પોષક મૂલ્યની દષ્ટિએ બોર સફરજન કરતાં વધુ પૌષ્ટિક ફળ છે. છતાં કિંમતમાં સસ્તુ છે. બોરનાં લાકડાનો ફર્નિચર બનાવવામાં ઉપયોગ થાય છે. ખેડૂતો પોતાના પાવડા, કોદાળી, કુહાડીના હાથા બનાવવામાં બોરની જાડી ડાળીઓનો ઉપયોગ કરે છે. છાંટણી કરેલા લાકડાનો બળતણ તરીકે તેમજ પાનનો પશુના આહાર તરીકે ઉપયોગ થાય છે.
બોર પાણીની અછત હોય તો પણ તેની કૃુદરતી ખાસિયતોના કારણે ટકી શકે છે. આ ઝાડ ખરાબાની જમીન, હલકી, બિનખેડાણ અને ક્ષારીય જમીનમાં પણ ઉછેરી શકાય છે.
બોરના મૂળ સોટીમૂળ પ્રકારના છે. જમીનમાં કઠણ પડ હોય તેા પણ ઉંડે સુધી જઈ વિસ્તૃત રીતે ફેલાય છે. જેથી સૂકા વિસ્તામાં બોર સારી રીતે થાય છે. ઉનાળાની ૠતુમાં સખત ગરમીમાં ટકી રહેવા માટે બોર તેના પાન ખેરવી આરામ અવસ્થામાં જાય છે. જમીનમાં કુદરતી ભેજ લભ્ય હોય ત્યાં સુધીમાં ફળ પરિપકવ સુધીની અવસ્થા પૂર્ણ થઈ જાય છે.
જમીન : સામાન્ય રીતે બોર બધાજ પ્રકારની જમીનમાં ઉછેરી શકાય છે. આમ છતાં રેતાળ, ગોરાડુ અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. જમીનનો આમ્લતા આંક ૭.૦ થી ૭.પ હોય તેવી જમીન વધુ અનુકૂળ છે. બોરનો પાક સાધારણ ક્ષારવાળી જમીનમાં પણ થઈ શકે છે. પરંતુ ભારે ચીકણી અને કાળી જમીન ઝાડના વિકાસ માટે ઓછી અનુકૂળ છે.
હવામાન : બોરને ઉનાળામાં ગરમ અને સુકું તેમજ શિયાળામાં ઠંડુ અને સુકું હવામાન અનુકૂળ છે. બોરને દરિયાની સપાટીથી આશરે ૧૦૦૦ મીટર સુધી પણ ઉછેરી શકાય છે. ફૂલ અને ફળ ધારણ અવસ્થાએ હવામાનમાં ભેજ હાનિકારક છે. ઉનાળામાં સખત ગરમી સામે ટકકર ઝીલી શકે છે. અને પાણીની ખેંચ સહન કરી શકે છે. શિયાળામાં ઠારણ બિંદુથી નીચે તાપમાન જાય તો ફળ અને કૂમળી ડાળીને નુકશાન થાય છે.
ભારતમાં બોરની આશરે ૧રપ જાતો અસ્તિત્વમાં છે. ગુજરાતમાં શૃુષ્ક વિસ્તારીય ફળ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર ખાતે બોરની વિવિધ આશરે ૭૪ જેટલી જાતો એકત્રિત કરવામાં આવેલ છે. ફળ સંશોધન કેન્દ્ર, દહેગામ ખાતે ૧૦ જેટલી જાતો પ્રસ્થાપિત કરવામાં આવી છે. વિવિધ આશાસ્પદ જાતોની લાક્ષણિકતાઓ નીચે દર્શાવેલ છે.
ગોલા : આ જાતના ઝાડ વધુ ફેલાવો ધરાવે છે. વૃધ્ધિ ઝડપથી થાય છે. પાન મોટા હૃદયાકારના છે તથા ૬.૭ સે.મી. લંબાઈ અને ૪.ર સે.મી. પહોળાઈ ધરાવે છે. વહેલી પાકતી જાત છે. ફળ સામાન્ય રીતે, ગોળ, આછા પીળા રંગના અને સ્વાદમાં સહેજ ખટાશ ધરાવતાં મીઠા છે. માવો પોચો છે. ફળનું સરેરાશ વજન ૧૮ ગ્રામ અને કદ ૧૬.૪ ઘન સે.મી. છે. ઠળિયાનું વજન આશરે ૧.૦ ગ્રામ છે. કુલ દ્વાવ્ય ઘન પદાર્થ ૧૬–ર૦ ટકા છે. માવામાં પ્રજીવક–સીનું પ્રમાણ ૭૦–૧૪૦ મિ.ગ્રામ/૧૦૦ ગ્રામ છે. ફળની ટકાઉશકિત ઘણી જ નબળી છે. સરેરાશ ઉત્પાદન ૬૦–૮૦ કિ.ગ્રા. પ્રતિ ઝાડ મળે છે.
ઉમરાન :આ જાતનું ઝાડ ફેલાતું છે. પાનનો આકાર લંબગોળ છે. પાનનો નીચેનો ભાગ સાંકડો અને પહોળો, ટોચનો ભાગ પહોળો અને બુઠઠો અને બાજુ પરના ભાગ થોડાક વળેલો હોય છે. મોડી પાકતી જાત છે. સ્વાદમાં મીઠી છે. માવો કઠણ છે. ફળની ગુણવત્તા સારી છે. ફળનું કદ સામાન્ય રીતે મોટું, અંડાકાર અને ટોચનો ભાગ ગોળ છે. પરિપકવ ફળની છાલ લીલાશ પડતા પીળા રંગની સુવાળી અને ચળકાટ ધરાવે છે. ફળનું વજન આશરે ર૪ ગ્રામ અને ઠળિયાનું વજન ૧.૧ ગ્રામ છે. ફળનું કદ ર૩ ઘન સે.મી. છે. ફળની ટકાઉ શકિત સારી છે. દૂરના સ્થળ સુધી પરિવહન કરી શકાય છે. ફળનુ સરેરાશ ઉત્પાદન ૬૦–૭૦ કિ.ગ્રા. પ્રતિ ઝાડ મળે છે.
અજમેરી : આ ફેલાતી અને મોડી પાકતી જાત છે. ફળ લંબગોળ છે. ફળનું સરેરાશ વજન ર૩.૬ ગ્રામ છે. અને કદ ર૩ ધન સે.મી. છે. ઠળીયાનું વજન ૧.ર ગ્રામ છે. ફળની ટકાઉ શકિત સારી છે. સરેરાશ ઉત્પાદન ૯૦–૧૦૦ કિ.ગ્રા. પ્રતિઝાડ મળે છે.
ભારતીય બાગાયત અનુસંધાન સંસ્થા, ગોધરા ધ્વારા ''ગોમાહ કિર્તી'' નામની જાત વિકસાવવામાં આવેલ છે.
ઉપરોકત જાતો પૈકી ઉત્તર ગુજરાતના કૃષિ હવામાન આધારિત વિસ્તાર માટે બોરની વ્યાપારિક ધોરણે બિનપિયત ખેતી કરવા ગોલા, ઉમરાન અને અજમેરી જાતની ભલામણ કરવામાં આવે છે. ભાલ અને દરિયાકાંઠાની સૂકી ખેતી વિસ્તારના ખેડૂતોને બોરની ગોલા જાતનું વાવેતર કરવા ભલામણ છે. બોરની સુકવણી માટે રાંદેરી જાત અનુકૂળ છે.
સંવર્ધન : બોરનું સંવર્ધન સામાન્ય રીતે બીજ તથા વાનસ્પતિક તેમ બંને રીતે થાય છે. પરંતુ બીજથી ઉત્પન્ન થયેલ છોડમાં ફળ મોડા આવે છે તથા ગુણવત્તામાં ઉતરતી કક્ષાના થાય છે. બોરડીના સંવર્ધન માટે દેશી બોરડીના મૂલકાંડ ઉપર જે તે પસંદગીની જાતની આંખ કલમ કરવામાં આવે છે.
રોપઉછેર : સામાન્ય રીતે મૂલકાંડ માટે દેશી (ઝિઝિફસ રોટુન્ડીફોલિયા) જાત પસંદ કરવી અથવા તો રાંદેરી કે સુકવણી બોરના ઠળીયા પણ વાપરી શકાય છે.
બોરના રોપઉછેર માટે પ્રથમ ઉપરોકત જાતના પાકા ફળોમાંથી ઠળીયા કાઢી ૧૭ થી ૧૮ ટકાના મીઠાના દ્રાવણમાં બોળવા. ત્યારબાદ જે ઠળીયા દ્રાવણમાં તળીયે બેસી જાય તેવા ઠળીયા રોપ ઉછેર માટે પસંદ કરવા. આ ઠળિયાને કાળજી પૂર્વક તોડી તેમાંથી મીજ કાઢી તેનું વાવેતર કરવું. આમ કરવાથી ઉગાવો સારો અને ઝડપી મળે છે. બોરડીના રોપનો ઉછેર (૧) બીજની ખેતરમાં નિયત સ્થળે સીધી વાવણી કરીને અને (ર) નર્સરીમાં મૂલકાંડ રોપ ઉછેરીને એમ બે રીતે કરી શકાય છે.
બીજની ખેતરમાં નિયત સ્થળે સીધી વાવણી પધ્ધતિ : સામાન્ય રીતે તૈયાર કરેલ જમીનમાં બિનપિયત બોર માટે ૬ મીટર × ૬ મીટરના અંતરે જયારે પિયત બોર માટે ૮ મીટર × ૮ મીટરના અંતરે ખાડા ખોદવા. ઉનાળામાં ૬૦ સે.મી. × ૬૦ સે.મી. × ૬૦ સે.મી.ના માપના ખાડા કરી પંદર દિવસ તપવા દેવા. ત્યારબાદ દરેક ખાડા દીઠ ૧પ થી ર૦ કિ.ગ્રા. સારું કહોવાયેલું છાણિયું ખાતર અને ૧૦૦ ગ્રામ મીથાઈલ પેરાથીઓન ભૂકી ૪ ટકા તથા માટી મિશ્ર કરી ખાડા પૂરી દેવા. ચોમાસુ બેસે એટલે ખાડા દીઠ ર થી ૩ બીજ ૧.પ થી ર.૦ સે.મી. ઉંડા વાવવા. બીજમાંથી મુખ્ય મૂલકાંડ જ વધવા દેવું. આ છોડને માર્ચ માસમાં જમીનથી ૪ થી ૬ સે.મી. ઉંચાઈ રાખી કાપી નાખવા. ત્યાબાદ મૂલકાંડમાંથી જૂસ્સાદાર પીલાની નવી ફુટ નીકળશે. આ ફુટ પર મે–જૂન મહિનામાં સારી જાતની બોરની આંખ–કલમ કરવી જોઈએ. આ પધ્ધતિમાં રોપના મૂળ નીચેના તળ સુધી ઉંડે જાય છે અને ખૂબ ઉંડેથી પણ જરૂરી ભેજ ખેંચી ઝાડ પ્રતિકૂળ હવામાનમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. આથી સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં, પડતર કે ખરાબાની જમીનમાં અથવા બિનપિયત બોરની ખેતી માટે આ રીતે વધુ અનુકૂળ છે.
નર્સરીમાં મૂલકાંડ માટે રોપ ઉછેર : આ પધ્ધતિમાં રોપ ઉછેર માટે ૩૦૦ ગેજની રપ સે.મી. × ૧૦ સે.મી. માપની પોલીથીન બેગમાં ૧:૧:૧ પ્રમાણમાં છાણીયું ખાતર, માટી અને રેતીનું મિશ્રણ કરી બોરના બે મીંજ ફેબ્રુઆરી અથવા માર્ચમાં વાવવા . પોલીથીન બેગની નીચેના ફરતે ભાગે પ થી ૬ કાણાં પાડવા. ચોમાસા પહેલા રોપ ખેતરમાં રોપવા લાયક થઈ જશે. આથી ચોમાસામાં નિયત અંતરે ખેતરમાં રોપવા દેશી રોપને માર્ચ મહિનામાં જમીનથી ૪ થી ૬ સે.મી. રાખી કાપી નાખવા અને નવી ફુટ ઉપર મે–જુન મહિનામાં આંખકલમ કરવી અથવા તો નર્સરીમાં પણ રોપ પર મે મહિનામાં કલમ કરી કલમી રોપને ચોમાસામાં ખેતરમાં નિયત અંતરે રોપી શકાય છે.
આંખની પસંદગી : સારી જાતની બોરડીના ઝાડમાંથી એપ્રિલ માસમાં છાંટણી કર્યા પછી નવી ફુટેલી એક થી દોઢ માસની ડાળીઓ પસંદ કરવી. આ ડાળીના પાનની કક્ષમાં ભરાવદાર અને ફુલેલી આંખ હોય તેવી આંખ કલમ કરવા માટે પસંદ કરવી જોઈએ.
રોપણી : અગાઉ બીજની ખેતરમાં નિયત સ્થળે સીધી વાવણી પધ્ધતિમાં જણાવ્યા મુજબ તૈયાર કરેલ ખાડાઓમાં નર્સરીમાં તૈયાર કરેલ દેશી રોપ અથવા કલમી રોપ જુલાઈ–ઓગષ્ટ માસમાં ઝરમર–ઝરમર વરસાદમાં રોપવા.
કેળવણી અને છાંટણી : ખેતરમાં કલમને રોપ્યા પછી શરુઆતથી જ કેળવણી એ ખૂબ જ અગત્યનું કાર્ય છે. કલમી ડાળીને ટેકો આપવો જેથી તે સીધી વૃધ્ધિ કરે. ઝાડનો આકાર સપ્રમાણ જળવાઈ રહે તે માટે પ્રથમ વર્ષથી જ કલમી રોપનું થડ જમીનથી ૬૦ થી ૭પ સે.મી. સુધી ડાળી સિવાયનું રાખવું ત્યાબાદ ત્રણથી ચાર ડાળીઓ મુખ્ય ડાળી તરીકે દરેક દિશામાં વિકસવા દેવી. બીજા વર્ષે પ્રાથમિક ડાળીને ૪ થી પ દ્રિતીય પ્રશાખા સુધીનો ભાગ રાખી છાંટણી કરવી. ત્રીજા વર્ષે ફરીથી દ્વિતિય ડાળીને ૩ થી ૪ તૃતિય પ્રશાખા સુધીનો ભાગ રાખી છાંટણી કરવી. આમ ત્રણ વર્ષ સુધીમાં ઝાડ યોગ્ય આકાર અને બંધારણ ધારણ કરી શકે છે.
બોરમાં દર વર્ષે નવી ફૂટના પાનની કક્ષમાં જ આવેલ ફૂલમાં બોર બેસે છે. આથી બોરડીના ઝાડને દર વર્ષે છાંટણી કરી વધુમાં વધુ નવી ફૂટ મેળવવામાં આવે છે. જેથી ફળધારણ વધુ મેળવી સારુ ઉત્પાદન લઈ શકાય છે. બોરમાં છાંટણી સામાન્ય રીતે એપ્રિલના બીજા પખવાડિયાથી મે ના પ્રથમ પખવાડિયા સુધીમાં કરી શકાય છે. પરંતુ મે મહિનાનું પ્રથમ પખવાડિયું છાંટણી માટે વધારે અનુકૂળ છે. ઉત્તર ગુજરાત કૃષિ હવામાન વિસ્તારમાં બિનપિયત ગોલા જાતની બોરડીમાં છાંટણી ચાલુ વર્ષેની વૃધ્ધિની ડાળીમાં ચાર દ્રિતિય શાખા સુધીનો ભાગ રાખી છાંટણી કરવી. સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને બોરની જાત ઉમરાનમાં ૧૬ મે ની આસપાસ ૬૦ સે.મી. લંબાઈની ડાળી રાખી મધ્યમ છાંટણી કરવા ભલામણ છે. છાંટણી ધારદાર કોયતા દવારા ઓછા ઘા ઝીંકીને ડાળી ફાટી નહીં જાય એવી રીતે અલગ કરવી જોઈએ.
છાંટણી કર્યા બાદ ખેતરમાંથી સૂકી ડાળી અને રોગ જીવાતની અસરવાળા બોરના અવશેષો એકઠા કરી બાળી નાખવા. ત્યારબાદ ખેતરને ખેડી નાંખવું. મુખ્ય થડ ઉપરથી ફૂટતી ડાળીઓ દુર કરવી. એકબીજાને ભેદતી ડાળીઓ પણ દૂર કરવી. છાંટણી કર્યા બાદ તુરત જ કાપેલ ભાગો પર બોર્ડોપેસ્ટ ચોપડી દેવુ.
ખાતર : બોરડીના ઝાડને ખાતરનો જથ્થો પાંચ વર્ષની ઉંમર સુધી નીચે કોઠામાં જણાવ્યા પ્રમાણે આપવો. બિનપિયત બોરડીમાં જુન–જુલાઈ માસમાં સારો વરસાદ થયા બાદ ઝાડની ફરતે થડથી ૩૦ થી ૬૦ સે.મી. દૂર રીંગ કરી તેમાં બધુ જ છાણીયું ખાતર તેમજ રાસાયણિક ખાતર નાખી રીંગ પુરી દેવી. પિયત બોરડીમાં બધુ છાણીયું ખાતર, ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતર તથા બે તૃતિયાંશ નાઈટ્રોજનયુકત ખાતર જૂન–જુલાઈ માસમાં આપવા. ત્યારબાદ બાકીનો એક તૃતિયાંશ નાઈટ્રોજનનો જથ્થો સપ્ટેમ્બર માસમાં આપવો.
વર્ષ |
છાણીયું ખાતર કિ.ગ્રા./ઝાડ |
ખાતર રાસાયણિક ખાતર (ગ્રામ/ઝાડ) |
||
નાઈટ્રોજન |
ફોસ્ફરસ |
પોટાશ |
||
પ્રથમ |
૧૦૦ |
૮૦ |
૮૦ |
|
બીજું |
૧૦ |
ર૦૦ |
૧૬૦ |
૧૬૦ |
ત્રીજું |
ર૦ |
૩૦૦ |
ર૪૦ |
ર૪૦ |
ચોથું |
૩૦ |
૪૦૦ |
૩ર૦ |
૩ર૦ |
પાંચમુ અને ત્યારબાદ |
૪૦ |
પ૦૦ |
૪૦૦ |
૪૦૦ |
પિયત : બોરડી ઉછરી ગયા પછી તેને ખૂબ જ ઓછા પાણીની જરુરીયાત છે. તેની બિનપિયત ખેતી પણ થઈ શકે છે. પિયતની સગવડ હોય તો વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બોરડીને સામાન્ય રીતે ઓકટોબર થી જાન્યુઆરી / ફેબ્રુઆરી દરમ્યાન બે થી ત્રણ પિયત આપવા જોઈએ. ટપક પિયત પધ્ધતિથી ઉત્પાદન વધુ મળે છે અને પાણીની પણ બચત થાય છે.
આંતર ખેડ અને નીંદામણ : સામાન્ય રીતે ઉનાળામાં બોરડીની છાંટણી કર્યા બાદ ખેતરમાંથી સૂકી ડાળી, ઝાંખરા અને નીચે પડેલા સૂકા બોર વીણી, વાડી સ્વચ્છ કર્યા બાદ દાંતી મારવી જેથી જમીનમાં રહેલા કોશેટાનો નાશ થાય છે. ચોમાસા દરમ્યાન નીંદામણના નિયંત્રણ માટે જરુર મુજબ એક–બે વાર દાંતીથી ખેડ કરવી. ચોમાસુ પુરુ થયા બાદ જ ખેડ કરવી જેથી જમીનમાં ભેજ જળવાઈ રહે. બોરડીની આજુ બાજુ ખામણામાં બે થી ત્રણ વાર ગોડ મારી ખામણાને નીંદણમુકત રાખવા.
આંતર પાકો : ખેતરમાં રોપ/કલમની રોપણી કર્યા પછી શરુઆતના ત્રણ વર્ષ સુધી ખરીફ ૠતુ દરમ્યાન ટુંકાગાળાના શાકભાજી અને કઠોળવર્ગના પાકોનુ વાવેતર કરી શકાય છે.
આચ્છાદન : ઉત્તર ગુજરાતમાં બિનપિયત બોરડીમાં વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવવા માટે બોરનાં ચાર વર્ષની ઉંમરના ઝાડ થયા પછી ભેજની જાળવણી માટે દર વર્ષે ઓકટોબર માસમાં જમીનમાં કાળી પોલીઈથીલીન સીટ પાથરવાની ભલામણ કરવામાં આવે છે. જો ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોય તો પોલીથીન સીટના બદલે દિવેલીની ફોતરીનો ઉપયોગ કરવાની ભલામણ છે.
ફળનું ખરણ : બોરડીમાં ફળ બંધાયા પછી ફળનું ખરણ ઘણું જોવા મળે છે. ફળ બંધાયા પછી ઓકટોબરના અંત સુધી ફળનું ખરણ થાય છે. સામાન્ય રીતે વટાણા કદનું ફળ હોય ત્યારે વધારે ખરણ થાય છે.
ઉપાયોઃ
ચમેલી બોર : જે બોર કદમાં નાના અને આકારમાં ગોળ હોય છે. તેને ચમેલી તરીકે ઓળખવામાં આવે છે. ચમેલી અને મોટા બોર એક જ ઝાડ ઉપર આવે છે.
ઉપાયો : બોરડીમાં છાંટણી વહેલી કરવી નહીં. સામાન્ય રીતે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જો છાંટણી કરવામાં આવે તો ફૂલ પુષ્કળ આવવાની સાથે ફળધારણ એક સાથે થાય છે. અને ફળ સરખા કદના મોટા મળશ.ે આમ,ચમેલીનું પ્રમાણ ઘટાડી શકાય છે.
બોરની ફળમાખી : ફળમાખી ભૂખરા પીળા રંગની બદામી પટૃાવાળી, એક જોડ પારદર્શક પાંખ અને ઘરમાખી કરતાં કદમાં નાની હોય છે. બોરમાં ખાસ પ્રકારની કરપોમીયા વેસુવિના નામની ફળમાખી જોવા મળે છે. ઈંંડાં આછા પીળાશ પડતા સફેદ રંગના, ઈયળ સફેદ રંગની પગ વગરની અને મ્હોં તરફનો ભાગ પાતળો હોય છે. ફળમાખીની માદા ફળની છાલ નીચે એકથી ચાર મીમી ઉંડાઈએ અંડ નિક્ષેપક ખોસીને જથ્થામાં અથવા એકલ દોકલ આશરે ૧પ થી ર૦ જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી નીકળેલી ઈયળો ફળનો રસદાર ગર્ભ ખાય છે. નુકશાન પામેલ ફળનો આકાર અનિયમિત રહે છે અને ફળ ઉપર ટુવા પડે છે. ફળ પરિપકવ અવસ્થા પહેલા પાકી જાય છે અથવા કહોવાઈ જાય છે અને જમીન પર ખરી પડે છે.
નિયંત્રણનાં પગલાં :
બોર કોરી ખાનાર ઈયળ : ઈડાંમાંથી નીકળતી ઇયળ શરૂઆતમાં આછા પીળા રંગની પુખ્ત થતાં ગુલાબી રંગની થઈ જાય છે. ફુદુ ઘાટા બદામી રંગનું હોય છે. માદા ફુદી ફળ પર ઈડાં મુકે છે. જેમાંથી નીકળેલી ઈયળો ફળમાં દાખલ થઈ ગર્ભ કોરી ખાઈ ઠળિયાની ફરતે ગુફા જેવુ બનાવે છે. જેમાં હગાર જોવા મળે છે. ઈયળ પુખ્ત થતાં ફળમાં કાણું પાડી બહાર નીકળી જમીનમાં કેશેટા અવસ્થામાં છે.
થડ અને છાલ કોરીખાનાર ઈયળ : પુખ્ત ઈયળ ઝાંખા બદામી રંગની, કાળા માથાવાળી હોય છે. ફુદું નાનુ, આછા બદામી રંગનું અને ભુખરા રંગની પાંખોમાં વાંકી ચૂંકી લીટીઓવાળુ હોય છે. ઈયળ થડ અને છાલમાં કાણાં પાડી અંદરનો ગર્ભ કોરી ખાય છે. ઈયળો દિવસ દરમ્યાન કાણાંમાં ભરાઈ રહે છે અને રાત્રી દરમ્યાન લીલી છાલ તેમજ થડને કોરી ખાય છે. નુકશાન વાળા ભાગ પર જાળાં અને હગાર સ્પષ્ટ દેખાઈ આવે છે. ડાળીના સાંધામાં નુકશાન હોય તો ડાળી પવનથી ભાંગી જઈ સૂકાઈ જાય છે. ઈયળ અવસ્થા ૧૦ થી ૧ર માસની હોઈ નુકશાન વધારે કરે છે.
નિયંત્રણનાં પગલાં :
ઘૈણ : ઘૈણના પુખ્ત કીટક બદામી રંગના હોય છે. પાંખની પહેલી જોડ ઢાલ જેવી મજબુત હોવાને કારણે ઢાલિયા તરીકે ઓળખાય છે. બીજી પાંખ પાતળી અને પારદર્શક હોય છે. તાજા મુકેલા ઈંડાં સાબુદાણા જેવા સફેદ રંગના હોય છે. પ્રથમ અવસ્થાના કીડા આછા સફેદ રંગના, માથુ પીળા રંગનું હોય છે. જે જમીનમાંના સેન્દ્રીય તત્વને ખાય છે. ત્રીજી અવસ્થામાં ઈયળનો આકાર અંગ્રેજી 'સી' આકારનો અર્ધગોળાકાર થઈ જાય છે. ઘૈણના પુખ્ત પ્રથમ વરસાદ વખતે જમીનમાંથી બહાર આવી સાંજના સમયે બોરના ઝાડના પાન ખાઈ જઈ ઝાડને ઝાંખરા જેવા બનાવી દેતા હોય છે.
નિયંત્રણના ઉપાયો :
ઉધઈ :ઉધઈ પીળાશ પડતા સફેદ રંગની, શરીર ચપટુ અને પોચું હોય છે. મજબુત જડબાંવાળા મુખાંગ ધરાવે છે. જમીનમાં રાફડો બનાવી સમુહમાં રહે છે. રાફડામાં રાજા, રાણી, સૈનિક અને મોટી સંખ્યામાં મજુર હોય છે. મજુરો બધા માટે ખોરાક એકઠો કરવા માટે લગભગ બધા જ પ્રકારના ફળઝાડના લાકડાને નુકશાન કરે છે. ઉઘઈ પ્રકાશ સિવાયની જગ્યા પસંદ કરે છે. જેથી ઝાડના થડ ઉપર માટીની ગેલેરીઓ બનાવી અંદર રહીને સૂકાભાગને કોરીને અંદરના ભાગમાં પોલાણ કરે છે. છેવટે ઉપદ્રવીત છોડ સૂકાઈ જાય છે. શરૂઆતમાં રોપેલ છોડના મૂળ કાપી નાખતી હોઈ છોડ સૂકાઈ જઈ નુકશાન થાય છે.
નિયંત્રણના ઉપાયો :
ભુકી છારો : ફુગથી થતા આ રોગની શરૂઆત મોટે ભાગે સપ્ટેમ્બર માસના અંતમાં કે ઓકટોબર માસની શરૂઆતમાં થાય છે. પ્રથમ તબકકે નવા પાન પર સફેદ રંગના ધાબ્બા જોવા મળે છે જયાંથી ફુગની વૃધ્ધિ પ્રસરવા લાગે છે. ફળ પર પણ આવી સફેદ રંગની ફુગની છારી બાઝી ગયેલી જોવા મળે છે જે છેવટે ભુખરા રંગની થઈ જાય છે. રોગની અસર પામેલા ફળો પાકતા પહેલાં જ ખરી પડે છે અને ફળ પર ચીરા પડી ગયેલા જોવા મળે છે, ફળનો આકાર પણ બદલાઈ જાય છે તથા ફળનુ કદ પણ નાનું રહે છે. આમ, ઉત્પાદન તેમ જ ગુણવત્તા બન્ને પર માઠી અસર થાય છે.
નિયંત્રણ : છોડ પર લગભગ પ૦ ટકા ફુલો આવી ગયા હોય ત્યારે દ્રાવ્ય ગંધકનો ૦.ર ટકા પ્રમાણે પ્રથમ છંટકાવ કરવો ત્યાર બાદ ર૦ દિવસના અંતરે બીજા ત્રણથી ચાર છંટકાવ કરવા અથવા રોગની શરૂઆત જણાય કે તરત જ શરૂ કરી ૧પ દિવસના અંતરે ડીનોકેપ દવાના ૦.૦પ ટકા પ્રમાણે ત્રણ છંટકાવ કરવા.
પાનના ટપકાનો રોગ : આ રોગમાં પાનની ઉપરની સપાટીએ નાના, ભુખરા રંગના ટપકા જોવા મળે છે. સમય જતાં આ ટપકાં ભેગા મળી મોટા ટપકાના સ્વરૂપમાં ફેરવાય છે. પરિણામે પાન સુકાતુ જણાય છે જે છેવટે સુકાઈને ખરી પડે છે.
નિયંત્રણ : છોડ પર આવા ટપકાની શરૂઆત જણાય કે તરત જ મેન્કોઝેબ દવાનો ૦.રપ ટકા પ્રમાણે છંટકાવ કરવો અને રોગની માત્રાનુસાર ૧પ દિવસના અંતરે બીજા ર–૩ છંટકાવ કરવા.
ફળનો સડો : આ રોગ દ્યણા પ્રકારની ફુગથી થતો હોય છે. રોગની શરૂઆતમાં ફળનો ડાળી નજીકનો ભાગ કથ્થાઈ રંગનો થઈ ગયેલો જોવા મળે છે. પરિણામે ફળનો વિકાસ અપુરતો રહે છે અને અસર પામેલા ફળો સુકાઈને છેવટે ખરી પડે છે.
નિયંત્રણ : રોગની શરૂઆત જણાય કે તરત જ મેન્કોઝેબ દવાનો ૦.રપ ટકા પ્રમાણે અથવા તાંબાયુકત દવાનો ૦.ર ટકા પ્રમાણે છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧પ દિવસના અંતરે બીજા ર–૩ છંટકાવ કરવા.
અ.નં. |
દેહધાર્મિક ક્રિયા |
વૃધ્ધિ નિયંત્રકો |
૧ |
બીજ/કદની સુષુપ્ત અવસ્થા ટુંકાવવી/બીજનો ઉગાવો વધારવો |
જીએ–૩, કાયનેટીન |
ર |
કંદનો સંગ્રહગાળો લંબાવવો (સંગ્રહ દરમ્યાનનું સ્ફુરણ અટકાવવું) |
એમ.એચ., મેના, ર, ૪, પ–ટી એ.બી.એ. |
૩ |
કલિકાની સુષુપ્ત અવસ્થા લંબાવવી |
એ.બી.એ., સી.સી.સી. |
૪ |
વધારાના પીલા નીકળતા અટકાવવા (કેળ, જામફળ) |
ર, ૪–ડી. એન.એ.એ. |
પ |
ફૂલ વહેલાં મેળવવાં |
જીએ–૩, એન.એ.એ., ર, ૪, પ–ટી, ર, ૪–ડી, સી.સી.સી., અલાર |
૬ |
લિંગ પરિવર્તન |
જીએ–૩, પી.બી.એ., અલાર, ઈથેફોન |
૭ |
ફળધારણ અને ફળવૃધ્ધિ |
એન.એ.એ., એન.ઓ.એ., ર, ૪–ડી, ર, ૪, પ–ટી ૪–સી, પી.ઓ., જીએ–૩, અલાર, કાયનેટીન |
૮ |
અસ્થાનિક મૂળ ફોડવા |
એન.એ.એ., આઈ.બી.એ., આઈ.એ.એ., ર,૪–ડી, ર,૪, પ–ટી |
૯ |
ફળ વહેલા પકવવા |
ઈથેફોન, ઈથેલીન |
૧૦ |
ફળોનો સંગ્રહગાળો લંબાવવો |
જીએ–૩, કાયનેટીન |
૧૧ |
પાનવાળા શાકભાજીનો સંગ્રહગાળો લંબાવવો |
બી.એ., સી.સી.સી., અલાર, ર,૪–ડી |
૧ર |
પાન/ફૂલ/ફળ ખરતાં અટકાવવા |
એન.એ.એ., જીએ–૩, ર,૪–ડી, ર,૪,પ–ટીપી |
૧૩ |
પાન/ફૂલ/ફળ ખેરવવાં |
એ.બી.એ., ઈથેફોન, ઈથેલીન, એન.એ.એ., જીએ–૩ |
૧૪ |
વાનસ્પતિક વૃધ્ધિ પર નિયંત્રણ |
સી.સી.સી.,કલ્ટાર |
૧પ |
નીંદણ નિયંત્રણ |
પેરાકવોટ, ડાયુરાન, એલાકલોર, સીમાઝીન, પ્રોપોનીલ, એમ.સી.પી.અ., ર,૪–ડી |
સ્ત્રોત: શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ , ફળ વિશેષાંક'' અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020