હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / સપાટીય જળસ્રોતના રક્ષણ માટે સંગઠનની જરૂરિયાત
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સપાટીય જળસ્રોતના રક્ષણ માટે સંગઠનની જરૂરિયાત

સપાટીય જળસ્રોતના રક્ષણ માટે સંગઠનની જરૂરિયાત

જે રીતે આ વર્ષની વર્ષા ઋતુમાં વરસાદ વરસ્યો છે તે વાતને ધ્યાનમાં રાખીને એક વાત જરૂર કહી શકાય કે, ગ્લોબમ વોર્મિંગ કે કલાઇમેટ ચેન્જને કારણે ઋતુઓમાં બદલાવ આવવાની શરૂઆત થઇ ચૂકી છે. કચ્છ જેવા અર્ધશુષ્ક પ્રદેશમાં વરસાદની માત્રામાં ધીર-ધીરે વધારો થતો હોય એવો સતત અનુભવ થાય છે. બીજી એક મહત્વની વાત એ છે કે, પૃથ્વી ઉપર પાણીનો એક માત્ર કુદરતી સ્રોત એટલે વરસાદ! વરસાદ દ્વારા જ ભૂગર્ભજળની માત્રામાં વધારો થાય છે તેમજ સપાટીય સ્રોતોમાં જળરાશિ સંગ્રહ થાય છે.
કચ્છપ્રદેશમાં ભૂતકાળના વર્ષોમાં પાણીની જે ખેંચ અનુભવાતી હતી તે થોડી ઓછી થઇ છે, આમ છતાં પણ ભવિષ્યમાં ભાવિ પેઢીને આવા પ્રકારની પાણીની ખેંચ ન અનુભવી પડે એ માટે પ્રવર્તમાન સમયમાં શું કરી શકાય? પ્રશ્નનો જવાબ અઘરો નથી પણ એ જવાબને અનુસરવું થોડું મુશ્કેલ છે. પ્રશ્નનો જવાબ એ છે કે, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને શકય એટલો વરસાદી પાણીનો સંગ્રહ કરવો. ઇતિહાસના પાનાઓ ઉપર નજર કરીએ તો ભૂતકાળમાં પણ આ બાબત ઉપર સતત ભાર મૂકવામાં આવેલો છે એટલે આજે આપણી સમક્ષ ભુજના હમીરસર, દેશલસર, માંડવીનું ટોપણસર કે તેરાના તળાવો છતાસર, સુમરાસર અને ચતાસર જેવા તળાવો હજુ પણ જીવંત છે. કચ્છપ્રદેશના આવા ઉપયોગી તળાવોને હાલમાં રક્ષણ અને સંરક્ષણની જરૂરિયાત ખરી? પ્રશ્નનો જવાબ ઉપભોકત્તા ઉપર અવલંબે છે. ઉપભોકત્તા માટે આવા સપાટીય સ્રોતોનું મહત્વ કેટલું છે તે અત્યંત સંવેદનશીલ વિચાર છે. આજે દેશમાં કહો કે, વિશ્વમાં જંગલોનો સફાયો થઇ રહ્યો છે ત્યારે પ્રગતિશીલ વ્યકિતઓ કે સરકાર એક સંગઠન બનાવીને 'જંગલ બચાઓ" જેવું અભિયાન ચલાવી શકે છે. સમાજમાં દિકરીઓ પ્રત્યેનો અણગમો દૂર કરવા માટે 'બેટી બચાઓ" અભિયાન પણ ચાલી શકે છે ત્યારે જીવન માટે મૂળભૂત પાયાની એવી જરૂરિયાત પાણી માટે, જળસ્રોતોના રક્ષણ અને સંરક્ષણ માટે સંગઠન કેમ બનાવી ન શકાય?!
કચ્છમાં ગ્રામીણ બહેનોની સાથે શહેરની બહેનો પણ ઘણી મુશ્કેલીઓથી પીડીત છે. આથી ગ્રામીણ બહેનોની સાથે શહેરની બહેનોના ઉત્થાન માટે પણ કાર્ય કરવું જરૂરી બની જાય છે. આ વિચારધારાને લક્ષ્ય બનાવીને કચ્છ મહિલા વિકાસ સંગઠન-કે.એમ.વી.એસ.ને 'સખી મંડળ" બનાવવાનો વિચાર ઉદભવ્યો. મૂળભૂત રીતે કે.એમ.વી.એસ.એ શહેરના નબળા વિસ્તારની બહેનોને સંગઠીત કરી તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાના મુદાને પ્રાધાન્ય આપ્યું છે. આ પ્રમાણે 'જળ એ જ જીવન" સુત્રને ધ્યાનમાં રાખીને ભૂગર્ભજળની સાથે-સાથે સપાટીય સ્રોતોના રક્ષણ અને સંરક્ષણ માટે પણ ઉપભોકત્તાઓનું એક સંગઠન બનવું જોઇએ. આ પ્રકારના સંગઠનનું કાર્ય સુનિશ્ચિત છે અને એ છે કે, કોઇપણ ભોગે જળસ્રોતોનું જતન કરવું અને તે લાંબા ગાળા સુધી જીવંત રહે તેવી સતત કામગીરી કરવી. આ પ્રકારના સંગઠનમાં ઉપભોકત્તાઓની સાથે સરકારશ્રી પણ સાથ આપે તે નિશ્ચિત બાબત છે. સંગઠન દ્વારા જળસ્રોતોના રક્ષણ માટે લેવામાં આવતાં નિર્ણયોને સરકારશ્રી દ્વારા કાયદાકિય રીતે બહાલી મળે તે પણ અત્યંત જરૂરી છે. આ ઉપરાંત જળસ્રોતોના રક્ષણ માટે સંગઠન દ્વારા કરવામાં આવતાં સામૂહિક પ્રયાસને બિરદાવવામાં આવે તો સંગઠનના જુસ્સાને વધારે મજબૂત પીઠબળ મળી રહે! સો વાતની એક વાત, આવનારા સમય માટે પાણીની જરૂરિયાતને, ખપતને અનુલક્ષીને અત્યારથી જ તેને બચાવવાના પ્રયત્નો કરવાનો સમય હવે પાકી ગયો છે માટે જળસ્રોતોના રક્ષણ, સંરક્ષણ અને જાળવણી માટે દરેક પ્રદેશમાં આવા મજબૂત સંગઠનો હોવા જરૂરી નહી પણ આવશ્યક છે. 'જળસ્રોત સ્નેહ સંવર્ધન સમીતી" આવું જ એક સંગઠન છે. વધુને વધુ ઉપભોકત્તા આવા સંગઠનો દ્વારા જળસ્રોતોના રક્ષણ માટે કાર્યરત થશે ત્યારે સાચા અર્થમાં મહાત્મા ગાંધીજીની 'સ્થાનીક સ્વરાજ"ની વિચારધારા સાકાર થશે!
સ્ત્રોત: વિનીત કુંભારાણા
2.92592592593
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top