ડિજિટલ જવામાં સૌથી મોટો ફાયદો નાણાકીય વ્યવહારમાં સુગમતા છે. તમારે હાથમાં રોકડ કે પ્લાસ્ટિક કાર્ડ રાખવા પડતા નથી કે એટીએમમાંથી ઉપાડ માટે લાઇનમાં ઊભા રહેવું પડતું નથી. તમે પ્રવાસ કરતાં હોય ત્યારે ખર્ચ કરવામાં તે સલામત અને સરળ વિકલ્પ છે. જો તમે નીચી આવક ધરાવતા જૂથમાં ન આવતા હોવ તો તેના અનેક ફાયદા છે, એમ ટ્રાન્સેન્ડ કન્સલ્ટિંગના ડિરેક્ટર કાર્તિક ઝવેરીએ જણાવ્યું હતું. ગરીબો સિવાયના સમગ્ર દેશ માટે તે રચનાત્મક અને સરળ છે. તેથી હોસ્પિટલ જેવા કિસ્સામાં તે ખાસ ઉપયોગી છે, એમ તેમણે જણાવ્યું હતું.
તાજેતરમાં કાર્ડ પર રૂ. ૨૦૦૦ સુધીના વ્યવહાર પર સર્વિસ ટેક્સ દૂર કરવામાં આવ્યો તે સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવેલું પગલું છે. તમે જો તેનો ફાયદો ઉઠાવી શકે તો તમારા માટે આ સારી બાબત છે. રેલવે ટિકિટ, હાઇવે ટોલ કે વીમાની ખરીદીમાં પણ તમારા ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે. આ ઉપરાંત પેટીએમ જેવા મોબાઇલ વોલેટ દ્વારા ઓફર કરવામાં આવતી કેશબેક ઓફર અને ડિસ્કાઉન્ટનો પણ ફાયદો ઉઠાવી શકો છો.
અહીં બધા વ્યવહારોનો રેકોર્ડ હોવાથી લોકો માટે તેમના ખર્ચનો ટ્રેક રાખવો સરળ થઈ જાય છે. તેના લીધે આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં અને સ્ક્રુટિનીના કિસ્સામાં પણ મદદ મળે છે, લોકોને પણ તેમનો ખર્ચ સમજાવવો સરળ પડશે. ટેક્સ ઉપરાંત તેની બજેટ પર પણ સારી અસર પડે છે.
ખર્ચનો રેકોર્ડ હોવાથી તમારા ખર્ચનો ટ્રેક રાખવામાં અને સારું બજેટ રચવામાં મદદ મળશે. વિવિધ એપ અને ટૂલ્સ દ્વારા લોકો તેમની ખર્ચ કરવાની પેટર્નનું વિશ્લેષણ કરી શકે છે અને આગામી વર્ષોમાં કેવી સ્થિતિ હશે તે અનુભવી શકે છે. આ રીતે ખર્ચ પર અંકુશ મોટાપાયા પરના રોકાણમાં પરિણમી શકે છે. સિસ્ટમમાં મોટાપાયા પર રોકડ પરત ન આવવાની હોવાથી લોકો મોબાઇલ વોલેટ અને કાર્ડનો ઉપયોગ કરવા તરફ વળશે. તેના પગલે તમે કેન્ડી કે ચિપ્સ માટે દસ રૂપિયા ખર્ચતા હશે અથવા તો નિયમિત રીતે ઓફિસમાં કોફી પીતા હશો તો તેને ફટકો વાગશે કારણ કે છૂટ્ટા અને નાની ચલણી નોટો નહીં હોય.
ક્રેડિટ કાર્ડ કે મોબાઇલ વોલેટ ચોરાઈ જાય તો તેને દૂરથી પણ બંધ કરી શકાય છે, પરંતુ રોકડના કિસ્સામાં આવું શક્ય નથી. આ સંદર્ભમાં ડિજિટલ વિકલ્પ મર્યાદિત સુરક્ષા પૂરી પાડે છે. તેમા પણ ખાસ કરીને વિદેશમાં પ્રવાસ કરતાં હોય ત્યારે રોકડ ખોવાઈ જવાના લીધે મોટાપાયે અસુવિધા થાય છે. આ ઉપરાંત જો ફ્યુચરિસ્ટિક કાર્ડમાં બાયોમેટ્રિક આઇડી હોય તો તેની નકલ કરવી મુશ્કેલ હોય છે, આથી તે સલામત વિકલ્પ છે.
એક નાનો ફાયદો તો એ છે કે કેશલેસ હોવાથી તમે નાના પાયે ઉધાર માંગનારાઓથી બચી શકો છો. બીજી શાંતિ એ છે કે તમે છુટ્ટા કે બીજા કશાની ચિંતા કર્યા વગર દુકાનદારને જે રકમ છે તેની જ ચૂકવણી કરી શકો છો.
સૌથી મોટો ડર ઓળખની ચોરીનો છે. આપણે પોતે સાંસ્કૃતિક રીતે ડિજિટલ વ્યવહારો પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતા નથી, શિક્ષિત લોકો પણ છેતરપિંડીના છટકામાં સપડાઈ જાય છે. તેથી ઓનલાઇન છેતરપિંડીના બનાવ વધી રહ્યા છે ત્યારે હેકિંગનો જોખમ ડિજિટલ પ્લેટફોર્મ પર આવનારા વધુને વધુ લોકો પર આવશે. સોદાનું કદ ગમે તેટલું હોય પણ સુરક્ષાના વધુ એક સ્તરની ગેરહાજરી હજારો લોકોને તેમની ઓળખની ચોરીના જોખમ આગળ ખુલ્લા કરી દેશે.
તમે બધા જ વ્યવહારો માટે તમારા ફોન પર આધારિત થઈ જશો. જો તેને ગુમાવો તો બેવડો ફટકો પડી શકે તેમ છે. આ સંજોગોમાં રોકડની ભૌતિક સ્વરૂપમાં ગેરહાજરી કે બીજા કોઈ પેમેન્ટ વિકલ્પના અભાવે તમે અસહાય થઈ શકો છો. તમે ખાસ કરીને વિદેશમાં કે નાના શહેરો કે ગામડામાં પ્રવાસ કરતાં હોવ જ્યાં બેન્કિંગ વ્યવાહ કે બીજા કોઈ પેમેન્ટ વિકલ્પ નથી ત્યાં વધારે મુશ્કેલીભરી છે. બીજું એક મહત્વનું પાસું તમારા ફોનનું ચાર્જિંગ ખતમ થઈ જવું કે તે હેંગ થઈ જવો તે છે.
ભારતમાં ૨૦૧૬ સુધીમાં ઇન્ટરનેટનો વ્યાપ ૩૪.૮ ટકા હતો અને ૨૦૧૫ સુધીમાં બધા મોબાઇલ ફોન વપરાશકર્તામાંથી ૨૬.૩ ટકા પાસે જ સ્માર્ટફોન હતો. અહીં સૌથી મોટી મુશ્કેલી માનસિક વલણમાં ફેરફારની છે. તમારે ડિજિટલ પ્લેટફોર્મમાં ત્રણ પેઢીને એક કૂદકે સાથે લઈ આવવાની છે. જૂના લોકોને વધારે તકલીફ પડશે.
તમારી પાસે કાર્ડ કે વોલેટના સ્વરૂપમાં ખર્ચ કરવાના સુગમ સાધન હોવાથી તમને વધુ ખર્ચ કરવા માટે પ્રેરતા છટકામાં તમે સપડાઈ શકો છો. રોકડના બદલે કાર્ડ હાથમાં હોય ત્યારે કમાણી કરતાં વધારે ખર્ચ થઈ જાય
સ્ત્રોત: નવગુજરાત સમય અંક ૧૧ ડિસેમ્બર ૨૦૧૬
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020