অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના-આલમપુરા

નિદર્શન યોજના-આલમપુરા

સ્વૈચ્છિક સંસ્થા તથા સ્થાનિક સ્થિતિ

ખારાપાટ ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ, આલમપુરા ખારાપાટ: ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ, આલમપુરા - સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણકાંઠાંના છેવાડાના વિસ્તારનાં ૨૦ ગામોમાં સામહિક વિકાસનાં કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થાની સ્થાપના તા. ૨-૬- ૨૦૦૧ના રોજ થઈ છે. સંસ્થાની પ્રવૃત્તિઓમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, રસ્તા, રોજગારી, જળ-જમીન-વનીકરણ તેમ જ લોકજાગૃતિ અને મહિલા વિકાસની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા ભૂકંપ અને દુકાળ જેવી આફતોનો સામનો કરવા રોજગારી, પીવાના પાણી, ઘાસચારો તથા સ્વરોજગારીને લગતા કાર્યકમો હાથ ધરવામાં આવ્યા છે.

આ વિસ્તારનો પ્રશ્ન

પાટડી તાલુકાનો રણકાંઠાને અડીને આવેલો વિસ્તાર 'કચ્છનું નાનું રણ' ખારાપાટ વિસ્તાર તરીકે ઓળખાય છે. જમીનનું ઉપલું પડ ખારાશવાળું છે. અહીં મીઠું પકવવામાં આવે છે. જમીનમાં 300 ફૂટ સુધી ખારું પાણી છે. દર ત્રણ, ચાર વર્ષમાં એક વર્ષ દુકાળ પડે છે. જેથી પીવાના પાણીનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે. પાણી મળે છે, પરંતુ ખારું પાણી. અહીં પિયતની કોઈ સુવિધા નથી. પાણી ખારું હોઈ જમીન બગડે છે. સ્થાનિક લોકોએ આવું પાણી પીવું પડે છે તેથી અહીં પથરી અને સાંધાના દુખાવા જેવા રોગો મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઉનાળાના સમયે દર વર્ષે રણકાંઠાનાં ગામોમાં સરકાર દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે. જમીનના તળમાં ૯૦૦થી ૧૦૦૦ ફૂટ ઊંડાઈવાળા ટ્યૂબવેલમાં મીઠું પાણી જોવા મળે છે. આ વિસ્તારમાં કાયમી ધોરણે સ્વચ્છતા અને પીવાના પાણીનો પ્રશ્ન છે.

સામાજિક અને આર્થિક સ્થિતિ

પાટડી તાલુકાના વિસ્તારનાં ગામોમાં વિવિધ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. જેમાં પટેલ, કોળી, દરબાર, ભરવાડ, રબારી, વાલ્મિકી, દલિત અને વાળદ, બજાણીયા જ્ઞાતિનો સમાવેશ થાય છે. સામાજિક રીતે જ્ઞાતિમાં અસમાનતા વધારે જોવા મળે છે. શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોઈ અંધશ્રધ્ધા, વહેમો, કુરિવાજો, લાજ કાઢવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. પરંપરાગત વ્યવસાય અને રિવાજોમાં કાંઈ ખાસ ફેરફાર થયો નથી.

જમીનદારો તેમ જ શાહુકારો દ્વારા મજૂર વર્ગના કોળી અને દલિત જ્ઞાતિના લોકોનું શોષણ થાય છે. દલિત, કોળી જ્ઞાતિના લોકોનો મુખ્ય પ્રશ્ન રોજગારી મેળવવાનો છે. આ સમુદાય મીઠું પકવવાનાં અને ખેતમજૂરીના કામો કરે છે. મજૂરોને ઓછા વેતનમાં વધારે કામ કરવું પડે છે. જેથી કુટુંબનું ભરણ પોષણ થતું નથી. પરિણામે શિક્ષણ લઈ શકતા નથી. જેથી સામાજિક અને માનસિક વિકાસ અટકી જાય છે.

અપૂરતા વરસાદના લીધે બારેમાસ રોજગારી મળતી નથી. ત્રણ, ચાર માસ રોજગારી મેળવી કુંટુંબ સાથે સ્થળાંતર કરી જૂનાગઢ, ખેડા, સુરત, મહેસાણા કુંટુંબ સાથે નીકળી જાય છે. જેથી બાળકોનું શિક્ષણ પણ બગડે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષો પહેલાં સુરેન્દ્રનગર જિલ્લો પછાત જાહેર કરવામાં આવ્યો છે.

નિદર્શનનો હેતુ અને સમજ

નિદર્શન અંતર્ગત ગામના જૂના અને પરંપરાગત પાણીના સોતોનું રીપેરીંગ કામ તેમ જ પીવા માટે પાણીની પાઈપલાઈન નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. જેના હેતુ નીચે મુજબ હતા:

  • સ્થાનિક લોકોને સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી મળી રહે
  • સૌને માટે પીવાનું પાણી - વિકેન્દ્રીત પીવાના પાણીની યોજના ઊભી થાય
  • સ્થાનિક લોકો દ્વારા કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે
  • સ્થાનિક લોકોની ભાગીદારીથી તેમનામાં પોતીકાપણાની ભાવના ઊભી થાય
  • લોકો પીવાના પાણીનું મૂલ્ય સમજ, જાગૃતિ આવે અને સ્વાવલંબી બને
  • સ્થાનિક સોતોનો વિકાસ થાય, પીવાના પાણી અંગે સમજ ઊભી થાય
  • મહિલા ભાગીદારી, લોકભાગીદારીથી કાર્યક્રમ દ્વારા દાખલા રૂપ ઉદાહરણ પૂરું પાડવું
  • લોકોની યોજના, લોકો દ્વારા અમલીકરણ, લોકો દ્વારા સંભાળ લેવાય તેવું લાંબા ગાળાનું ટકાઉ વ્યવસ્થાપન ઊભું કરવું

નિદર્શનની પ્રક્રિયા

ખારાપાટ ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ, આલમપુરા દ્વારા ગામની સમિતિઓ જેવી કે ગ્રામસમિતિ, યુવા સંગઠન, મહિલા સ્વસહાચ જૂથ, સાથે કાર્યક્રમ અંતર્ગત મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામમાં પીવાના પાણીના પ્રશ્ન તથા ભૌતિક કામોની ચર્ચા કરવામાં આવી. ત્યાર બાદ નીચે મુજબની પ્રક્રિયાઓ કરવામાં આવીઃ

  • જ્ઞાતિ પ્રમાણે, ફળિચા મુજબ પ્રતિનિધિ, મહિલા ભાગીદારી સાથે પાણી સમિતિની રચના અને બહાલી
  • ગામના સામહિક વિચારવાળાં કામોનું સમિતિ દ્વારા આયોજન
  • ભૌતિક કામોની પસંદગી, જૂના સોતોનું સમારકામ, નવી પાઈપલાઈન નાખવાનું કામ
  • કામોની વહેંચણી, જવાબદારી અને અમલીકરણ
  • પાણી સમિતિ માટે પ્રેરણા પ્રવાસ, તાલીમ
  • દર માસે પાણી સમિતિની મીટિંગ, ઠરાવ, કામનું આયોજન, હિસાબો તથા વહિવટી પારદર્શકતા
  • કામગીરી અંતર્ગત સમુદાય સાથે ચર્ચા, ઠરાવ અને બહાલી

નિદર્શન કાર્યક્રમ અંતર્ગત ઉપરોક્ત પ્રક્રિયા તથા તબક્કાવાર કાર્યક્રમનું અમલીકરણ કરવા અંગેના માપદંડો રાખવામાં આવ્યા હતા. જેમાં નીચે મુજબનાં કામ કરવા અંગે સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો.

  • સામૂહિક કૂવા તેમ જ તળાવનું સમારકામ
  • ગટરલાઈનનું રીપેરીંગનું કામ
  • મહિલા સ્નાનઘરનું સમારકામ
  • પી.વી.સી. પાઈપલાઈન નાખવાનું કામ
  • અવાડાનું સમારકામ
  • પાણી સમિતિને તાલીમ, માર્ગદર્શન કાર્યક્રમ.

અડચણો

ગામમાં નિદર્શન દરમિયાન પાણી સમિતિએ રાજકીય અડચણોનો સામનો કરવો પડયો. જેમ કે ગામના અમુક રાજકારણી માથાભારે તત્વો દ્વારા વિક્ષેપો થયા, જોકે તેઓની જ્ઞાતિના પ્રતિનિધિ દ્વારા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોની સામહિક જવાબદારી અને સાચી પ્રક્રિયા અનુસાર પ્રતિભાવો મળતા રહ્યા. ઉપરાંત, ગામના વડીલો મદદે આવ્યા. આ કામ વ્યક્તિગત નહીં, પણ સૌનું છે, તેથી સૌએ સહકાર આપવો રહ્યો એવી વડીલોની સમજાવટ અને દેખરેખને કારણે કામ સરળ બન્યું. ઉપરાંત, ગામલોકોના દ્વારા થયેલા કામના આયોજન પછીથી પંચાયત દ્વારા અવાડાનું સમારકામ તેમ જ ગટરલાઈનનું કામ કરવામાં આવ્યું. જે નિદર્શન કાર્યક્રમ શરૂ થતાં પહેલા પૂર્ણ થયું હતું. જે અંગે પંચાયત અને રાજકીય લોકો દ્વારા મહદ અંશે તકરાર થતી રહી.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

ગામમાં પીવાના પાણીના સોતો, છેલ્લાં પંદર વર્ષથી બિલકુલ બિસ્માર સ્થિતિમાં હતા. આ કારણે બહેનોને પીવાનું પાણી મેળવવામાં તેમ જ નહાવા-ધોવા અંગેની ખૂબ જ મુશ્કેલી હતી. નિદર્શન કાર્યક્રમ અંતર્ગત મહિલાઓના પ્રતિનિધિત્વ અને આગેવાની સાથે, આયોજન મુજબ દેખરેખ કરવાનું કાર્ય હાથ ધરાયું તેનાં સ્પષ્ટ પરિણામો મળ્યાં છે. કૂવા તથા તળાવનું સમારકામ થવાથી, પીવાના પાણી માટેની ૧૬૦૦ ફૂટ લાંબી પાઈપલાઈનથી દરેક ઘરને પૂરતું પાણી મળે છે. જે વ્યવસ્થા લાંબા ગાળા સુધી ટકી રહેશે. પાણીવેરામાંથી સમારકામ શકય બનશે.

નવીનતા

પાટડી તાલુકામાં આ રીતે જૂના અને પરંપરાગત પીવાના પાણીના સોતોનું સમારકામ કરી તેને ફરી ઉપયોગી બનાવવાનો આ લગભગ પહેલો દાખલો છે.

નવા કામોના આયોજનમાં ગામમાં દબાણ અને જગ્યાના અભાવથી ઘણાં કામો શકય થતાં નથી. જ્યારે આ કામમાં પ્રારંભિક મુશ્કેલીઓને બાદ કરતાં સરળતાથી લોકો સમજણપૂર્વક જોડાયા, બીજા કોઈ પ્રશ્ન ઊભા ન થયા તેમ જ ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં કાર્યક્રમ પૂર્ણ થઈ શકયો.

નિદર્શનનો આર્થિક અને નાણાકીય દૃષ્ટિકોણ પીવાના શુદ્ધ અને પૂરતા પાણી માટે લોકો સ્વાવલંબી થાય હેતુસર નિદર્શન કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કાર્યક્રમનું આયોજન થયું હોવાથી પીવાના પાણીની સમગ્ર વ્યવસ્થા આર્થિક રીતે ટકાઉ બની છે.

કાર્યક્રમમાં જુદા જુદા  ઘટકોનો ખર્ચ

સામુહિક કૂવાનું સમારકામ

૧૪૦૫૭

મહિલા સ્નાનઘરનું સમારકામ

૧૦૪૦૩

પી.વી.સી. પાઈપલાઈન

૪૯૧૯૩

કૂવાનું સમારકામ

૧૬૫૪૦

ગટર લાઈનનું સમારકામ

૬૫૦

સામાજિક પ્રક્રિયાઓ

૧૨૩૩૯

વહીવટી ખર્ચ

૬૯૩૧

કુલ

૧૧૦૧૧૩

ગામની પાણી સમિતિ દ્વારા દર મહિને કુટુંબ દીઠ પાણી વેરો લેવામાં આવે છે. જે એકત્ર થયેલ ભંડોળ પાણી સમિતિના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ભવિષ્યમાં સ્ટ્રકચરની કામગીરી સંદર્ભે આ રકમનો ઉપયોગ સામૂહિક નિર્ણય લઈ શકશે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

સૌના સહિયારા નિર્ણય: ગામમાં નિદર્શન પ્રક્રિયા દરમિયાન, પહેલેથી આ કામમાં ગામના દરેક વર્ગો સંકળાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા. નિદર્શન કાર્યક્રમ શરૂ કરતાં પહેલેથી ગામનાં યુવા જૂથો, સંગઠનો, મહિલા જૂથો તેમ જ ગ્રામજનો અને પંચાયત કારોબારી સભ્યો સાથે વિસ્તુત ચર્ચાઓ કરવામાં આવી હતી. પીવાના પાણીની મુશ્કેલી સામે કેવાં કામ કરવાં જોઈએ જેથી લાંબાગાળા સુધી કાયમી ધોરણે પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે અને ગામના દરેક લોકોને પીવાનું શુદ્ધ પુરતું પાણી મળી શકે, તેમાં કેવા સ્ટ્રકચરો હોવાં જોઈએ, લોકોની ભૂમિકા શું હોય, લોકફાળો કેટલો અને કેવી રીતે લઈ શકાય, વગેરે બાબતે ગામના વડીલો, તલાટી, સરપંચ અને ગામના ફળીયા મુજબ આગેવાનો સાથે ચર્ચા કરી સવાંનુમતે નિર્ણયો લેવાયા હતા.

સૌની સહભાગિતા

પીવાના પાણીનો પ્રશ્ન પૂરા ગામનો હોઈ, તેમ જ આ કાર્યક્રનું માળખું પણ સામૂહિક હોવાથી તેમાં ઘણે અંશે સૌની સમાન ભાગીદારી જોવા મળી. લોકસમુદાયમાંથી જુદી જુદી જ્ઞાતિના લોકોનો પાણી સમિતિમાં ફળિયા પ્રમાણે સમાવેશ થયેલો છે. ઉપરાંત પીવાનું પાણી, એ બહેનોનો મુખ્ય પ્રશ્ન હોઈ લોકભાગીદારી સાથે મહિલાઓની આગેવાનીને પ્રોત્સાહન આપી, તેમના વિચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી લોકફાળો ઉઘરાવવો, બેંકમાં મૂકવો, હિસાબો રાખવા, સાધનસામગ્રીની જાળવણી કરવી, યોગ્ય વપરાશ તેમ જ કામગીરી અંતર્ગત ગુણવત્તાની કાળજી રાખવી દરેક બાબતોમાં લોકભાગીદારી શકય બની છે.

ઉપરાંત શ્રમદાન અને નિર્ણાયક ભૂમિકામાં દરેક નાગરિકનો ફાળો હતો. ગામના જ્ઞાતિ મુજબ ફળિયા પ્રમાણે પાણી સમિતિના સભ્યો દ્વારા કુટુંબદીઠ લોકફાળો લેવામાં આવ્યો હતો. કુટુંબદીઠ પO રૂપિયા નક્કી કરાયા હતા, પણ ઘણાં કુટુંબો તરફથી ૧૦૦ રૂપિયા પણ ફાળા તરીકે મળેલ છે. વડીલો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી છે.

પ્રશાસન અને સંસ્થાકીય માળખું

નિદર્શનની પ્રક્રિયાનું આયોજન એ રીતે કરવામાં આવ્યું હતું. જેથી આ કાર્યક્રમ હેઠળ તો લોકભાગીદારીથી કામ થાય જ, પણ લાંબા ગાળા સુધી તેની જાળવણી થાય અને અન્ય કામોમાં પણ લોકો વિકેન્દ્રિત અને સહિયારી વ્યવસ્થાઓ ઊભી કરતા થાય. આ માટે યોગ્ય પ્રશાસન અને સંસ્થાકીય માળખું ઊભું થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમ કે, પાણી સમિતની રચના માટે નીચે મુજબના માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા:

પાણી સમિતિના સભ્યપદ માટેનો માપદંડ

  • પાણી સમિતિનો સભ્ય ભણેલો હોવો જોઈએ.
  • સમાજના બધી જ જ્ઞાતિના લોકોને આવરી લેવા.
  • વધારેમાં વધારે બહેનોની ભાગીદારી.
  • ગરીબ વંચિત સમુદાયના પ્રતિનિધિને પ્રાધાન્ય.

પાણી સમિતિની ભૂમિકાની સ્પષ્ટતા

  • સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો
  • દરેક સભ્ય જવાબદારીનું સક્રિય પાલન કરે તેવું વાતાવરણ ઊભું કરવું
  • ગામલોકોને કાર્યક્રમ અંતર્ગત જરૂરી માહિતી આપવી, જાગૃત કરવા
  • ગામના લોકોના વિચારોને ધ્યાનમાં રાખી આયોજન કરવું
  • સરકારની પીવાના પાણીની યોજનાઓ અંગે માહિતી આપી લોકો સુધી પહોંચાડવી
  • પાણી સમિતિ દ્વારા લોકફાળો ઉઘરાવવો, યોગ્ય રીતે ઉપયોગ કરવો
  • પાણીની સમાન વહેંચણી થાય તેવા પ્રયત્નો કરવા
  • ગામમાં પીવાના પાણીની યોજના લાવી તેનું અમલીકરણ કરવું
  • સ્ટોક રજિસ્ટર રાખવાં, જાળવવાં
  • મહિલા ભાગીદારીવાળા સંગઠનો ઊભાં કરવાં
  • ગામની સમિતિ દ્વારા મીટિંગ અને કામોનું મૂલ્યાંકન કરવું
  • પાણી સમિતિ દ્વારા થયેલાં કામોના ખર્ચની વિગતો જાહેરમાં મુકવી. પ્રવાહ સંસ્થા દ્વારા ટેકનિકલ તેમ જ સામાજિક પાસાઓની માહિતી પાણી સમિતિના સભ્યોને આપવામાં આવી. ટેકનિકલ સહયોગ દ્વારા સ્ટ્રકચર ટકાઉ બને તે અંગે ધ્યાન દોરી કાર્યક્રમ ચલાવવામાં આવ્યો. પાણી સમિતિ વધુ કાર્યક્ષમ બને તે હેતુસર સંસ્થા દ્વારા અન્ય પાણી સમિતિના સભ્યો સાથે ચર્ચા માર્ગદર્શન અંગે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થા દ્વારા પ્રયાસો

સંસ્થા દ્વારા પ્રવાહના સહયોગથી પીવાના શુદ્ધ પાણીના નિદર્શન કાર્યક્રમ અંતર્ગત તબક્કાવાર નીચે મુજબની મીટિંગો રાખવામાં આવી હતી.

  • પાણી સમિતિના સભ્યો સાથે
  • યુવા સંગઠન સાથે
  • મહિલા બચત જૂથ સાથે
  • પંચાયત કારોબારી સાથે
  • જ્ઞાતિ-ફિળિયા મુજબ
  • પાણી સમિતિનો પ્રેરણા પ્રવાસ
  • જૂથમાં સામૂહિક મીટિંગ

સંઘર્ષ નિવારણ માળખું

  • પાણી સમિતિના સભ્યોને સર્વે સત્તા તથા નાણાકીય પારદર્શિતાનો આગ્રહ.
  • સરપંચ, ઉપસરપંચ, આગેવાનોનો પાણી સમિતિમાં સમાવેશ.
  • જ્ઞાતિ-ફિળિયા મુજબ પ્રતિનિધિત્વ, સ્થાનિક સંગઠનો, મહિલાઓનો સમાવેશ.

નીતિ વિષયક હિમાયત

આ ગામમાં નિદર્શન દરમિયાન થયેલી સામાજિક પ્રક્રિયાઓ તથા ભૌતિક કામગીરીના અંતે વિકેન્દ્રિત વ્યવસ્થા માટે નીચેની બાબતોનું મહત્વ સ્પષ્ટ થાય છે:

  • સામહિક લોકભાગીદારીવાળું કાર્ય એ સૌનું કામ છે તેવું ભાવના ઊભી કરવી. લોકો દ્વારા, લોકોના વિચાર સાથે આયોજન અને અમલીકરણ કરવું તથા વિશ્વાસ ઊભો કરવો
  • નાણાકીય હિસાબોમાં પારદર્શકતા જાળવવી
  • પીવાના શુદ્ધ પાણી અંગે ચળવળ તેમ જ અન્ય જગ્યાએ પીવાના પાણીના સંદર્ભે માહિતી અને માર્ગદર્શન આપવું
  • ભૌતિક કામોનું મેનેજમેન્ટ, વહીવટી માળખું તેમ જ લોકસમુદાય સાથે લોકોના વિચારોને સામહિક રીતે પ્રસ્થાપિત કરવા
  • પીવાના પાણીના મુદ્દે લોકજાગૃતિ કેળવવા ઘણા બધા મુદ્દાઓનું શિક્ષણ મેળવવું

સંસ્થાના મતે, આ રીતે ફરી કામ કરવાની તક મળે તો નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી

લાગે છે:

  • સમારકામ કે નવા બાંધકામ માટે માટે સૌથી પહેલાં લોકોને સાથે રાખી, નિષ્ણાત એન્જિનીયર દ્વારા માપ લઈ ખર્ચનો પાકો અંદાજ મેળવવો જોઈએ
  • ગામની સ્થાનિક વસ્તીને ધ્યાનમાં રાખી દસ વર્ષ પછીની વસ્તીનો અંદાજ મૂકીને તે મુજબ પીવાના પાણીની વ્યવસ્થાનું આયોજન કરવું
  • કામગીરીમાં ઝડપ અને ગુણવત્તા સુધરે તે અંતર્ગત સારા કુશળ તાલીમ પામેલા કારીગરોની મદદ લેવી જોઈએ
  • અન્ય ગામ, સંસ્થાઓ તથા સરકારી તંત્ર સમક્ષ આ નિદર્શનની માહિતી પહોંચે તે માટે વધુમાં વધુ પ્રયાસો કરવા જોઈએ.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate