অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હકારાત્મક વલણ

હકારાત્મક વલણ

પ્રાસ્તવિક

બાળપણથી આપણે જાતજાતના નિષેધોમાં ઘેરાતા રહીએ છીએ. બાળકને મોટે ભાગે જે કંઈ સૂચનાઓ અપાય છે એ નકારમાં જ અપાય છે. ‘મોટેથી બોલવાનું નહિ, ડાબા હાથે ખાવાનું નહિ, મોટેથી રડવાનું નહિ, બહુ ખા-ખા કરવાનું નહિ’ વગેરે... પરંતુ આ જ વાત હકારાત્મક રીતે પણ શીખવી શકાય છે, જેમકે “ધીમેથી બોલીએ તો બધાંને ખૂબ સારું લાગે, બીજાં બધાં જમણા હાથે ખાય છે તો આપણે પણ જમણા હાથે ખાઈએ તો સારું લાગે, રડવું આવે તો ધીમેથી રડાય, ભાવતી વસ્તુ ખવાય પણ થોડી ખવાય.” મનોવિજ્ઞાન પણ કહે છે કે હકારાત્મક સૂચનો હંમેશાં ધારદાર અસર કરે છે. પરંતુ આપણા નકારાત્મક સૂચનોની અસર કેટલી ઘાતક નીવડે છે એનો આપણને અંદાજ હોતો નથી. ડાબા હાથે ખાનાર બાળકને એમ નહિ કરવા ધમકાવવામાં અથવા એના ડાબા હાથ પર મારવામાં આવે તો એ કદાચ જમતી વખતે ડાબા હાથનો ઉપયોગ કરવાનું બંધ તો કરશે, પરંતુ એથી એના મનના ઊંડા ખૂણે ડાબા હાથ તરફ અપરાધભાવ થશે, એટલું જ નહિ, જમણા હાથ પ્રત્યેનો અહોભાવ જાગશે નહિ. લાંબા ગાળે આવું વલણ વ્યક્તિત્વના નબળા પાસા તરીકે વિકસે છે.

ડેલ કાર્નેગીએ એક બહુ સરસ વાત કરી છે : નકારાત્મક વાતની શરૂઆત પણ હકારાત્મક રીતે થવી જોઈએ. નકાર રસ્તો બંધ કરી દે છે. જ્યારે હકાર રસ્તા ખોલી આપે છે. નકાર આત્મવિશ્વાસને હણી લે છે, જ્યારે હકાર આત્મવિશ્વાસનો ગુણાકાર કરે છે. સવાલ માત્ર એવી દષ્ટિનો જ છે. સફળ માણસ અને સુખી માણસ પોતાના જીવનની ઊણપો અને નિષ્ફળતાઓને એક બાજુએ મૂકીને સિદ્ધિઓ અને સફળતાઓને નજર સમક્ષ રાખે છે. હકારાત્મક વલણ જ સુખ અને સફળતાનો રાજમાર્ગ છે.

વલણ એટલે શું ?

વલણ વ્યક્તિના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે જીવનના દરેક પાસાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્પર્શે છે. વલણ અનુભવદત્ત, આંતરિક અને વ્યક્તિગત પરિબળ છે. દરેક વ્યક્તિ હકારાત્મક કે નકારાત્મક વલણ ધરાવી શકે છે, જે તેના બાળપણથી જ ઘડાતાં આવે છે.

  1. “વલણ એટલે કોઈપણ વસ્તુ સંબંધે અમુક રીતે વિચારવાની, અમુક રીતે લાગણીથી જોવાની અને વર્તવાની પૂર્વસ્થાપિત વૃત્તિ હોય છે.” – ન્યુકોમ્બ
  2. “વલણ એ માનસિક તત્પરતાની અવસ્થા છે, જે વ્યક્તિ સાથે સંબંધિત દરેક વસ્તુ અને પરિસ્થિતિ પ્રત્યેની પ્રતિક્રિયાઓ પર નિર્દેશાત્મક પ્રભાવ પાડે છે.” – બ્રિટ
  3. “વલણ એ મત કે વિચાર, રસ કે ઉદ્દેશની થોડીઘણી સ્થાયી પ્રવૃત્તિઓ છે, જેમાં કોઈ પ્રકારના પૂર્વજ્ઞાનની પ્રત્યક્ષતા અને યોગ્ય પ્રક્રિયાની તત્પરતાનો સમાવેશ થયેલો હોય છે.”

વલણનું સ્વરૂપ

  • વલણમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે.
  • વલણ જન્મજાત હોતાં નથી, તે વાતાવરણથી પ્રભાવિત હોય છે.
  • જુદીજુદી સંસ્કૃતિ ધરાવતા પ્રદેશના લોકોનાં વલણ જુદાં જુદાં હોય છે.
  • સામાન્ય રીતે, વલણ ઘડાયા બાદ લાંબા સમય સુધી સ્થાયી રહે છે, પરંતુ વલણ-પરિવર્તન શક્ય બને છે.
  • વલણ એક વ્યક્તિ, એક વસ્તુ કે સમૂહ પ્રત્યે હોઈ શકે છે.
  • બાહ્ય વસ્તુઓ પ્રત્યે હકારાત્મક કે નકારાત્મક સ્થિતિ છે.
  • મનોવલણ એ માનસિક તત્પરતા છે.
  • મનોવલણો ઘડાય છે, અનુભવથી બંધાય છે.

હકારાત્મક વલણનું મહત્ત્વ

વ્યક્તિના જીવનમાં હકારાત્મક વલણનું આગવું મહત્ત્વ છે. વ્યક્તિનું હકારાત્મક વલણ અન્ય વ્યક્તિ સાથેનો વ્યવહાર સરળ બનાવે છે.

  • વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે તંદુરસ્ત આંતરક્રિયા થાય છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયામાં પરિણામ હકારાત્મક મળે છે.
  • વ્યક્તિ-વ્યક્તિ કે વ્યક્તિ-જૂથ વચ્ચેની આંતરક્રિયામાં ગતિશીલતા આવે છે.
  • વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે અને વ્યક્તિ અને જૂથ વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળે છે.
  • વ્યક્તિ-વ્યક્તિ કે વ્યક્તિ અને જૂથ વચ્ચેનું વાતાવરણ સક્રિય બને છે. વર્ગખંડ શિક્ષણમાં બાળકો અને શિક્ષકો વચ્ચે તંદુરસ્ત વિચાર-વિમર્શ થાય છે.
  • પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ વચ્ચે હકારાત્મક વલણ ફળદાયી પરિણામ આપે છે. શાળાની ફળદાયી સિદ્ધિ પાછળ હકારાત્મક વલણ પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે અસરકારક ભાગ ભજવે છે.

શિક્ષક અને હકારાત્મક વલણ

શિક્ષણનું મુખ્યકાર્ય હકારાત્મક-વલણ ઘડતરનું છે. હકારાત્મક વલણ શિક્ષણ પ્રક્રિયાઓને વધારે તંદુરસ્ત અને ગતિશીલ બનાવે છે. વિદ્યાર્થીના વલણ-પરિવર્તન માટે શિક્ષકની પ્રેરણા અસરકારક માધ્યમ બની જાય છે.

  • વિદ્યાર્થીની ભ્રામક માન્યતાઓનું પરિવર્તન કરી શકાય છે.
  • શિક્ષક પોતાના હકારાત્મક વલણ દ્વારા વિદ્યાર્થીની વિચારધારાને બદલી શકે છે.
  • વિદ્યાર્થીમાં વલણ-પરિવર્તન માટે કે સારા વ્યક્તિત્વના નિમણિ માટે શિક્ષકની ભૂમિકા મહત્ત્વની બની રહે છે.
  • શિક્ષક પોતાના વર્ગખંડમાં સારી-નરસી બાબતોનું વિશ્લેષણ રજૂ કરી, વિદ્યાર્થીમાં વલણ-પરિવર્તન લાવી શકે છે.
  • અત્રે એ બાબત નોંધનીય છે કે, જો શિક્ષક પોતે હકારાત્મક વિચારસરણી ધરાવતો હશે તો જ વિદ્યાર્થીમાં હકારાત્મક વલણનાં બીજ વાવી શકશે.
  • વિદ્યાર્થીને મન પોતાના શિક્ષક સમાન છે. આથી શિક્ષક જો પોતે હકારાત્મક હશે, તો વિદ્યાર્થીમાં આપોઆપ હકારાત્મક વલણ આત્મસાત્ થશે.

મનોવલણનું ઘડતર

હકારાત્મક કે નકારાત્મક મનોવલણો અનુભવપ્રાપ્ત છે, અને આસપાસના વાતાવરણ/સમાજમાંથી જ આપણે શીખીએ છીએ. તેથી મનોવલણ કઈ રીતે ઘડાય છે તે સમજીએ.

અંગત અનુભવ :

વારંવાર થતા અંગત અનુભવથી મનોવલણ ઘડાય છે. દા.ત., જો કોઈ જૂથના વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા રહેતા હોય તો સમય જતાં એવું દઢ થઈ જાય છે કે આ વિદ્યાર્થીઓ ભણી શકશે જ નહિ. આ વિદ્યાર્થીઓ પણ સારી રીતે અભ્યાસ કરી શકશે તે સ્વીકારવા આપણે તૈયાર થતા નથી.

આઘાતજનક અનુભવ :

જીવનમાં કોઈક આઘાતજનક અનુભવ મળે તો તેનું નકારાત્મક મનોવલણ ઘડાય છે.

અનુકરણ :

વ્યક્તિ અન્ય વ્યક્તિના સંસર્ગમાં આવે છે અને તેનું અનુકરણ કરવાથી કેટલાંક મનોવલણો કેળવાય છે. દા.ત., શિક્ષક અમુક ધર્મ, જ્ઞાતિ કે સિદ્ધાંત વિષે વર્ગમાં ટીકા કે વખાણ કરે તે પ્રમાણે વિદ્યાર્થીનું વિરોધી કે તરફેણનું વલણ કેળવાય છે.

સમાજમાં પ્રચલિત મનોવલણો :

કેટલાંક મનોવલણો આપણા જૂથમાં, સમાજમાં પ્રચલિત મનોવલણોમાંથી સ્વીકારેલાં હોય છે.

અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા :

નાનપણમાં કોઈક વર્ગનાં લોકો પ્રત્યે પૂર્વગ્રહ બંધાયો હોય, પરંતુ મોટપણે શાળા-કૉલેજમાં તે વર્ગના વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંસર્ગમાં આવવાની તક મળે છે. આ આંતરક્રિયાને પરિણામે પૂર્વગ્રહના સ્થાને સ્વીકારનું વલણ કેળવાય છે.

મનોવલણના ઘડતરમાં કુટુંબનો ફાળો :

એ સ્વાભાવિક છે કે મા-બાપ પોતાના ગમા-અણગમા, અભિરુચિ, આકાંક્ષા, પૂર્વગ્રહો વગેરેનું પ્રક્ષેપણ પોતાનાં બાળકોમાં કરે છે. બાળક પોતાનાં મા-બાપ સાથે ગાઢ તાદાત્મય ધરાવતું હોય છે અને પોતાનાં મા-બાપને જ પ્રેરક તરીકે જોતું હોય છે.

મનોવલણમાં પરિવર્તન

મનોવલણનું ઘડતર તેમ જ પરિવર્તનની પ્રક્રિયા આપોઆપ થતી નથી, એને માટે આંતર, વ્યક્તિગત સંબંધોની જરૂર છે. પરિણામે આ પ્રક્રિયામાં આંતરિક ઉપરાંત બાહ્ય ઘટકો પણ ભાગ ભજવે છે. આંતરિક ઘટકોમાં વ્યક્તિનાં પ્રેરણો, આદશોં, જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે. જે પરિબળો મનોવલણ રચે છે એ જ પરિબળો પરિવર્તન પણ લાવે છે.

મનોવલણમાં બદલાવ એ સંકુલ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. નીચેના જેવી અનેક બાબતો પ્રવૃત્તિઓપરિબળો લાંબા ગાળા દરમિયાન મનોવલણ-પરિવર્તન માટે અસરકારક ભાગ ભજવી શકે છે.

  • પ્રવચન – વ્યાખ્યાનો
  • અનુભવ
  • ફિલ્મો-વાર્તાઓ (સંગીત-નાટક-સાહિત્ય) માસ-મીડિયા-પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા (પ્રસાર માધ્યમમાં) વિવિધ ઘટનાઓ-પ્રસંગો
  • ભૌતિક પરિવર્તનો
  • સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન
  • મુલાકાત-આંતરક્રિયા
  • પુસ્તકો (નવલકથા, નવલિકા, વાર્તાઓ)

ઓફ એર દરમિયાન કરવાની પ્રવૃત્તિઓ

પ્રવત્તિ : (૧) નીચેના ફકરાનું વાચન કરો.

માનાભાઈ એક શિક્ષક છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમનો બાપદાદાનો વ્યવસાય પશુપાલનનો છે. તેઓ સમાજસેવા સાથે જોડાયેલા છે. તેઓને અવાર-નવાર બહાર જવાનું થાય ત્યારે અવનવી ચીજવસ્તુઓ, પુસ્તકો, માનચિત્રો વગેરે ખરીદી લાવે છે. માનાભાઈ આ ચીજવસ્તુઓ, પુસ્તકો, માનચિત્રો કે અન્ય સાધન-સામગ્રીનો ઉપયોગ તેમના જીવન વ્યવહારમાં કરે છે.

હવે અહીં નીચે આવી કેટલીક ચીજવસ્તુઓ આપેલ છે. જો માનાભાઈની જગ્યાએ તમે હો તો આ ચીજવસ્તુઓ, પુસ્તકો, માનચિત્રોનો ઉપયોગ એક શિક્ષક તરીકે, એક સમાજસેવક તરીકે, અને કુટુંબના વ્યવસાયકાર તરીકે કેવી રીતે કરશો ?

  1. નકશો (જિલ્લો, રાજ્ય, દેશ અને દુનિયાના રાજકીય નકશા)
  2. ચોકલેટ
  3. ઊનની બનાવટવાળી વસ્તુઓ
  4. ઘડિયાળ
  5. હોકાયંત્ર
  6. સમાચારપત્રો (વિશેષાંક)
  7. સામયિકો (સફારી, વિજ્ઞાનદર્શન, અભિયાન, ચાંદામામા, ચંપક, ચિત્રલેખા)
  8. પ્રવાસ-પર્યટન (પ્રવાસ બાદ કરેલ પ્રવાસવર્ણનની નોંધ)
  9. ગાંધીજીની આત્મકથા

10. પ્રવાહી માપવાનાં વિવિધ માપિયાં

11. ભરત-ગૂંથણની વસ્તુઓ

 

 

 

 

 

પ્રવૃત્તિ કેવી રીતે કરશો :

સૌપ્રથમ ઉપરોક્ત ફકરાનું વાચન કર્યા બાદ, આપેલ ચીજવસ્તુઓ પુસ્તકો વગેરેનાં નામ કાગળ પર લખો. બાદમાં નોંધાયેલ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરશો તેની અલગ કાગળમાં નોંધ કરાવીને તેની ચર્ચા કરો.

પ્રવૃત્તિ (૨) આપેલ સૂચના મુજબ પ્રવૃત્તિ કરો :

  • જ સૌપ્રથમ તમારા વર્ગમાં બધા જ તાલીમાથીઓને ખોરાક, પ્રાણી અને રંગોનાં નામની યાદી બનાવવાનું કહો.
  • યાદી બની ગયા બાદ એકત્ર કરો.
  • યાદી મેળવ્યા બાદ તાલીમાથીઓને એક અલગ કાગળમાં તમને ગમતા અને તદ્દન ન ગમતા ખોરાક, રંગો અને પ્રાણીઓની યાદી બનાવવાનું જણાવો.
  • યાદી બની ગયા બાદ મેળવી લો.

હવે બંને યાદી મેળવી લીધા બાદ તમારે ચકાસવાનું છે કે

વિધાન-૧ ‘કોઈ પણ સૂચના ના હોય અને યાદી બનાવવાની હોય ત્યારે વ્યક્તિ શરૂઆતમાં પોતાને ગમતા રંગો, ખોરાક અને પ્રાણીઓનાં નામ લખે છે.

આ વિધાન ચકાસવા માટે હવે તમે સૂચના આપ્યા બાદ બનાવેલ બીજી યાદી ચકાસો.

વિધાન-ર સૂચના મળવાથી બીજી યાદી ગમતાં અને તદ્દન ન ગમતાં રંગો, ખોરાક અને પ્રાણીઓની યાદી ક્રમમાં બનાવે છે.

આ બંને વિધાનને ધ્યાનમાં રાખીને બંને યાદીને સરખાવશું તો જોવા મળશે કે વ્યક્તિ સૂચના વગર પોતાને જે ગમતી બાબત હોય તેને પ્રથમ સ્થાન આપે છે. જે બાબત બીજી યાદીમાં આપેલ વસ્તુઓ સૂચના મળતાં બનાવેલ છે તેની સાથે લગભગ મળતી આવે છે.

આમ વિધાન-૧ મુજબ વ્યક્તિ સ્વાભાવિકપણે જે ગમતું હશે તેની પ્રથમ પસંદગી કરે છે. આ વલણ પર વર્ગમાં હકારાત્મક વલણની ચર્ચા કરો.

પ્રવૃત્તિ (૩) નીચેના ફકરાનું વાચન કરો :

જગદીશ નામનો વિદ્યાર્થી જૂન માસમાં શાળામાં દાખલ થાય છે. નિયમિત શાળાએ આવે છે. વગશિક્ષિકાબહેન જગદીશને ગમે છે. તેમની સાથે કાલી-કાલી ભાષામાં વાતો કરે છે. વર્ગખંડની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. પહેલા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બીજા વર્ગમાં અડધેથી અભ્યાસ છોડી દે છે. જગદીશ શાળાએ સતત ગેરહાજર રહેતાં વર્ગશિક્ષક જગદીશની ગેરહાજરી માટે અભ્યાસ કરીને કેટલાંક કારણો શોધે છે. આ કારણોને આધારે શિક્ષકશ્રી કાર્યવાહી કરે છે. પણ સફળતા મળતી નથી. તેમણે તારવેલ કારણો નીચે મુજબ છે. જો તમે જગદીશના વર્ગશિક્ષક હોય તો તમે કેવી રીતે કાર્ય કરશો ? તમે કેવા કેવા પ્રયાસો કરશો તેની નોંધ અલગ કાગળમાં કરો.

  1. વર્ગખંડમાં ભણવું ગમતું નથી.
  2. વાલીનું સ્થળાંતર
  3. શાળાની બહાર રહેવું ગમે છે.
  4. ઘરકામમાં મદદ કરવી પડે છે.
  5. વિદ્યાથી તોફાન કરે છે. શિક્ષક તેને બોલે છે.
  6. વિદ્યાર્થી વર્ગખંડમાં શિક્ષક જે પ્રવૃત્તિ કરાવે છે તે કરતો નથી પણ પોતાને ગમતી પ્રવૃત્તિ કરે છે.
  7. વિદ્યાર્થી ચાલુ શિક્ષણકાર્ય દરમિયાન બીજા વર્ગમાં ચાલ્યો જાય છે.

પ્રવૃત્તિ (૪) :

એક વર્ગખંડના વિદ્યાર્થીના વર્તન-વ્યવહાર પર અભ્યાસ કરવામાં આવ્યો. અભ્યાસ કરનારાઓએ જે તારણો કાઢ્યાં તે નીચે મુજબ છે. બાળકના વાલી તરીકે અને વર્ગશિક્ષક તરીકે તમે કેવાં હકારાત્મક વલણો અપનાવો તો બાળકના વર્તન-વ્યવહારમાં ઇચ્છિત ફેરફાર લાવી શકો તે કાગળમાં નોંધો.

બાળકના વર્તન-વ્યવહારનાં તારણો

  1. બાળકો શૈક્ષણિક સાધનો બનાવવામાં ઉદાસીન જણાય છે.
  2. કેટલાંક બાળકો શાળાએ મોડાં આવે છે.
  3. શાળાની દીવાલો પર બીભત્સ લખાણ લખે છે.
  4. કેટલાંક બાળકો ચોરી કરે છે.
  5. ગૃહકાર્ય લાવતાં નથી.
  6. ગણવેશમાં આવતાં નથી.
  7. એક-બીજા બાળકને ખીજવે છે.
  8. પ્રગતિપત્રકમાં કોઈની પણ સહી કરાવતાં નથી.
  9. પોતાની ભૂલ દબાવવા વારંવાર જુહું બોલે છે.

10. નાના બાળકને ધમકાવે છે.

ઉપરોક્ત તારણો મુજબ બાળકના વર્તન-વ્યવહારમાં સુધાર લાવવા તમે કયાં કયાં હકારાત્મક વલણ અપનાવશો તે કાગળ પર નોંધો.

પ્રવૃત્તિ (૫) :

નીચે કેટલાક સંવાદો આપેલ છે. સંવાદોનું વાચન કર્યા બાદ તમારે શું કરવું અને શું ન કરવું ! તે હકારાત્મક રીતે વિચારીને કાગળમાં નોંધો અને ચર્ચા કરો.

  • “મને ખબર છે ભિખબુ, કે તેં ઘણું બધું ગૃહકાર્ય કરી લીધું છે. પણ હજુ પણ થોડું કરવું પડશે.” “પપ્પા, હું હવે એક પણ અક્ષર લખવાનો નથી.” “જો તારે રાત્રે ટી.વી. જોવું હોય તો, ગૃહકાર્ય હું કહું તેટલું કરવું પડશે.” “પણ પપ્પા હું ટી.વી.માં કાર્ટુન ફિલ્મ જ જોઈશ.’ ‘એ નહિ ચાલે, ટી.વી. જોઈશ તો ભણવાનું બાકી રહી જશે.”
  • “વિનુ તું બહાર જતો હોય, તો સર્વેટર પહેરીને જજે.” કેમ ?’ “જો તારું શરીર સાવ નાજૂક છે, શરદી થઈ જશે.” ‘ના, મને શરદી નહિ થાય.”“મને ખબર છે કે તને શરદી થઈ જશે. પછી તારે શાળાએ જવાનું બંધ થશે, બે અઠવાડિયાં પછી પરીક્ષા આવે છે. એનું શું ?‘પણ મમ્મી મારો એક મિત્ર પ્રદર્શન જોવા જાય છે. મારે તેની સાથે જવું છે.” ‘ના, આપણે પ્રદર્શન જોવું નથી, ઘેર રહે.’

 

  • ‘દશરથ, ચિત્ર દોરવાનું બંધ કરી દે, ચાલ ખાઈ લે.’ ‘મારે હાલ ખાવું નથી.” ‘ભાઈ, તું ખાઈ લે, ત્યાર પછી અમારે બીજું કામ થાય.” ‘હું પણ ચિત્રકામ જ કરું છું.” ‘એ કામ પછી કરજે. મારે બહાર જવું છે.” (૪) ‘સાહેબ અમે રમવા જઈએ.” ‘ગોપાળ, જો તમારે રમવા જવું હશે, તો ધક્કામૂકી કરતાં નહિ. (પ) ‘મમ્મી, હું આજે મારી બહેનપણીના ઘેર રોકાઈ જઈશ.’ “જો બેટા તું ત્યાં રોકાઈ જઈશ તો તારું એસાઇન્મેન્ટ લખવાનું રહી જશે.’ “પણ મમી, આજે હું અને મારી બહેનપણી એક નાટકનું રિહર્સલ કરવાનાં છીએ.” ‘નાટકનું પછી પણ થશે, પણ આ એસાઇન્મેન્ટનું શું ?

 

પ્રવૃત્તિ (૬) નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો ? :

તમારા વર્ગખંડનાં ચાર વિદ્યાર્થીઓ જુદીજુદી માનસિક પરિસ્થિતિમાં છે. એટલે કે તેમણે માનસિક તણાવનો અનુભવ કર્યો છે. જે નીચે મુજબ છે. એક શિક્ષક તરીકે તમે આ વિદ્યાર્થીઓને માનસિક તણાવમાંથી બહાર કાઢવા શું કરશો ?

  1. એક વિદ્યાર્થીનાં મા-બાપનો લગ્નવિચ્છેદ થયો છે. વિદ્યાર્થી પિતાની પાસે રહીને શાળાએ આવે છે. વિદ્યાર્થી શાળામાં આખો દિવસ ગમગીન રહે છે.
  2. એક વિદ્યાર્થીનું કુટુંબ દારુણ ગરીબીમાંથી પસાર થઈ રહ્યો છે. વિદ્યાર્થી જ્યારેશાળામાં આવે છે, ત્યારે અન્ય વિદ્યાર્થી સાથે તાદાત્મય સાધવામાં નિષ્ફળ જાય છે.
  3. વર્ગખંડમાં એક વિદ્યાર્થી એવો છે કે જેની વ્હાલસોયી બહેનનું મૃત્યુ થયેલ છે. વિદ્યાર્થીની બહેનનું મૃત્યુ થવાથી તે વર્ગમાં વારંવાર રડે છે.
  4. એક વિદ્યાર્થી સંયુક્ત કુટુંબમાં રહે છે. તેના ઘરનાં બધાં જ સભ્યો વારંવાર ઝઘડતાં હોય છે. વિદ્યાર્થી કાયમ આ ઝઘડો જોતો હોય છે. શાળામાં આવે ત્યારે તે વારંવાર સાથી મિત્રો ઉપર ગુસ્સે થાય છે.

પ્રવૃત્તિ (૭) ત્યારે તમે શું કરશો ? કેમ ? :

નીચે કેટલાક સંવાદો આપ્યા છે. આ સંવાદમાં ક્યાંક વિદ્યાર્થી જિદ્દ કરે છે. ક્યાંક અણગમો વ્યક્ત થાય છે. ક્યાંક તેનો રસભંગ થાય છે. તમે આ પરિસ્થિતિમાં શું કરશો ? તેની ચર્ચા કરીને અલગ કાગળમાં નોંધો.

  1. ‘અમદાવાદ ?’ દસ વર્ષની હેપીએ પૂછ્યું. ‘હા, અમદાવાદ. તારા પપ્પાની બદલી થઈ છે.” માતાએ જવાબ આપ્યો.

“પણ, મમી અમદાવાદમાં આપણને કોઈ ઓળખતું નથી. ત્યાં મારા મિત્રો – રાજ, નેહલ અને બ્રિજેશા ક્યાં છે ? હું અમદાવાદ નહિ આવું !’ ‘બેટા, આપણી બદલી થઈ છે એટલે ત્યાં રહેવા જવું પડશે.” ‘ના, હું ત્યાં તો નહિ જ આવું.’

 

  1. ‘બાળમિત્રો, આજે આપણે રંગપૂરણી કરશું.” ‘સાહેબ, તમે તો ગઈકાલે નદીકિનારે ફરવા જવાનું કહેતા હતા.” ‘હા, હું કહેતો હતો, પણ હવે આપણે જવાનું નથી.’ ‘સાહેબ, અમને નદીકિનારે લઈ જાઓ ને ?’ ‘નહિ.” ‘ઠીક, સાહેબ તમને યોગ્ય લાગે તે.”
  2. ‘બાળકો શું કરો છો ?’ ‘સાહેબ ટી.વી. ઉપર કાર્ટૂન ફિલ્મ જોઈએ છીએ.” ‘ચાલો ટી.વી. બંધ કરો, આપણે ગણિતના દાખલા ગણીએ.” ‘સાહેબ, દાખલા પછી ગણાવજો, પહેલાં ટી.વી. જોવા દો ને ?’ ‘ના, પછી દેખજો, ચાલો, ટી.વી. બંધ કરી દો.’
  3. ‘બાળકો, આવતી કાલે રવિવાર છે, રવિવારના દિવસે છાપામાંથી તમને ગમતાં ચિત્રો કાપીને સંગ્રહ કરીને લાવશો ?’‘સાહેબ, કાલે તો અમારે મેચ રમવા જવાનું છે.” રાજ બોલ્યો.‘સાહેબ, મેચ પછી અમારે પિકનિકમાં જવાનું છે.”‘ઠીક છે, પણ સંગ્રહપોથી બનાવશો.”

પ્રવૃત્તિ (૮)

નીચે આપેલા વિષય ઉપર તમારા વર્ગમાં સેમિનાર પદ્ધતિથી ડિબેટ યોજો :

  • વિષય : ‘બાળગીત અને બાળવાર્તાથી બાળકોને પ્રવૃત્તિમય અને આનંદદાયી શિક્ષણ આપી શકાય છે.”
  • પ્રથમ બે જૂથ બનાવો, બંને જૂથનાં નામ આપી દો. જૂથના નેતા નીમો. સેમિનાર સભાના એક અધ્યક્ષની નિમણૂક કરો. સેમિનારની બેઠકમાં સૌથી ઉપર અધ્યક્ષનું સ્થાન રાખો. અધ્યક્ષની બાજુમાં (ડાબી અને જમણી બંને બાજુ) રિપોર્ટ લખનાર બે મિત્રોને બેસાડો. નીચે આકૃતિ અનુસાર બેઠક વ્યવસ્થા કરશો.

ઉપર મુજબ બેઠક વ્યવસ્થા કર્યા બાદ આપેલ વિષય ઉપર બંને જૂથને ચર્ચા કરવાનું જણાવો.

સેમિનાર પદ્ધતિની રીત

પ્રથમ બે જૂથ બનાવો, બંને જૂથનાં નામ આપી દો. જૂથના નેતા નીમો. સેમિનાર સભાના એક અધ્યક્ષની નિમણૂક કરો. સેમિનારની બેઠકમાં સૌથી ઉપર અધ્યક્ષનું સ્થાન રાખો. અધ્યક્ષની બાજુમાં (ડાબી અને જમણી બંને બાજુ) રિપોર્ટ લખનાર બે મિત્રોને બેસાડો. નીચે આકૃતિ અનુસાર બેઠક વ્યવસ્થા કરશો.

ચિત્રમાં દરસાવ્યાં  મુજબ બેઠક વ્યવસ્થા કર્યા બાદ આપેલ વિષય ઉપર બંને જૂથને ચર્ચા કરવાનું જણાવો.

બંને જૂથમાંથી એક જૂથે વિષયની હકારાત્મક બાબતની ચર્ચા કરવાની રહેશે. જ્યારે બીજા જૂથના સભ્યોઓ વિષયની નકારાત્મક બાબતની ચર્ચા કરશે. બંને જૂથના સભ્યો ચર્ચામાં જે જે મુદ્દાઓ રજૂ કરે તે તેમના જૂથના રિપોર્ટર નોંધ કરે. કોઈપણ રજૂઆત કરતાં પહેલાં જૂથના નેતાની પરવાનગી મેળવીને બોલવું, કોઈપણ રજૂઆત અધ્યક્ષને સંબોધીને કરવી. ચર્ચાના અંતે બંને પક્ષની દલીલો સાંભળીને અધ્યક્ષ ઉપર આપેલ વિષય(વિધાન)માં જણાવેલ હકીકત સાચી છે કે નહિ તે જણાવશો. નોંધ : અહીં આગળ આ પ્રવૃત્તિમાં આપણે હકારાત્મક વલણ ધરાવવા શું કરવું જોઈએ તે જાણવું

ચર્ચાપત્ર : ૧ (શિક્ષક-વિધાર્થીના સંદર્ભમાં)

  1. વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક થવા માટે તમે કઈ કઈ પ્રયુક્તિ અપનાવો છો ?
  2. સાથી શિક્ષકો તમારાં સલાહ-સૂચનો સ્વીકારે અને તમને માન આપે તે માટે તમે કેવી રીતે વતોં છો ?
  3. મને શા માટે મારા વિદ્યાર્થીઓ, મારી શાળાના વિકાસ માટે રસ છે ?
  4. મને શા માટે મારા શૈક્ષણિક કાર્યથી સંતોષ છે ?
  5. મને શા માટે લાગે છે કે મારી જાત સાથેનું વલણ હકારાત્મક છે ?
  6. વર્ગમાં ભિન્નતા ધરાવતા દરેક વિદ્યાર્થીને હું શિક્ષક તરીકે સ્વીકારું છું, કારણ કે.
  7. મને લાગે છે કે વર્ગખંડના વિદ્યાર્થીઓ સાથે મારે સાયુજ્ય (તાદાત્મય) સારું રાખવું જોઈએ.

ચર્ચાપત્ર-૨ (શિક્ષકના સંદર્ભમાં)

  1. જો શિક્ષકને વિશ્વાસ હોય કે તેના વર્ગના વિદ્યાર્થીઓ શીખી શકે છે તો તેઓ શીખશે, કારણ કે...
  2. શિક્ષકનું કોઈ વિષય પ્રત્યેનું વલણ બાળકને તે વિષય શીખવા પર અસર કરે છે, કારણ કે....
  3. વિદ્યાર્થીઓની રુચિનું ધ્યાન શિક્ષકે રાખવું જોઈએ, કારણ કે....
  4. વર્ગખંડમાં શિક્ષકનું વલણ અભ્યાસ પૂરો કરવા તરફ તેમ જ બાળકોને સમજવા તરફ હોય છે, કારણ કે....
  5. વિદ્યાર્થીએ ભૂલ શા માટે કરી તે અંગે શિક્ષકે વિચારવું જોઈએ...
  6. . શિક્ષક તો કાર્ય કરવા ઇચ્છે જ છે, કારણ કે....

ચર્ચાપત્ર : ૩ (વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયાના સંદર્ભમાં)

  1. વર્ગખંડ શિક્ષણની પ્રક્રિયા દરમિયાન હકારાત્મક સુદંઢકોનો જ ઉપયોગ કરવો જોઈએ.
  2. વર્ગખંડ શિક્ષણપ્રક્રિયા દરમિયાન તમારા વર્ગખંડના બે-ત્રણ વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. શિક્ષક તરીકે તમે શું કરશો ?
  3. વર્ગખંડ શિક્ષણની પ્રક્રિયા દરમિયાન બને ત્યાં સુધી નકારાત્મક સુદંઢકો ટાળવા જોઈએ. તેવું મને લાગે છે.
  4. વર્ગખંડ શિક્ષણપ્રક્રિયા દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીઓનું અવલોકન કરતા રહેવું જોઈએ ? શા માટે ?
  5. વર્ગખંડ શિક્ષણપ્રક્રિયા દરમિયાન વર્ગના બે-ત્રણ વિદ્યાર્થીઓ તમે પૂછેલ પ્રશ્નોના અધૂરા કે ખોટા ઉત્તરો આપે છે. શિક્ષક તરીકે તમે શું કરશો ?
  6. વર્ગખંડ શિક્ષણપ્રક્રિયા દરમિયાન શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે તંદુરસ્ત આદાન-પ્રદાન થવું જોઈએ. એ માટે તમે શું કરશો ?
  7. વર્ગખંડ શિક્ષણપ્રક્રિયા દરમિયાન હકારાત્મક શિક્ષક તરીકે આપ કઈ-કઈ બાબતોની કાળજી રાખશો ? યાદી તૈયાર કરો.

ચર્ચાપત્ર : ૪ (શિક્ષક-વાલી અને સમાજનાં સંદર્ભમાં)

  1. શિક્ષક સમાજનો અભિન્ન અંગ છે. કારણ કે........................
  2. ગામડામાં રહેનાર ગરીબ વ્યક્તિ માટે બાળકોને શાળામાં મોકલવાનું શું કારણ હોઈ શકે ?
  3. શિક્ષકોને વાલી સંપર્ક દ્વારા મળતી માહિતી ક્યાં અને કેવી રીતે ઉપયોગી થાય છે ?
  4. તમારાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જો જુદાં જુદાં ક્ષેત્રમાં કારકીર્દિ બનાવવી હોય તો તેનું નામ, વ્યવસાય અને તમને થતી સંતોષ અને ગર્વની લાગણીની યાદી બનાવો.
  5. વિદ્યાર્થીના પરિવાર કે શાળાના વિસ્તારમાં બનતી દુ:ખદ ઘટના (અકસ્માત, બિમારી, મૃત્યુ) વખતે શિક્ષકે ત્યાં હાજરી આપવી જોઈએ કારણ કે
  6. વિદ્યાર્થીના પરિવાર કે શાળાનાં વિસ્તારમાં યોજાતા સારાં પ્રસંગોએ (લગન, જન્મદિવસ) શિક્ષકે ત્યાં હાજરી આપવી જોઈએ કારણ કે........................
  7. દરેક વિદ્યાર્થીના વાલી તમારી સાથે નિ:સંકોચ રીતે વાતચીત, ચર્ચા-વિચારણા કરે તે માટે તમે કઈ પ્રવૃત્તિ અપનાવો છો ?
  8. સાથી શિક્ષકો તમારાં સલાહ-સૂચન સ્વીકારે અને તમને માન આપે તે માટે તમે કેવી રીતે વતાં છો ?

સંદર્ભગ્રંથો

  1. શિક્ષણના મનોવૈજ્ઞાનિક આધારો – ડો. મોહિની આચાર્ય પ્રકાશક : અક્ષર પબ્લિકેશન, અમદાવાદ
  2. સમાજલક્ષી માનસશાસ્ત્ર – ડો. બી. એ. પરીખ, પ્રકાશક : પોપ્યુલર પ્રકાશન, સુરત
  3. શિક્ષણસુધા મેગેઝિન (ડિસેમ્બર-૨૦૦૯નો અંક) રાજકોટ
  4. Excellence in Education – For Diet and Gcert (A.M.A. and Gcert, Gandhinagar)
  5. તમારા બાળકને કેવી રીતે કહેશો ? - ડૉ. પૉલ કોલેમન અનુ. નિલિમા શાહ (પ્રકાશક : એકલવ્ય એજયુકેશન ફાઉન્ડેશન)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate