অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હિંદુ અવિભક્ત કુટુંબ દ્વારા કરવેરા આયોજન (ટેક્ષ પ્લાનિંગ)

સીધા કરવેરાના કાયદાઓ હેઠળ હિંદુ અવિભક્ત કુટુંબ (Hindu Undivided Family) ને વિશિષ્ટ કરપાત્ર દરજ્જો આપવામાં આવ્યો છે અને આવકવેરા તથા સંપત્તિવેરા કાયદાઓમાં હિંદુ અવિભક્ત કુટુંબ (જેને ટૂંકમાં ‘HUF’ તરીકે સંબોધવામાં આવે) ને સંબંધિત ખાસ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હિંદુ અવિભક્ત કુટુંબ અંગે પ્રાસ્તાવિક ખ્યાલ

હિંદુ અવિભક્ત કુટુંબની વ્યાખ્યા સીધા કરવેરાના કોઈ પણ કાયદા હેઠળ જુદા સ્વરૂપે આપવામાં આવી નથી, માટે તેનો અર્થ હિંદુ કાયદા હેઠળ પ્રચલિત અર્થના સંદર્ભમાં કરવાનો રહે છે. સંયુક્ત હિંદુ કુટુંબમાં, એક સમાન પુરૂષ- પૂર્વજના સીધા પુરૂષ- વંશજો (lineal descendants of a common male ancestor) તથા તેમની પત્નીઓ અને અપરિણીત પુત્રીઓનો સમાવેશ થાય છે. હિંદુ કોપાર્સનરી (Hindu Co-parcenary) એ સંયુક્ત હિંદુ કુટુંબની સરખામણીમાં મર્યાદિત વિભાગ છે, જેમાં જન્મથી જ સંયુક્ત મિલકતમાં જેમને હક્ક પ્રાપ્ત થાય છે તેવા પુરૂષ સભ્યોનો જ સમાવેશ થાય છે, જેમને કાયદાની ભાષામાં કોપાર્સનર તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત હિંદુ કુટુંબમાં બે અથવા વધુ સભ્યો પૈકી માત્ર એક જ કોપાર્સનર Co-parcenary) હોય તો પણ કાયદાની દૃષ્ટિએ તેનું અસ્તિત્વ હિંદુ અવિભક્ત કુટુંબ તરીકે ગણવામાં આવશે, તે સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે ‘ગૌલી બુદન્ના વિરૂદ્ધ કમિશનર ઓફ ઈન્કમટેક્સ’ [60 ITR 293 (SC)] તથા ‘એન.વી. નરેન્દ્રનાથ વિરૂદ્ધ કમિશનર ઓફ વેલ્થટેક્સ’  ના કેસોમાં પ્રસ્થાપિત કરેલો છે. ‘કમિશનર ઓફ ઈન્કમટેક્સ વિરૂદ્ધ વિરપ્પા ચેટ્ટીયાર’ ના કેસમાં તો સુપ્રીમ કોર્ટે એવું પણ ઠરાવ્યું કે ગુજરી ગયેલા કોપાર્સનરોની વિધવાઓ તથા તેમની અપરિણીત પુત્રીઓના સમૂહની ગણના પણ અવિભક્ત કુટુંબ તરીકે જ થવી જોઈએ. ‘કમિશનર ઓફ ઈન્કમટેક્સ વિરૂદ્ધ અરૂણકુમાર ઝુનઝુનવાલા એન્ડ સન્સ’ 223 ITR 45ના કેસમાં ગૌહત્તી હાઈકોર્ટે એવું ઠરાવ્યું છે કે કરદાતાના લગ્ન પછી તરત જ તેના હિંદુ અવિભક્ત કુટુંબની રચના થઈ શકે. આવકવેરા ખાતાની એ દલીલ કે જ્યાં સુધી કરદાતાને પુત્ર ન થાય ત્યાં સુધી HUF ની આવકની આકારણી વ્યક્તિગત સ્વરૂપે કરાવી જોઈએ, તે દલીલનું ખંડન કરતાં હાઈકોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું કે આવી આવક કર્તા તેમજ તેની પત્નીના બનેલા HUF ની આવક તરીકે આકારણીને પાત્ર ગણાવી જોઈએ. આ તબક્કે એ યાદ રાખવું પણ જરૂરી છે કે હિંદુ કાયદા અનુસાર હિંદુની વ્યાખ્યામાં જૈન, બુદ્ધિસ્ટ અને શીખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આકારણીના અલગ એકમનો વિશિષ્ટ લાભ

હિંદુ અવિભક્ત કુટુંબની મિલકતોમાંથી થતી આવક તથા તેની સંપત્તિની આકારણી તેના સભ્યોથી જુદા સ્વરૂપે કરવામાં આવે છે અને કુટુંબની આવક તથા સંપત્તિમાં સભ્યોના હિસ્સાવાર ભાગનો તેમની અંગત આવકવેરા તથા સંપત્તિવેરાની આકારણીમાં સમાવેશ કરવામાં આવતો નથી. આમ, આવકવેરા તથા સંપત્તિવેરાના કાયદાઓ હેઠળ હિંદુ અવિભક્ત કુટુંબને આકારણીના એક અલગ એકમ તરીકે અસ્તિત્વ આપવામાં આવેલું હોવાથી, કરવેરા આયોજનની દૃષ્ટિએ હિંદુ અવિભક્ત કુટુંબનો લાભદાયી ઉપયોગ કરી શકાય. વળી હિંદુ અવિભક્ત કુટુંબના સભ્યો વચ્ચે વિભાજન (Partition) દ્વારા પણ સીધા કરવેરાના કાયદાઓ હેઠળ ઉપયોગી લાભ મેળવી શકાય.

HUF દ્વારા આવક સંપાદન કરવાની યોજના

HUF ને આવકવેરાના કાયદા હેઠળ આકારણીના એક અલગ એકમ તરીકેનો હોદ્દો મળ્યો હોવાથી HUFની મૂડીમાંથી આવક સંપાદન કરવાની યોજના વિચારવી જોઈએ. ‘કમિશનર ઓફ ઈન્કમટેક્સ વિરૂદ્ધ કાલુ બાબુ લાલચંદ’ [37 ITR123 (SC)] ના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યા અનુસાર, ‘‘જ્યાં હિંદુ અવિભક્ત કુટુંબની મૂડીનું રોકાણ કોઈ કંપની, ભાગીદારી પેઢી કે સ્વમાલિકીના ધંધામાં અથવા અન્ય કોઈ રોકાણમાં કરવામાં આવે, તે સંજોગોમાં આવા રોકાણોમાંથી ઉદ્ભવતાં નફા, ડિવિડંડ કે વ્યાજની અથવા અન્ય કોઈ આવક, નિઃશંકપણે HUFની જ આવક ગણાય.’’ ઉપરોક્ત હેતુ માટે, HUFના વરિષ્ઠ કોપાર્સનર- જેને HUFના કર્તા તરીકે ઓળખવામાં આવે છે તેણે, HUF વતી જરૂરી કામગીરી બજાવવાની રહે. HUFનાં નાણાંમાંથી શેર, ડિપોઝિટ કે અન્ય કોઈ મિલકતમાં રોકાણ કરવામાં આવે, તે સંજોગોમાં કાયદાના સામાન્ય સિદ્ધાંતો અનુસાર આવું રોકાણ HUFના સીધા નામે થઈ શક્તું નથી, પરંતુ HUF વતી કર્તાના નામે કરવામાં આવે છે.

કર્તાને મળતાં પગાર, ફી તથા મહેનતાણાંની આવક

ઉપરોક્ત સંદર્ભમાં એક રસપ્રદ અને મહત્ત્વનો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આવા કેસોમાં   HUFવતી કંપનીના ડિરેક્ટર કે પેઢીના ભાગીદાર તરીકે કર્તાને મળતાં પગાર, મહેનતાણાં કે ફીની રકમને કોની આવક ગણવી ? આ પ્રશ્ન ઉપર સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદા છે. તે પૈકી ‘રાજકુમારસિંગ હુકમચંદજી વિરૂદ્ધ કમિશનર ઓફ ઈન્કમટેક્સ’ [78 ITR 33 (SC)] ના કેસમાં આ સંબંધી મુદ્દાઓની સુપ્રીમ કોર્ટે વિસ્તૃત છણાવટ કરી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કોઈ પણ આવકને કર્તાની વ્યક્તિગત આવક ગણવી કે તેના હિંદુ અવિભક્ત કુટુંબની આવક ગણવી તે નક્કી કરવા માટે નીચે જણાવેલા માર્ગદર્શક સિદ્ધાંતો તારવ્યા છે, જેનો અભ્યાસ આવકવેરા આયોજનની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો છેઃ

  • જો આવી આવક એ મુખ્યત્વે હિંદુ અવિભક્ત કુટુંબે કરેલા મૂડીરોકાણના ખરેખર બદલા સ્વરૂપે હોય, તો કર્તાએ કેટલીક સેવાઓ આપી છે એ બાબતને બાજુએ રાખીને આવી આવકને HUFની આવક ગણવામાં આવશે. પરંતુ, જો આવી આવક એ મુખ્યત્વે કર્તાએ બજાવેલી વ્યક્તિગત સેવાઓના ખરેખર વળતર સ્વરૂપે હોય, તો તે સંજોગોમાં HUFદ્વારા મૂડીરોકાણ કરવામાં આવ્યું છે તે બાબતને બાજુએ રાખીને આવી આવકને કર્તાની વ્યક્તિગત આવક ગણવામાં આવશે. (૨) જો આવી આવક તથા HUFના મૂડીરોકાણને કોઈ સીધો સંબંધ છે એમ દર્શાવી શકાય, તો આવી આવક HUFની આવક ગણાશે. (૩) જો આવી આવક કમાવા માટે HUFદ્વારા કોઈ ભોગ આપવામાં આવ્યો હોય અથવા HUFના મૂડીરોકાણની સહાય અને મદદથી જ આવી આવક ઉદ્ભવી છે એમ પુરવાર થાય, તો આવી આવક   HUFની ગણાશે.

કલમ ૬૪ના સંદર્ભમાં HUFનો લાભદાયી ઉપયોગ

આવકવેરાના કાયદાની કલમ ૬૪ અન્વયે, કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાની પત્ની કે પોતાના પુત્રની પત્ની (પુત્રવધૂ)ને મિલકતની બક્ષિસ કરવામાં આવે, તે સંજોગોમાં આવી મિલકતમાંથી ઉદ્ભવતી આવક એ બક્ષિસ આપનાર વ્યક્તિની પોતાની આવકમાં જ ઉમેરવામાં આવે છે. ‘હૃદયનારાયણ વિરૂદ્ધ કમિશનર ઓફ ઈન્કમટેક્સ’ [78 ITR 26 (SC)] ના કેસમાં આપવામાં આવેલા ચુકાદા અનુસાર, આ કલમની જોગવાઈઓનું અર્થઘટન કરતી વખતે- ‘વ્યક્તિ’ (Individual) શબ્દ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. હિંદુ અવિભક્ત કુટુંબને ‘વ્યક્તિ’ ગણી શકાય નહીં. વળી, પત્ની એ જીવિત વ્યક્તિ જ ધરાવી શકે. કાયદાની દૃષ્ટિએ, HUFને કોઈ પત્ની હોઈ શકે નહીં. તેથી જો કોઈ હિંદુ અવિભક્ત કુટુંબનો કર્તા પોતાની વ્યક્તિગત મિલકતમાંથી બક્ષિસ કરવાને બદલે HUFની મિલકતમાંથી પોતાની પત્ની અથવા પુત્રવધૂને બક્ષિસ કરે, તો આ સંજોગોમાં કલમ ૬૪ની ‘કલબિંગ ઓફ ઈન્કમ’ની ઉપરોક્ત જોગવાઈઓ લાગુ પાડી શકાય નહીં. આ સિદ્ધાંતનો હેતુલક્ષી પ્રયોગ કરવેરા આયોજનની દૃષ્ટિએ કરી શકાય અને કરદાતાની પત્ની તથા તેની પુત્રવધૂના કેસમાં મૂડી ઊભી કરી આવક સંપાદન કરવા માટે ઉપરોક્ત યોજનાનો લાભદાયી ઉપયોગ કરી શકાય. સવિશેષ તો, જે કેસોમાં HUFનું પાર્શિયલ પાર્ટીશન શક્ય ન હોય, તેવા કેસોમાં આ યોજના ખૂબ જ લાભકારક અને ઉપયોગી બની રહે.

લેખક : દિનેશ પટેલ,  રેવન્યુ પ્રેક્ટીસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/31/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate