હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / પરસ્પર સમજૂતીથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવી શકાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પરસ્પર સમજૂતીથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવી શકાય

પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે

પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે

પાણીના ક્ષેત્રીય ઉપયોગના અનુસંધાનમાં કૃષિ ઉત્પાદનો મેળવવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. આથી કૃષિ સંબંધે પાણીના ઉપયોગ બાબતે કાર્યક્ષમતા વધારવા માટે યોગ્ય વ્યવસ્થાન દ્વારા એક ચોક્કસ પ્રકારની વ્યુહરચના ઘડી કાઢવી જોઇએ. કૃષિ વ્યવસાયમાં પાક ઉત્પાદન તેમજ પશુધનના જતન માટે પાણીનો સઘન ઉપયોગ થાય છે. અન્ય વપરાશકર્તાની સાપેક્ષે કૃષિમાં ઉત્પાદન મેળવવા પાણીનો લગભગ સીત્તેર ટકા ભાગ વપરાય છે. હવે તો પશુધન ઉત્પાદનો માટે પણ પાણીની માગ વધી રહી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૫૦ સુધીમાં વૈશ્વિક ખોરાકની માગ સીત્તેર ટકા જેટલી વધશે એવું અનુમાન લગાવવામાં આવેલું છે. એક સર્વેક્ષણ પ્રમાણે વૈશ્વિક કૃષિ-બન્ને વરસાદ આધારિત અને પિયતખેતીમાં વર્ષ ૨૦૫૦ સુધીમાં પાણી વપરાશની માગ ઓગણીસ ટકા વધશે. વિશેષજ્ઞો તો એમ પણ કહે છે કે, આજે જે રીતે ખેતી કરવામાં આવે છે એ ખેતીપદ્ઘતિમાં યોગ્ય બદલાવ લાવવામાં નહી આવે તો આ માગ હજુ પણ વધારે વધશે. પાણીની અછતથી પીડાતા વિસ્તારોમાં તો અત્યારે પણ કૃષિમાં સિંચાઇના પાણી પૂરતાં પ્રમાણમાં મળી શકતા નથી. કૃષિમાં ઉપયોગમાં લેવાતા પાણી માટે એક સુનિયોજીત માળખાકીય વ્યવસ્થાપનની જરૂરિયાત છે. આ વ્યવસ્થાન ભવિષ્યમાં વૈશ્વિક પાણીની સુરક્ષા માટે મહત્વનો ફાળો આપશે.
માનવ સમુદાયમાં પાણી વપરાશ બાબતે મોટેભાગે શહેરી વિસ્તારોમાંથી પીવાના પાણી અને વપરાશના પાણીના સંદર્ભમાં એક મોટી માગ ઊભી હોય છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે, શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના જૂના અને પરંપરાગત સ્રોતો ઉપયોગ કરી શકાય એવી સ્થિતિમાં નથી અથવા તો તેના ઉપર કે તેની આસપાસ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય. આથી આવા ટકાઉ સ્રોતો શહેરોના માનવ સમુદાયની પીવાના પાણી કે ઘરવપરાશના પાણી માગને પૂર્ણ કરી શકતા નથી. આ ઓછું હોય તો એક અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વના શહેરોની વસતિમાં છ અબજનો વધારો થવાનો અંદાજ કાઢવામાં આવેલો છે. આ અંદાજમાં દર વર્ષે શહેરામાં વધતી વસતિની સાથે(ઝડપથી થઇ રહેલા શહેરીકરણથી)વિસ્થાપિત થયેલા લોકોની પણ ગણતરી કરવામાં આવી છે. એક તો હાલના સમયમાં જ શહેરોમાં આવેલી વસતિમાં અમુક વર્ગ એવો છે જેને પાણી અને જીવન જરૂરી સુવિધાઓ પૂર્ણ: પૂરી પાડી શકાતી નથી ત્યારે આવો વધારો વસતિમાં થાય તો પાણી અને સ્વચ્છતાની બાબતે હાલમાં જે સુવિધાઓ છે તેમાં અંદાજે વીસ ટકા વધારો કરવાની જરૂરિયાત ઊભી થશે. આજના વિકાસના યુગમાં શહેરોમાં વિશ્વના શહેરોમાં દર મહિને અંદાજિત પાંચ કરોડ લોકોનો વધારો થઇ રહ્યો છે. વિશ્વના શહેરોમાં થઇ રહેલા આ વસતિ વિસ્ફોટ પાણી અને સ્વચ્છતાના મુદે અભૂતપૂર્વ પડકારો આપણી સમક્ષ લાવીને મૂકી દે તેમ છે. શહેરોમાં બે મુખ્ય પડકારો છે: એક છે સુરક્ષિત પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાનો અભાવ તથા બીજો છે પૂરપ્રકાપ અને દુષ્કાળ. આવા પડકારોને પહોચી વળવા માટે જળસહયોગની વિભાવના અત્યંત ઉપયોગી સાબિત થાય છે. શહેરોમાં વસતા લોકો દ્વારા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો પાણીનો બચાવ થઇ શકે. શહેરોમાં આવેલા પાણી માટેના જૂના સ્રોતો-કૂવા, તળાવને ફરી જીવંત કરવામાં આવે તો આવનારા વર્ષોમાં પાણીની જે માગ વધવાની છે તેને મહદઅંશે પરિપૂર્ણ કરી શકાય. આ ઉપરાંત વપરાશ થઇ ગયેલા પાણીનો ફરી ઉપયોગ કરવામાં માટે આધુનિક ટેકનિકના ઉપયોગ દ્વારા તેને 'રિસાયકલીંગ" કરીને પાણીનો ફરી 'રિયુઝ" કરી વધતી જતી પાણીની માગને પહોચી શકાય. સ્વચ્છતાના મુદે શિક્ષણ દ્વારા જાગૃતિ લાવવાની જરૂરિયાત છે. શાળાઓ-કોલેજોમાં આ મુદાને વધારે પ્રાધાન્ય આપી લોકજાગૃતિ લાવી શકાય.

જળ સહયોગ બાબતે સહભાગીઓની વાત કરીએ તો, એક સામાન્ય જળાશય માટે પણ તમામ સહભાગીઓ સયુંકત રીતે તેના વ્યવસ્થાપન, રક્ષણ અને વિકાસ માટે આયોજનના એક લયસ્તર ઉપર હોવા જોઇએ. આવા જળાશયોના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમનું વ્યવસ્થાપન કરવા માટે રાષ્ટ્રિય અને પ્રાદેશિક જળાશય મંત્રાલય, રીવર બેઝીન વ્યવસ્થાપન કરતી સંસ્થાઓ, સહભાગી જૂથો વચ્ચે જળ સહકારની ભાવના હોવી અત્યંત આવશ્યક છે. આવા સમયે નવા પડકારોનો સામનો કરવા માટે તેમજ જનજાગૃતિ વધારવા માટે દરેકે પોતાના વલણમાં ફેરફાર લાવવા જોઇએ. જળ સહયોગની ભાવના ત્યારે જ જન્મે જયારે આવા વિવાદો સમયે દરેક સહભાગીઓ પોતાના વ્યકિતગત વિરોધોને હાંસીયામાં ધકેલી દે. જળ વિવાદોના નિરાકરણ સમયે સામૂહિક સ્તરે વિચારવું જોઇએ અને દરેક સહભાગીઓના લાભાલાભને કેન્દ્રમાં રાખવા જોઇએ. આ પ્રમાણે જળ વિવાદોના ઉકેલ મેળવવાથી દરેક સ્તરના સહભાગીઓ સંતોષ પામી શકે. જળ સહયોગ દ્વારા પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરીને પાણી બાબતના પડકાર, લાભ અને અંર્તભાવની સુધારણા માટે વિશ્વના દેશો અને સહભાગીઓ વચ્ચે પરસ્પર આદર, સમજણ, શાંતિ, સુરક્ષા અને ટકાઉ આદર્શ આર્થિક વૃદ્ઘિને ઉત્તેજન આપી શકાય તેમ છે. જળ સંશાધન વ્યવસ્થાપન સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે એકી સાથે થવું જરૂરી છે. આ એક વિવિધસ્તરીય વ્યાપક અભિગમ તરીકેની કામગીરી ગણી શકાય. તમામ વપરાશકર્તાઓ સાથે સરકારી, ખાનગી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ સંવેદનશીલ અને વંચીત લોકો પ્રત્યે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. મૂળભૂત રીતે જળ સહયોગ અને વ્યવસ્થાપનના વિકલ્પો સરકારી નીતિઓ સાથે સુસંગત હોવા જોઇએ અને સાથે-સાથે સમાજને પણ અનુરૂપ હોય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જળ સહયોગ અને વ્યવસ્થાપનના નિર્ણયો સામાજિક, રાજકિય અને જૈવિક પર્યાવરણની મર્યાદાને ધ્યાનમાં રાખીને કરવા જોઇએ અને કુદરતી સંશાધનોની ફાળવણી તથા વિતરણ સંતુલિત રીતે વૈશ્વિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. જળ સહયોગના વ્યવસ્થાપન બાબતના નિર્ણયોમાં તમામ સ્તરના લોકોએ સહભાગી થવું જોઇએ. તમામ સ્તરની સંતુલિત વ્યુહરચના વગર પારિસ્થિતિક તંત્રની એકસૂત્રતાને જાળવી રાખવી અશકય છે. જળ સંશાધનોના વિકાસ અને તેના રક્ષણ માટેની સંયુકત જવાબદારી જે-તે વિસ્તારના લોકોની ઉપર હોય છે. લોકોની સાથે તંત્ર પણ પ્રમાણિકતાથી સાથ આપે તે જરૂરી છે.

લેખક વિનિત કુંભારાણા

3.19230769231
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top