વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માનવીય સંબંધો

માનવીય સંબંધો વિશેની માહિતી આપેલ છે

સંકલ્પના

પ્રાથમિક શિક્ષણક્ષેત્રે વર્ગવ્યવહારને અસર કરતું એક મહત્ત્વનું પરિબળ એ માનવીય સંબંધ છે. પ્રાથમિક શાળા ક્ષેત્રે અથવા કોઈ સંસ્થામાં આચાર્ય-શિક્ષક, શિક્ષક-વિદ્યાર્થી, શિક્ષક-વાલી, વિદ્યાર્થી-વિદ્યાર્થી, શિક્ષક-શિક્ષક, આચાર્ય-વાલી વચ્ચેના ઉષ્માપૂર્ણ વ્યવહાર દ્વારા શાળામાં ઊભું થતું તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ માટેનું પરિબળ એટલે માનવીય સંબંધ.

આાંતર માનવીય વ્યવહાર

શાળાકીય કક્ષાએ આચાર્ય એક કુશળ નેતા છે. તેણે પોતાની સાથે રહેલા શિક્ષકગણને કુશળ નેતૃત્વ પૂરું પાડવાનું છે. આ નેતૃત્વની સફળતાની આધારશિલા ઉષ્માપૂર્ણ માનવસંબંધો છે. આથી કાર્યસિદ્ધિ માટે શિક્ષકોનો સહકાર મેળવવો પડે છે. તેમને અભિપ્રેરણા પૂરી પાડવી પડે છે અને તેમની કાર્યકુશળતા કે કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય તેવા પ્રયાસો કરવા પડે છે. આ તો જ શક્ય બને કે જ્યારે આચાર્ય અને સહકાર્યકરો વચ્ચેના સંબંધો સુમેળભર્યા હોય તો.

શાળામાં જેમ આચાર્ય કેન્દ્રસ્થાને હોય છે તેમ શાળાનું બીજું મહત્ત્વનું અંગ શાળાના શિક્ષકો છે. આચાર્યની શૈક્ષણિક ફિલસૂફીને વાસ્તવિક ધોરણે અમલમાં મૂકવાનું કામ શાળાના શિક્ષકો કરે છે. આથી શિક્ષકોની શિક્ષણ પ્રત્યેની દૃષ્ટિ, વિચારો, ક્ષમતા અને અભિગમની અસર શાળાના વિદ્યાર્થીઓ ઉપર પડે છે. આમ શિક્ષકો એ શાળાનું શૈક્ષણિક પર્યાવરણ ઊભું કરવામાં નિર્ણાયક પરિબળ બની રહે છે. શિક્ષકોની વ્યવસાયિક સજજતા તેમની ફરજો પ્રત્યે તેમને સભાન બનાવે છે. જો શિક્ષક દૃષ્ટિવાન હોય તો સમગ્ર શિક્ષણતંત્રમાં પ્રાણવાન ભૂમિકા ભજવી શકે છે. ને શાળાના આચાર્ય, બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંબંધો વિકસાવી શાળા ને સમાજનો અતૂટ સંબંધ સ્થાપિત કરી શકે છે.

શિક્ષકનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હોવું જોઈએ. તે બહુપરિમાણીય વ્યક્તિત્વ ધરાવતો હોય તે જરૂરી છે. તેનામાં ચુંબકીય પ્રતિભા હોવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને તેના વ્યક્તિત્વમાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ શકે. બાળકો શિક્ષકનું અનુકરણ કરે છે. બાળકો શિક્ષકની વાણી અને વર્તનનું, તેના હલનચલનનું, તેની જીવનશૈલીનું, તેના વેશ-પરિધાનનું, તેના આચાર અને વિચારનું અનુકરણ કરીને સાથે સાથે તાદાત્મય અનુભવે છે. શિક્ષકનું ચારિત્ર્ય ઉત્તમ કોટિનું અને ઉમદા પ્રકારનું હોવું જોઈએ. ચારિત્ર્ય એ સુટેવોનો સમુચ્ચય છે. શિક્ષકના ઉચ્ચ ચારિત્ર્ય અને નૈતિક ગુણોનો પ્રભાવ વિદ્યાર્થીઓ પર પડે છે. તેના આચાર અને વિચારમાં એકતા હોવી જોઈએ. તેણે પોતાના માનવીય ગુણોથી વિદ્યાર્થીઓને ગુણસંપન્ન બનાવવાના છે.

શિક્ષકમાં સહાનુભૂતિ કે સહાનુકંપાનું ભાથું ભારોભાર ભરેલું હોવું જોઈએ. તેણે પોતાની શાળાનાં બાળકો, શિક્ષકો, અન્ય કર્મચારીઓ અને વાલીઓ સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન-વ્યવહાર રાખવાં જોઈએ. શિક્ષક એ શ્રદ્ધારસ્પદ વ્યક્તિ છે. આથી તેણે બાળકોના વાલીઓનો અને સાથી કર્મચારીઓનો યોગ્ય વિશ્વાસ સંપાદિત કરવો જોઈએ. વિદ્યાર્થીઓની સમસ્યાઓ તેમ જ વાલીઓની સમસ્યાઓ તરફ સહાનુભૂતિભર્યું વલણ રાખી તેમને વિશ્વાસમાં લઈ એ સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. તેણે વિદ્યાર્થીઓને અને સૌને સન્માન આપવું જોઈએ અને સન્માનપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના તંદુરસ્ત વ્યવહાર પર બીજી અગત્ય ધરાવતો સંબંધ વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે રહેલો છે. સામાન્ય રીતે શાળામાં અમુક વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રિય હોય છે જ્યારે અમુક વિદ્યાર્થીઓ પ્રિય હોતા નથી. આવા સમયે તે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ તંદુરસ્ત રહેવો મુશ્કેલ બને છે. તેથી વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય પર તેની વિપરીત અસર જોવા મળે છે. માટે જો શિક્ષક દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી સાથે તાદાત્મય કેળવાય, એકબીજાને મદદરૂપ થવાથી થતા ફાયદાને પ્રેરણાત્મક રીતે સમજાવવામાં આવે તો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ તંદુરસ્ત વાતાવરણ નિમણિ માટે ફળદાયી બનશે અને વિદ્યાર્થીઓમાં સંઘભાવનાનો વિકાસ થતો જોવા મળશે. જે અંતે વિદ્યાર્થીઓને પોતાના માટે ઉપયોગી જ સાબિત થવાનો છે.

શિક્ષકમાં સામાજિક સભાનતા હોવી જોઈએ. સમાજમાં તેનું આગવું સ્થાન અને આગવી ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે તેનામાં ઔદાર્ય, સંપ અને સહકારની ભાવના જાગૃત થવી જોઈએ. તે સામાજિક ઇજનેર છે. તેથી સમાજનું પરિવર્તન કરનાર સામાજિકતા તેણે વિકસાવવી જ રહી. બાળક સમાજનો ઉપયોગી સભ્ય અને ઉત્સાહી નાગરિક બને તે માટે બાળકમાં તેણે સામાજિક ગુણોનું સિંચન કરવાનું છે. તે સમાજનાં વાલીઓ, કાર્યકરો અને આગેવાનો સાથે સહેલાઈથી હળીમળી શકે તેવી રીતનો આત્મીયતાપૂર્ણ વ્યવહાર સમાજમાં સ્થાપિત કરવો જોઈએ. જે શિક્ષક સમાજથી અળગો રહી માત્ર પોતાના અહમના કોચલામાં પુરાઈ રહે છે અને સમાજને ઉપયોગી બનતો નથી તે ક્યારેય સમાજની અપેક્ષાઓ કે આકાંક્ષાઓને તૃપ્ત કરી શકતો નથી. ક્યારેક તેનો જિદ્દી સ્વભાવ સમાજમાં અવરોધક બને છે. માનસિક સંતુલન જાળવીને, મિલનસાર સ્વભાવ વડે સમાજના સૌ વર્ગનાં દિલ તેણે જીતી લેવાં જોઈએ. આ માટે તેનામાં સામાજિક ચતુરાઈ, નિર્ણયશક્તિ, વિષમ સંજોગોનો સામનો કરવાની ધીરજ, કૌશલ્ય વગેરે હોવાં જોઈએ. તે પૂર્વગ્રહરહિત, નિર્દભ, નિખાલસ અને પક્ષપાતથી પર રહીને કાર્ય કરી શકે તથા તેનામાં મહત્તા અને અન્યના ગુણોને આત્મસાત્ કરવાનું શ્રદ્ધાનું ઔદાર્ય અપેક્ષિત છે. આ માટે તેનામાં જીવન અને સમાજ પ્રત્યેનો હકારાત્મક અને વિધાયક દૃષ્ટિકોણ હોવો જોઈએ. તો જ તે સમાજમાં સમ્યમાનીય સ્થાન પ્રાપ્ત કરી શકશે. આમ, શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે મમતાપૂર્ણ આત્મીય સંબંધો વિકસાવવા જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અંગે વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકાય તે માટે પણ વાલીઓ સાથે ઉષ્માપૂર્ણ સક્રિય સંબંધો વિકસાવવા જોઈએ. માનવીય સંબંધોનાં વિકાસને લીધે કર્મચારીગણ અને શિક્ષકો પ્રોત્સાહિત બને છે અને શાળા સાથે અનન્ય લગાવથી કાર્ય કરે છે. માનવસંબંધના વિકાસને લીધે શાળા-પરિવારના સભ્યોમાં આત્મવિશ્વાસ, સમૂહભાવના અને મનોવૈર્યનું વાતાવરણ સજાય છે.

OFF AIR પ્રવૃત્તિ :

શિક્ષક તરીકેનો તમારો અન્ય સાથેનો માનવીય સંબંધ કેવો હોવો જોઈએ તે માટે નીચેના પ્રશ્નો દ્વારા ચર્ચા કરો.

 • બાળકોને સારું અધ્યાપનકાર્ય કઈ રીતે કરાવી શકાય ?
 • બાળકોમાં સંઘભાવના કેવી રીતે વધારી શકાય ?
 • બાળકોમાં સર્જનાત્મકતા વધારવા શિક્ષકોએ શું કરવું જોઈએ ?
 • બાળકના વિકાસ માટે શાળાકક્ષાએ શિક્ષકે કરેલા સીમાચિહનરૂપ કાર્ય કયાં ગણાવી શકાય ?
 • વર્ગખંડમાં શિક્ષક પોતાના નેતાગીરીના ગુણો કઈ રીતે અભિવ્યક્ત કરે છે ?
 • તમને તમારો વર્ગખંડ કેવો બનાવવાની ઝંખના છે ?
 • તમે વર્ગખંડના કાર્યબોજથી ઉત્પન્ન થયેલ તાણને ઓછી કરવા શું કરો છો ?
 • ભવિષ્યમાં શિક્ષણના નૂતન પ્રવાહને પહોંચી વળવા માટેની તૈયારી આપણે કેવી રીતે કરવી જોઈએ ?
 • આપણે સૌથી શ્રેષ્ઠ શિક્ષક કેવી રીતે બની શકીએ ?
 • તમારી કાર્ય કરવા અંગેની જીવનદષ્ટિ શી છે ?
 • આચાર્ય, અન્ય શિક્ષકો, બાળકો અને વાલીઓને આપણા પ્રત્યે વિશ્વાસ વધારવા માટે આપણે શું કરવું જોઈએ ?
 • આપણે પ્રત્યાયન સુધારવા માટે શું કરવું જોઈએ ?
 • નિર્ણય કરવાની કઈ શૈલી તમને વધારે પસંદ છે ?
 • ગુણવત્તાવાળી સેવા પૂરી પાડવા માટે તમે શું કરો છો ?
 • વર્ગખંડવ્યવહાર દરમિયાન મોટા ભાગે તમારે કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ? (૧૬) શિક્ષક તરીકે તમે કઈ ખોટી માન્યતાઓને તોડવાનો પ્રયત્ન કરો છો ?
 • વર્ગખંડ શિક્ષણકાર્યની ગુણવત્તા સુધારવા માટે શું કરવું જોઈએ ?

પ્રત્યાયન - ON AIR :

માનવ ખૂબ સંવેદનશીલ છે. તે પોતાની ખુશીઓ અને દર્દી, ગમા અને અણગમા, સ્નેહ અને તિરસ્કાર જેવાં સંવેદનોની બીજા સાથે આપ-લે કરે છે, તેમ જ તેઓની વાતચીત પરસ્પરનાં વર્તન-વ્યવહારોથી થાય છે. વ્યક્તિએ પોતાનું પોતાપણું ટકાવી રાખવા માટે પણ સમાજના અન્ય લોકો સાથે વાતચીતનો વ્યવહાર જાળવવો પડે છે. આ વાતચીતનો વ્યવહાર પ્રત્યાયન છે, જે જીવનનો આધાર છે. આ જ બાબત વર્ગખંડ શિક્ષણકાર્ય પર તેમ જ શાળાનાં ભાવાવરણ પર પણ અસર કરે છે. જેટલું વર્ગખંડમાં શિક્ષકો અને બાળકો વચ્ચેનું પ્રત્યાયન સારું તેટલો વર્ગવ્યવહાર ઉત્તમ ગણાય.

કોઈપણ શાળામાં ઘણી વ્યક્તિઓ કામ કરે છે. આ બધી વ્યક્તિઓ વચ્ચે સંકલન હોય તો શાળાનાં કાર્યો સારી રીતે પાર પડે છે. પ્રત્યાયન એક એવી પ્રક્રિયા છે કે જે શાળાની બધી વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપી, નિર્ધારિત ઉદ્દેશો અનુસાર શાળાના સંચાલનમાં સહાયરૂપ થાય છે. વર્ગખંડ શિક્ષણકાર્ય દરમિયાન શિક્ષક-વિદ્યાર્થીઓની પ્રત્યાયન પ્રક્રિયાઓમાં સંદેશાઓની આપ-લે થાય છે.

 • આ આપ-લેમાં વપરાતા સંદેશાઓ
 • શાબ્દિક સ્વરૂપે
 • અશાબ્દિક સ્વરૂપે
 • મિશ્ર સ્વરૂપે હોય છે.

મોટા ભાગે માનવવ્યવહારોનું સંચાલન ભાષાના માધ્યમ દ્વારા એટલે કે શાબ્દિક સ્વરૂપે થાય છે. જેઓનું ભાષાકૌશલ્ય નબળું હોય છે તેઓ અસરકારક પ્રત્યાયન કરી શકતા નથી. આ નબળાઈની વિપરીત હાનિકારક અસરો વર્ગખંડ-શિક્ષણકાર્ય પર થતી જોવા મળે છે.

(૧) શાબ્દિક પ્રત્યાયન

જ્યારે પ્રત્યાયનમાં સંદેશા શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક પ્રત્યાયન બને છે. શાબ્દિક પ્રત્યાયનની કેટલીક લાક્ષણિકતાઓ છે. શાબ્દિક પ્રત્યાયનમાં અક્ષરો શબ્દો બનાવે છે. શબ્દોને વ્યાકરણની મદદથી ગોઠવતાં વાક્યો બને છે. આ વાક્યો વ્યક્તિના વિચારો, સમજણ, મહત્ત્વાકાંક્ષાઓ, માન્યતાઓ અને સંવેદનાઓ - લાગણીઓ અભિવ્યક્ત કરે છે. એટલું જ નહિ, આ સઘળી બાબતોનું એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ પ્રસરણ થાય છે અને આના કારણે જ વાક્યોમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે. ઉદાહરણ તરીકે નીચેના વાક્યમાં ......... જગ્યામાં વારાફરતી ‘જ મૂકવાથી વાક્યના અર્થમાં શો ફેરફાર થાય છે તે જુઓ.

આજે ........ સાંજે ........ તમારે ....... મારે ....... ઘેર ...... જમવા ...... પધારવાનું છે ........

શાબ્દિક પ્રત્યાયન દરમિયાન ખાસ સાવચેતી રાખવી પડે છે. કારણ કે સંદેશાનો અર્થ અજ્ઞાનતામાંથી મુક્તિ અપાવે છે, બાળકોને દુભાવે છે, હસાવે છે, શીખવે છે, પ્રોત્સાહન-પ્રેરણા આપે છે, જિવાડે છે, મારે છે, લડાવે છે તેમ જ ભય પણ પેદા કરે છે.

પ્રવૃત્તિ OFF AIR

નીચે આપેલ પ્રથમ ભાષા કે વિચાર’ સંદર્ભિત ચર્ચાપત્રમાં દર્શાવેલ વિધાન માટે તમારો અભિપ્રાય આપો અને તે દરેક પાછળ તેનું સચોટ કારણ રજૂ કરો.

ચર્ચાપત્ર

પ્રથમ ભાષા કે વિચાર

ભાષા : વિચારવિનિમય માટે માનવજાતે નિપજાવેલી યાદચ્છિક, વાચિક ધ્વનિસંકેતોની વ્યવસ્થા એટલે  ભાષા

વિચાર : અનુભવોની આપણા ચિત્ત પર પડેલી છાપ, મુદ્રાઓ કે સંકેતો વચ્ચેના સંબંધો જોડવા એટલે વિચાર.

વિધાનો


 • વિચારવાની ક્રિયા ભાષા ઉપર આધારિત છે, કારણ કે વિચારોની મૌખિક કે લેખિત રજૂઆત તે જ ભાષા છે.

(a) સહમત (b) અસહમત (c) તટસ્થ,

 • બાળકોની વિચારવાની પ્રક્રિયા ભાષા વિના ચાલે છે.

(a) સહમત (b) અસહમત (c) તટસ્થ,

 • ભાષા વિના વિચારણા શક્ય છે, કારણ કે બહેરા-મૂંગા લોકો આંગળીઓના, સ્નાયુઓના ઉપયોગ વડે સંકેતથી વિચારો રજૂ કરે છે.

(a) સહમત (b) અસહમત (c) તટસ્થ,

 • ભાષા એ તો વિચારનું શ્રાવ્ય કે દેશ્ય સ્વરૂપ છે. આમ, ભાષા જ વિચારોને રજૂ કરે છે. ભાષા વિના વિચાર રજૂ કરી શકાતો નથી.

(a) સહમત (b) અસહમત (c) તટસ્થ,

 • ભાષા જ નવા નવા વિચારોને જન્મ આપે છે.

(a)  સહમત (b) અસહમત (c) તટસ્થ,

 • નવા નવા વિચારો જ નવી ભાષા જન્માવે છે. ભાષા વિચારની જ શોધ છે.

(a) સહમત (b) અસહમત (c) તટસ્થ,

 • ભાષા માટે વિચારની આવશ્યકપણે જરૂરિયાત છે, પણ વિચાર માટે ભાષા અનિવાર્યપણે જરૂરી નથી.

(a) સહમત (b) અસહમત (c) તટસ્થ,

 • વિચારોની રજૂઆત ભાષા વડે જ થતી હોય તો ભાષા શીખવતી વખતે શિક્ષકે વિચારોની અભિવ્યક્તિને ખૂબ પ્રાધાન્ય આપવું જોઈએ.

સહમત (b) અસહમત (c) તટસ્થ,

અશાબ્દિક પ્રત્યાયન- ON AIR

શબ્દો અને ભાષાના ઉપયોગ વગર થતું પ્રત્યાયન અશાબ્દિક પ્રત્યાયન છે.

અશાબ્દિક પ્રત્યાયનને ચાર રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમ કે પ્રતીકાત્મક, સંકેતાત્મક, કલાત્મક અને શારીરિક, ખાસ કરીને વર્ગખંડ શિક્ષણકાર્ય દરમિયાન વર્ગવ્યવહારની જરૂરિયાત પ્રમાણે શારીરિક પ્રત્યાયન એટલે કે બોડી લેંગ્લેવેજનો ઉપયોગ કરવાથી વર્ગકાર્ય વધુ અસરકારક બનાવી શકાય અને શિક્ષક-વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઘટાડી શકાય. આમ, ઘણી વખત વર્ગખંડ શિક્ષણકાર્ય દરમિયાન શાબ્દિક માહિતીને વધુ અસરકારક બનાવવા શિક્ષકે ઘણી વાર બોડી લેંગ્લેજ એટલે કે ચહેરાના હાવભાવ, અંગોનું હલનચલન, સંકેતો કે સંજ્ઞાઓનો પૂરક પ્રયુક્તિ તરીકે ઉપયોગ કરવો જોઈએ.

કેટલાક અગત્યના હાવભાવ અને તેમનાં સામાન્ય અર્થઘટનો

 • હથેળી ખુલ્લી – ઉપર તરફ, ખુલ્લા હાથ – નિખાલસ, આજ્ઞાંકિત, પ્રમાણિક
 • ઊંડો શ્વાસ લઈ મોઢેથી ગરમ ઉચ્છવાસ, માથું ધુણાવવું – હતાશા, લાચારી, અસહમતિ
 • અદબ વાળવી – સંરક્ષણ, અજંપો, અજાણી જગ્યા, શિષ્ટાચાર
 • મૂઠી વાળી અદબ વાળવી – ચિંતિત, નર્વસ
 • ખુરશીના હાથા પર પગ રાખી બેસવું – બેદરકારી, અસહકાર, ઉદ્ધત
 • ખુરશીમાં ઊંધા બેસવું, ખુરશીની પીઠની ઢાલ બનાવવી – પ્રભુત્વ, રોફ – મોભો
 • ગોઠણથી પગની આંટી મારી પગ હલાવવો – કંટાળો, અજંપો
 • દાઢી કે હડપચી ટપારવી, હાથથી ખરજ કરવી – નિર્ણય લેવો
 • ઇરાદાપૂર્વક ચરમાં ઉતારી કાચ સાફ કરવા – નિર્ણય લેવા વધુ સમય લે છે.
 • મુઠ્ઠીઓ સ્નાયુઓ પર મારવી – ખાતરી મેળવવા મથે છે.
 • ખુરશીની ધાર પર બેસવું – સહકાર આપવા તૈયાર, અજંપો, ઉતાવળ
 • હાથનાં આંગળાં ગરદન પાછળ રાખવાં – સંરક્ષણ, કંટાળો
 • કાલ્પનિક વસ્તુને લાત મારવી - હતાશા, નિરાશા
 • નાક ચડાવવું – અણગમો
 • બંને હાથ માથા પાછળ રાખી પાછળ ઝૂકવું – સત્તાશાહી, આત્મવિશ્વાસ
 • ખુરશીમાં શરીર હલાવતા રહેવું – તાણ
 • કપડાં પરથી તાંતણા શોધી કૂંક મારવી – અવગણના, અસહમત
 • મો આગળ હાથ લાવવો – ખોટું બોલવું કે બોલવાનું રોકવું
 • અiખ ચોળતાં ચોળતાં નજર હટાવવી – અસત્ય છુપાવવું
 • સ્મિત, હાથ ઊંચો કરી પંજો હલાવવો – સ્વીકાર, ખુશી
 • માથું ખંજવાળવું – વિસ્મૃતિ, વિચારવું
 • માથા પર આંગળાંથી ટપારવું – દિલગીરી, પોતાના વર્તન પર ગુસ્સો
 • નજરથી નજર મેળવવી – આત્મવિશ્વાસ
 • આંખો પહોળી થવી – આશ્ચર્ય, ખુશી
 • આંખો ઝીણી, ભ્રમર તાણવી, કપાળમાં કરચલી – ગુસ્સો, સમજણ ન પડવી
 • ટેબલ કે બુક પર આંગળી ટપારવી કે તબલાં વગાડવાં – અજંપો, તાણ
 • હથેળીઓ ઝડપથી ઘસવી – અન્યના લાભની વાત
 • હથેળીઓ ધીમે ધીમે ઘસવી – પોતાના લાભની અપેક્ષા
 • કોણી ટેબલ પર ટેકવી બંને હાથના પંજા વચ્ચે માથું ટેકવવું – કંટાળો, રસનો અભાવ
 • વાતચીત કરતી વખતે હાથ ખિસ્સામાં – સંશય, સંરક્ષણ, છુપાવે છે
 • નખ કરડવા, પેન મોંમાં નાખવી, વાળની લટ પકડવી ચોળવી – ચિંતા, અજંપો, તાણ, અસ્પષ્ટ વલણ

મિશ્ર પ્રત્યાયન

જ્યારે પ્રત્યાયનમાં સંદેશાઓ શાબ્દિક અને અશાબ્દિક સ્વરૂપે રજૂ થતા હોય ત્યારે તે પ્રત્યાયનને મિશ્ર પ્રત્યાયન કહે છે.

પ્રત્યાયનનું મહત્ત્વ

 • પ્રત્યાયન એ પ્રેરણાનું માધ્યમ છે, સાધન છે. શિક્ષકોનાં વ્યક્તિગત લક્ષ્યો, આવશ્યકતાઓ અને ભાવનાઓ, લાગણીઓથી જ્ઞાત કરી તેને ઉત્પ્રેરિત કરવા માટે પ્રત્યાયન આવશ્યક છે.
 • યોગ્ય નિર્ણય લેવા માટે શિક્ષક / આચાર્ય પાસે જરૂરી માહિતી હોવી આવશ્યક છે. આ માહિતીને વિચારવિમર્શ દ્વારા પ્રાપ્ત કરે છે. પરંતુ એ માટે પ્રત્યાયન ખૂબ જ જરૂરી બને છે.
 • પૂર્વાનુમાન કે આગાહી માટે પણ પ્રત્યાયન જરૂરી છે.
 • શાળાના કુશળ શિક્ષક / આચાર્યનો આધાર પ્રભાવી પ્રત્યાયનવ્યવસ્થા પર નિર્ભર છે
 • પ્રત્યાયનનું સવિશેષ મહત્ત્વ તો માનવસંબંધો સ્થાપવા, શાળાના શિક્ષકોની સમસ્યાઓ, મુશ્કેલીઓ, અપેક્ષાઓ અને લાગણીઓનું જ્ઞાન શિક્ષક / આચાર્ય પાસે અપેક્ષિત છે. સતત પ્રત્યાયન સિવાય સૌહાર્દપૂર્ણ માનવસંબંધોની સ્થાપના લગભગ અસંભવ છે. પ્રત્યાયન અને માનવસંબંધો એ જોડિયાં બાળકો જેવા છે.
 • શાળાના શિક્ષકોનું મનોધેર્ય વધારવામાં તેમ જ તેનું નિર્માણ કરવામાં પારસ્પરિક વિચારવિમર્શ એટલે કે પ્રત્યાયન અગત્ય ધરાવે છે.
 • શંકાઓ અને ગેરસમજ દૂર કરવામાં પ્રત્યાયન મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.
 • શિક્ષકો વચ્ચે પારસ્પરિક સહયોગ વધારવામાં પ્રત્યાયન ફાળો આપે છે.
 • અન્ય શાળાઓ અને શિક્ષકો સાથે સંપર્ક જાળવી રાખવા માટે પ્રભાવપૂર્ણ પ્રત્યાયન પ્રણાલી આવશ્યક છે.

પ્રત્યાયનની વિશેષતા

 • પ્રત્યાયન એ હકીકતો, માહિતી કે સૂચનાઓ સાથે લાગણીઓ, વિચારો, અભિપ્રાયો અને પરસ્પરના સમજનાં આદાન-પ્રદાનની પ્રક્રિયા છે.
 • પ્રત્યાયન એ માનવીય આંતરવ્યવહારની એક વ્યવસ્થિત, સતત અને ગતિશીલ પ્રક્રિયા છે.
 • પ્રત્યાયન એ વ્યક્તિઓ વચ્ચેનો સમજનો એક સેતુ છે.
 • પ્રત્યાયન મૌખિક, લેખિત કે સાંકેતિક હોઈ શકે છે.
 • પ્રત્યાયન એ માત્ર સંદેશ આપનારની યોગ્યતા પર જ નિર્ભર નથી, પરંતુ સાંભળનારની યોગ્યતા પર પણ આધારિત છે.
 • પ્રત્યાયન એ વ્યક્તિની ભીતરમાં ઘટતી પ્રક્રિયા છે.
 • પ્રત્યાયનમાં મતે ક્ય હોવું જરૂરી નથી. પરંતુ એકસરખી સમજ અને સમાન અર્થ હોવાનું જરૂરી છે.

OFF AIR

શાળામાં આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, અન્ય વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ – સહકાર કેવો છે તે જાણવા માટેની અભિપ્રાયાવલિ.

ક્રમ

વિધાન

 

સહમત

અંશતઃ સહમત

અસહમત

1

શાળાના તંદુરસ્ત વાતાવરણ માટે આચાર્ય અને શિક્ષકો વચ્ચેનો સંબંધ સુમેળભર્યો હોવો જરૂરી છે.

2

શિક્ષક-શિક્ષક વચ્ચેનો સંબંધ સુમેળભર્યો હોવો જરૂરી છે.

3

આચાર્ય દ્વારા શૈક્ષણિક કાર્ય થવું જરૂરી છે

4

શિક્ષકોએ પ્રસંગોપાત્ત આચાર્યને બિનશૈક્ષણિક / વહીવટી કાર્યમાં મદદરૂપ થવું જરૂરી છે

 

5

શિક્ષકો વિષયવસ્તુમાં પોતાની નબળાઈને દૂર કરવા તજજ્ઞ મિત્રો પાસેથી જાણવા હંમેશાં ઉત્સુક હોય છે.

6

અનિયમિત બાળકોને નિયમિત બનાવવા માટે શિક્ષકો ક્રિયાશીલ હોય છે

7

શિક્ષકોની લાંબી ગેરહાજરીથી બાળકો બેચેની અનુભવે છે.

8

શિક્ષકો બાળકો સાથે આત્મીયતાભર્યો સંબંધ જાળવે છે.

9

શિક્ષક અને વાલી વચ્ચે સુમેળભર્યો સંબંધ જોવા મળે છે.

10

શાળાના વિકાસ માટે આચાર્ય/શિક્ષકોનો ગામ સાથેનો વ્યવહાર તંદુરસ્ત હોવો જરૂરી છે.

11

શિક્ષકોએ હંમેશાં આચાર્યની વાતનો સ્વીકાર કરવો જોઈએ.

12

આચાર્ય દ્વારા શિક્ષકોના કાર્યને પ્રસંગોપાત્ત બિરદાવવામાં આવે છે

13

શાળાના વિકાસમાં આચાર્ય/શિક્ષક દ્વારા “મારા થકી શાળાનો વિકાસ થયો છે” તેવું ‘હુંપણું જોવા મળે છે.

14

શાળામાં બાળકોના શૈક્ષણિક પ્રવાસ માટે શિક્ષકોમાં અનેરો આનંદ જોવા મળે છે.

 

15

શાળાની જુદી જુદી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કોઈ એક શિક્ષકને સોંપણી કર્યા વગર સામૂહિક ભાવનાથી કાર્ય થાય છે.

16

શૈક્ષણિક તાલીમવર્ગ દ્વારા શિક્ષકોની વિષયવસ્તુની સજજતામાં ઘણો જ સુધારો થતો જોવા મળે છે.

17

CRC/BRC કો-ઓર્ડિનેટર દ્વારા શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન મળે છે.

18

CRC/BRC કો-ઓર્ડિનેટર શાળાની મુલાકાત દરમિયાન વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય કરી શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડે છે.

19

CRC/BRC કો-ઓર્ડિનેટર દ્વારા સારું કાર્ય કરતા શિક્ષકોને બિરદાવવામાં આવે છે.

20

કે. નિ. શ્રીઓ દ્વારા શિક્ષકોએ કરેલા સારા કાર્યની પ્રશંસા કરવામાં આવે છે.

 


OFF AIR વિચારો

આપણે કેવા પ્રકારના વાચકો છીએ વાચકો ચાર પ્રકારના હોય છે. પહેલા પ્રકારના વાચકો કલાક-શીશીને મળતા આવે છે; કેમ કે તેઓનું વાચન કલાક-શીશીમાંથી પસાર થતી રેતી જેવું છે. રેતી જેમ તેની પાછળ એક પગલું પણ પડવા દેતી નથી તેમ આ વાચકો વાંચે છે ખરા, પણ તેમના પર તેની લેશમાત્ર અસર થતી નથી.

બીજા પ્રકારના વાચકોની સ્થિતિ વાદળી (sponge) જેવી છે, કેમ કે, જેમ વાદળી પાણીનું ટીપેટીપું ચૂસી લઈને તેને નિર્વિકાર બહાર ફેંકી દે છે (કદાચ થોડું ગંદું બનાવી આપે તે વિશેષમાં) તેમ આ વાચકો જે વાંચે છે તેને જેવું ને તેવું વ્યક્ત કરે છે.

વાચકોનો ત્રીજો પ્રકાર ગળણી (filter bag)ને મળતો આવે છે, કેમ કે તેઓ જે વાંચે છે તેમાંથી કેવળ શુદ્ધ અને સાચી વસ્તુને જ પસાર થવા દે છે, અને કચરો અને શેષભાગને જમા રાખે છે.

વાચકોના ચોથા પ્રકારની સરખામણી ગોલકાંડાની હીરાની ખાણોના ગુલામો સાથે કરી શકાય, કેમ કે તેઓ દરેક નકામી વસ્તુ બાજુ પર ફેંકી દઈને ફક્ત સાચા હીરાને જ સાચવી રાખે છે.

સાચો વાચક પણ હીરા (મુખ્ય વિચાર)ને અપનાવી લે છે અને અન્ય શબ્દો કે બિનઉપયોગી વાક્યોને છોડી દે છે.

OFF AIR

વાચનની ક્ષમતાઓ અને ક્ષતિઓનો સ્પષ્ટ નિર્દેશ આપતી શોધિની (Inventory)

 • માન્ય રીતે તમારી વાચનની ઝડપ કેટલી છે ?

ખૂબ ઝડપી – ઝડપી – મધ્યમ - ધીમી - બહુ ધીમી

 • તમે કેટલું સારી રીતે વાંચી શકો છો ?

ઘણું સારું - સારું - મધ્યમસરનું - ઠીક ઠીક – નબળું

 • શું તમારી ઝડપ પાઠયપુસ્તક, નવલકથા, છાપું વગેરે વાંચવામાં ઓછીવત્તી થાય છે ?

હા - ના – લગભગ સમાન ઝડપ – ખબર નથી

 • વાચનમાં તમારું શબ્દભંડોળ કેવું છે ?

ઉત્તમ – સારું – નબળું

 • તમારે વિષયવસ્તુ સમજવા માટે એક જ મુદ્દો વારંવાર વાંચવો પડે છે ?

હા, વારંવાર – કોઈક વાર – ભાગ્યે જ

 • વાંચતી વેળાએ ધ્યાન કેન્દ્રિત કરવાનું અઘરું લાગે છે ?

ઘણી વખત – કોઈક વાર – ભાગ્યે જ

 • વાંચેલું અઠવાડિયા પછી યાદ કરવાનું તમને અઘરું લાગે છે ?

વારંવાર – કોઈક વાર – ભાગ્યે જ

 • વાંચ્યા પછી બધા જ મુદ્દાઓ સમજવામાં તમને ચિંતા રહ્યા કરે છે !

વારંવાર – કોઈક વાર – ભાગ્યે જ

 • શબ્દકોશની મદદ લીધા પછી પણ તમને નવા શબ્દોના અર્થ યાદ રાખવામાં મુશ્કેલી પડે છે ?

વારંવાર – કોઈક વાર – ભાગ્યે જ

 • તમે અત્યારે દિવસમાં કેટલા કલાક વાંચો છો ?
  • અભ્યાસક્રમનાં પુસ્તકો..... (કલાક)
  • છાપાં.... (કલાક)
  • સામયિકો... (કલાક)
  • વાર્તા ઇત્યાદિ. (કલાક)
  • માહિતીપ્રધાન લેખો... (કલાક)
 • તમને વાંચવામાં મજા પડે છે ?

હા, ના, ક્યારેક

 • તમને કયા પ્રકારનું વાચન બહુ ગમે છે ?

અભ્યાસ અંગેનું - વાર્તા – છાપું...

 • છેલ્લા થોડાક મહિનાઓમાં તમને કોઈ પુસ્તક વાંચવામાં રસ પડ્યો છે ?

ના - હા... તો કયું પુસ્તક ?

 • કયા પ્રકારનું વાચન તમને અતિશય અઘરું લાગે છે ?
 • હા, ના, ક્યારેક
 • શું તમારી દૃષ્ટિએ વાચન કરવું જરૂરી છે ?

હા - ના,

ઉપરના તમામ પ્રશ્નોના હા, ના કે વિકલ્પ જવાબો વિચારપૂર્વક પૂર્ણ રીતે આપો. “સાચા’ કે “ખોટા" જવાબો નથી; કે નથી તેમાં ગુણાંકન. તમે આપેલા જવાબ પરથી તમારી વાચનટેવો, વલણો, વાચનની મુશ્કેલીઓ ઇત્યાદિનો સાચો ખ્યાલ આવશે. તેના પરથી તમને કેવા અને કેટલા ફેરફારો કરવા તે પણ સમજાશે.


અમને સાંભળો તો ખરા ! OFF AIR

ધોરણ ચોથામાં અભ્યાસ કરતો હાઈસ્કૂલના શિક્ષકનો દીકરો હર્ષદ ત્યારે વડોદરાની સ્ટેશન વિસ્તારની એક જાણીતી હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભણતો હતો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ એક જ મકાનમાં બેસતી હોવાથી સવારે અને બપોરે એમ બે પાળીમાં શાળાઓ ચાલતી હતી. હર્ષદની શાળાનો સમય સવારનો હતો, જ્યારે તેના પિતાની નોકરીનો સમય બપોરનો હતો.

એક દિવસ હર્ષદના પિતા કંઈક કારણસર તેમના નિશ્ચિત સમય કરતાં વહેલા શાળામાં જઈ ચડયા. તેમને સ્વાભાવિક રીતે જ તેમના પુત્ર હર્ષદને તેના વર્ગમાં જઈને, મળવાની અને ભણતો જોવાની ઇચ્છા થઈ. તે વર્ગમાં ગયા અને બહારથી જ નજર ફેરવી. હર્ષદ બેઠેલો ન જોતાં તેમણે શિક્ષકને પૂછ્યું :“મારો પુત્ર આજે શાળામાં નથી આવ્યો ?”

શિક્ષકે પણ સમગ્ર વર્ગ પર દૃષ્ટિપાત કરીને ‘ના’ કહ્યું ત્યારે પિતાને ધ્રાસ્કો પડ્યો. એમણે પેલા શિક્ષકને સ્પષ્ટતા કરી કે હર્ષદ સવારનો ઘેરથી રોજની જેમ તે દિવસે પણ નિશાળે આવવા નીકળ્યો હતો અને તે કેમ નથી આવ્યો એ પ્રશ્ન છે. અંતે વર્ગશિક્ષકને મળ્યા, તો તે કહે : “સવારે પહેલા તાસમાં હર્ષદ વર્ગમાં હતો અને તેની હાજરી પણ પૂરવામાં આવી હતી.” બીજા તાસમાં પણ તે હાજર હોવાનો પુરાવો અન્ય શિક્ષકે આપ્યો. ત્રીજા તાસના શિક્ષકે કહ્યું : “મેં આજે એને વર્ગમાં જોયો છે, પણ ચોથા તાસમાં તે દેખાયો નહિ.”

“કદાચ ઘેર જતો રહ્યો હોય ! ઘેર તપાસ કરો.” વર્ગશિક્ષકે સલાહ આપી. “ત્રીજો તાસ કેટલા વાગે પૂરો થાય છે ?” “સાડા નવ વાગ્યે.” હજી દસ  અને દસ મિનિટ થઈ છે. બસસ્ટેન્ડ પર કે આજુબાજુ તપાસ કરું !” કહીને એ વત્સલપિતા હર્ષદની ખોજમાં સાઇકલ પર બેસી નીકળી પડ્યા. રસ્તામાં કોઈએ કહ્યું કે તેણે હર્ષદને રેલવેસ્ટેશન પર રમતો જોયો હતો. રેલવેસ્ટેશન પર બારીક તપાસ કરી. દુકાનો, બગીચા વગેરે સ્થળોએ તપાસ કરી નિરાશ થયેલા પિતા અંતે હર્ષદ, જે બસસ્ટેન્ડથી રોજ બસમાં બેસતો, ત્યાં નજર કરવા ગયા. એમના આત્માને સંતોષ થયો, સાઇકલનું પેડલ ઝડપથી વાગ્યું અને ક્ષણાર્ધમાં તો તે હર્ષદ નજીક જઈ ઊભા રહ્યા. હર્ષદ જે સ્થળે અને જે સ્થિતિમાં ત્યાં બેઠો હતો એ જોતાં જ તેના પિતાને આંખે ઝળઝળિયાં આવી ગયાં. હર્ષદ બસસ્ટેન્ડ પાસેના એક આસોપાલવના વૃક્ષ નીચે બેઠોબેઠો ગૃહકાર્ય લખી રહ્યો હતો ! તેનું દફતર આસોપાલવની એક નીચે નમેલી ડાળે લટકતું હતું. હર્ષદ ઉતાવળો ઉતાવળો ગુજરાતી પાઠયપુસ્તકના એકથી તેર પાઠના પ્રશ્નોના જવાબ લખી રહ્યો હતો. તેના મુખ પર પ્રસ્વેદબિંદુ છવાયાં હતાં, આંખો થાકી હતી. પિતાને જોતાં જ હર્ષદની આંખોમાંથી દડદડ અશ્રુબિંદુ વહેવા લાગ્યાં. પિતાએ તેને છાતીસરસો ચાંપી દીધો. તેનું દફતર લઈ તેને સાઇકલ પર બેસાડી તે ઘેર ગયા. ઘેર જઈ તેમણે પોતાના દીકરાને સાંત્વન આપી બારીક પૂછપરછ કરીને નિશાળમાંથી ચાલ્યા જવાનું કારણ શોધ્યું. હર્ષદે કહ્યું : “પપ્પાજી, મારા ગુજરાતીના સાહેબે ગઈકાલે અમને પચાસ શબ્દો પાંચ વખત ઘેરથી લખી લાવવાનું કહ્યું હતું. “જે નહિ લખી લાવે તેને સખત શિક્ષા કરીશ.” એમ પણ કહેલું. મેં ગઈકાલે રાત્રે ત્રણ વખત શબ્દો લખ્યા હતા. બાકીના હું ન લખી શક્યો. ત્રીજા તાસ પછી એ સાહેબનો તાસ આવે અને મને એ મારે એટલે હું નિશાળમાંથી જતો રહ્યો હતો ” “નહિ મારે; બેટા; ફરી આવું ન કરતો હોં !” પિતાએ ફરીથી આશ્વાસન આપ્યું. “હું તો આવું નહિ કરું પપ્પા, પણ સાહેબ આટલું બધું ગૃહકાર્ય આપે તે કેવી રીતે લખી શકાય ?” હર્ષદનો આ પ્રશ્ન બાળકોના શિક્ષણ સાથે સંકળાયેલ સૌ શિક્ષકોને માટે ગંભીર સવાલ છે. ગૃહકાર્ય આપવામાં પણ બાળકોની કક્ષા, શક્તિ, સમય, રુચિ ઇત્યાદિ લક્ષમાં ન રાખવાં જોઈએ ? – શિક્ષક તરીકે તમોને ખાતા મારફત બાળકની કક્ષા અનુસાર ગૃહકાર્ય કેટલું આપવું જોઈએ ? તેનો પરિપત્ર મળેલ હશે, વાંચેલ પણ હશે. તેને ધ્યાનમાં રાખીને જ આપણે જુદા જુદા વિષયો માટે ગૃહકાર્ય આપીશું.

વર્તન - પરિવર્તન : ΟΝ ΑΙΡ

વ્યક્તિના અંતર્મનમાં રહેલા વિચારો પોતાની કાર્યશૈલીમાં વ્યક્ત કરે તે વર્તન.

દરેક વ્યક્તિ જે કંઈ કાર્ય કરે છે તે પાછળ તેના મનમાં રહેલા વિચારો કે જે વર્તન સ્વરૂપે પ્રગટ કરે છે. આ વર્તન હકારાત્મક હોય અને નકારાત્મક પણ હોય, હકારાત્મક વર્તન પોતાના માટે, સમાજ માટે ઉપયોગી છે, પરંતુ નકારાત્મક વર્તન પોતાને અને સમાજને નુકસાનકારક નીવડે છે.

સમાજના – દેશના વિકાસ માટે ભાવિ પેઢીનું ઘડતર કરવાનું કાર્ય કરતી વ્યક્તિઓ એટલે કે શિક્ષકો, શિક્ષકોનાં વર્તન હકારાત્મક હોવાં ખૂબ જ જરૂરી છે. કારણ કે શિક્ષક દ્વારા જ બાળકને કેળવી દેશનું ભાવિ ઘડવાનું છે. જો શિક્ષકનું વર્તન હકારાત્મક નહિ હોય તો તેની અસર તેના વિદ્યાર્થી પર અચૂક જોવા મળશે.

જે શિક્ષક તરીકે આપણને અત્યારે તરત જ નહીં સમજાય પરંતુ આજનો સમય જતાં – લાંબા ગાળે વિદ્યાર્થી જે પુખ્ત નાગરિક બની ગયેલ હશે તેને તેનો ખ્યાલ આવશે જ કે મારા ઘડતર માટે મારાં માતા-પિતા ઉપરાંત શિક્ષકનો પણ ફાળો રહેલો છે. જ્યારે શિક્ષક તરીકેની આપણી છાપ ઊભી થશે, જે સારી કે ખરાબ - બેમાંથી એક હશે જ. માટે જ આપણે આપણા હકારાત્મક વર્તન દ્વારા આપણા દ્વારા તૈયાર થતાં બાળસ્વરૂપ છોડને પૂરેપૂરા તંદુરસ્ત ખીલવવા જોઈએ. જે ખાસ કરીને ગ્રામ વિસ્તારનાં બાળકો માટે તો ખૂબ જ જરૂરી છે, કારણ કે ગ્રામ વિસ્તારનાં બાળકોનાં વાલીઓ પોતાના ખેતીકામને કારણે બાળકોના વિકાસ માટે બિલકુલ બેદરકાર જોવા મળે છે. ત્યારે આપણે શિક્ષક તરીકે આવાં બાળકોનાં વિકાસ માટે ભગવાને આપણને તક આપી છે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી, આપણા અંતરાત્મા વડે આપણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશું. શાળામાં આપણી પાસે જુદીજુદી જાતિ-જ્ઞાતિનાં બાળકો આવતાં હોય છે. તેમના વર્તનમાં ભિન્નતા જોવા મળે છે. જે ભિન્નતા બાળકો થકી જ હોય છે. પરંતુ શાળામાં એકવાર દાખલ થયા બાદ બાળકનું વર્તન સંપૂર્ણ પોતાના વિકાસ તરફનું બને તે જોવાનું કામ શિક્ષક તરીકે આપણું વધી જાય છે, માટે જ જો બાળકનું વર્તન નકારાત્મક કાર્ય તરફ ખેંચાયેલ જોવા મળે તો શિક્ષક તરીકે આપણે તે થવા પાછળનું કારણ જાણવું ખૂબ જ જરૂરી રહે છે. અને તેના વર્તનમાં પરિવર્તન આવે તેવા પ્રયત્નોમાં લાગી જવું પડે. બાળક ચંચળ છે. તેને પોતાની ઉંમર મુજબ તોફાન કરવાં ગમે જ, પરંતુ આ બધા સાથે પોતાના સ્વવિકાસ માટે પણ ઉપયોગી બને તેવું વર્તન કરવા માટે શિક્ષકે તેમને પ્રેરવાં જોઈએ. શિક્ષક તરીકે આપણું વર્તન પણ હકારાત્મક હોવું જરૂરી છે. જો આપણે જ નકારાત્મક વર્તન રાખીશું તો બાળક આપણી પાસેથી સારું કંઈ જ નહિ શીખે, શિક્ષક તરીકે આપણું વર્તન એવું હોવું જોઈએ કે જેથી બાળક તેનું અનુકરણ કરે અને તે તેના વિકાસ માટે પગથિયારૂપ સાબિત થાય. શિક્ષક તરીકે આપણે બાળકની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવી જોઈએ. બાળકને નવું જાણવાની ઉત્કંઠા હોય જ, તો તે મુજબ તેને યોગ્ય જવાબ આપી જિજ્ઞાસાવૃત્તિ પૂર્ણ કરવી જોઈએ. આમ શિક્ષક તરીકે આપણું વર્તન બાળકના વિકાસને પ્રેરે છે. આપણે જાણીએ છીએ કે શહેરી વિસ્તારનાં બાળકોનો બુદ્ધિઆંક સામાન્ય રીતે ગ્રામ વિસ્તારનાં બાળકો કરતાં ઊંચો જોવા મળે છે. એટલે કે શહેરી વિસ્તારના શિક્ષકો કે જે પ્રાઇવેટ સંસ્થામાં અધ્યાપનકાર્ય કરાવે છે તેઓએ તો વર્તમાન સ્થિતિનું જ્ઞાન તેમ જ શિક્ષણના નૂતન પ્રવાહ અંગેનું જ્ઞાન અવશ્ય રાખવું જરૂરી છે. અન્યથા તેઓ વિદ્યાર્થીઓ સામે વર્ગમાં ઊભા રહેતાં, મુશ્કેલી અનુભવશે અને તેના કારણે તેના વર્તનમાં પણ ફેરફાર થશે. આવી પરિસ્થિતિ ગ્રામકક્ષાએ પણ ક્યારેક જોવા મળે જ છે. આવા સમયે શિક્ષકે પોતાના વર્તન પર કાબૂ રાખવો જરૂરી છે. તેમ જ બાળકને સંતોષજનક ઉત્તર આપવા પ્રેરાય તેવું વર્તન જરૂરી બને છે. આમ શિક્ષક તરીકે આપણે આપણું વર્તન હકારાત્મક રહે તેવું રાખવું જરૂરી છે કે જેથી બાળકો શિક્ષકને લાંબા સમય સુધી યાદ રાખે :

OFF AIR

 1. શાળાકીય પર્યાવરણની અસર શિક્ષકના વર્તન પર જોવા મળે છે ? કઈ રીતે ?
 2. શિક્ષકો-શિક્ષકો વચ્ચેના સંબંધની અસર શિક્ષક તરીકે પોતાના વર્તન પર થાય છે ? ચચૉ.
 3. શિક્ષકનાં વ્યસનો આદતોની અસર વિદ્યાર્થીઓ પર થાય છે.
 4. શિક્ષક પોતાના વ્યસનની બુરાઈ વિદ્યાર્થીઓ દ્વારા સાંભળી શકે છે ?
 5. શિક્ષક પોતાના વ્યસનની બુરાઈ સહાયક શિક્ષકો દ્વારા થતી સાંભળી શકે છે ?
 6. વ્યસન સંબંધી વક્તવ્યનું આયોજન શિક્ષક દ્વારા થવું જોઈએ.
 7. વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન આવે તે માટે પ્રયત્નો કરવા જરૂરી લાગે છે ?

વર્તન-પરિવર્તન : ON AIR

શિક્ષકને પ્રાપ્ત થયેલી કેટલી નૈસર્ગિક શક્તિઓ અને કૌશલ્યોમાં તેની ચિંતનશક્તિ શ્રેષ્ઠ છે. કેમકે તેના પરિણામે જ તે સમગ્ર શિક્ષણ વ્યવહાર ઉપર સર્વોપરિતા સ્થાપી શક્યો છે. પરંતુ કરુણા એ વાતની છે કે સામ્રત સમયમાં શિક્ષક ઝાઝું વિચારવા પ્રેરિત થતો નથી. કોઈપણ કાર્ય કે પ્રવૃત્તિની સફળતાનો આધાર તે અંગેના ગંભીર વિચાર પર તેમ જ વ્યક્તિલક્ષી કાર્ય પ્રવૃત્તિ કે સમાજલક્ષી, રાષ્ટ્રિય સ્તરની હોય કે વૈશ્વિક તેની સફળતાના મૂળમાં ચિંતન રહેલું છે. ચિંતન એટલે આયોજન, ગણતરી, માપન, પ્રયોગ, મૂલ્યાંકન, પ્રેમ, રુચિ, સહકાર વગેરે તત્ત્વોના સંયોજન વિના કોઈ કાર્યસાધના શક્ય બનતી નથી કે સફળતા મળતી નથી.

શિક્ષક-પરિબળને હરહંમેશ જાગ્રત અને ગતિશીલ રાખવામાં જે બાબત નોંધપાત્ર ભૂમિકા ભજવે છે તે તેનું ચિંતન; ચિંતનની પ્રક્રિયાને જેણે પચાવી નથી તે શિક્ષક નથી. ચિંતનના પ્રવાહમાં જે પ્રસન્નતાપૂર્વક તરતો અને તણાતો નથી, જેનો આત્મા કદીયે સંવેદનશીલ બનતો નથી, સર્જનશીલ થતો નથી અને આ બે મનોવ્યાપારમાં જોડાતો નથી તેને શિક્ષક કઈ રીતે કહી શકાય ? આ સમગ્ર બાબતને સ્વીકારીને શિક્ષકે પોતાનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ માટે આપણે સહુ થોડાક પ્રશ્નોના પ્રામાણિકપણે સાચા ઉત્તરી આપીશું ખરા ?

 1. મેં સ્વીકારેલા મારા અધ્યાપન વ્યવસાયને શું હું ચાહું છું ખરો ? કેટલે અંશે ?
 2. જો હું ચાહું છું તો મને મારા વ્યવસાયનું ગૌરવ છે ખરું ? વ્યવસાયિક ગરિમા જાળવવા હું સજાગ રહું છું ?
 3. મારી વ્યવસાયિક જવાબદારી અને તેની ગંભીરતાથી હું કેટલો સજાગ રહું છું ?
 4. અધ્યાપનશાસ્ત્ર, મનોવિજ્ઞાન, બાલમાનસ ઇત્યાદિ સંલગ્ન બાબતો વિશે હું વિચારું છું ખરો ? તે માટે મારું ચિંતન, મનન, વાચન કેટલું ?
 5. મારી વ્યવસાયિક તજજ્ઞતા, તેનો અસરકારક વિનિયોગ અને નિષ્પત્તિના મૂલ્યાંકન અંગે હું કેટલે અંશે જાગ્રત અને સંવેદનશીલ છું ?
 6. મારા વ્યવસાયને અધિક સંપન્ન અને ફળદાયી બનાવવા હું કશુંક નવું વિચારું છું ખરો ? કોઈક નવો અભિગમ અપનાવું છું ? કોઈક નવરચના કરું છું ? ક્યારેક નોંધપોથીમાં કંઈક નોંઘું છું ?
 7. હું મારા વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ, લાગણી અને ચિંતા દાખવીને તેમને સહાયભૂત થવાની અને તેમની સમસ્યાઓ ઉકેલવાની ઉત્સુકતા ધરાવું છું ?
 8. હું મારા વિદ્યાર્થીઓમાં તન-મનનું સ્વાસ્થય, નિયમિતતા, સુઘડતા, પ્રામાણિકતા, માનવતા, સહકાર જેવાં કેટલાંક મૂલ્યોનો વિકાસ થાય તે દિશામાં કશુંક કરું છું ખરો ?
 9. મારા વિદ્યાર્થીઓમાં સુષુપ્ત પડેલી તનમનની અઢળક શક્તિઓને ઢંઢોળીને તેમને કામે લગાડવાની પ્રેરણા આપું છું ખરો ?

10. હું વિદ્યાર્થીઓ, અન્ય શિક્ષકો, વાલીઓ તથા સમાજનાં અન્ય લોકો પ્રત્યે માનવીય સંબંધો ધરાવું છું ખરો ?

સમયપાલન ON AIR

સાંપ્રત સમયમાં પ્રત્યેક વ્યવસાયિક ક્ષેત્રમાં સમયનું વ્યવસ્થાપન કરવાની તાતી જરૂર દેખાય છે. કોઈપણ કાર્યની સફળતા કે સિદ્ધિ જો તે નિશ્ચિત સમયે થાય તો જ મળી શકે. જે કામ જ્યારે થવું જોઈએ તે કામ ત્યારે ન થાય તો તેનું મૂલ્ય અને અર્થ બંને ઘટી જાય છે. સમયનું આયોજન અને પાલન બંને બાબતો શિક્ષણસંસ્થામાં તેમ જ વર્ગખંડમાં ખૂબ જ જરૂરી છે. શિક્ષકના વર્તન-પરિવર્તનમાં તેમ જ શાળા અને વર્ગખંડમાં નીચેના જેવા મુદ્દાઓને અનુલક્ષીને સમયપાલન ખૂબ જ જરૂરી છે.

 1. સમગ્ર વર્ષના કાર્યદિવસો વર્ષના પ્રારંભે નક્કી કરીને માસ વાર, સપ્તાહ વાર અને દિવસ વાર કાર્યનું આયોજન કરવું. તેમાં દરેક વર્ગનું સમયપત્રક પણ સમાવી લેવું. વર્ષ દરમિયાન લેવાનારી નાનીમોટી કસોટીઓ, ઊજવવાના ઉત્સવો, યોજવાના પ્રવાસો, રજાઓ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો અને તેનું અચૂક પાલન કરવું.
 2. શાળાના દૈનિક કાર્યનું સમયબદ્ધ આયોજન કરવું અને તેનું અચૂક ચુસ્ત પાલન કરવું.
 3. વર્ગ સમયપત્રકના તમામ તાસ જે સમયે શરૂ થાય અને પૂરા થાય તેનો તેમાં સ્પષ્ટ નિર્દેશ કરવો અને મિનિટના પણ ફેરફાર વગર અમલ કરવો.
 4. શિક્ષકોએ તાસ બદલાયાના બેલના ટકોરે વર્ગમાં દાખલ થવું અને તાસ પૂરો થવાનો નિર્દેશ મળે ત્યાં સુધી નિશ્ચિત વર્ગપ્રવૃત્તિ કરવી.
 5. શિક્ષકે લેખનકાર્ય, કસોટીની ઉત્તરવાહીઓ વગેરે કાર્ય નિશ્ચિત સમય મર્યાદામાં તપાસીને વિદ્યાર્થીઓને પરત કરવાં.
 6. ગૃહકાર્ય પણ સમયાંતરે આપવું અને નક્કી કરેલા દિવસે તપાસી લેવું.
 7. સમયપાલનના ચુસ્ત આગ્રહ સાથે વર્ગનું વાતાવરણ, પરસ્પરનો વ્યવહાર અને આંતરક્રિયા શક્ય તેટલે અંશે, પ્રસન્ન, હળવાં અને મુક્ત રાખવાં.

સ્વમૂલ્યાંકનપત્રક OFF AIR

વિધાન

હા

ના

અન્ય

સત્રની શરૂઆતમાં શાળાના અન્ય શિક્ષકોના સહયોગથી આયોજન તૈયાર કરો છો ?

 

 

 

તમને તમારા ક્ષેત્રનું સારું જ્ઞાન છે ?

 

 

 

વર્ગખંડમાં શિક્ષણકાર્ય કરવા જાઓ ત્યારે તમે તેનું અગાઉથી યોગ્ય આયોજન કરો છો ?

 

 

 

શું તમને સર્વ-શિક્ષા-અભિયાન-મિશનના હેતુઓની જાણકારી છે ?

 

 

 

શું બાળકો તમારી સૂચનાઓને સરળતાથી સમજી શકે છે ?

 

 

 

શું બાળકો તમારા વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન સક્રિય રહે છે ?

 

 

 

શું તમે વર્ગખંડમાં વિનોદવૃત્તિનો ઉપયોગ કરો છો ?

 

 

 

શું તમે તમારા વર્ગખંડનાં બાળકોને માનથી બોલાવો છો ?

 

 

 

શું તમે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વચ્ચે ફરવાનું પસંદ કરો છો ?

 

 

 

શું તમે બાળકોની સમસ્યાઓને ધ્યાનથી સાંભળો છો ?

 

 

 

શું તમે તમારા વર્ગખંડનાં તમામ બાળકોનાં નામ જાણો છો ?

 

 

 

શું તમે બાળકો સાથે ધમકીભર્યો વ્યવહાર કરો છો ?

 

 

 

શું તમે બાળકોને જે કંઈ ધમકી આપો છો તેનો ખરેખર અમલ કરો છો ?

 

 

 

જ્યારે બાળકો વર્ગખંડમાં કોઈ પ્રવૃત્તિમાં રસ લેતાં ન હોય ત્યારે તે પ્રવૃત્તિને તમે છોડી દો છો ?

 

 

 

સ્ત્રોત :સર્વ શિક્ષા અભિયાન

2.94444444444
હિતેશ મંગુકિયા May 05, 2017 02:31 PM

ખુબ સરસ માર્ગદર્શન મળ્યું
આભાર

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top