অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંચાયતી રાજ

”panchayatiraj

આપણી સામાજીક અને આર્થિક પ્રવૃતિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યુ છે. ગ્રામ પૌરાણિક સમયથી એકમ રહ્યુ છે. દેશની મોટાભાગની વસ્તી ગ્રામ વિસ્તારોમાં રહે છે.

પૂ.મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામસ્વરાજ નું એકમ વર્ણવેલ છે. ગ્રામસ્વરાજ એટલે સંપૂર્ણપણે પોતાની વિશાળ ઇચ્છાઓ માટે પડોશીઓથી સ્વતંત્ર પરંતુ પરસ્પર એકબીજા પર આધારિત ગણતંત્ર.

ગુજરાત રાજયમાં પંચાયતી રાજ પ્રથમથી જ વિકેન્દ્રી કરણની દિશામાં એક મહત્વના પગલાં તરીકે અમલમાં આવેલ છે. હાલના પંચાયતી રાજને સુદ્રઢ કરવા માટે તેમજ વિકાસની યાત્રામાં ગ્રામ જનસમુદાય પણ સરકારની સાથોસાથ ખભેખભા મિલાવી વિકાસમાં સીધા ભાગીદાર બને તેવી સ્પષ્ટ નીતિ અને નેમ સાથે ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ થઇ રહેલ છે.

બંધારણના ૭૩ માં સુધારાને આધિન હાલમાં ગુજરાતમાં પંચાયત એકટ અમલમાં આવેલ છે. જેને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ કહેવામાં આવે છે. જેના મારફતે રાજયમાં પંચાયતી રાજ વ્યવસ્થાનું સંચાલન અને નિયંત્રણ થાય છે.

ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થા અમલમાં છે.

૧.      ગ્રામ પંચાયત

૨.      તાલુકા પંચાયત

૩.      જીલ્લા પંચાયત

ગુજરાત રાજયમાં ૨૬ જીલ્લા પંચાયતો, ૨૨૪ તાલુકા પંચાયતો અને ૧૩,૬૯૩ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જયારે ૧૮,૩૫૬ રેવન્યુ વિલેજ છે.

ગતિવિધી રૂપરેખા

ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયત માળખામાં નીચેની વિગતે કાર્યોની વહેંચણી કરવામાં આવેલ છે.

ગ્રામ પંચાયત

  • ધર વપરાશ અને ઢોર માટે પીવાના પાણીની વ્યવસ્થા
  • ગામમાં રસ્તાની સફાઇ
  • સરકારી મિલ્કતની જાળવણી
  • ગામમાં આરોગ્ય વિષયક જાળવણી
  • ગામમાં દીવાબત્તી વ્યવસ્થા
  • ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ ફેલાવો વિગેરે
  • ગ્રામ્ય વિકાસનું આયોજન.
  • ગામમાં સીમના પાકની સંભાળ રાખવા બાબત.
  • ખેતીવાડી સુધારણા આયોજન

તાલુકા પંચાયત

  • તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવા રોગચાળો
  • નિયંત્રણની કામગીરી
  • ગ્રામ્ય માર્ગો બનાવવા તથા નિભાવણી
  • પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન
  • તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન
  • સ્ત્રી કલ્યાણ યુવક પ્રવૃતિનો વિકાસ અને સહાય
  • પુર, આગ, અકસ્માત વિગેરે આકસ્મિક સંજોગોમાં મદદની કામગીરી
  • જીલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃતિઓમાં નિયંત્રણ અને સહાય કામગીરી તદૃઉપરાંત રાજય સરકારની મહેસુલ, શિક્ષણ સહકાર, સિંચાઇ, પશુસંવર્ધન, કૃષિની તબદીલ થયેલ પ્રવૃતિઓનું જીલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ તથા પંચાયત ખાતાની પ્રવૃતિઓની જીલ્લા કક્ષાએ કામગીરી

ગુજરાતમાં પંચાયતી રાજ બિનસરકારી સંગઠનોનો સહયોગ

આપણી સામજીક અને આર્થિક પ્રવૃતિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યુ છે. ગ્રામ પૌરાણિક સમયથી એકમ રહ્યુ છે. દેશની મોટાભાગની વસ્તી ગ્રામ વિસ્તારોમાં રહે છે. મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામસ્વરાજ નું એકમ વર્ણવેલ છે. ગ્રામસ્વરાજ એટલે સંપૂર્ણપણે પોતાની વિશાળ ઇચ્છાઓ માટે પડોશીઓથી સ્વતંત્ર પરંતું અંદરો-અંદર એકબીજા પર આધારિત ગણતંત્ર

પંચાયત શબ્દને બે ભાગમાં વિભાજીત કરી શકાય. પંચ અને આયત. પંચ શબ્દ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પણ પાંચની સંખ્યાના અર્થમાં વપરાય છે. પંચ ત્યાં પરમેશ્વરની પૌરાણિક ઉકિતમાં શ્રધ્ધા ધરાવે છે. વૈદિક કાળથી ગામને મૂળભૂત એકમ તરીકે ગણવામાં આવે છે. અથર્વવેદ અને ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે. ગંગા અને જમના નદી વચ્ચેના લોક વસવાટ વખતે પૃથુ રાજાએ પંચાયત પધ્ધતિ દાખલ કર્યાનું માનવામાં આવે છે. બ્રિટીશ સાશન દરમ્યાન પંચાયતોની સ્થાપનાના અધકચરા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. ૧૯૦૭ માં નિમાયેલા વિકેન્દ્રીકરણ અંગેના રોયલ કમિશને પોતાના અહેવાલમાં જણાવ્યુ છે કે, અગાઉ આ ગામડા વિપુલ પ્રમાણમાં સ્વાયત્તતા ભોગવતા હતા.

રાષ્ટ્રીય ચળવળ દરમ્યાન ગ્રામ પંચાયતો અને નેતાઓના મંતવ્યો મુજબ સ્થાનિક સ્વરાજની યોજનાને આવકારતા ઉપરના સ્તર સુધીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ચૂંટાયેલી હોય અને તેને પૂરતી નાણાંકીય મદદથી ટેકો આપવા માટે સરકાર વહેલાસર પગલા લેશે.

ગુજરાત રાજયમાં પંચાયતી રાજની શરૂઆત બળવંતરાય મહેતા અભ્યાસ જુથની લોકશાહી વિકેન્દ્રીકરણ અર્થાત પંચાયતી રાજ વિશેની ભલામણોના અમલથી શરૂ થયેલ છે. ત્યારબાદ સમયાતંરે જુદી જુદી સમિતિઓ અને તેની ભલામણોના અમલ બાદ ગુજરાતમાં પંચાયતી રાજની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવેલ છે. ભારતીય સંવિધાનના ૭૩ માં સુધારા બાદ ગુજરાતમાં પંચાયત અધિનિયમ-૧૯૯૩ અમલમાં આવેલ છે. જેમા ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ તંત્રની પધ્ધતિ ચાલુ રાખવામાં આવી છે.

વિકાસ અંગેનું તંત્ર

ગુજરાતમાં પંચાયતી રાજના અમલ બાદ લોકશાહી વિકેન્દ્રીકરણની પાયાની બાબતનો અમલ શરૂ થયા બાદ રાજયમાં પંચાયતી રાજને ગ્રામ વિકાસનું મહત્વનું સાધન સ્થાપિત કરવા પંચાયતી રાજને સતત સુદૃઢ, સંગીન અને સશકત બનાવવાના સતત પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. ગ્રામ વિકાસ કાર્યક્રમના અમલમાં જે તંત્ર રોકાયેલુ છે તેને વિકાસ લક્ષી વહીવટ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસલક્ષી વહીવટનો યોજનાના અમલીકરણના તેમજ સરકાર દ્વારા હાથ ધરાયેલા સામાજીક, આર્થિક બદલાવના કાર્યક્રમ માટે જરૂરી માળખાકીય સંગઠન અને વલણના સંદર્ભે ઉલ્લેખ થાય છે.

વિકાસલક્ષી વહિવટના મુખ્ય લક્ષણો

૧.      બદલાવલક્ષી

૨.      પરિણામલક્ષી

  • બદલાવની પ્રક્રિયામાં નાગરિકોને સામેલ કરવાનું લક્ષણ
  • રાજકીય રીતે નહી પરંતુ વહિવટની દૃષ્ટિએ દૃઢ પ્રતિબધ્ધતા તેમજ
  • બદલાવની પ્રક્રિયાને સુધારવા અનુભવો અને પ્રયોગોમાંથી શીખવા અંગે ખુલ્લાપણુનો સમાવેશ થાય છે.

આધુનિક લોકતંત્રમાં લોકોની સમસ્યાઓ અને આશાઓને ઓળખીને તેનો સુમેળભર્યો ઉકેલ ઝડપથી લાવી શકે તેવુ જાગૃત અને લાગણીશીલ વહીવટ તંત્ર અનિવાર્ય છે. ગુજરાતમાં પંચાયતી રાજ અને બિનસરકારી સંગઠનોના સહયોગથી પંચાયતી રાજ વ્યવસ્થા ગોઠવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ રાખેલ છે કે જેમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ લોકોની વચ્ચે રહીને સ્થાનિક સહયોગથી કલ્યાણકારી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવામાં મહત્વનો ફાળો પ્રદાન કરે.

આમ, ઉપરોકત વિગતે જોતા ગુજરાત રાજયમાં રાજય સરકાર દ્વારા પંચાયતી રાજ મારફત ગ્રામ વિકાસ અને લોક કલ્યાણની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેમાં બિનસરકારી સંગઠનોનો સહયોગ આવકારદાયક અને ફળદાયી પરિણામો પ્રાપ્‍ત કરવાની દૃષ્ટિએ મહત્વ ધરાવે છે તે સ્વીકારવામાં આવ્યુ છે. લોકકલ્યાણની અનેક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. પરંતુ તેનો સંપૂર્ણ લાભ જનસમુદાય કે જે મહદ અંશે ગામડામાં વસે છે તેમના સુધી વધુને વધુ પહોંચે તે અંત્યંત આવશ્યક છે.

આ વિકટ સમસ્યાના ઉકેલ માટે સર્વ પ્રથમ જરૂરી એ છે કે, સરકારી યોજનાઓ શી છે અને તેનો લાભ કઇ રીતે લઇ શકાય તેવી વ્યાપક જાણકારી સમાજના ગ્રામ વિસ્તારના સામાન્ય માનવીને સરળ રીતે ઉપલબ્ધ થાય તો આ યોજનાઓ પાછળ સરકારે કરેલ ફાળવણી સાચા અર્થમાં સાર્થક બને. રાજય સરકારશ્રીની પંચાયતી રાજ દ્વારા અમલમાં મુકવામાં આવેલ યોજનાઓના અમલીકરણમાં સહયોગી બનવા નિમંત્રિત કરવામાં આવે છે.

  • સામુહિક વિકાસના કામો જેવા કે, આંતરિક રસ્તા, એપ્રોચ રોડ, પીવાના પાણીની સુવિધા, શાળાના ઓરડા, સિંચાઇના કામો, પંચાયત ધર, સ્મશાન ગૃહ, સેનીટેશન, વિગેરે વિકાસ કામોમાં લોકભાગીદારી આવકારદાયક છે.
  • રાજય સરકારશ્રીની મહત્વની પાયાની એવી જયોતિ ગ્રામ યોજનામાં લોકભાગીદારી આવકાર્ય છે.
  • સરદાર પટેલ આવાસ યોજના જેવી રાજય સરકારશ્રીની મહત્વની ગરીબલક્ષી યોજના કે જેમાં ગામના ગરીબી રેખાથી નીચે જીવતા લોકો માટે ગામે આવાસ બાંધી આપવાની યોજના રાજયમાં તારીખઃ- ૧/૪/૧૯૯૭ થી અમલમાં છે. આ યોજનામાં રૂ. ૩૬,૦૦૦/- સરકારી સહાય અને રૂ. ૭,૦૦૦/ લાભાર્થી શ્રમફાળો છે. આ યોજના સનેઃ- ૨૦૧૦ ના વિઝનમાં બી.પી.એલ લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તેવુ આયોજન કરવામાં આવેલ છે.
  • ગુજરાત રાજયના માન. મુખ્ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારશ્રીએ લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણના જન્મ દિવસ તારીખ- ૧૧/૧૦/૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામસભાઓનો નવીનતમ પ્રયોગોનો શુભારંભ કરેલ છે. જેના ઉદૃશો નીચે મુજબ છે.
  • લોકસશકિતકરણ
  • તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરુ પાડતું માધ્યમ
  • ગરીબ, પછાત અને મહિલાને રજૂઆત કરવાની તક
  • અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક અને લોકભાગીદારી
  • સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ
  • તંત્રની પારદર્શકતા અને સંવેદનશીલતામાં વધારો
  • ગ્રામ સભા અંગેના નવીનત્તમ અભિગમ હેઠળ અત્યાર સુધીમાં કુલ દસ તબક્કાઓમાં ગ્રામસભાઓનું આયોજન કરેલ છે. જેમાં રજૂ થયેલ પ્રશ્નોનો મહદૃ અંશે નિકાલ કરવામાં આવેલ છે.

ગુજરાતના પંચાયતી રાજના વિશિષ્ટ લક્ષણો

ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓનો અમલ તા. ૧/૪/૧૯૬૩ થી ચાલુ છે. ત્યારબાદ ભારત સર કાર દ્વારા ૧૯૯૩ માં ૭૩ મો બંધારણીય સુધારો થતા જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ૧૯૯૩ ના કાયદા મારફતે અમલ શરૂ કરેલ છે. જેના વિશિષ્ટ લક્ષણો નીચે મુજબ છે.

  • ગામ/તાલુકા અને જીલ્લા સ્તરોએ અંગભૂતરીતે સંકળાયેલી સ્વાયત્ત વૈધાનિક સંસ્થાઓનું નિર્માણ કરતો એકત્રિત ફાયદો.
  • પંચાયતોની નિષ્પક્ષ ચૂંટણી માટે રાજય ચૂંટણી પંચની રચના અને પાંચ વર્ષની મુદત બાદ ફરજિયાત ચૂંટણી વિસર્જન -પદચ્યુતિ છ માસથી વધુ નહિ.
  • પંચાયતોના પૂરતી નાણાંકીય વ્યવસ્થા માટે નાણાંપંચની રચના.
  • તમામ પંચાયતોના સભ્યો અને સરપંચ/પ્રમુખોની કુલ બેઠકોની ૧/૩ બેઠકો
  • સ્ત્રીઓ માટે અનામતની જોગવાઇ અને વારાફરતી ફાળવણી. તમામ પંચાયતોમાં વસતિના સપ્રમાણ ધોરણે અનુ.જાતિ અને આદિજાતિ માટે બેઠકો અનામત અને અન્ય પછાતવર્ગો (સા.શૈ પછાત) માટે ૧૦ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઇ સરપંચ-પ્રમુખની બેઠકો પણ આ રીતે અનામત છે.
  • જીલ્લા કક્ષાએ સમર્થ કારોબારી સંસ્થાની રચના
  • જીલ્લા કક્ષાએ શિક્ષણ સમિતિઓને ખાસ દરજ્જો આપવો, અને પછાત વર્ગોના કલ્યાણ માટે ગામ/તાલુકા/જીલ્લા કક્ષાએ ખાસ દરજ્જાની સામાજીક ન્યાય સમિતિની રચના અને કાર્યોની સુપ્રતિ.
  • પંચાયતોને સ્પર્શતી નીતિ વિષયક તમામ બાબતો અંગે સરકાર સલાહ આપવા પંચાયતો માટેની રાજય કાઉન્સિલ અંગેની વૈધાનિક જોગવાઇ
  • જીલ્લાની અંદર વિકાસ ક્ષેત્રે સત્તા, કાર્યો અને ફરજોની યર્થાથ તબદીલી
  • પ્રવૃતિઓની તબદીલીની સાથોસાથ ઉદાર ધોરણે નાણાંની તબદીલી અને પંચાયતની મરજિયાત પ્રવૃતિઓ માટે કર-ફી અને જમીન મહેસુલ ઉપર ઉપકર નાખવાની સત્તા
  • ગ્રામ કક્ષાથી જીલ્લા કક્ષા સુધી સમગ્ર સમગ્ર વિકાસ તંત્રની પંચાયતી રાજ સંસ્થાઓને તબદીલી
  • સત્તાની વધુ સોંપણી અને સત્તાધિકારના પ્રસારણ માટેની અંતર્ગત યોજના
  • પંચાયતી રાજ સંસ્થાઓને કેટલાક નિયંત્રક મહેસુલ કાર્યોની તબદીલી, અને તે માટે કલેકટરના જરૂરી અધિકારો-સત્તાની પણ સુપ્રતી
  • જીલ્લા પંચાયતો સંબંધમાં મુખ્ય કારોબારી સત્તાધિકારી તરીકે કામગીરી બજાવવા માટે કલેકટરના દરજ્જાના જીલ્લા વિકાસ અધિકારીની સેવાઓ ઉપલબ્ધ કરવા, તાલુકા પંચાયત સચિવ તરીકે તાલુકા વિકાસ અધિકારી
  • ભરતી અને નોકરીની બાબતમાં સલાહ અને પસંદગી માટે રાજય કક્ષાએ સેવા પસંદગી બોર્ડ અને જીલ્લા કક્ષાએ જીલ્લા પસંદગી સમિતિઓની રચના
  • જમીન મહેસુલની વસુલાત અને પંચાયતના વહીવટ માટે જવાબદાર એવા તલાટી ગ્રામ પંચાયત સેક્રેટરીઓના જીલ્લાવાર કેડરની રચના, અને જીલ્લા પંચાયત દ્વારા જ તેનું નિયંત્રણ
  • પંચાયતી રાજ સંસ્થાઓને ૧૦૦ ટકા જમીન મહેસુલ આવકની અને કાર્યો વૈધાનિક ફાળવણી
  • નબળા વિસ્તારોને સહાય કરવા, કર નાખવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા અને વિકાસલક્ષી પ્રવૃતિઓની નાણાંવ્યવસ્થા કરવા માટે રદ ન થાય એવુ ફંડ ઉભુ કરવું.
  • પંચાયતી રાજ સંસ્થાઓને માર્ગદર્શન આપવા અને તેમના પર દેખરેખ તથા નિયંત્રણ રાખવા માટે રાજય કક્ષાએ વિકાસ કમિશ્નરનું તંત્ર.

સ્ત્રોત :પંચાયત, ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate