાં પ૩ વર્ષોથી ગ્રામાભિમુખ અભિગમથી કાર્યરત એવી ગાંધીવિચાર પર આધારિત અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સ્થાયી વિકાસના શિક્ષણને વરેલી દેશની પ્રથમ ગ્રામવિદ્યાપીઠ 'લોકભારતી' સંસ્થા પ્રવાહની સાથી સંસ્થા છે. સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમથી લોકભાગીદારી દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તારના ક્ષેત્રે અનેકવિધ નોંધપાત્ર કામગીરીથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર લોકભારતીના લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સિહોર તાલુકાના પાંચતલાવડાં ગામે ગ્રામ નિદર્શન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

પાંચ તલાવડાં ગામ

પાંચતલાવડાં સિહોર તાલુકાની પશ્ચિમે આવેલું ગામ છે. સોએક પરિવારોની કુલ મળીને હજારેકની વસ્તી ધરાવતા આ નાના ગામની ભૂમિ જેટલી પથરાળ, સખત છે એટલા જ માયાળુ અને દયાળુ અહીંના લોકોનાં હૃદય છે. આહિર, રબારી અને દલિતો જેવી પરિશ્રમી જ્ઞાતિઓથી બનેલા આ ગામને પાણીની તંગીએ કયારેય બેઠું થવા દીધું નથી. સામાજિક, આર્થિક દૃષ્ટિએ પછાત વર્ગમાં ગણાતા આ ગામને સરકારે એક વખત 'ગોકુળિયું ગામ પણ ઘોષિત કરેલું છે!
આખા ગામને પાણીના સોત તરીકે એક માત્ર જળમ, ભાડીયો કૂવો અને પાંચતલાવડાંએ માંડ માંડ તૈયાર કરેલું એક તળાવ છે. પાણીનો કોઈ સ્થાયી સોત નથી, પાણીની ભારે તકલીફ, ઉનાળામાં વાડીઓવાળા લોકો સાંજે પાછાં ફરતાં ગાડામાં પાણીનાં પીપડાં ભરતા આવે પરંતુ વાડી વગરનાને ભાગે તો પીપડાંમાંથી ટપકતાં પાણી જોઈને વલોપાત જ આવે. પછાત વર્ગની વાત કરવા જેવી નથી. પાણીની તંગ પરિસ્થિતિએ લોકોના હૃદયમાં વહેતા સ્નેહનાં ઝરણાંને પણ સૂકવી નાખેલાં અને જુદા જુદા વર્ગો વચ્ચે અંતર સર્જાઈ ગયેલું.
આમ આ ઉદ્યમી, ઉદાર, માયાળુ અને એકંદરે સંપીલી પ્રજા માટે પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન હતો.

નિદર્શનનો હેતુ અને સમજ

પ્રવાહ અને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રની સહિયારી સમજ અનુસાર, ગ્રામ સ્તરે પીવાના પાણી માટેની વિકેન્દ્રિત વ્યવસ્થા ઊભી કરવા માટે નિદર્શન યોજનાના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે:

  • પાણી અને સ્વચ્છતાના મુદ્દે નમૂનારૂપ મોડેલ ઊભાં કરવાં, જે સરકાર અને અન્ય સંસ્થાઓને પ્રેરણા પૂરી પાડવાનું કામ કરે.
  • નિદર્શનનું કામ વિકેન્દ્રિત પદ્ધતિથી અને લોકભાગીદારીથી થાય. આ કામ ગ્રામકક્ષાની પાણી સમિતિ દ્વારા કરવામાં આવે.
  • લોકોમાં પાણી મુદ્દે જાગૃતિ વધે અને તેઓ પાણીને પોતાનો મૂળભૂત અધિકાર સમજી, તે માટે સંગઠિત થઈને સરકાર પાસેથી અધિકાર માગતા થાય.

નિદર્શનની પ્રક્રિયા

પ્રવાહ સંસ્થાની પ્રેરણાથી લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રએ પડકાર સમું ગામ પાંચતલાવડાં પસંદ કર્યું. રામજી મંદિરે ગામલોકો સાથે પ્રથમ બેઠક યોજાઈ. મહિલા દલિત સરપંચ શ્રીમતિ ઉજીબેન પરમારથી માંડીને સૌ આગેવાનો ભેગા થયા, આખી યોજના સમજાવવામાં આવી. ભૂતકાળના અનુભવે દુભાએલ ગ્રામજનોએ અત્યંત ટાઢો પ્રતિભાવ આપ્યો.

એ પછી લોકભારતીમાં ભણેલા અને આપબળે જ આગળ આવેલા ગામના વિદ્યાર્થી શ્રી જગદીશભાઈ બોરીચાએ ગામલોકોની સમજાવટ ચાલુ રાખી. પચીસેક વર્ષ પહેલાં આ ગામમાં ઘરે ઘરે નિર્ધમ ચૂલા કરાવીને પાંચતલાવડાંને ગુજરાતનું પહેલું ‘નિર્ધમ ગામ’ બનાવનારા, લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રના સ્થાપકનિયામક ડૉ. અરુણભાઈ દવે ઉપરના લોકોના ભરોસાએ પણ અસર કરી. બીજી, ત્રીજી બેઠક પછી ગામલોકોને નિદર્શનમાં વિશ્વાસ બેઠો.

એ પછી ગામના આગેવાનોની લાંબી ચર્ચાવિચારણાને અંતે નીચેના અગ્રતા ક્રમે કામોની વિચારણા કરીને દરખાસ્ત તૈયાર કરવામાં આવી.

  • જળમ કૂવાનું સમારકામ
  • તળાવની મરામત
  • વિકેન્દ્રિત પાણી ટાંકા
  • શોષખાડાઓ
  • વનીકરણ

પ્રવાહના તજજ્ઞો, ગ્રામજનો અને અમલીકરણ સંસ્થાએ ત્રણેક વખત બેઠકો કરીને જરૂરી ચર્ચા વિચારણા કરી, સ્થળ પર જઈ પૂરી ચકાસણીના અંતે યોજનાને આખરી સ્વરૂપ આપ્યું.

દરમિયાન આ યોજનાને પાર પાડવા માટે એક પાણી સમિતિ રચવામાં આવી. તેમાં સભ્યોનું કૌશલ્ય, અનુભવ, ઉત્સાહ, સંઘભાવના, કામનો પ્રકાર વગેરેને ધ્યાનમાં લેવામાં આવ્યાં. સાત ભાઈઓ અને પાંચ બહેનોની પાણી સમિતિ સર્વ સંમતિથી બનાવવામાં આવી. આ સમિતિના સભ્યોને કરવાનાં પાંચેય કામોની જવાબદારી સોંપી અને દરેક પેટા ટુકડીને જરૂર પ્રમાણે ગામના અન્ય સક્રિય લોકોનો સાથ લેવા સૂચવવામાં આવ્યું. પાણી સમિતિનું સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સણોસરામાં ખાતું ખોલાયું અને વહીવટ માટે બે ભાઈઓ અને એક બહેનને નિયુક્ત કરવામાં આવ્યાં. આ તમામ સભ્યો અને અન્ય સક્રિયકોની જરૂરી એવી ત્રણેક તાલીમ લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર, સણોસરા ખાતે ગોઠવવામાં આવી. આગાખાન ગ્રામ સમર્થન સાયલા વિસ્તારના ગામોમાં કરેલા પ્રેરણા પ્રવાસના પ્રભાવે સમિતિમાં અનેરો પ્રાણ પૂર્યો.

સમયાંતરે થતી બેઠકો, મૂલ્યાંકનો, ન થયેલ કામનાં કારણો રજૂ કરવાં વગેરેને કારણે સમિતિના સભ્યોની ક્ષમતા અને ઉત્સાહ વધતાં ગયાં. કામોની ગુણવત્તાનો સૌથી વધારે ખ્યાલ રાખીને પોતિકાપણું જ્યારે સભ્યોએ અનુભવ્યું ત્યારે લોકભાગીદારીની અનિવાર્યતા સૌ સાથીદારો પામી ગયા. પ્રવાહ તરફથી નિયમિત રીતે નાણાકીય સહાય મળવાથી તમામ કામ ઘણી ઝડપથી, સમયસર પૂરાં થઈ શકયાં.

નિદર્શન અંતર્ગત થયેલાં કામ અને ભૌતિક દૃષ્ટિકોણ

જળમ કૂવાનું નવીનીકરણ

ગામના એક માત્ર આશાસ્પદ પાણીના સોત સમો આ કૂવો ૨૫ વર્ષ પહેલાં સરકારી યોજનામાં તૈયાર થયો હતો. ઢોરને પાણી પાવા, નાહવા, સંડાસ જવાના પાણી માટે અને પીવાના પાણી માટે એમ બધી રીતે, ખરા અર્થમાં, પાંચતલાવડાંની જીવાદોરી સમો હતો આ જળમ કૂવો. પરંતુ બન્યો ત્યારે ૧૧૦ ફૂટ ઊડો અને 30 ફૂટ વ્યાસનો આ જળમ કૂવો હવે પ૩ ફૂટની જ ઊંડાઈ ધરાવતો હતો. સરકારી યોજનાઓ અને ઈજનેરોએ જેને અવાવરુ કૂવો કહી પડતો મૂકેલો, એ લોકભાગીદારીના શિક્ષણ પરીક્ષણમાં પ્રથમ ક્રમે જ હતો. ગ્રામજનોના અત્ટ વિશ્વાસ સમા આ કૂવાની ધસેલી ભેખડોથી, પડેલા ગાળથી અને પડખામાં વસતા સાપોલિયાઓથી સૌના માટે એ નકામો બની ગયેલો. પાણી સમિતિએ ‘આ પડકાર રૂપ કાર્ય છે, પણ પાંચતલાવડાંનો ઉધ્ધારક પણ આ જ થઈ શકે તેમ છે' તેવા દૃઢતાથી આપેલા અભિપ્રાયે અમલીકરણ સંસ્થાને જોમ ચડાવ્યું. વર્ષોથી અશકય જણાતું એવું આ કામ ખૂબ જ ધીરજ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, સાહસથી, કુશળ કારીગરોથી અને પાણી સમિતિની એકધારી નિષ્ઠાવાન દોરવણીથી પૂરું કરવામાં આવ્યું. ગામલોકો માટે આ કામ ચમત્કારથી ઓછું નહોતું. કામ ખરેખર મુશ્કેલ હતું કેમ કે વર્ષોથી અવાવરુ રહેલા કૂવામાં સાપના દર હતા. કૂવા ખોદવા માટે કેડે દોરડાં બાંધીને કૂવામાં ઊતરેલા ભાઈઓને ઉપર ઉભેલા ભાઈઓએ ત્રણ-ત્રણ વાર સાપથી બચાવવા પડયા હતા. આવા કૂવામાં ચણતરકામ પણ મુશ્કેલ હતું. એ માટે ચારેક કોન્ટ્રાક્ટર આવ્યા અને કામ પડતાં મૂકી દીધાં. છેવટે જોખમી કામની ગંભીરતા સમજીને પાણી સમિતિએ કારીગરીનો એક લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો. વર્ષોથી ઝાંખરા, બાવળ, ગંદકી વગેરેથી ઘેરાઈ ગયેલા આ કૂવાને સાફ કરવામાં આવ્યો. ૪૫ ફૂટની પાકી દિવાલોવાળા, ૨૩ ફૂટ વ્યાસના કૂવાને આખરે ઘાટ મળ્યો. ઉપર ઢાંકણ કરવામાં આવ્યું. ગામલોકોને એક નજરાણું મળ્યાનો અનેરો આનંદ પ્રાપ્ત થયો. કૂવામાં પૂરતું પાણી મળી રહેતાં, પાણીનો પ્રશ્ન હવે જથ્થાનો નહીં, વિતરણનો બન્યો.

ભૂગર્ભ પાણી ટાંકા

પાણીના એક માત્ર સોત જળમ કૂવામાંથી પાણી દરેક ફળિયે જાય, બગાડ ન થાય અને સૌ જરૂર મુજબ વાપરી શકે તેવી વ્યવસ્થા કરવામાં પાણી સમિતિએ ઘણી ચર્ચા વિચારણા કરીને એક અભિનવ વિચાર મૂકયો. ગામમાં ફરીને આઠ સ્થાનો નક્કી કરાયાં. આ આઠેય સ્થળોએ ૧૦થી ૧૨ હજાર લિટરની ક્ષમતાવાળા ભૂગર્ભ ટાંકા તૈયાર કરી, તેના ઉપર ડંકી બેસાડવાનું નક્કી થયું. આ ટાંકાઓને અંદરો અંદર જોડાણ આપી જળમ કૂવા સાથે જોડી દેવાનું આયોજન થયું. બહેનોને અને બીજા સૌને પાણીના કોઈ પણ ઉપયોગ વખતે જળમ કૂવે આવવું પડતું હતું એ મુશ્કેલી નિવારવા આ આયોજન વિચારાયું. કૂવામાં પાણી ન હોય તો ધક્કો થાય એ ધક્કો પણ આ યોજનાથી નિવારી શકાતો હતો, કારણ કે ટાંકામાં ૨૪ કલાક પાણી ઉપલબ્ધ રહેવાનું હતું. ગામમાં બે, ત્રણ વખત ફરીને સૌની સંમતિથી બિલકુલ કચવાટ વગર આ સ્થળો નક્કી કરવામાં આવ્યાં. આ આઠેય વિસ્તારના ટાંકા માટેની દેખભાળ રાખવા જે તે વિસ્તારનાં બહેનોની ટુકડીઓ પાડવામાં આવી અને દરેક ટાંકો જે તે ટુકડીને સોંપવામાં આવ્યો. વળી, દરેક ટુકડીએ પોતાના ટાંકા પાસે વૃક્ષારોપણ કરવાનું પણ સ્વીકાર્યું, યોજના મંજૂર થઈ અને શરૂ થઈ. ચાલુ કામે ખબર પડી કે સખત પાણાના કારણે પાણીના ટાંકા ખોદવા મૂશ્કેલ છે. પાણી સમિતિએ હાર ન સ્વીકારી. જેસીબી લાવ્યા, ટોટા ફોડયા અને જરૂરી શ્રમ યજ્ઞ ગોઠવ્યો. સૌના સહિયારા પૂરૂષાર્થથી ટાંકાઓ તૈયાર થયા, પલાસ્ટર થયું અને ઢાંકણાઓ પણ થયાં. ઉપર ડંકી બેસાડવામાં આવી. સૌના આશ્વર્ય વચ્ચે બહેનોએ એવી દરખાસ્ત કરી કે દરેક ટાંકા પર કપચી ફીટ કરવી, જેથી ‘ત્યાં કોઈ કપડાં, વાસણ ઉટકી શકે તેવી શકયતા જ ન રહે’. સૂચન પર તરત અમલ થયો.

તળાવની મરામત

ઘણાં વર્ષ પહેલાં, ગામના કૂવાઓને, ડંકીઓને અને ખાસ કરીને જળમ કૂવાને રિચાર્જ કરી શકે તેવા હેતુથી એક તળાવ વીસેક વીઘામાં તૈયાર કરવામાં આવ્યું હતું. તળાવનું મહત્વ પારખીને પ્રવાહના તજજ્ઞોએ તળાવની મરામત કરવાનું સૂચન કર્યું. શરૂઆતમાં એ સૂચન ગામલોકોને ગળે ના ઉતર્યું. જોકે અમલીકરણ સંસ્થાએ વિજ્ઞાન પર વિશ્વાસ રાખીને પ્રવાહને અનુસરવાનું નક્કી કરી સંબંધિતોને વિશ્વાસમાં લીધા. ખેડૂતોને તેનાં ફાયદાકારક પરિણામો સમજાવીને તળાવનો કાંપ એવી રીતે ઉપડાવ્યો કે તેમાંથી થએલી આવકથી લોકફાળાની મૂડીમાં રૂ. ૧૬૦૦૦નું યોગદાન મળ્યું. તજજ્ઞોએ સૂચવેલા તળાવના દોઢસોએક ફૂટના વ્યાસ ધરાવતા વિસ્તારને હજુ વીસેક ફૂટ ઊડો કરવાનું કામ પૂરું થાય ત્યાં વરસાદે તલાવડું છલકાવી દીધું. એ સાથે સૌના આશ્ચર્ય વચ્ચે તળાવ અને જળમ કૂવાની સપાટી એક થઈ ગઈ. સૌ ગામલોકોને વિજ્ઞાનમાં દૃઢ વિશ્વાસ બેઠો.

શોષ ખાડા

ઉકરડાઓ અને ઘરે ઘરેથી નીકળતા ગંદા પાણીના કારણે પાંચતલાવડાં ગામની શેરીઓમાં અને ચોકમાં સારી એવી ગંદકી જોવા મળતી હતી. પાણી સમિતિએ આ માટે ગામમાં ૨૭ જેટલા શોષખાડાઓ પચાસ ટકા લોકફાળાથી કરવાની દરખાસ્તને અમલમાં મૂકી. સખત પથરાળ ભૂમિના કારણે નાછૂટકે ખાડા તો જેસીબીથી જ કરવા પડયા, પણ સૌએ પોતાના વિસ્તારની સફાઈની જવાબદારી સ્વીકારી એ લોકજાગૃતિનું પરિણામ ગણાય.

વનીકરણ

'છોડમાં રણછોડ' નું સૂત્ર આજે ગામેગામ પ્રચલિત થયું છે, પણ અમલમાં મૂકાતું નથી. વૃક્ષારોપણનું સંસ્કારસિંચન શાળાઓના બાળકોમાં અને તમામ ગ્રામજનોમાં થાય તો સારા પ્રમાણમાં વૃક્ષો ઉછેરી શકાય. આ માટે ગામના યુવાનોએ ૨૫૦૦ વૃક્ષો ઉછેરવાની જવાબદારી સ્વીકારી છે. વૃક્ષારોપણનું કામ સંતોષકારક રીતે સંપન્ન થઈ રહ્યું છે

સ્નાન ઘાટ અને ટાંકાઓ સાથેના જોડાણ કાર્યો.

પાણીના ટાંકાઓ સાથેના જોડાણ અને જૂના સ્નાનઘાટોના મરામતનું કામ પૂર્ણ કરવાનો લોભ પાણી સમિતિ રોકી શકી નહી. થોડાંક અધૂરાં કામો પૂરાં થાય તો સોનામાં સુગંધ ભળ્યાનો ભાવ સમજીને પાણી સમિતિની વિનંતીને ગ્રાહ્ય રાખીને પ્રવાહે વધારાની મંજૂર કરેલી રકમમાંથી આ કામો શકય બન્યાં છે. જૂના બે સ્નાનઘાટો અને દૂરના બે જૂના ટાંકાઓને પાઈપલાઈનનું જોડાણ આપવાનું કામ થઈ શકયું. પાણી સમિતિમાં જન્મેલા આત્મવિશ્વાસથી બોનસરૂપી આ કામ સંપન્ન થઈ શકયું.

નિદર્શનનું નાવિન્ય

  • ગામ વર્ષો પછી એક થયું અને સૌએ વ્યક્તિગત ગમા-અણગમા ભૂલી જઇને સાથે કામ કર્યું.
  • પાણી સમિતિમાં આગેવાની લેનાર વ્યક્તિઓની પસંદગી વ્યાજબી રીતે થઈ.
  • આવડત પ્રમાણે ગ્રામજનોએ જવાબદારી સોંપી, સ્વીકારી અને વહન કરી બતાવી.
  • જળમ કૂવાનું જોખમી અને અશકય લાગતું કામ સારી રીતે સંપન્ન થતાં ગ્રામજનોમાં અનેરો આત્મવિશ્વાસ જાગ્યો.
  • ફળિયા પ્રમાણે સ્વચ્છતા, વનીકરણ, જાળવણી અને ભૂગર્ભ ટાંકાની સંભાળની જવાબદારી વહેંચીને લોગભાગીદારીની લાભકર્તા બાબતો સાબિત કરવામાં આવી.
  • લોકભારતી સંસ્થાના વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસક્રમના ભાગરૂપે આપેલા સમય-શક્તિએ ગામને ચેતનવંતુ બનાવી આપ્યું.

મૂશ્કેલીઓ અને તેનું નિવારણ

  • જળમ કૂવાના ખોદાણ, ચણતર અને બાંધવા માટેના કારીગરો શોધવામાં ભારે મુશ્કેલીઓ નડી. ચારે તરફ શોધખોળ કરીને કારીગરોનો છેવટે વીમો ઉતરાવીને પ્રશ્ન હલ કરવામાં આવ્યો.
  • લોકફાળો એકઠી કરવાનું કામ ભારે મુશ્કેલ રહ્યું. છેલ્લે છેલ્લે ઘટતી પંદરેક હજાર રૂપિયાની રકમ એકઠી થતી નહોતી, ફાળા બાબતે મનદુ:ખ વધતાં જતાં હતાં. આ પરિસ્થિતિમાં તળાવની કાંપવાળી માટીની ખેતીમાં અગત્યતા ખેડૂતોને સમજાવવામાં આવી. તેઓ માટી પોતાના ખેતરમાં લઈ જઈને ઘટતી રકમ લોકફાળા સ્વરૂપે આપવા સંમત થયા.
  • બહારથી આવેલ મજૂરોને જમાડવાની મૂશ્કેલી હતી. કોઈ કુંટુંબ તૈયાર થતું નહોતું અને પૈસા દેતાં પણ અન્ય કોઈ વ્યવસ્થા નહોતી થતી. આવા સમયે પાણી સમિતિના સભ્યોએ વગર પૈસે પોતપોતાના ઘરે મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરી આપી.
  • આપેલ સમયગાળામાં બધાં કામો પૂર્ણ થાય તેવી કોઈ શકયતા જણાઈ નહીં ત્યારે પ્રવાહના સંચાલકોએ સમયગાળો લંબાવી આપી રાહત આપી.

સ્વચ્છતા અને રિચાર્જ

  • ગામમાં શોષખાડાઓ, વનીકરણ, ડંકી, વિકેન્દ્રિત વ્યવસ્થા વગેરેને કારણે સ્વચ્છતાનું ધોરણ ઊંચું આવી શકયું.
  • તળાવના વિશિષ્ટ ખોદકામ અને બંધારાથી ગામના કૂવાઓમાં પાણીનાં તળ નોંધપાત્ર રીતે ઊચાં આવ્યાં.
  • જળમ કૂવા ઉપર પાકું ઢાંકણ, સ્નાનઘાટની મરામત, શોષખાડાઓ, ઉકરડાઓનાં સ્થળ નકકી કરવાં વગેરેના પરિણામે સ્વચ્છતાની સ્થિતિ સુધરી.
  • સ્થાનિક પ્રાથમિક શાળાનાં બાળકોને મહિનામાં એક વખત ગ્રામ સફાઈ કરવા સમજાવી શકાયાં છે.

નિદર્શનનો આર્થિક દૃષ્ટિકોણ

ગામની એક હજારની વસ્તી સામે કુલ રૂ. ૪,૮૮,૧૧૦નાં કામ થયાં છે. એટલે કે ગામની વ્યક્તિદીઠ રૂ. ૪૮૮.૧૦નો ખર્ચ થયો છે. તેની સામે કુલ રૂ. ૬૭,પ૭પનો એટલે કે માથાદીઠ રૂ. ૬૭.૫૭નો લોકફાળો એકઠો થયો છે.

નિભાવણીનું આયોજન

નિદર્શન હેઠળ ગામમાં થયેલી કામગીરી લાંબા સમય સુધી ગામલોકોને ઉપયોગી રહે તે માટે તેની નિભાવણીનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.

કામ

નિભાવણીનું આયોજન

જળમ કૂવો

પાણી સમિતિની દેખરેખ અને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રની માર્ગદર્શક દોરવણીથી ગ્રામ પંચાયત જરૂરી તમામ નિભાવણી કરશે. જરૂર પડે મરામત પણ કરાવશે.

ભૂગર્ભ સંગ્રહ

ગામમાં વિસ્તારવાર સોંપેલી જવાબદારી પ્રમાણે જે તે વિસ્તારની જવાબદાર મહિલા ટાંકા ટુકડીઓ સ્વચ્છતા, મરામત, નિભાવણી અને પાણીના કરકસરભર્યા ઉપયોગનું સ્વચ્છતાના સંદર્ભે ધ્યાન રાખશે. પાણીના નિકાલ સંદર્ભે વૃક્ષ ઉછેરવાનું પણ પાણી સમિતિ માર્ગદર્શન નીચે ગોઠવશે.

શોષખાડાઓ

શોષખાડાઓ જે તે લાભાર્થીના ઘરે કરેલા હોવાથી તેઓ તેની સારસંભાળ રાખશે.

વનીકરણ

ગ્રામજનો તરફથી મૂકાયેલાં પાંજરાંથી વૃક્ષો રક્ષાયાં છે. ગામના યુવામંડળે આ જવાબદારી સ્વીકારી છે.

તળાવ

તળાવથી ગામને અકલ્પપ્ય ફાયદો થયો હોવાથી ગ્રામ પંચાયતના સીધા માર્ગદર્શનથી પાણી સમિતિ દર વર્ષે કાંપ ઉઠાવશે અને કાંપથી જે આવક થશે તેમાંથી તળાવની જરૂરી મરામત કરાવતા રહશે.

પાણી વિતરણ

પાણી વિતરણ એ અતિ અગત્યની અને કુનેહ માગી લે તેવી કામગીરી છે. આ માટે પંચાયતે રોકેલ માણસ ન્યાયી રીતે કામગીરી બજાવશે. દર ત્રણ મહિને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર તેની દેખભાળ-સંભાળ સંદર્ભે અવલોકન કરીને જરૂરી કાર્યવાહી કરશે.

આ ઉપરાંત, લોકભારતીના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રના ભાગરૂપે ગ્રામમૂલાકાતો દરમિયાન પાંચતલાવડાં ગામે જાળવણી-નિભાવણી પર વિશેષ ધ્યાન આપે તેવું આયોજન વિચારવામાં આવ્યું છે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

આ નાના ગામમાં પાણીની મુશ્કેલીઓના કારણે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે જે અંતર ઊભું થયું હતું તે નિદર્શન દરમિયાન સાથે મળીને કામ કરવાથી ઘટયું છે. એક દાખલો જોઈએ તો, અમલીકરણ સંસ્થાના નિયામકની મુલાકાત દરમિયાન, પાણી સમિતિના સભ્યો સાથે, ગામના બે પરિવારના સભ્યોને પરસ્પરના સહજ સંપર્કમાં આવવાનું થયું, સૌએ સાથે ચા-પાણી પણ કર્યા. પછીથી આ મુલાકાત ગામમાં ચર્ચાનો વિષય બની કેમ કે બંને પરિવારમાં વર્ષો જૂની દુશમનાવટ હતી અને સામસામે ખૂન પણ થયાં હતાં. સાથે મળીને કામ કરવાના જોશમાં એ પરિવાર વચ્ચેની દુશમનાવટ પણ ઓગળી ગઈ.

 

પ્રશાસન અને સંસ્થાકીય માળખું

વર્ષોથી લોકશક્તિ કેળવવાના કાર્યમાં સંકળાયેલી અમલીકરણ સંસ્થાએ નિદર્શનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કામગીરીનો બધો દોર પાણી સમિતિને સોંપ્યો હતો અને પોતે જ્યાં જરૂરી હોય ત્યાં જ, જરૂરી હોય એટલા જ પ્રમાણમાં માર્ગદર્શન આપીને ગામની પાણી સમિતિની લાંબા ગાળાની ક્ષમતા ઊભી થાય તેવો પ્રયાસ કર્યો. આ નિદર્શન દરમિયાન નીચે મુજબની પ્રક્રિયાઓ કરવામાં આવી છે.

  • પાણી સમિતિની બેઠકો 27
  • પાણી સમિતિની તાલીમ 3
  • સક્રિયકોના પ્રેરણા પ્રવાસ 4
  • જાહેર ગ્રામસભાઓ 3
  • ઘરેઘરે જાગૃતિ – સંપર્ક 4

તે ઉપરાંત, નિદર્શનનું શકય હોય ત્યાં સરકારી યોજનાઓ સાથે જોડાણ સાધવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનાં ઉદાહરણ નીચે મુજબ છે.

  • અગાઉની પાણી પુરવઠા યોજનામાં નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇનોનો ભૂગર્ભ ટાંકાઓના જોડાણ કરવામાં ઉપયોગ કરી લીધો.
  • સરકારના એસ.જી.આર.વાય. યોજના તળે વનીકરણને તારની વાડ કરવામાં આવી.
  • સરકારની ભૂગર્ભ ટાંકાની યોજનામાં અગાઉ તૈયાર થયેલ એક ભૂગર્ભ ટાંકાને આ પરિયોજનામાં સામેલ કરી લેવામાં આવ્યો.

નીતિવિષયક હિમાયત

નિદર્શન દરમિયાન અમલીકરણ સંસ્થા, પાણી સમિતિ તેમ જ ગામલોકોને ઘણી રીતે નવા બોધપાઠો જાણવા મળ્યા. અન્ય ગામો તથા સરકારને પણ તેની યોજનાઓના વિકેન્દ્રિત અમલમાં આ બોઠપાઠ ઉપયોગી નીવડે તેમ છે. પાંચતલાવડાં ગામે નિદર્શનની પ્રક્રિયા દરમિયાન, ચાવીરૂપ શિક્ષણ નીચે મુજબ રહ્યું.

  • લોકો ગામનાં વિકાસકાર્યો માટે સાથે મળીને વિચારતા થયા. કામને પોતીકું ગણીને પાણી સમિતિએ પોતાનાં અંગત કામો પડતાં મૂકીને મહિનાઓ સુધી આમાં સમય આપ્યો.
  • ગામની સુખાકારી માટે અંગત સ્વાર્થ આડે ન લાવવાનું વિચારતા થયા. જવાબદારી લેવાથી, સારું કામ કરવાથી, સૌનું ભલું કરવાથી મળતા આત્મસંતોષનો અનુભવ કરતા થયા.
  • કામનું આર્થિક અને સામાજિક દૃષ્ટિએ લાંબાગાળાનું આયોજન લોકભાગીદારીથી કરતાં શીખ્યા. તમામ પ્રકારની ખરીદી વખતે તથા કામની ગુણવત્તા માટે લેવાની કાળજીઓ વિષે સભાન થયા.
  • સરકારી અને સ્વચ્છિક સંસ્થાના અધિકારીશ્રીઓ સાથે વાત કરતાં શીખ્યા, નિર્ભયતાથી પોતાના પ્રશ્નો રજૂ કરતાં અને હક્ક અધિકારી વિષે સભાન થઈ પોતાના અધિકારોની માંગ કરતાં શીખ્યા.
  • મહિલાઓમાં આ પ્રકારનો વહીવટ કરી શકવાનો આત્મવિશ્વાસ ઊભો થયો.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય :  Website: www.pravah-gujarat.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate