অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણીનો ધમધમતો વેપાર

પાણીનો ધમધમતો વેપાર
દૈનિક સમાચારપત્ર 'દિવ્યભાસ્કર"ના તારીખ ૦૧-૦૫-૨૦૧૦ના અંકમાં પ્રસિદ્ઘ લેખક કાંતિભટ્ટ લખે છે કે, 'થોડા વર્ષોમાં જગતમાં પાણી માટે યુદ્ઘો ખેલાશે"...સાવ સાચી વાત છે જે રીતે હાલના સમયમાં પાણીનો બેફામ અને અવ્યવહારું ઉપયોગ થઇ રહ્યો છે તેને કારણે નજીકના ભવિષ્યમાં જ જગત આખામાં પાણીની તંગી પ્રવર્તે એવા સંજોગો ઊભા થવાની શકયતાઓ વધારે છે. આજે પ્રકૃતિનું પાણી પ્રકૃતિનું રહ્યું નથી પણ ધંધો કરનારા વિશાળ ધંધાદારીવર્ગનું થઇ ગયું છે. જગત ઉપર રહેલા મોટાભાગના શુદ્ઘ પાણી ઉપર સામાન્ય જનતા કરતાં લેભાગુઓનો કાયદેસર કે બિનકાયદેસર હક્ક થઇ ગયો છે. આ 'આસમાની સોનું" સામાન્ય જનતા માટે 'ઇદનો ચાંદ" બનતું જાય છે. એ માટે જવાબદાર છે જગત આખામાં ધમધમતો પાણીનો ૪૦૦ અબજ ડોલરનો વેપાર.....!
કાંતિ ભટ્ટ લખે છે કે, 'બોટલ્ડ પાણીનો ઉદ્યોગ ભારતમાં ૨૦૦૨માં રૂપિયા ૧૦૦૦ કરોડનો હતો તે દર વર્ષે ૨૫ ટકાના વેગે આગળ વધી રહ્યો છે." કહેવાનો અર્થ એ થયો કે, દર વર્ષે પાણીનો ૨૫ ટકા હિસ્સો પાણીનો વેપાર કરતાં લેભાગુઓના હાથમાં જતો રહે છે. આજ રીતે પાણી સંપૂર્ણપણે કોઇ 'વોટર માફિયા"ના હાથમાં આવી જશે તો કદાચ ભવિષ્યમાં પાણીના પણ પ્રેટ્રોલપંપની માફક 'પાણીપંપ" હશે! ભારતમાં ૨૦૦ જેટલી બ્રાન્ડના નામે પાણી વેચાય છે અને બીજી સેંકડો બ્રાન્ડ વગરની બોટલો વહેચાય છે. આ વેપાર અટકવાનો નથી, કારણ કે પાણીના વેપારીકરણમાં કદીય ખોટ આવી શકે નહી. પાણીના વેપાર માટે સૌપ્રથમ ફાયદો તો એ છે કે તેના માટે કોઇ 'રો મટિરીયલ્સ" ની જરૂર રહેતી નથી. વેપારીઓ પાણી સીધું 'ભૂગર્ભજળ" દ્વારા મેળવી લે છે. રાજસ્થાનમાં એક કંપની દરરોજ ૫૦ લાખ લિટરના દરે પાણી ખેંચે છે અને ૧૦૦૦ લિટરના ૧૪ પૈસા સરકારને આપે છે. આ પાણી એ બાદ રૂપિયા ૧૨-૧૪માં વેંચાય છે. હવે આવા ધંધામાં ખોટ કેવી રીતે આવે? કાંતિ ભટ્ટ આવા પાણી વિશે લખે છે કે, આવું પાણી પીવું એ પાપ છે કારણ કે, એક બોટલ્ડ વોટર તૈયાર કરવા માટે સાત લિટર સાદું પાણી વપરાય છે.
હાલમાં રાજસ્થાનમાં સ્ત્રીવર્ગ દ્વારા પાણીની અસહ્ય અછત સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો ત્યારે પોલિસે તેમના ઉપર લાઠીચાર્જ કર્યો અને અનેક મહિલાઓને થયેલી ઇજાઓએ તેમને હોસ્પીટલના દ્વાર દેખાડી દીધા. આ એક યુદ્ઘની શરૂઆત કહી શકાય. આ યુદ્ઘ કયારેક મોટું સ્વરૂપ બનીને જગત ઉપર ત્રાટકશે ત્યારે કાળા માથાનો માનવી ઉંઘતો ઝડપાઇ જશે. સામાન્ય જનતા પોતાના જીવન જરૂરિયાતમાં અતિ મહત્વના પાણી માટે આંદોલન કરે છે તો પોલિસ(સરકાર)તેના ઉપર લાઠીચાર્જ કરે છે, જયારે કોલા જેવા ઠંડા અને રંગીન પીણા બનાવતાં પાણીના લુંટરાઓ એક બોટલ કોલાની બનાવવા પાછળ ૧૦ તરસ્યા લોકોનું પાણી વેડફી નાખે છે તેને સરકાર કશું કરતી નથી.
રાજસ્થાન જેવી જ સ્થિતિ કચ્છપ્રદેશની છે ફરક માત્ર એટલો છે કે, કચ્છની મહિલાઓએ સમગ્રતામાં આંદોલનનો માર્ગ હજુ અપનાવ્યો નથી પણ છુટા છવાયા બળવાના સૂર નીકળવાના શરૂ થઇ ગયા છે. થોડા દિવસો પહેલા ગાંધીધામની બળૂકી મહિલાઓએ પાણીના મુદે નગરપાલિકામાં જઇને આક્રોશ વ્યકત કર્યો હતો. કચ્છપ્રદેશમાં પણ પાણીના વેપારના રાફડા ફાંટી નીકળ્યા છે. કચ્છના ભૂજ શહેરની આસ-પાસ ઘણી પાણીની 'ફેકટરીઓ" ફૂટી નીકળી છે જે ભુજ અને તેની આસ-પાસના વિસ્તારની ભૂગર્ભજળની સ્થિતિને અસંતુલિત કરી રહ્યી છે. રાપર, ભચાઉ, મુન્દ્રા અને માંડવી જેવા પ્રદેશોમાં સરકારની રહેમ રાહે 'કચ્છના ઓદ્યોગિક વિકાસ" માટે ઘણી કંપનીઓને પોતાની પ્રોડકટ બનાવવા માટેના યુનિટ સ્થાપવાની છુટ અપાતા આજે હાઇ-વે રોડની બન્ને બાજુએ વૃક્ષોની હારમાળાના સ્થાને ફેકટરીઓની હારમાળા દેખાય છે. આવી ફકેટરીઓ કચ્છના માનવીઓનું પાણી પી જાય છે. આવી ફેકટરીઓ ભૂગર્ભજળની સાથે કચ્છને પીવાના પાણીના ભાગ રૂપે મળતું 'નર્મદા"નું પાણી પણ ગળી જાય છે અને લોકો પાણી વગર તરસ્યા રહે છે. આજે રાજસ્થાનમાં મહિલાઓ જાગૃત થઇને પાણી માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, જો કચ્છમાં પણ લેભાગુ 'વોટર માફિયા" ઘર કરી જશે ત્યારે કચ્છની મહિલાઓને પણ રાજસ્થાનની મહિલાઓની જેમ આંદોલનનો માર્ગ અપનાવ્યા વગર છુટકો નથી, એના કરતાં જો 'સમય વર્તે સાવધન" થઇને ભૂગર્ભજળના રક્ષણ અને વ્યવસ્થાપનના કાર્યો અત્યારથી જ કરવામાં આવે તો કચ્છનું ભવિષ્ય 'પાણીદાર" હોઇ શકે એ વાતમાં શંકાને સ્થાન નથી! આજે પાંચ જુન 'પર્યાવરણ દિવસ" નિમિત્તે આપણે બધા પ્રણ લઇએ કે, હું પાણીનો વેડફાટ કરીશ નહી અને કોઇને કરવા દઇશ પણ નહી.
વિનીત કુંભારાણા


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate