অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મધુપાલનથી મળતી વિવિધ પેદાશો અને તેના ફાયદાઓ

મોટા ભાગે એવું માનવામાં આવે છે કે, કીટકો આર્થિક રીતે નુકશાન કરતા હોય છે,પરંતુ ઘણા કીટકો અને તેની પેદાશો પણ ઉપયોગી છે. જીવ સૃષ્ટિમાં વૈવિધ્ય સભર કીટકો કે જે સર્વવ્યાપી છે જેમનો માનવી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઔદ્યોગીકરણ, ઔષધ અને ખોરાકનાં સ્ત્રોત તરીકે ઉપયોગી છે. વિશ્વભરમાં સદીઓ પહેલા ઝેર ઉત્પન્ન કરતાં કીટકો અને તેની પેદાશોનો માનવ જીવનમાં મુખ્ય ઔષધના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. વિજ્ઞાને પણ એવું સાબીત કર્યુ છે કે, કીટકો રોગ પ્રતિકારક, પીડાહારક, જીવાણુપ્રતિકારક, ફૂગપ્રતિકારક, અચેતના અને સંધિવા પ્રતિરોધક જેવા ગુણધર્મોર્ ધરાવે છે.

મધમાખીઓની ઉપયોગીતા મનુષ્ય જાતી માટે પ્રાગૈતિહાસિક સમયથી ચાલી આવી છે. મધમાખીઓનો ઉલ્લેખ વેદ, રામાયણ, કુરાન, અને અન્ય ધાર્મીક ગ્રંથોમાં પણ કરવામાં આવેલ છે. પ્રથમ વિશ્વ યુધ્ધમાં મધમાખીઓનો હથીયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો મધમાખીઓનો ઉછેર તેના કૃત્રિમ રહેઠાણોમાં કરવામાં આવે તેને 'મધમાખી ઉછેર/મધુપાલન' કહેવામાં આવે છે. મધમાખી ઉછેર એ વાસ્તવીક વેપારી ભાગ છે. ભારતનાં કેટલાક રાજયોમાં આ વ્યવસાય લોકપ્રીય બન્યો છે. ભારતમાં મધમાખી ઉછેરનો ઉદ્યોગ પ૦ થી ૬૦ વર્ષ પહેલા શરૂ થયેલ છે. આપણા દેશમાં મધમાખીઓની ચાર પ્રજાતીઓ જોવા મળેલ છે જેવીકે રોક મધમાખી (એપીસ ડોરસાટા),ભારતીય મધમાખી (એપીસ સેરેના ઈન્ડિકા), નાની મધમાખી(એપીસ ફલોરીઆ) અને ડામર મધમાખી(ોભ્ય્િઃદ્યબ્ કઉઉઈ). પ્રાચીન ગ્રીકો મધને દવા તરીકે ગણતા હતા અને તેઓ માનતા હતા કે જો મધને નિયમિતપણે ઔષધ તરીકે લેવામાં આવે તો માનવી નું જીવન લંબાવી શકાય છે. પ્રાચીન ઈજીપ્ત ના લોકો મધનો ઉપયોગ ઘા રૂઝાવવા તેમજ શબને લાંબા સમય માટે સાચવવા કરતા હતા. જેમ છોડ પોતાનું જીવન ટકાવી રાખવા માટે અમૂક રસાયણો પેદા કરે છે તેવી જ રીતે કીટકો પણ પોતાનું જીવન ટકાવી રાખવા માટે અમૂક રસાયણો પેદા કરે છે, જેમાં ઔષધિય ગુણધર્મો રહેલા હોય છે. કીટકોમાં શકિત શાળી સંરક્ષણ રચના હોવાથી તેઓ જુદા જુદા વાતાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. સંધિપાદ સમુદાયની જૈવીક તેમજ વર્તણુકીય લાક્ષણીકતાઓ એવું સુચવે છે કે તેમાં રહેલ જૈવિક સક્રિય રસાયણો ઔષધ તરીકે ઉપયોગી છે. મધમાખી તેના દુશ્મનોથી બચવા માટે ઝેર ઉત્પન્ન કરે છે.

મધમાખીઓ માંથી મળતી વિવિધ પેદાશો મધમાખીઓ માનવ જીવન માટે સીધી કે આડકતરી રીતે ખૂબ જ ઉપયોગી છે.જેમાંથી મળતી વિવિધ પેદાશો અહી દર્શાવવામાં આવેલ છે.

મધ

મધ એ મધમાખીઓ ધ્વારા ફૂલોમાંથી એકઠું કરવામાં આવેલું સૌથી મુલ્યવાન આર્થીક ઉત્પાદન છે.મધમાખીઓ ધ્વારા જો એકજ પ્રજાતીનાં ફૂલોમાંથી એકઠું કરવામાં આવેલ હોય તો તેવા તૈયાર થયેલ મધને એકપુષ્પી મધ(Unifloral honey)તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. અજમાનું મધ, સુર્યમુખીનું મધ, એપલ મધ, રાયડાનું મધ અને જો વિવિધ ફૂલોમાંથી એકઠું કરવામાં આવેલ હોય તો તેવા તૈયાર થતા મધને બહુપુષ્પી મધ (Multifloral Honey)તરીકે ઓળખવામાં આવતુ હોય છે. મધમાખી વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં અને ઘણા વન આદીવાસીઓનું એક વેપારી સાહસ છે કે જેમનો મુખ્ય સ્ત્રોત મધ છે. મધ એ મધમાખી ધ્વારા એકઠું કરવામાં આવતુ રંગ વિહીન કે આછા ભૂરા રંગનું ચીકણુ પ્રવાહી છે જેમા ૭૮ ટકા ખાંડ (ગ્લુકોઝ અને ફ્રુ્રકટોઝ),૧૭ ટકા પાણી, ૭ ટકા ઉત્સેચકો,વિટામીન અને પોષક તત્વોનો સમાવેશ થાય છે મધમાખીઓ મુખાંગોની મદદથી ફૂલોમાંથી ચુસેલા રસને પોતાના પાચન તંત્રમાં પ્રક્રિયા કર્યા બાદ મધપુડામાં એકત્રીત કરે છે જેને આપણે મધ કહીએ છીએ.આ મધને સુકવવામાં આવે છે. જયારે મધ સુકાઈ જાય ત્યારે આવી કોઠીઓને મીણ વડે બંધ કરવામાં આવે છે. મધએ ખૂબ જ પૌષ્ટિક આહાર અને ઔષધ તરીકે ઉપયોગી છે. મધનો પુજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. નવા જન્મતા બાળકને પ્રથમ આહાર તરીકે મધ આપવામાં આવે છે. મધ લોહીના શુધ્ધીકરણ માટે ઉપયોગી છે મધ ટાઢિયો તાવ, કફ, આંખની બિમારી તથા જીભના ચાંદા સામે ઉપયોગી છે તેમજ રેચક તરીકે પણ મધ એ સસ્તો અને શ્રેષ્ઠ આહાર છે.અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ અનુસાર,૪પ૦ ગ્રામ મધ એ ૩૦ ઈંડા,૧ લિટર દૂધ, ૧૦ કિલો લીલા વટાણા, ૯ કિલો ગાજર બે ડઝન નારંગી,૧ડઝન સફરજન અને ૭પ૦ ગ્રામ માંસ સમાન છે.ઔષધિઓ બનાવવા પણ મધ નો ઉપયોગ થાય છે. મધનો ઉપયોગ ઘા રૂઝાવવા માટે કરવામાં આવે છે કારણકે મધ જીવાણું શોષક, એન્ટિઓકિસડન્ટ,સોજાવિરોધી અને બળતરાવિરોધી ગુણધર્મો ધરાવે છે મધનું ૯૦ટકા મિશ્રણ માથાની ખોપરી ઉપર દરરોજ એક મહિના સુધી લગાવવાથી માથાના ખોડાનો સંપુર્ણ ઈલાજ મેળવી શકાય છે. મધમાંથી બીજી ઘણી મુલ્ય વૃધ્ધિ પેદાશો જેવીકે હની જામ, હની કેન્ડિ, હની ચીકી, હની આઈસ્ક્રીમ, હની જેલી, હની ફુ્રટ જયુસ, હની ચોકલેટ, હની સોપ, અને હની લેમન સરબત વગેરે બનાવી શકાય છે. મધને લીંબુ ના રસ સાથે મેળવી દરરોજ સવારે પાણી સાથે લેવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે.આંખને સાફ કરવા માટે મધને આંજવામાં આવે છે.

મીણ

મીણ એ મધમાખીના કામદાર વર્ગ ધ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. પહેલા એવું માનવામાં આવતું હતુ કે, મધમાખીનું મીણ ફૂલોના રસ માંથી ઉત્પન્ન થાય છે.પરંતુ હવે એવુ માનવામાં આવે છે કે, મીણ એ મધમાખીના કામદાર વર્ગની ઉદરની ડાબી બાજુએ આવેલ મીણ ગ્રંથીમાંથી ઉત્પન્ન થાય છે. મીણનો ઉપયોગ મધપૂડો બનાવવામાં અને મધ કોઠીઓને બંધ કરવામાં થાય છે. મીણ માનવી માટે પણ ઉપયોગી છે.વિશ્વભરમાં ૭પ ટકા મીણ કોસ્મેટીક, કી્રમ, લોશન, લિપ્સટીક, ભ્રમર, પેન્સિલ, વાળની ક્રીમ વગેરેમાં થાય છે. મીણનો ઉપયોગ માળા, મીણબત્તિ, ફર્નીચર, જુતા, કપડા, ચામડા વગેરેને પોલીસ કરવામાં થાય છે. મધમાખીના મીણમાંથી ઘણીબધી વસ્તુઓ બનાવવામાં આવે છે જેવી કે કાર્બન પેપર બનાવવા માટે, ફળોના રક્ષણ માટે મીણનું પડ ચડાવવા, દવાઓની કેપ્સુલ બનાવવા તથા મધપેટીમાં મધપુડાની ફાઉન્ડેશનશીટ બનાવવા ઉપયોગ થાય છે. મધમાખીના મીણમાં વિટામીન એ હોય છે જે ત્વચાના વિકાસ માટે ઉપયોગી છે. મધમાખીના મીણમાં ચેપરોધક ગુણધર્મ હોવાથી તેનો ત્વચાના રોગના નિયંત્રણ માટે ઉપયોગ થાય છે.મધમાખીના મીણથી સંધિવાના રોગ સામે રાહત મેળવી શકાય છે.

મધમાખીએ ભેગી કરેલ પરાગરજ(બી પોલન)

મધમાખીઓ એક ફૂલ ઉપરથી ઉડી અને બીજા ફૂલ ઉપર જાય ત્યારે તે તેની સાથે યજમાન છોડની પરાગરજ લઈને ઉડે છે.મધમાખીઓ એ ભેગી કરેલી પરાગરજમાં મધમાખીની લાળ પર મિશ્રિત થયેલી હોય છે.મધમાખીએ ભેગી કરેલી પરાગરજને પ્રકૃતીના સૌથી સંપુર્ણ ખોરાક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં વિટામીન્સ,મીનરલ્સ,પાચકરસો અને એમીનો એસીડ આવેલા હોય છે જે અંગો અને ગ્રંથીઓને ઉત્તેજીત કરે છે અને તેની કાર્યશકિત વધારે છે. પરદેશમાં મધમાખીએ ભેગી કરેલી પરાગરજનો ખૂબ જ સારા પ્રોટીનયુકત ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મધમાખીએ ભેગી કરેલી પરાગરજ ખાવાથી નબળાઈ, અકાળે વૃધ્ધત્વ, વજનમાં ધટાડો થવો અને કબજયાત જેવી મુશ્કેલીઓ સામે રાહત મેળવી શકાય છે. બી પોલનમાં એન્થોસાયન, કેરોટીનોઈડસ અને ફલેવોનોઈડસ હોય છે જે લોહીમાંની અશુધ્ધિઓને સાફ કરીને લોહીને શુધ્ધ કરે છે. તાવ અસ્થમા અને શરદીના ઈલાજ માટે બી પોલન નો ઉપયોગ થાય છે.

રોયલ જેલી

રોયલ જેલીએ મધમાખીઓ માંથી સ્ત્રાવ થતો પદાર્થ છે જે નાની ઈયળો અને પુખ્ત રાણીના પોષણ માટે વપરાય છે. રોયલ જેલી મધમાખીઓના કામદાર વર્ગની જીભ માં આવેલ  ગ્રંથીઓમાંથી સ્ત્રવિત થતો પદાર્થ છે. મધમાખીઓની કોલોનીમાં જયારે રાણી નબળી થઈ જાય તયારે કામદાર વર્ગ નાની ઈયળોને આ પદાર્થ ખવડાવે છે અને તેને રાણી બનવા માટે સક્ષમ બનાવે છે. રોયલ જેલીમાં રેયાલીસીન(અમ્લીય અંશ) હોય છે જે વ્યાપક વિસ્તરેલ બેકટેરીયા સામે લડવામાં મદદરૂપ થાય છે કારણકે રોયાલીસીનમાં ગામા ગ્લોબ્યુલીન્સ  હોય છે જે રોગ પ્રતીકારક તંત્રનો એક અગત્યનો એમીનો એસીડ છે. રોયલ જેલીમાં લીપો પ્રોટીન,વિટામીન બી અને ન્યુટ્રલ ગ્લીસરાઈડ હોય છે જેમાં રોગના ચેપને નાબુદ કરવાના ગુણધર્મો હોય છે જે ટી–લીમ્ફોસાઈટના કોષના બંધારણને પ્રેરે છે અને વાયરસ અને કેન્સરના કોષોને નાબુદ કરવા માટે જવાબદાર છે. મધમાખીઓ ધ્વારા બનાવવામાં આવતી રોયલ જેલી એન્ટિબેકટેરીયલ, બળતરાવિરોધી, એન્ટિઓકિસડન્ટ અને ગાંઠ વિરોધી ગુણધર્મો ધરાવે છે. રોયલ જેલીનો ઉપયોગ પેટ, યકૃત, પાચન સંલગ્ન સમસ્યાઓ, ઉંચુ લોહીનું દબાણ, ભૂખ ના લાગવી, વજનમાં ઘટાડો, થાક લાગવો, સુસ્તપણું, અનિંદ્રા, મેનોપોઝ વગેરે સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા માટે થાય છે. ત્વચાની સુંદરતા વધારવા માટે રોયલ જેલી, ક્રીમ અને મલમ બનાવતી વખતે ઉમેરવામાં આવે છે.

પ્રોપોલીસ

પ્રોપોલીસ એ મધમાખીઓ ધ્વારા એકત્રીત કરેલ છોડની કળીઓમાંથી નીકળતો ઘાટા ભૂરા રંગનો ચીકણો પદાર્થ છે જે મીણ અને ઉત્સેચકો સાથે મિશ્રિત હોય છે. પ્રોપોલીસનો ઉપયોગ પ્રતીકારક શકિત વધારવામાં થાય છે. પ્રોપોલીસમાં બળતરાવિરોધી, ગાંઠ વિરોધી વગેરે ગુણધર્મો હોય છે. પ્રોપોલીસના ઉપયોગથી મોઢામાંના રોગકારક જીવાણુઓ, ઘા, ચાંદા વગેરે સામે રક્ષણ આપે છે. પ્રોપોલીસ રોગ પ્રતીકારક શકિત વધારે છે અને હિસ્ટેમાઈન(એમીનો એસીડ) બનાવવાની પ્રક્રિયાને પ્રેરે છે. બાહય ઉપયોગ માટે પ્રોપોલીસને નાકના ટીંપા,કફ સીરપ, ટૂથપેસ્ટ, લોશન, મલમ, ક્રિમ, તેલ, શેમ્પૂ અને સાબુમાં ઉમેરવામાં આવે છે.

મધમાખીનું ઝેર(બી વેનમ)

મધમાખીનું ઝેર એ કડવું અને રંગવિહીન પ્રવાહી છે. કામદાર વર્ગની માખીઓના ઉદરપ્રદેશમાં થતા એસીડીક અને બૈઝીક સ્ત્રાવના મિશ્રણથી આ ઝેર ઉત્પન્ન થાય છે. મધમાખીના ઝેરનું સક્રિય ઘટક ઘણા પ્રોટીનોના મિશ્રણથી બનેલું હોય છે. મધમાખીના ઝેરમાં મેલિટીન(૪૦–૬૦ ટકા), ફોસ્ફોલાઈપેઝ(૧૦–૧ર ટકા), એપામાઈન(ર–૩ ટકા), પેપ્ટાઈડ(ર ટકા), અને હિસ્ટેમાઈન (૧ ટકા) નામના ઝેરી ઘટકો હોય છે. મધમાખીનું ઝેર ચામડી પર આવેલ સોજો ઘટાડવામાં મદદરૂપ નીવડે છે. મધમાખીનું ઝેર સંધિવા, સ્નાયુબંધ પીડા, રાંઝણ, રાંઝણી, તીવ્ર દુઃખાવો,મજજાતંતુઓના રોગો, અસ્થમા, કેન્સરના કોષો, ત્વચાના રોગો વગેરેથી રાહત આપે છે. આમ, મધમાખીનું મધએ એક અમૂલ્ય કુરતી પદાર્થ છે જેનો તમામ ઉંમરના લોકો દવા, ઘરગથ્થુ ઉપાય, કોસ્મેટિક, પોષણ વગેરે અનેક વિધ ક્રિયાઓ માટે ઉપયોગ કરી શકે છે. આધુનિક સમયમાં કુદરતી સ્ત્રોત જેવા કે જમીન અને પાણી મર્યાદિત હોવાથી વધતી વસ્તીના લીધે દિવસે ને દિવસે ખોરાકની માંગમાં જબરદસ્ત વધારો થઈ રહયો છે. વળી, વધું ઉત્પાદન મેળવવા માટે ઘણીવાર કીટનાશકોનો અવિવેકપુર્ણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેની અવળી અશર મધમાખીઓની વસ્તી પર પણ થઈ શકે છે જે આપણે સૌએ વિચારવું જરૂરી છે. આધુનિક કૃષિમાં ચોકસાઈ વાળી પધ્ધતિઓ અને કુદરતી સ્ત્રોતો વધુમાં વધુ ઉપયોગ કરીને મધમાખીઓનું શકય હોય તેટલુ વધુ સંવર્ધન/સંરક્ષણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

ડો. પી. કે. બોરડ, પ્રો. એમ. બી. ઝાલા, કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કષિ મહા વિદ્યાલય, એ.એ.યુ.,આણંદ

સ્ત્રોતઃ શીર્ષક: મધમાખી પાલન

પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate