ગાદલીયાનું વર્ધન બીજથી થાય છે. આ માટે ખેડૂતે જાતે સારા મોટા ભરાવદાર ડબલ ફુલવાળા છોડ પસંદ કરી બીજ એકત્ર કરવું એક હેકટરના વાવેતર માટે ૩૦૦ થી પ૦૦ ગ્રામ બીજની જરૂર પડે છે. રોપણી કરતા પહેલા દોઢ માસે બીજનું ધરૂવાડિયું તૈયાર કરી ધરૂ ઉછેરવું સામાન્ય રીતે મે અને નવેમ્બર માસમાં અનુક્રમે ખરીફ અને રવીૠતુ માટેના પાક લેવા ધરૂ ઉછેરવું જોઈએ. બીજને છંટકાવ કરવા કરતા લાઈનમાં વાવવા જોઈએ, જેથી નિંદામણ કરવામાં અનુકુળતા રહે. રૂવાડિયાને સવાર સાંજ ઝારાથી પાણી પાવું જોઈએ.
ફેરરોપણી : ધરૂ ૪ થી પ અઢવાડિયે રોપવા લાયક થાય છે. ધરૂની ફેરરોપણી ૩૦ × ૩૦ , ૩૦ × ૪પ કે ૩૦ × ૩૦ સે.મીના અંતરે કરવામાં આવે છે.
ખાતર તેમજ અન્ય માવજત : હેકટરે ૧ર થી ૧પ ટન છાણિયું ખાતર, ૧૦૦ કિલો નાઈટ્રોજન, પ૦ કિલો ફોસ્ફરસ, પ૦ કિલો પોટાશ આપવા આ પૈકી નાઈટ્રોજનનો અડધો જથ્થો રોપણી બાદ દોઢ માસે આપવો. શિયાળામાં ૧પ થી ર૦ દિવસના આંતરે અને ઉનાળામાં ૧ર થી ૧પ દિવસના આંતરે પાણી આપવું અને નિયમિત નિંદામણ કરવું.
એક હેકટરે ૧૮ થી ર૦ ટન ફુલોનો ઉતાર મળે છે. ફેરરોપણી બાદ પ૦ દિવસે ફુલોની પહેલી વીણી મળે છે. લગભગ ૧પ૦ દિવસ સુધી ફુલોની વીણી મળતી હોય છે. કુલ ર૦ થી રપ વીણી આંતરે દિવસે કરવી પડે છે.
ચોખ્ખી આવક ર૦ થી રપ હજાર/ હેકટરે થાય છે. વહેલી સવારે ફુલ ઉતારી વાંસના કરંડીયા કે ટોપલામાં પેક કરી બજારમાં મોકલવા, જેથી કરીને સારો ભાવ મળે છે.
આ પાકને ખાસ કોઈ ગંભીર રોગ અને જીવાત લાગતા નથી. આમ છતાં ધણીવાર મોલોમશીનો ઉપદ્રવ થાય છે, ત્યારે કોઈપણ શોષક પ્રકારની દવાનો છંટકાવ કરતાં તેને કાબુમાં લઈ શકાય છે.
સ્ત્રોત: એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020