অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફુવારા સિંચાઈ પધ્ધતિ

છેલ્લા પ૦ વર્ષના વરસાદના આંકડાઓ તપાસતા લાગે છે કે પ્રતિવર્ષ વરસાદ ઘટતો જ જાય છે અને અનિયમિત બનતો જાય છે. આથી પિયત કરવાની જરૂરીયાત વધતી જાય છે અને પિયત પાણીનો જથ્થો મર્યાદીત બનતો જાય છે. તે મર્યાદીતપણાની ચરમસીમાનો નજીકના વર્ષોમાં અનુભવ થાય તેવી શકયતા નકારી શકાય નહી. ભૂગર્ભ જળ ભંડારો ઉલેચાય જવાથી લગભગ ખાલીખમ થવામાં છે. આથી જો આવતી પેઢીને જીવવા માટે જળસંપતી સાચવી રાખવી હશે તો આધુનિક સિંચાઈ પધ્ધતી જેવીકે ફુવારા સિંચાઈ પધ્ધતિ અપનાવી તે પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવો જ રહયો.

ફાયદાઓ

ફુવારા સિંચાઈ પધ્ધતિમાં પાકને વરસાદના રૂપમાં પાણી આપવામાં આવે છે. આ પધ્ધતિમાં નીચે પ્રમાણે કેટલાક ફાયદાઓ રહેલા છે.

 1. પાણીનો ૩૦ થી પ૦ ટકા બચાવ થતો હોવાથી આપણી પાસે રહેલા પાણીના જથ્થાથી વધુ વિસ્તાર પિયત તળે લાવીને ઉત્પાદનમાં વધારો લાવી શકાય છે.
 2. કમોદ અને શણ સિવાયના કોઈપણ પાક માટે બધાજ પ્રકારની જમીનમાં (સિવાય કે ખૂબ જ ભારે જમીન જેની પાણી ગ્રહણ કરવાની ક્ષમતા ૪ મી.મી. / કલાક કરતાં ઓછી હોય) અપનાવી શકાય છે.
 3. ખૂબ જ છીછરી જમીનમાં કે જેમાં, કયારા કે ધોરીયા પધ્ધતિથી પિયત કરવા માટે સમતલ કરતાં ફળદ્રુપતા ઘટી જતી હોવાથી આ પધ્ધતિ અનુરૂપ છે. કારણકે, આમા જમીનને સમતલ કરવાની જરૂર નથી.
 4. વધુ ઢાળવાળી અને ખરબચડી જમીનને સમતલ કર્યા વગર પિયત કરી શકાય છે.
 5. ઓછા પાણી પ્રવાહથી પણ પૂરી કાર્યક્ષમતાથી પિયત કરી શકાય છે.
 6. છોડના પ્રકાર તથા ઉંમર પ્રમાણે જોઈએ તેટલું નિયંત્રિત પાણી આપવું શકય બને છે.
 7. રાસાયણિક ખાતરો, નિંદામણનાશકો અને ફૂગનાશકોને પિયત પાણી સાથે કરકસરપૂર્વક આપી શકાય.
 8. હિમ કે વધુ પડતા તાપમાનથી છોડને બચાવી શકાય છે.
 9. નિક પાળામાં રોકાતી જમીનનો વ્યય નિવારી શકાય છે.
 10. 10. આંતર ખેડ કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી.
 11. મજુરી ખર્ચ ઓછો આવે છે.
 12. જમીનનું ભૌતિક બંધારણ જળવાઈ રહે છે.

મર્યાદા

આ પધ્ધતિના ફાયદાઓ ઉપરાંત તેની કેટલીક મર્યાદાઓ નીચે પ્રમાણે પણ રહેલી છે.

 1. પવનની ગતી ૧૩ કિ.મી. પ્રતિ કલાક કરતા વધુ હોય ત્યારે બધે એક સરખું પાણી આપવું શકય નથી.
 2. પાણી, રેતી, કચરો, કે ઓગળેલા ક્ષારોથી મુકત હોવું જરૂરી છે.
 3. પાવર જરૂરીયાત વધુ રહે છે.
 4. શરૂઆતનો ખર્ચ વધુ રહે છે.
 5. અચલ પાણી પ્રવાહ હોવો જરૂરી છે.

ફુવારા સિંચાઈ પધ્ધતિના ફાયદાઓ જયારથી લોકો જાણતા થયા ત્યારથી મોટાપાયે અપનાવતા થયા છે પણ પ્રાયોગિક જ્ઞાનના અભાવે તેનો વ્યવસ્થિત ઉપયોગ થતો નથી. તેના વપરાશમાં ઉપયોગી એવી માહિતી તથા વપરાશ દરમ્યાન ઉભી થતી કેટલીક સામાન્ય મુશ્કેલીઓ અને તેના નિવારણ માટેના ઉપાયો નીચે આપેલા છે.

જયારે ફુવારા સેટ કરીએ ત્યારે હમેશાં પંપથી ફીટ કરવાનું ચાલુ કરવું જોઈએ. જેથી કરીને ત્વરીત પાઈપનું સાચું જોડાણ થઈ શકે. જયારે કમ્પલીગથી પાઈપોનું જોડાણ કરવામાં આવે ત્યારે કમ્પલીગ અને તેમાની રબ્બર રીંગ એકદમ સાફ હોવી જરૂરી છે. આખું જોડાણ પુરું થયા પછી જયારે મોટર અથવા એન્જીન ચાલુ કરો ત્યારે દરેક વાલ બંધ હોવો જરૂરી છે. પંપ ધ્વારા પાણીનું પુરૂ દબાણ ઉત્પન્ન થયા પછી ડીલીવરી વાલ ધીરે ધીરે ખોલવો. આવી જ રીતે પંપ બંધ કર્યા પછી ડીલીવરી વાલ બંધ કરી દેવો જોઈએ. જયારે ફુવારા સેટ સ્થળાંતરીત કરવાના થાય ત્યારે તેના ફીટ વર્ણવેલ ફીટ કરેલા ભાગો નોખા કરવાની પધ્ધતિ અગાઉ વર્ણવેલ ફીટ કરવાની પધ્ધતિ કરતાં ઉલટા ક્રમમાં અનુસરવાની હોય છે. જયારે પિયત પાણી સાથે ખાતર આપવાનું હોય ત્યારે ૩૦–લીટર પાણીમાં ૧ કિલો ખાતર ઓગાળીને ખાતરની ટાંકીમાં ભરવામાં આવે છે. ટાંકીને મેન પાઈપ સાથે જોડવામાં આવે છે. તે પહેલાં થોડીક વાર ફુવારાને ચાલવા દેવામાં આવે છે. જેથી જમીન તથા છોડના પાદડાં પૂરતા પ્રમાણમાં ભીના થઈ જાય. આપવાનું ખાતરનું દ્રાવણ આશરે ૩૦ મીનીટમાં આપી દેવું જોઈએ. ખાતર આપ્યા પછી ફુવારા ર૦ થી ૩૦ મીનીટ સુધી ચાલુ રાખવા જોઈએ. જેથી રસાયણની આડઅસર નિવારી શકાય. આવી જ રીતે પ્રકારના નિંદામણનાશકોને ફૂગનાશકો તેના જલદપણાના આધારે પાણીનાં યોગ્ય જથ્થાની સાથે ભેળવીને આપી શકાય છે.

મુશ્કેલીઓ અને નિવારણ :

મુશ્કેલી૧: પંપ પૂરા દબાણથી પાણી ખેંચતો નથી અથવા તો સાવ ખેંચતો જ નથી. આ મુશ્કેલીને ટાળવા માટે નીચે પૈકીના એક અથવા વધુ ઉપાયો અજમાવવા જોઈએ.

 • સક્ષન લાઈન મર્યાદા કરતા વધુ હોય તો પંપને પાણીની સપાટી નજીક લઈ જવો.
 • સક્ષન પાઈપ તથા તેના જોડાણોમાં કયાંય લીકેજ હોય તો હવા ચુસ્ત રીતે બંધ કરો.
 • ફુટ વાલ્વનો ફલેપ વાલ જો મુકત રીતે પુરો ખુલતો ન હોય તો રીપેર કરાવો.
 • પંપ ગ્લેન્ડ (પંપની દોરી)માં જો હવા લીકેજ હોય તો તે ટાઈટ કરો. જો જરૂરી લાગે તો જાડા ગ્રીસનો ઉપયોગ કરીને ફરીથી દોરી ભરવી.
 • ડીલીવરી પાઈપમાં ફીટ કરેલી ગેટ વાલ જો લાઈન ભરો ત્યારે પુરો બંધ અને પંપ ચાલતો હોય ત્યારે પુરો ખુલ્લો રહેતો ન હોય તો રીપેર કરાવો.
 • પંપ સવળો જ ફરે છે કે નહી તે તપાસો.

મુશ્કેલીર: કયારેક અમુક અથવા બધા ફુવારા ફરતાં જ નથી. આ માટે નીચે વર્ણવેલમાંથી એક અથાવ વધુ ઉપાયોથી આ મુશ્કેલી ટાળી શકાય છે.

 • ઓછુ દબાણ ઉત્પન્ન કરેલ જણાય તો પધ્ધતિમાં પુરતુ દબાણ પેદા કરવાના ઉપાયો અજમાવો.
 • નોઝલમાં કાંઈ કચરો ભરાઈ ગયેલ હોય તો લાકડાની સળીનો ઉપયોગ કરી દૂર કરવો. આ માટે વાયરના ટૂકડાનો ઉપયોગ કરવો નહી. કારણ કે, નોઝલને નુકસાન થઈ શકે છે.
 • ફુવારા કે બેરીંગ્સ બરાબર ફરે છે કે નહી તે તપાસો જો તેમ ન હોય તો તેને ખોલીને સાફ કરો. આ માટે કયારેય ઓઈલ, ગ્રીસ કે કોઈ ઉઝણનો ઉપયોગ કરવો નહી. કારણ કે તે ઉજીત હોય છે.
 • બેરીગ્સની નીચે આવેલા વોસર જો ઘસાઈ ગયા હોય અથવા નુકસાન થયેલા હોય તો તે બદલાવી નાખવા
 • સ્વીંગ આર્મ બરાબર ફરે છે કે નહીં તે તપાસ કરો અને તેનો સ્પુન જેની સાથે પાણીની પીચકારી અથડાય છે તે વળી ગયો હોય તો તેને સમારકામ કરો.
 • સ્વીંગ આર્મની સ્પ્રીંગ નરમ પડી ગઈ હોય તો તે ટાઈટ કરો અથવા જરૂરી લાગે તો બદલાવી નાખવી.

મુશ્કેલી ૩: કપ્લર અને જોડાણોમાં રબ્બર સીલ રીંગની એવી ડીઝાઈન કરવામાં આવે છે જેથી જયારે પાણીનું દબાણ ઘટે ત્યારે ઓટોમેટીક પાઈપ પાણીથી ખાલી થઈ જાય છે અને પાઈપને બીજી જગ્યાએ તાત્કાલીક ફેરવી શકાય છે. આથી શરૂઆતમાં જયારે પંપ ચાલુ થાય ત્યારે થોડી લીકેજ રહે છે. પણ જયારે પૂરતું દબાણ ઉત્પન્ન થાય ત્યારે જરા પણ લીકેજ રહેતી નથી. આમ છતાં પણ કયારેક લીકેજ થતી હોય તો નીચે પ્રમાણેના એક અથવા વધારે ઉપાયો કરવાથી આ મુશ્કેલી ટાળી શકાય છે.

 • કપ્લરના ખાચમાં માટી કે રેતી ભરાયેલ હોય તો તેને સાફ કરો.
 • કપ્લરની અંદર ફીટ કરવામાં આવતો પાઈપનો છેડો સાફ કરો અને નુકસાન થવાથી બેડોળ થઈ ગયો હોય તો તેને રીપેર કરો.
 • બેન્ડ, ટી, કે રીડયુસર જેવા જોડાણો વ્યવસ્થિત રીતે કપ્લરમાં ફરીથી ફીટ કરવા અને રબ્બર સીલ રીંગ નુકસાન પામેલ જણાય તો બદલાવી નાખવી.

ફુવારા સેટને કાયમી શ્રેષ્ઠ કાર્યક્ષમતા સાથે ઉપયોગમાં લેવો હોય તો તેની નિયમિત જાળવણી અને બીન વપરાશ સમયમાં યોગ્ય રીતે સંગ્રહ કરવો અત્યંત જરુરી છે.

જાળવણી

પંપ

 • દર મહીને બેરીંગ્સનું તાપમાન ચેક કરવું, જરુર કરતાં ઓછા અને વધુ પડતા ઉંજણને કારણે તે ગરમ રહે છે.
 • દર ત્રણ મહીને બેરીંગ્સને કેરોસીનથી સાફ કરીને ફરીથી ઉંજણ કરવું. જો બેરીંગ્સ વધુ પડતા ઘસાઈ ગયા હોય તો બદલાવી નાખો.
 • દર છ મહીને ગ્લેન્ડ પેકીંગ ( પંપ દોરી) બદલાવો.
 • દર વર્ષે આખા પંપનો દરેક ભાગ ચેક કરો. બેરીંગ્સને બહાર કાઢી સાફ કરીને ફ્રી કરો. બેરીંગ્સ હાઉસીંગ સાફ કરો. શાફટ નુકસાન પામેલ હોય તો રીપેર કરો અથવા બદલાવી નાખો. ફુટવાલ્વ જરૂર લાગે તો રીપેર કરો.

પાઈપ અને જોડાણો

 • પાઈપ તાજી ભીની કોક્રીટ કે રાસાયણિક ખાતરના ઢગલા ઉપરથી પસાર ન થવી જોઈએ. પાઈપ ઉપર રાસાયણિક ખાતર ભરેલી થેલીઓ ન મુકો.
 • કપ્લરના ખાચા કે જેમાં રબ્બર સીલરીંગ ફીટ કરવામાં આવે છે. તેમાં ભેગો થયેલો કચરો કે રેતી દૂર કરો. નહીંતર તેની કાર્યક્ષમતામાં ઘટાડો થશે.
 • બધા નટ બોલ્ટ ટાઈટ રાખો.

સ્પ્રીકલર હેડ( ફુવારા)

 • જયારે ફુવારા લાઈન શીફટ કરવાની થાય ત્યારે ફુવારા કોઈ નુકશાન ન પામે કે જમીનમાં ન ખુંચે તેની કાળજી રાખો.
 • કયારેય ફુવારાને ઓઈલ, ગ્રીસ કે કોઈ ઉંજણ ન લગાડવું નહીં કારણ કે તેઓ જળ ઉર્જીત હોય તેમ કરવાથી કામ બંધ થઈ જવાની શકયતાઓ રહે છે.
 • દર છ મહીને શીલ્ડ બેરીંગ્સની નીચે આવેલ વોશર ઘસારો પામલ હોય તો તપાસ કરીને બદલાવી નાખો. ખાસ કરીને જયારે પાણીમાં રેતીનું પ્રમાણ હોય ત્યારે વારંવાર ચેક કરતા રહેવું.
 • બે ત્રણ વર્ષના વપરાશ પછી સ્વીંગ આર્મની સ્પ્રીંગ ટાઈટ કરો. સ્પ્રીંગના છેડાને ઉપર ખેંચીને તેને તાણવર્તી બનાવી શકાય છે.

સીઝનના અંતે દરેક ભાગ ચેક કરીને કાંઈ રીપેર કે બંધ બેસાડ કરવાની જરુરીયાત હોય તો કરી લો અને સ્પેરપાર્ટસ મંગાવી રાખો જેથી આવતી સીઝનમાં ફુવારા સેટ વાપરવા માટે તૈયાર હોય.

સંગ્રહ

 • ફુવારા લાઈનમાંથી ફુવારાદુર કરીને તેને ઠંડી સૂકી જગ્યાએ રાખો.
 • કપ્લર તથા જોડાણોમાંથી રબ્બર સીલ રીંગ અલગ કરીને ઠંડી અંધારી જગ્યાએ રાખો.
 • પાઈપોને તો મકાનની બહાર પણ લાકડાના કે ધાતુના ઘોડામાં એક છેડો કરતાં બીજો છેડો ઉંચો રહે તે રીતે ગોઠવી શકાય છે. ખાતરની સાથે કયારેય પાઈપોને રાખવાની ભુલ કરવી નહીં.
 • પંપમાંથી ડીલીવરી તથા સકસન પાઈપ તથા જોડાણો દૂર કરીને મધ્યમ ગ્રેડનું ઓઈલ લગાવી દો. શાફટને ગ્રીસ લગાડો.
 • વિદ્યુત મોટરને ધુળ, ભેજ કે ઉંદરથી બચાવો.

સ્ત્રોત  :શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા, ગુજરાત રાજય© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate