ઓનલાઈન શોપિંગ કરવા માટે પબ્લિક ગેજેટ્સનો ઉપયોગ કરવાનું ટાળવું. તમારા પર્સનલ સ્માર્ટફોન, કમ્પ્યુટર કે ટેબલેટનો જ ઉપયોગ કરવો.
શોપિંગનું નામ પડતા જ સ્ત્રીઓનાં ચહેરા પર ચમક આવી જતી હોય છે. મોટાભાગની સ્ત્રીઓ શોપિંગ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે પછી ભલે એ આઉટડોર શોપિંગ હોય કે ઓનલાઈન શોપિંગ. ઓનલાઈન શોપિંગ એ હાલનાં સમયમાં એક પ્રકારનો ટ્રેન્ડ બની ગયો છે. તમારી આસપાસનાં મોટાભાગનાં લોકો અત્યારે ઘણી બધી વસ્તુઓની ખરીદી ઓનલાઈન કરતા થઈ ગયા છે. હાલનાં સમયમાં એવી કોઈ પણ વસ્તુ નહીં હોય જે ઓનલાઈન ન ખરીદી શકાતી હોય. બદલાતી દિનચર્યા અને વ્યસ્ત લાઈફસ્ટાઈલનાં કારણે લોકો પાસે સમયનો ખૂબ અભાવ રહેતો હોય છે જેનાં કારણે ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો છે. ફેસ્ટિવલ સિઝનમાં કંપનીઓ સારું એવું ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર્સ આપતી હોય છે. જેથી મોટા ભાગનાં લોકો ફેસિટ્વલ્સમાં વધારે શોપિંગ કરતા હોય છે.
ઓનલાઈન શોપિંગમાં તમને ઘણી બધી આકર્ષક ઓફર્સ મળી રહે છે. ફેસ્ટિવલ સિઝનમાં કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ પર અમુક ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપતી હોય છે. અને ખાસ વાત તો એ કે તમારે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ક્યાંય જવાની જરૂર નથી પડતી. દરેક વસ્તુઓ તમને તમારી આંગળીનાં ટેરવા ફેરવવાથી મળી શકે છે. જેના કારણે આપણે ઓનલાઈન શોપિંગ કરવા માટે આકર્ષાઈએ છે. હવે તો લોકો ફ્લાઈટ, ટ્રેન અને બસની ટિકિટો પણ ઓનલાઈન બુક કરાવતા થઈ ગયા છે. ટ્રાવેલિંગ કંપનીઓ તરફથી આપવામાં આવતી આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટનાં કારણે લોકો તે તરફ આકર્ષાય છે.
ઓનલાઈન સાઈબર સિક્યોરિટી કંપનીનાં CEO સાકેત મોદી જણાવે છે કે, તમે જે વસ્તુનું ઓનલાઈન શોપિંગ કરો છો તેના પર નજર રખાઈ રહી છે. ઓનલાઈન શોપિંગ તમે તમારા સ્માર્ટફોન પરથી કરતા હોવ કે લેપટોપ પરથી, તમામ પ્રકારના ઓનલાઈન શોપિંગ પર કોઈ નજર રાખી રહ્યું છે. ઓનલાઈન શોપિંગ પર હેકર્સ બાજનજર રાખીને બેઠાં હોય છે, જે શોપિંગ દરમિયાન તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડનાં ડેટાની ચોરી કરી શકે છે. હાલના એક સરવે મુજબ, અંદાજે 6000 વેબસાઈટ્સ યુઝર્સના ક્રેડિટકાર્ડની માહિતી ઓનલાઈન શોપિંગ દરમિયાન ચોરી કરી તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે.
થોડા વર્ષો પહેલા આપણા પાસે ઓનલાઈન શોપિંગ માટેની વેબસાઈટ્સ ખૂબ મર્યાદિત હતી. પરંતુ આજનાં દિવસમાં આપણી પાસે આવી ઢગલો વેબસાઈટ્સ છે. ઓનલાઈન શોપિંગ કરતી વખતે સૌ પ્રથમ વેબસાઈટ અંગેની જરૂરી માહિતી એકઠી કરી લેવી જોઈએ. સૌપ્રથમ વેબસાઈટનું URL ચેક કરી લેવું અને ત્યારબાદ એડ્રેસબારમાં વેબએડ્રેસ પહેલા HTTPS લખ્યું છે કે નહીં તે જોઈ લેવું. વેબએડ્રેસની આગળ HTTPS લખ્યું હોય તો જ તે સાઈટ સુરક્ષિત હોય તેમ મનાય. જે સાઈટની આગળ ફક્ત HTTP લખ્યુ હોય તે સાઈટ પરથી શોપિંગ કરવાનું ટાળવું જોઈએ. એવું નથી કે નવી દરેક શોપિંગ વેબસાઈટ્સ ફ્રોડ જ હોય છે પરંતુ બ્રાન્ડેડ સાઈટ્સ પરથી શોપિંગ કરવાથી જોખમ ઓછું રહે છે.
પાસવર્ડમાં તમારા જન્મની તારીખ, એનિવર્સરી, મોબાઈલ નંબર કે તમારા વાહનનો નંબર વગેરે જેવા સરળ પાસવર્ડ ન રાખવા જોઈએ. અક્ષરો, નંબર અને ચિન્હો એમ ત્રણેયને ભેગા કરીને પાસવર્ડ તૈયાર કરવો જોઈએ જેથી કોઈ તેને સરળતાથી ખોલી ન શકે. નેટ બેન્કિંગ સમયે તમને બે વખત પાસવર્ડ પૂછવામાં આવે છે. એક સાઈટમાં એન્ટર થવા માટે અને બીજી વખતે ત્યારે જ્યારે તમે કોઈ ટ્રાન્ઝેક્શન કરતા હોવ. તમે સાઈટમાં લોગ-ઈન કરવાનો પાસવર્ડ સેવ કરો ત્યાં સુધી ઠીક છે પરંતુ તમારે ક્યારેય ટ્રાન્ઝેક્શન પાસવર્ડ સેવ ન રાખવો જોઈએ. અને ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત કરવા માટે પાસવર્ડનાં બદલે વન ટાઈમ પાસવર્ડ (OTP)નો જ ઉપયોગ કરવો.
ઓનલાઈન શોપિંગ અને નેટ બેંકિંગ સમયે ફ્રોડ થવાનો ભય વધારે રહે છે. ઓનલાઈન શોપિંગમાં કોઈ વસ્તુની ખરીદી કરતી વખતે તમે કેશ ઓન ડિલીવરીનો ઓપ્શન સિલેક્ટ કરવો વધુ સુરક્ષિત છે. કેશ ઓન ડિલીવરીનાં કારણે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે નહીં જેથી તમારા એકાઉન્ટની માહિતી લિક થવાનો કે એકાઉન્ટ હેક થવાનો ભય રહેતો નથી.
ઓનલાઈન શોપિંગ કરવા માટે તમારા પર્સનલ સ્માર્ટફોન, કમ્પ્યુટર કે ટેબલેટનો ઉપયોગ કરવો જોઈએ. ઓનલાઈન શોપિંગ કે નેટ બેંકિંગ માટે પબ્લિક ગેજેટ્સનો ઉપયોગ કરવાનું ટાળવું. કોઈ બીજાની સિસ્ટમમાંથી કોઈ ફાઈનેન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવાથી જો તમારી કોઈ માહિતી કે પાસવર્ડ તેમાં સેવ થઈ જાય તો ફ્રોડ થવાની શક્યતાઓ વધી જાય છે.
ઓનલાઈન શોપિંગ અને નેટ બેંકિંગ વખતે ઘણી વખત તમે વાંચ્યુ હશે કે ‘ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય'. ઘણી વખત એવું બને છે કે તમે કોઈ આકર્ષક ઓફર્સનો લાભ લેવા માટે ઉતાવળ કરી બેસો અને પછીથી તમને ખબર પડે કે ઓફર્સમાં જે મુજબ લખ્યું હતુ તેના કરતા વધારે પેમેન્ટ કરવું પડ્યું. કેટલીક ઓનલાઈન શોપિંગની સાઈટ્સ પર ફ્રી હોમ ડિલીવરીનો ઓપ્શન હોય છે પરંતુ તેની સાથે કેટલીક શરતો પણ લખેલી હોય છે તેને તમારે ધ્યાનથી વાંચી લેવી જોઈએ જેથી તમારે વધારે કિંમત ન ચૂકવવી પડે. .
ઓનલાઈન શોપિંગમાં ઘણી વખત એવું બને છે કે જે તમને ફોટામાં દેખાતી હોય તે અને જે તમને મળી હોય તે વસ્તુ વચ્ચે ઘોડા હાથીનો ફરક હોય. ઓનલાઈન શોપિંગમાં ઘણી વખત આવા છબરડા થતા હોવાનું સાંભળવા મળે છે. તાજેતરમાં થયેલ એક સર્વે અનુસાર, દર વર્ષે એક તૃતિયાંશ લોકોને નકલી સામાન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
સ્ત્રોત: ફેમિના
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/29/2019