હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / ભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું?

ભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું?

પાણીની તિવ્ર અછતની સ્થિતિને દૂર કરવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ નદીઓની જોડવાની યોજનાનું જે સ્વપ્ન જોયું હતું તેને આગળ વધારવાની વાત હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ઇ.સ. ૨૦૧૨માં સુપ્રિમ કોર્ટે એક જનહિત યાચિકાના અનુસંધાનમાં વાત કરી છે કે, મનમોહનસિંહની સરકારએ એક કમિટી રચના કરવી અને નદીઓને સાંકળતી યોજનાના મુદે એક સ્ટેટસ રિપોર્ટ અદાલતમાં રજૂ કરવો....પણ અફસોસ કે એવું કશું થયું નથી. હવે જોઇએ કે, નવી સરકાર આ બાબતે શું કરે છે.
આજથી દોઢસો વર્ષ અગાઉ અંગ્રેજોએ ભારતની બધી નદીઓને જોડવાની યોજના ઘડી હતી. આજથી એકસો ચૌદ વર્ષ પહેલા ઇ.સ. ૧૯૦૦(વિક્રમ સંવંત ૧૯૫૬)માં છપ્પનીયો દુકાળ પડયો હતો. એ સમયે ગુજરાત અને મધ્યપ્રદેશના દુકાળગ્રસ્ત લોકો વડોદરા સ્ટેશને જમા થયા હતા. ભૂખી જનતાઓની કાખમાંથી કૂતરાઓ બાળકોને ઉપાડી જતા હતાં. નદીઓને જોડવાની યોજના દ્વારા આવો ભૂખમરો દૂર કરવાનો હેતુ હતો. આવી યોજનાને સાકાર કરવાની પ્રક્રિયામાં પર્યાવરણવાદીઓ કાંકરા ફેંકી રહ્યા છે. આથી આ યોજના સાકાર થશે કે કેમ એ અંગે શંકા છે.
તાજેતરમાં નર્મદાનું પાણી સાબરમતીમાં લાવવામાં આવ્યું. મધ્યપ્રદેશમાં નર્મદાને ૪૭ કિલોમીટરની પાઇપલાઇન દ્વારા શિપ્રા નદીમાં ઠાલવવામાં આવી. નદીના કાંઠે અને પાઇપલાઇનના આસપાસના વિસ્તારમાં જમીનના ભાવ બમણા થઇ ગયા. કૃત્રિમ સંગમ સ્થાને ઘાટ પણ બનાવવામાં આવ્યો. ૪૩૨ કરોડની આ યોજનાથી ઉજૈન્ન અને દેવાલ પ્રદેશના ૨૫૦ ગામોને પીવાનું પાણી પણ પ્રાપ્ત થશે. ઇ.સ. ૨૦૧૬માં જયારે કુંભમેળો આયોજિત થશે ત્યારે પાણી અછત નહી નડે. કેટલાક વાંકદેખાઓને આ પ્રોજેકટ સફેદ હાથી સમાન લાગે છે. આમ છતાં ખર્ચનો હિસાબ માંડીએ તો, નર્મદાના પાણીને શિપ્રામાં લઇ જવા માટે ૭૦ કરોડ રૂપિયાના ખર્ચ આવશે.
રાજયોમાં મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સરકારોએ સાથે મળીને લગભગ દસ હજાર કરોડ રૂપિયાની કેન-બેતવા યોજના તૈયાર કરી હતી. બિહારે પોતાની બુઢી, ગંડક, નૂન, વ્યાસા અને ગંગાને સાંકળવાની યોજના તૈયાર કરી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતે નર્મદા, તાપી, દમણગંગા જેવી નદીઓને જોડવાની યોજના તૈયાર કરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, અટલ બિહારી વાજપાઇના સ્વપ્નની સાથે આ એક અમગ્ર ભારતનું પણ સ્વપ્ન છે.
હાલમાં દેશ અથવા કેન્દ્ર સમગ્ર નદીઓને જોડવાનો પ્રકલ્પ વિચારે છે, તેમાં ૩૭ નદીઓને ૩૦ લિન્ક કેનાલો દ્વારા કે પાઇપલાઇનથી જોડવાની વાત છે. આમાંથી ૧૬ નદીઓ હિમાલયમાંથી વહે છે. ૧૬ નદીઓ મધ્ય અને દક્ષિણ ભારતમાંથી વહે છે. અત્યારે કોઇપણ રાજય બીજા રાજયને પાણી આપવા તૈયાર નથી. ગોદાવરી અને કૃષ્ણાને જોડવા આંધ્ર સરકારે પોતાની યોજના ઘડી છે. વોટર ડેવલપમેન્ટ એજન્સીના રિપોર્ટ પ્રમાણે પ્રકલ્પ સાર્થક બને તો દેશમાં ૧૪ કરોડ હેકટરમાં સિંચાઇ શકય બની શકે અને આશરે સાડા ત્રણ કરોડ કિલોવોટ વિજળી ઉત્પન્ન થઇ શકે. પૂર નિયંત્રણ, જળ પરિવહન, પર્યાવરણ સુધારણા પણ શકય બને. જમીનમાં ખારાશ વધતા અટકે. પાણીની ગુણવત્તા સુધરે એ જરૂરી છે. વરસાદનું મોટાભાગનું પાણી નદી મારફતે દરિયામાં જતું રહે છે. આ પાણી દરિયામાં જતું અટકાવવા માટે નદીઓને જોડતી યોજનાનું મહત્વ અનેરૂં છે.
કેટલાક પર્યાવરણવાદીઓ કહે છે આમ કરવાથી દરિયાની ઇકોલોજિકલ બેલેન્સ ખોરવાઇ જશે. જોકે એ શકય નથી. આપણા દરિયામાં અખૂટ જળરાશિ છે. જેના દ્વારા દરિયાની જૈવ વિવિધતા જીવંત રહી શકે છે. આપણે તો અહીં વરસાદના પાણીને વહી જતું અટકાવવાની વાત કરીએ છે જે એક પર્યાવરણનો જ મુદો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રણ લઇએ કે, આપણે પાણીનો બગાડ નહી કરીએ અને તેનું જતન તથા રક્ષણ કરીશું.
મૈસુર સરકારના ચીફ એન્જિનિયર અને ભારતનું ગૌરવ ગણાતાં વિશ્વ સરવૈયાએ પણ નદીઓની જોડવાની વાત કરી હતી. એ પછી ઇ.સ. ૧૯૭૨માં કેન્દ્ર સરકારે નેશનલ વોટર ગ્રીડની રચના કરી હતી. ગંગા અને કાવેરીને જોડવાની વાત વિચારવામાં આવી હતી. આ યોજના દ્વારા આશરે ૭૦ લાખ કિલોવોટ વિજળી પેદા કરવાનું પણ આયોજન હતું. ઇ.સ. ૧૯૭૭માં દિનસા દસ્તૂર નામના પાઇલોટે એક કેનાલ યોજના બનાવી હતી પણ એ સમયે દેશ પાસે ૧૨૦ લાખ કરોડ રૂપિયા ન હતા. જોકે એ પછી સરકાર બદલી જતાં વાત કોરાણે પડી રહી. એ બાદ અટલ બિહારી વાજપાઇએ ખાસ રસ દાખવીને એક હાઇ ટાસ્ક ફોર્સની રચના કરી હતી અને પોણા છ લાખ કરોડ રૂપિયાનો અંદાજ મૂકયો હતો.
લેખક : વિનીત કુંભારાણા
2.96428571429
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top