অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ :''શ્રી'' પધ્ધતિ- સીસ્ટીમ ઓફ રાઈસ ઈન્ટેન્સીફીકેશન

ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ :''શ્રી'' પધ્ધતિ- સીસ્ટીમ ઓફ રાઈસ ઈન્ટેન્સીફીકેશન

  1. એસ.આર.આઈ.પધ્ધતિ :" શ્રી
  2. 'શ્રી' એસ.આર.આઈ.ટેકનીકના સિધ્ધાંત :
  3. ડાંગરની એસઆરઆઈ ''શ્રી'' ખેતી પધ્ધતિ.
    1. ખેતરની પસંદગી
    2. ડાંગરની જાતની પસંદગી.
    3. બિયારણનો દર
    4. ઘરૂ ઉછેર માટે બીજને પલાળી રાખવું.
    5. ધરૂવાડીયું તેયાર કરવુ.
    6. ગાદી કયારા બનાવવા.
    7. ફણગાવેલા બીજને પુંકવા.
    8. એસ.આર.આઈ. 'શ્રી' પધ્ધતિની રોપણી માટે મુખ્ય ખેતર તૈયાર કરવું.
    9. '' શ્રી '' પધ્ધતિથી રોપણી માટે મુખ્ય ખેતરનું લે–આઉટ :
    10. રોપણી
    11. પિયત વ્યવસ્થા.
    12. પોષણ વ્યવસ્થા
    13. નિંદણ વ્યવસ્થાપન
    14. રોગ–જીવાતનું વ્યવસ્થાપન
    15. કાપણી અને કાપણી પછીની વ્યવસ્થા.
    16. અખતરાના પરિણામો.
  4. ''શ્રી'' એસ.આર.આઈ.પધ્ધતિથી ડાંગરની ખેતી
    1. 'શ્રી' પધ્ધતિના ફાયદા
    2. 'શ્રી' (એસ.આર.આઈ.)પધ્ધતિ અપનાવવામાં પડતી મુશ્કેલીઓ
  5. શ્રી પધ્ધતિ અને સાદી પધ્ધતિની સરખામણી.
  6. . 'શ્રી' પધ્ધતિમાં શું કરવુ અને શું ન કરવુ ?
    1. શું કરવું
  7. 'શ્રી' એસઆરઆઈ ની સફળતાના કારણો
    1. '' શ્રી '' પધ્ધતિના છ ઘટકો
    2. સારાંશ
    3. ફણગાવેલા બીજને પુંકવા :
ડાંગરના ૯૦ ટકા પાકનું વાવેતર તેમજ વપરાશ એશિયા ખંડમાં જ થાય છે. એશિયાના લાખો લોકોના જીવન માટે તે અતિ મહત્વનો પાક છે. ભારતમાં ડાંગર અંદાજે ૪૪૦ લાખ હેકટર વિસ્તારમાં ઉગાડાય છે અને તેનું ઉત્પાદન પ્રતિ વર્ષ ૯૦૦ લાખ ટન જેટલું થાય છે. અગિયારમી પંચવર્ષીય યોજના ના અંત (ર૦૧૧–૧ર) સુધીમાં ઝડપથી વધતી જતી વસ્તીની માંગને પૂરી કરવા માટે ડાંગરનું ઉત્પાદન હાલના ૯૦૦ લાખ ટનથી વધારીને ૧૦૦૦ લાખ ટન કરવાની જરૂર પડશે. જમીન અને પાણીના સતત ઘટતા જતા સંસાધનો છતાં પણ ઉત્પાદનમાં આટલો વધારો કરવાનું કામ અતિ વિકટ છે.

આપણા દેશમાં સને ૧૯પપમાં પાણીની માથાદીઠ ઉપલબ્ધી પ્રતિ વર્ષ પ૩૦૦ ઘનમીટર હતી જે ઘટીને સને ૧૯૯૦ માં રપ૦૦ ઘનમીટર થઈ, અને હવે  સને ર૦રપ માં વધુ ઘટીને ૧પ૦૦ ઘ.મી જેટલી થાય તેવી ચિંતા છે. રાષ્ટ્રનું ૮૦ ટકા કરતાં વધુ ભૂગર્ભ જળ તેમજ  જમીન ઉપરનું પાણી ખેતી માટે વપરાય છે, જે પૈકી ડાંગરનો જ પાક ૭૦ ટકા કરતાં વધુ પાણીનો ઉપયોગ કરે છે. પાણીની ઘરેલુ તેમજ ઔદ્યોગીક વપરાશ ની વધેલી માંગને લીધે ખેતી માટે પાણી દિન પ્રતિદિન ઓછું થતું જાય છે. ખેતી માટે પાણીનો હિસ્સો ૮૦ ટકાથી ઘટીને ૬૦ ટકા જેટલો થાય તેમ છે. ડાંગર એ પાણી ભુખ્યો પાક હોઈ મહત્તમ પાણીનો ઉપયોગ કરે છે. એક કીલો ચોખાનું ઉત્પાદન કરવા અંદાજે ૩૦૦૦–પ૦૦૦ લીટર પાણી વપરાઈ જાય  છે.  આ સંજોગોમાં ડાંગરની ખેતીમાં પાણીની કાર્યક્ષમતા વધારવાની અત્યંત આવશ્યકતા છે. આપણાં વિશ્વની પપ ટકા જેટલી વસ્તી પોષણ માટે ચોખા પર જ નભતી હોઈ ડાંગરની ખેતી કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નથી, આ સંજોગોમાં ઓછા પાણીએ ડાંગરની ખેતી કરવાની વિવિધ પધ્ધતિઓ વિકસાવવાની ખાસ જરૂર  છે, કે જે પધ્ધતિઓ ખાદ્યાન્નની સલામતી અને પાણીની સમસ્યાની ટકાઉ ચાવી બની રહે.

ડાંગરની ખેતી વર્ષોથી ચીલાચાલુ રીતે પાણી ભરેલી કયારીઓમાં કરવામાં આવતી હોવાથી ડાંગરનો પાક એ પાણીના પાક તરીકે જાણીતો છે. પાણીથી ભરેલી કયારીઓમાં વૃધ્ધિ અને વિકાસ કરવાની ડાંગરના છોડની ક્ષમતાને અનુલક્ષીને તેમજ સતત ભરેલા પાણીને લીધે અસરકારક રીતે નિંદણ નિયંત્રણ થતું હોવાથી ડાંગર પાણી ભૂખ્યો પાક હોવાની માન્યતાને સમર્થન મળતું રહયું છે. આમ ડાંગરની ખેતીમાં પાણીની ઉત્પાદકતા સૌથી ઓછી છે. સદભાગ્યે ડાંગરની ખેતીમાં આ બાબતે એક ક્રાંતિકારી બદલાવ આવી રહયો છે અને ઓછા પાણીથી ડાંગરની ખેતી કરીને પાણીની ઉત્પાદકતા વધારવાની નવીન તાંત્રિકતાઓ  ઝડપથી  બહોળા વિસ્તારોમાં વિકસાવવામાં આવી રહી છે. ડાંગરની  'શ્રી' પધ્ધતિ, ઘાવલ કરેલી જમીનમાં ફણગાવેલ બીજની પુંકીને વાવણી, ઝીરો ખેડ પધ્ધતિ, ગાદી કયારા ઉપર ખેતી, કયારી ને વારાફરતી ભીની અને કોરી કરવી તેમજ ઘાવલ કર્યા વગર મકાઈ, જવ, બાજરી, ઘંઉની જેમ ડાંગરને ઓરીને કરવામાં આવતુ એરોબીક વાવેતર વિગેરે તેમાંની મહત્વની ટેકનીક છે.

પાણીનો કાર્યક્ષમ રીતે  બચાવ કરતી વિવિધ તાંત્રિકતાઓ પૈકીની 'શ્રી' ટેકનીક સમગ્ર દેશના ખેડુતોમાં પ્રચલીત થઈ રહી છે. જેથી 'શ્રી' પધ્ધતિના પાયાના સિધ્ધાંતોને સમજીને તેના અપેક્ષિત ફાયદા મેળવવા માટે અનુકૂળ ખેતી પધ્ધતિ અપનાવવાની જરૂર છે.

એસ.આર.આઈ.પધ્ધતિ :" શ્રી

ડાંગરની સંકલિત (ઘનીષ્ઠ) ખેતી કે જે 'શ્રી' ના ટુંકા નામથી ઓળખવામાં આવે છે. આ ખેતી, કોઈ એક ડાંગરની જાતની કે હાઈબ્રીડ જાત માટેની ખેતી નથી પરંતુ ડાંગરની ખેતી માટેની ખાસ પધ્ધતિ છે. ડાંગરની આ સુધારેલ પધ્ધતિની શોધ ૧૯૮૩માં માડાગાસ્કર ટાપુના એક પાદરી ફાધર હેનરી લવલાની ધ્વારા કરવામાં આવેલ હતી. જે હાલમાં દુુનિયાના  ડાંગર પકવતા રાષ્ટ્રોમાં ઘણી પ્રચલિત થઈ રહી છે.

'શ્રી' એ કેટલીક તાંત્રિકતાઓનો સમન્વય છે, કે જેમાં ડાંગરનો છોડ, જમીન, પાણી તેમજ  પોષણને અનુલક્ષીને, ધરુ ઉછેર, રોપણી સમય, પાણી, પોષણ અને નિંદણ નિયંત્રણમાં થોડાક ફેરફાર કરવામાં આવેલ છે. જો કે મૂળભુત તાંત્રિકતા વત્તા – ઓછા પ્રમાણમાં સરખી જ હોય છે. 'શ્રી' ટેકનીકના ક્ષેત્રવ્યવસ્થાપનમાં  ચીલાચાલુ ડાંગરની ખેતી કરતા થોડા ફેરફાર કરવામાં આવે છે.

'શ્રી' એસ.આર.આઈ.ટેકનીકના સિધ્ધાંત :

'શ્રી'  ટેકનીકમાં ઘરૂ ઉછેર તેમજ છોડ માટે જમીન, પાણી અને પોષણ વ્યવસ્થા જેવી ટેકનીકનો સમન્વય કરવામાં આવેલ છે. છોડ, જમીન અને પાણીના શ્રેષ્ઠ વ્યવસ્થાપન ધ્વારા ઉત્પાદકતા વધારવા ડાંગર પકવવાની ચીલાચાલુ પધ્ધતિમાં કરેલ ફેરફારને 'શ્રી' ટેકનીક તરીકે  ઓળખવામાં આવે છે. આ પધ્ધતિમાં હજારો વર્ષોથી પ્રચલિત ચીલાચાલુ પિયત વ્યવસ્થાપન પધ્ધતિમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.

નીચે મુજબની છ મૂળભુત ટેકનીક એક સાથે અપનાવવાથી તેમની સંયુકત અસરને લીધે 'શ્રી' પધ્ધતિની પૂરેપૂરી ક્ષમતાનો ફાયદો મેળવી શકાય છે.

  1. ઓછી ઉંમરના ધરૂને માટીના ઢેફા સાથે ઉપાડીને મૂળને નુકશાન કર્યા વગર રોપણી કરવી (૮–૧ર દિવસનું ધરૂ)
  2. એક જ છોડ/ધરૂની સાવચેતી પૂર્વક છીછરી ઉંડાઈએ જ રોપણી કરવી.
  3. પહોળા પાટલે રોપણી કરવી ( રપ સેમી × રપ સે.મી ના અંતરે).
  4. જમીનને વારાફરતી ભીની અને કોરી રાખીને પાણીનું નિયમન જાળવવું.
  5. રોટરી/કોનો વીડરનો ઉપયોગ કરી બે હાર વચ્ચેનું નિંદામણ કરવુ.
  6. છાણીયું/કોમ્પોસ્ટ ખાતર જેવા સેંદ્રીય ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો.
  • ૮–૧૦ દિવસનું ઘરુ ( ર પાન)  – નર્સરી.
  • સાવચેતી પૂર્વક માટીના ઢેફા સાથે મૂળને નુકસાન ન થાય તે રીતે ધરુ ઉપાડવું  અને રોપણી.
  • પહોળા અંતરે રોપણી.(રપ સે.મી.× રપ સે.મી.)
  • ખેતરને સંતૃપ્ત કરવું.
  • કોનોવીડરથી નિંદામણ કરવા આંતરખેડ કરવી.
  • સેંદ્રીય પદાર્થ ઉમેરવા/ લીલો પડવાશ કરવો.

ખેડૂતોએ તેમની જમીન, વાતાવરણ અને અન્ય સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ''શ્રી'' પધ્ધતિમાં પણ કેટલાક ફેરફાર કરેલ છે.'' શ્રી '' ટેકનીક કોઠાસુઝથી કરેલ નવીનતાને ભરપુર તકો આપે છે. 'શ્રી' પધ્ધતિના કેટલાક ફાયદાઓ જોઈને કેટલાક ડાંગર પકવતાં રાજયો જેવાંકે તામીલનાડુ ,ત્રિપુરા, ઓરિસ્સા, પંજાબ, પશ્વિમ બંગાળ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ વિગેરેએ ડાંગરનું વધુ ઉત્પાદન મેળવવા 'શ્રી' પધ્ધતિમાં ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

ડાંગરની એસઆરઆઈ ''શ્રી'' ખેતી પધ્ધતિ.

ખેતરની પસંદગી

  • સમતલ અને સારા નિતારવાળા ખેતરની પસંદગી કરવી.
  • ખારી / ભાસ્મિક જમીન અને અસમતલ નીચાણવાળા વિસ્તારના ખેતર પસંદ ન કરવા.
  • લભ્ય પોષક તત્વોની જાણકારી માટે જમીનનું પૃથ્થકરણ કરાવવું.

ડાંગરની જાતની પસંદગી.

  • સામાન્ય રીતે જે તે વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી વધુ ઉત્પાદન આપતી જાતો 'શ્રી'  પધ્ધતિમાં સફળતાથી ઉગાડી શકાય છે. તેમ છતાં પણ 'શ્રી' પધ્ધતિમાં અભ્યાસને આધારે વધુ ફુટની ક્ષમતા ધરાવતી તેમજ મધ્યમ મોડી/ મોડી પાકતી જાતો વધુ અનુકૂળ જણાય છે.
  • વધુ ઉત્પાદન મેળવવા માટે સ્થાનિક વિસ્તાર માટે ભલામણ કરેલ પ્રચલિત જાતની પસંદગી કરવી.
  • 'શ્રી'  પધ્ધતિમાં સંકર જાતો સારો પ્રતિભાવ આપતી જાણવા મળેલ હોઈ સામાન્યતઃ ભલામણ કરવામાં આવે છે.

બિયારણનો દર

એક   હેકટરની  રોપણી માટે ભલામણ કરેલ જાતનું પ કીલો (૧ એકરની રોપણી માટે ર કીલો) તંદુરસ્ત ભરાવદાર મોટા કદના બીજની જરૂર રહે છે.

ઘરૂ ઉછેર માટે બીજને પલાળી રાખવું.

પસંદ કરેલ બીજને સાદા પાણીમાં ૧ર કલાક રાખીને, પાણી નીતારી કંતાનમાં ર૪ કલાક સુધી દબાવી રાખે બીજ ફણગાવા(અંકુરણ)ની શરૂઆત થાય છે. ફણગા મોટા થવાથી એકસરખી વાવણી કરવી મુશ્કેલ પડે તેથી વધુ સમય સુધી દબાવી રાખવું નહિ.

ધરૂવાડીયું તેયાર કરવુ.

  • મુખ્ય પ્લોટના એક ખૂણા ઉપર અથવા તો એક હેકટરના મુખ્ય ખેતરની નજીક ૧ ગુંઠો વિસ્તાર પસંદ કરવો. ચીલાચાલુ પધ્ધતિમાં એક હેકટરની રોપણી માટે ૧૦ ગુંઠામાં ધરૂવાડીયુ કરવાનું હોય છે, જયારે 'શ્રી' પધ્ધતિમાં ફકત  ૧ ગુંઠામાં ધરૂવાડીયુ કરવાનું હોય છે.
  • પ્રત્યેક એકરના ખેતરની રોપણી માટે ૧–ર દિવસના અંતરે ધરૂ ઉછેર કરવો.એક કરતાં વધુ જમીનમાં રોપણી કરવાની હોય તો પુરતા પ્રમાણમાં પિયત તેમજ નિતારની સગવડ સાથેના ૧૦ × ૧ મીટરના ૧૦ કયારા  અથવા ર૦ × ૧ મીટરના પ ગાદી કયારા તૈયાર કરવા.
  • ૮–૧ર દિવસની ઉમરના ધરુના મૂળ ૭.પ સે.મી. સુધી ઉતરતા હોવાથી ગાદી કયારાની ઉંચાઈ  ૮–૧૦ સે.મી.રાખવી.

ગાદી કયારા બનાવવા.

છાણીયું ખાતર/ અળસીયાનું ખાતર/ માટીના ૪ જુદા જુદા સ્તર બનાવી, તેને સારી રીતે મિશ્ર કરીને ગાદી કયારા બનાવવા.

  • પ્રથમ લેયર: ૧–ર સે.મી.નુ સારું કહોવાયેલું છાણીયું ખાતર/અળસીયાનું ખાતર
  • બીજુ લેયર:  ર સે.મી. જમીન.
  • ત્રીજું લેયર:  ૩ સે.મી. સારું કહોવાયેલું છાણીયુ ખાતર/ અળસીયાનું ખાતર.
  • ચોથું લેયર :   ૧ થી ર સે.મી. માટી

અથવા ,માટી તેમજ છાણીયા ખાતરને ૧:૧ ના પ્રમાણમાં સારી રીતે મિશ્રણ કર્યુ હોય તેવી જમીનનો ગાદી કયારા બનાવવા માટે ઉપયોગ કરવો.

નર્સરી માટે કયારા બનાવવાની કામગીરી.

  • ગાદી કયારાની ચારે બાજુએ આધાર આપવા માટે લાકડાની પટૃી / સમાર કે ડાંગરના પરાળના પૂળીયાનો ઉપયોગ કરવો.
  • વધારાનું પાણી નીતરી જાય તે માટે ચારે બાજું નીતારનીક બનાવો.

ફણગાવેલા બીજને પુંકવા.

  • એક હેકટરની રોપણી માટે પ કિલો ( એક એકરે ર કીલો પ્રમાણે) બીજને ફણગાવીને તેના ૧૦ સરખા ભાગ કરી ( ૧ × ૧૦ મી.) ના ગાદી કયારામાં એકસરખા પુંકવા.
  • ગાદી કયારા ઉપર પુંકેલ બીજને કાળજીપૂર્વક એકસરખા પાથરવા , સારો ઉગાવો મેળવવા માટે ફણગાવેલા બીજને સાંજના સમયે પુંકવા સલાહ ભરેલું છે.
  • ફણગાવેલા બીજને એકસરખા પાથર્યા બાદ ૧૦ ચો.મી.દીઠ ૧૦ કિલોગ્રામ સારા કહોવાયેલા ઝીણા છાણીયા ખાતરનું આવરણ કરવું, ત્યારબાદ પક્ષીઓથી તેમજ ગરમીની અસરથી ર થી ૩ દિવસ રક્ષણ થાય તે માટે તે જ જાતના ડાંગરના ઘાસથી આવરણ કરવું.
  • ત્યારબાદ દરરોજ ઝારાથી દરેક ગાદી કયારા ઉપર બે થી ત્રણ વાર પાણી છાંટવુ.(સવારે,બપોર પછી અને સાંજે)

એસ.આર.આઈ. 'શ્રી' પધ્ધતિની રોપણી માટે મુખ્ય ખેતર તૈયાર કરવું.

  • મુખ્ય ખેતર તૈયાર કરવાની રીત ચીલાચાલુ રીત જેવી છે, છતાં પણ શ્રી પધ્ધતિમાં સાનુકુળ લેવલરથી ખેતર લેવલ કરવાની ખાસ કાળજી લેવી આવશ્યક છે.
  • ધરૂ ઉછેર માટે બીજની વાવણી પછી તરત જ મુખ્ય ખેતર તૈયાર કરવાની કામગીરી શરુ કરવી જરૂરી છે.
  • ખેડ પહેલાં હેકટર દીઠ ૧૦ ટન સારૂં કહોવાયેલું છાણીયું ખાતર(૧ એકરે ૪ ટન) એકસરખું પુંકીને રોટોવેટરની મદદથી જમીનમાં પુરેપુરું ભેળવવું.
  • ત્યારબાદ ટ્રેકટર/ બળદથી ચાલતા પડલરથી ઘાવલ કરવુ.
  • લાકડાના સમારથી કયારી સમતલ કરીને, નાના કયારાઓ બનાવીને સમારથી સમતલ કરવા.
  • અસરકારક પિયત વ્યવસ્થાપન માટે દરેક પ્લોટ દીઠ સ્વતંત્ર પિયત અને નીતાર નીકો બનાવો.
  • રોપણીના શરૂઆતના સ્ટેજમાં પાણી ન  ભરાય તે માટે દર બે મીટરે નીતાર નીકો બનાવવી.

'' શ્રી '' પધ્ધતિથી રોપણી માટે મુખ્ય ખેતરનું લે–આઉટ :

  • ભલામણ મુજબનું રોપણી અંતર રપ સે.મી. × રપ સે.મી.ના અંતરે ચોકડીમાં રોપણી કરવા માટે ખેતરની લંબાઈ અને પહોળાઈ બંન્ને દિશામાં ચોકડી દેખાય તે રીતે રપ સે.મી.ની ઝીંસલીથી માર્કીંગ કરવું. જેથી પ્રતિ ચો.મી. ૧૬ છોડ (ધરૂ) ની સંખ્યા જળવાઈ રહે. કુશળ મજુરો હોય તો રપ સે.મી.ના અંતરે રોપણી માટેની દોરીથી પણ ચોકકસ રોપણી કરી શકાય. સાંજે ઘાવલ કર્યા પછી બીજે દિવસે કાદવ ઠર્યા પછી ઝીંસલી ખેંચવી.
  • જમીન સમતલ કરવી  (૧૬)સ્  માર્કીંગ (નીશાની)
  • ઝીંસલી ની મદદથી નીશાની પાડવી. (૧૭) સ્ કર્યા પછીનું ખેતર.

તમાકુ, રીંગણ, ટામેટા, મરચી જેવા પાકોમાં હારબધ્ધ રોપણી કરવા માટે જુદા જુદા પ્રકારની ઝીંસલી વિકસાવવામાં આવેલ છે ઝીંસલીને તૈેયાર કરેલા ખેતરમાં બંન્ને બાજુથી (લંબાઈ અને પહોળાઈમાં) ચલાવવી.

  • લાકડાની ઝીંસલી
  • લોખંડના સળીયાની ઝીંસલી
  • સુધારેલી લોખંડની ગોળ ઝીંસલી
  • દોરીથી હારબધ્ધ રોપણી.

રોપણી

  • રોપણી સમયે પાણી ભરાયેલું રહેવું જોઈએ નહી.
  • ખેતરની સંપૂર્ણ તૈયારી કર્યા બાદ બીજે દિવસે રોપણી કરાય તે ઈચ્છનીય છે.
  • ૮ થી ૧ર દિવસની ઉ ંમરના ( ર પાન વાળા) ધરૂની રોપણી કરો.
  • ૩૦ સે.મી. × ૩૦ સે.મી. ના માપની પાતળી લોખંડની પ્લેટ (મેટલશીટ) ને ધરૂના બેડની નીચે હળવેથી ઘૂસાડીને  ઘરૂના મૂળને જરાય પણ નુકશાન ન થાય તે રીતે ધરૂને બીજ અને માટી સહીત એવી રીતે ઉંચકો કે તેને રોપણીનો બીલકુલ ધકકો ન લાગે.
  • રપ × રપ સે.મી.ના અંતરે નિશાની કરેલ જગ્યાએ માત્ર એક જ ધરૂની (ચીપ) છીછરી રોપણી કરવી.
  • નર્સરીમાંથી ઘરૂને ધકકો ન લાગે તે રીતે કાળજીપૂર્વક ઉંચકીને એક કલાકની અંદર જ રોપણી કરી દેવી.

'' શ્રી '' પધ્ધતિમાં ઓછી ઉમરના ઘરૂને  ઓછી ઉંડાઈએ રાખવાથી ઘરૂ ખુબ જ ઝડપથી ચોંટી જાય છે.જયારે ચીલાચાલુ રોપણીની પધ્ધતિમાં ૩૦–૩પ દિવસના ઘરૂને નર્સરીમાંથી ખેંચવામાં આવે છે અને ધાવલ કરેલ કયારીમાં વધુ ઉંડાઈએ ધકેલવામાં આવતાં હોઈ આ પ્રક્રિયા દરમ્યાન ધરૂના મૂળની ટોચો ઉપર તરફ રહી જાય છે, જેથી તેને જમીન સાથે ચોંટતા વધુ સમય અને શકિતની જરૂર પડે છે અને ધરૂને વળતા વાર લાગે છે.

પિયત વ્યવસ્થા.


  • જમીનની સંતૃપ્તતા જેટલું પાણી જાળવો આ માટે પાણી ચુસાયાબાદ ખેતરમાં વાળ જેટલી તીરાડ પડે એટલે બીલકુલ હળવું પિયત આપવું (કયારીને વારાફરતી ભીની અને કોરી કરવી).
  • કોનો વીડર/રોટરી વીડર ફેરવતી વખતે છબછબીયું પાણી હોવું જરૂરી છે. જેથી નિંદામણ જમીનમાં દબાવવામાં સરળતા રહે છે.
  • પાણી ભરાઈ ન રહે તે માટેે તેમજ જરૂર પડે ત્યારે નિતાર કરવા માટે પુરતા પ્રમાણમાં નીતાર નીકો બનાવો.
  • પ૦ ટકા ફુલો આવે તે પછી દાણા પાકટ થવાની અવસ્થા સુધી છીછરૂ પાણી ( ર–૩  સે.મી.) ભરેલું રાખવું.
  • કાપણીના ૧૦–૧પ દિવસ પહેલાં ખેતરને સંપૂર્ણ રીતે કોરૂ કરો.

પોષણ વ્યવસ્થા

  • હેકટરદીઠ ૧૦–૧ર ટન છાણીયું / સારું કહોવાયેલું કોમ્પોસ્ટ ખેડ પહેલાં એકસરખું પુંકીને રોટોવેટરથી જમીનમાં પુરતું દબાવવું.

સેંદ્રીય ખાતરના જુદા જુદા સ્ત્રોત.

  • છાણીયું ખાતર
  • વર્મી કમ્પોસ્ટ.
  • પૂર્વ ચોમાસાનો લીલો પડવાશ.

( ''શ્રી'' પધ્ધતિ માટે સંપૂર્ણ રીતે સેંદ્રીય ખેતીની ભલામણ છે. તેમ છતાં પૂરતા પ્રમાણમાં સેંદ્રીય ખાતર ઉપલબ્ધ ન થાય તો વધુ ઉત્પાદન માટે નીચે દર્શાવેલ રાસાયણીક ખાતર ઉમેરી શકાય)

  • એકર દીઠ ર ટન છાણીયું, સારું કહોવાયેલું કોમ્પોસ્ટ  ખાતર/ રપ૦ કિલો. દિવેલીનો ખોળ/ ૭૦૦ કિલો. વર્મીકમ્પોસ્ટ એકસરખું પુંકીને રોટોવેટરથી જમીનમાં  પુરતું ભેળવવું.
  • છેલ્લા ધાવલ પછી રોપાણ પહેલાં પાયામાં આપવાના રાસાયણિક ખાતર : એકર દીઠ૧૧ કિલો ડીએપી (૧ર.પ   કીલો ફોસ્ફરસ / હે. મુજબ )અને ૧૩ કિલો. યુરિયા (ર૦ કીલો નાઈટ્રોજન / હે.મુજબ ) આપવુું. જમીનનુ પૃથ્થકરણ કરાવવું. ઝીંક તત્વની ઉણપ હોયતો એકર દીઠ ૧૦ કિલો ઝીંંક સલ્ફેટ અને લોહ તત્વની ઉણપ હોય તો એકર  દીઠ ર૦ કિલો ફેરસ સલ્ફેટ આપવું. નાઈટ્રોજન યુકત ખાતરનો  બીજો હપ્તો એકર દીઠ ૧૮કિલો. યુરિયા (ર૦ કીલો નાઈટ્રોજન / હે. મુજબ) ફુટ અવસ્થાએ આપવું.
  • નાઈટ્રોજન યુકત ખાતરનો છેલ્લો ત્ર્રીજો હપ્તો જીવ પડવાની અવસ્થાએ એકર દીઠ ર૦ કિલો એમોનિયમ સલ્ફેટના (૧૦ કીલો નાઈટ્રોજન / હે.મુજબ) રૂપમાં આપવું.
  • જૈવિક ખાતરનો ઉપયોગ રોપણીના ત્રણથી ચાર દિવસમાં એઝેટોબેકટર (એબીએ–૧) અને ફોસ્ફોબેકટેરીયા (પીબીએસ–૧૬) પ્રત્યેક ૪૦૦મિ.લિ/એકરના પ્રમાણ મુજબ ૪ તગારા સારા કહોવાયેલા, ચાળેલા છાણિયા ખાતર સાથે ભેળવીને એક સરખા પૂંખવા.

નિંદણ વ્યવસ્થાપન

  • '' શ્રી '' પધ્ધતિમાં વારાફરતી ખેતર ભીનું અને સુકુ રાખવાનું હોવાથી તેમજ પહોળા અંતરે રોપણી કરવાને લીધે સામાન્ય રીતે નિંદણનો વધુ વિકાસ જોવા મળે છે. શ્રી પધ્ધતિને સફળ કરવા માટે અસરકારક અને સમયસર નિંદણ નિયંત્રણ કરવું અતિ મહત્વનું છે.
  • જમીનમાં હવાની સારી અવરજવર થાય તે માટે મીકેનીકલ (યાંત્રિક) નિંદણ નિયંત્રણ હાથ કરબડી તેમજ કોનો વીડરથી કરવી.
  • રોપણીના ૧૦ દિવસ બાદ કોનોવીડર/ રોટરી વીડરની મદદથી ૧૦ દિવસના અંતરે ઓછામાં ઓછા ૪ નિંદામણ કરવા.
  • કોનોવીડરથી જમીનમાં ન દબાય તેવાં છોડની નજીકનાં નિંદણનું હાથથી નિંદામણ કરવું. કોનોવીડરથી નિંદામણ કરવામાં સરળતા રહે અને સરળતાથી કોનોવીડર ફેરવી શકાય તે માટે આગલા દિવસે હળવું  પિયત આપવું.

રોગ–જીવાતનું વ્યવસ્થાપન

  • પાકની જુદી જુદી વિકાસની અવસ્થાએ રોગ તેમજ જીવાતના ઉપદ્રવની પરિસ્થિતિ ચકાસવી.
  • ચીલાચાલુ પધ્ધતિની સરખામણીમાં 'શ્રી' પધ્ધતિમાં રોગ–જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે ઓછો જોવા મળે છે. તેમ છતાં, જરૂર જણાય ત્યારે આર્થિક અને ક્ષમ્યમાત્રાથી ઓછી જીવાત રહે તે માટે કુદરતી/જૈવીક કીટકનાશકોનો ઉપયોગ કરવો હીતાવહ છે.
  • રોગ–જીવાત પ્રતિકારક શકિત ધરાવતી જાતો ઉગાડવી, જૈવિક  નિયંત્રકોનો ઉપયોગ કરવો, જરૂર જણાય તો જ કટોકટી અવસ્થાએ સલામત અને ઓછા પ્રમાણમાં કીટનાશી દવાનો ઉપયોગ કરવો આમ સંકલિત જીવાત નિયંત્રણની પધ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.                          
    • એસઆરઆઈ પધ્ધ્તિમાં બ્રાઉન પ્લાન્ટ હોપર નો ઉપદ્રવ ઓછો જોવા મળે છે.
    • એસઆરઆઈ પધ્ધતિમાં શીથ બ્લાઈટનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે.

ડાંગરની મુખ્ય જીવાતોની આર્થિક ક્ષમ્ય માત્રા.

ક્રમ

જીવાતનું નામ

આર્થિક ક્ષમ્ય માત્રા

ગાભમારાની ઈયળ

૧૦ ટકા ડેડ હાર્ટ (સુકાયેલ મુખ્ય પીલો) અથવા ૧ ઈંડાનો સમુહ /ચો.મી. અથવા પ ટકા સફેદ કંટીઓ (પીંછી) નીકળવાના સમયે.

સફેદ પીઠવાળા ચુસીયા

થુમડા દીઠ ૧૦ જીવાત પાકના વિકાસની અવસ્થાએ

થુમડા દીઠ ર૦ જીવાત પાછલી ફુટ અવસ્થાએ

પાનવાળનારી ઈયળ.

મહત્તમ ફુટ સમયે થુમડા દીઠ ત્રણ તાજા નુકશાન પામેલા પાન.

કાપણી અને કાપણી પછીની વ્યવસ્થા.

  • કંટીના નીચેના ભાગના દાણા પાકટ થાય ત્યારે ખેતરનું પાણી નિતારી દેવુ.( પ૦ ટકા ફુલ અવસ્થા પછી અંદાજે ર૦ દિવસે)
  • દાણાને સખત થવા દેવા અને દાણા ખરતા અટકે તે માટે ફુલ અવસ્થાના ૩૦–૩પ દિવસ પછી જયારે છોડનો રંગ લીલો હોય ત્યારે કાપણી કરી લેવી.
  • ડાંગરના દાણામાં ભેજનું પ્રમાણ ર૦ થી ર૪ ટકા થાય તે સ્ટેજે કાપણી કરી લેવાય તે જોવું.
  • કાપણીના બીજા દિવસે જેમ બને તેમ વહેલા ઝુડીને ઉપણી લઈને દાણામાં ૧૪ ટકા ભેજ હોય ત્યારે સંગ્રહ કરવો.

અખતરાના પરિણામો.

  • દેશભરના વિવિધ સંશોધન કેન્દ્રો પર એક્રીપ, હૈદ્રાબાદ ધ્વારા લેવામાં આવેલા છેલ્લા ૪ વર્ષોના 
  • અખતરાના પરિણામો સ્પષ્ટ દર્શાવેે છે કે 'શ્રી' પધ્ધતિ ધ્વારા ચીલાચાલુ પધ્ધતિ કરતાં ૭ર૦        
  • ટકા જેટલું વધારે દાણાનું ઉત્પાદન મળે છે.

''શ્રી'' એસ.આર.આઈ.પધ્ધતિથી ડાંગરની ખેતી

'શ્રી' પધ્ધતિના ફાયદા

  • શ્રી પધ્ધતિમાં પાણીની ઓછી જરૂરીયાત હોવાથી ૩૦–૪૦ ટકા પિયતના પાણીની બચત થાય છે.
  • સાદી રોપણી પધ્ધતિમાં  હેકટર દીઠ રપ–૩૦ કિલો બીજની જરૂર પડે છે જયારે શ્રી પધ્ધતિમાં માત્ર પ કિલો બીજની જરૂર રહેતી હોવાથી ૭પ ટકા બીજની બચત થાય છે. હાઈબ્રીડ બીયારણની મોઘી કિંમતને લીધે આ પધ્ધતિ હાઈબ્રીડ ડાંગરની ખેતી માટે વધુ ફાયદા કારક છે.
  • રાસાયણીક ખાતર, કીટનાશી દવાઓ ના ખર્ચમાં ઘટાડો થાય છે, કારણકે શ્રી પધ્ધતિમાં સેંદ્રીય ખાતર તેમજ કુદરતી જૈવીક નિયંત્રણોમાં ઉપયોગ ઉપર ભાર મુકવામાં આવે છે.
  • સેંદ્રીય ખેતી પધ્ધતિને લીધે વધુ તંદુરસ્તી અને સ્વાદીષ્ટ ચોખા મેળવી શકાય છે.
  • ઈનપુટના ઓછા  ખર્ચથી વધુ અને સારૂ ઉત્પાદન મળે છે.
  • શ્રી  પધ્ધતિની છ ભલામણ પધ્ધતિઓમાંની કેટલીક ને અપનાવવાથી પણ ઉત્પાદન વધારી શકાય છે.
  • રોપણીનો ધકકો  ન લાગવાથી ધરૂ ઝડપથી ચોંટી જાય છે, આથી પાક ૭–૧૦ દિવસ વહેલો તૈયાર થઈ જાય છે.
  • શ્રી  પધ્ધતિમાં પહોળા અંતરે એક જ ધરુની રોપણી કરવાની હોવાથી રોગીંગ ઓછુ આવતું હોવાથી બીજની જરુર ઓછી થતી હોવાથી બ્રીડર અને ફાઉન્ડેશન બીજના સંવર્ધન માટે વધુ અનુકુળ છે.
  • શ્રી પધ્ધતિથી મેળવેલાં બીજની ગુણવત્તા વધુ સારી હોય છે.

'શ્રી' (એસ.આર.આઈ.)પધ્ધતિ અપનાવવામાં પડતી મુશ્કેલીઓ

  • શ્રી પધ્ધતિમાં ધરુ ઉછેર ખાસ કાળજી તેમજ  કુશળતા માગે છે વળી ધરુ ઉછેર માટે વધુ મજુરની જરૂર પડે છે.
  • છીછરી ઉંડાઈએ ઓછી ઉમરનું ધરૂ રોપણી કરવાની હોઈ શ્રી પધ્ધતિ શરૂઆતના તબકકામાં  અપનાવવી અઘરી લાગે છે.
  • દરેક જગ્યાએ અપનાવી શકાતી નથી. જયાં પિયત પાણીની સગવડ સમયસર મળતી નથી અને અપુરતી, અનિયમીત મળે છે તેવા વિસ્તારોમાં તેમજ નીચાણવાળા વિસ્તારમાં જયાં ખરીફ ૠતુમાં પાણીનું નિયમન સરળ નથી તેવા વિસ્તારમાં અપનાવી શકાય નહિ.
  • નિંદણની સમસ્યા 'શ્રી' ટેકનીક અપનાવવામાં મહત્વનું અવરોધક પરિબળ છે. ચોકકસ પ્રકારના કોનો વીડર તેમજ રોટરી વીડર વિકસાવવાની જરૂરત છે.
  • સારી ગુણવત્તાવાળા સેંદ્રીય ખાતર / કોમ્પોસ્ટ પુરતા પ્રમાણમાં ન મળતાં હોવાથી ખેડૂતો સંપૂર્ણ રીતે શ્રી પધ્ધતિ અપનાવવામાં મુશ્કેલી અનેુભવે છે.

શ્રી પધ્ધતિ અને સાદી પધ્ધતિની સરખામણી.

ખેતી કાર્ય

શ્રી  પધ્ધતિ

સાદી પધ્ધતિ.

ધરુ ઉછેર માટેની તૈયારી

ધરુવાડીયુ મુખ્ય ખેતરની નજીક હોવું જોઈએ. રાસાયણીક ખાતરનો ઉપયોગ કરવો નહિ.  રોપણી માટે અંદાજે હેકટરે પ કિલો બીજની જરૂર પડે છે.

ધરુવાડીયુ મુખ્ય ખેતરની નજીક જ કરવું તેવું જરુરી નથી.રાસાયણીક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.એક હેકટરની રોપણી માટે અંદાજે રપ થી ૩૦ કિલો બીજની જરુર પડે છે.

મુખ્ય ખેતરની તેયારી

કાળજીપૂર્વકની ખેડ, ઘાવલ, ખેતર સમતલ કરવું તેમજ ઝીસલીથી માર્કીંગ કરવું. જરૂર જણાયતો ખેતરમાં દર બે મીટરના અંતરે ૩૦ સે.મી.પહોળી નીતાર નીક વધારાના પાણીના નીતાર માટે રાખવી જરુરી છે.

ખેતરમાં નીતાર નીકો બનાવવામાં આવતી નથી. પાણી ભરી રાખવાની પ્રથા સામાન્ય છે.અને પાણીના નીતારને અગ્રીમતા આપવામાં આવતી નથી.

રોપણી

૮ થી ૧૦ દિવસના (બે પાન અવસ્થા) ધરુને જમીન સાથે એવી રીતે ઉપાડો કે જેથી મુળ સાથે માટી ચોટેલી રહે અને ફકત એક જ ચીપાનેે માર્કકરેલ જગ્યાએ (રપ×રપ સે.મી.અંતરે) બીજ અને માટી સહીત કાળજી પૂર્વક રોપણી કરવી. ધરુવાડીયામાંથી છોડને લાવ્યા પછી મૂળ ન સુકાય તે માટે ઝડપથી એક કલાક કરતાં ઓછા સમયમાં રોપણી કરવી.જેથી છોડ લીલા રહે છે.

સામાન્ય રીતે અંદાજે રપ દિવસની  ઉંમરના ધરૂની થાણા દીઠ ૩–૪ છોડની રોપણી કરવામાં આવે છે.ધરુને ધરુવાડીયામાંથી ઉપાડીને મૂળ સાથે ચોંટેલ માટી દૂર કરવા સારી રીતે ધોવામાં આવે છે અને શ્રી પધ્ધતિની જેમ ધરુવાડીયામાંથી ઉપાડયા પછી ઝડપથી રોપવામાં આવતાં નથી. ર૦×૧પ સે.મી. અંતરે રોપણી કરવામાં આવે છે. રોપણી પછી છોડ પીળા પડી જાય છે અને છોડને ચોંટતા એક અઠવાડીયા જેટલો સમય લાગે છે.

રોપણી અંતર

ડાંગરની જાતની ફુટની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રપ સે.મી. × રપ સે.મી. કે તેથી વધુ અંતરે કાળજી પૂર્વક રોપણી કરવામાં આવે છે.એક ચોરસ મીટરમાં અંદાજે ૧૬ છોડ રોપવામાં આવે છે.

સામાન્ય રીત ેર૦×૧પ સે.મી.ના અંતરે પ્રતિ ચો.મી. ના અંદાજે ૩૦–૩પ છોડ રોપવામાં આવે છે.

પોષણ વ્યવસ્થા.

શ્રી  પધ્ધતિમાં સેંદ્રીય ખાતરના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવે છે કે જેથી જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓની કાર્યક્ષમતા વધે. ખેડૂતો પાસે પુરતા પ્રમાણમાં સેંદ્રીય ખાતર ન હોય તો થોડા પ્રમાણમાં રાસાયણીક ખાતરનો ઉપયોગ કરી શકે છે. ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થતો હોવાથી રોગ–જીવાતનો ઉપદ્રવ ક્ષમ્ય માત્રા કરતાં ઓછો જોવા મળે છે. જેથી રોગ–જીવાતના નિયંત્રણ માટેનો ખર્ચ ઘટે છે.

સામાન્ય રીતે ખેડૂતો જમીનમાં સમતોલ ખાતરનો ઉપયોગ કરતા નથી.ખેડૂતો સેંદ્રીય ખાતરનો ઉપયોગ કરવા બાબતે ઓછું મહત્વ આપે છે અને નાઈટ્રોજન યુકત રાસાયણીક ખાતર વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. જેનાથી રોગ–જીવાતનો ઉપદ્રવ વધે છે.

પિયત વ્યવસ્થા.

'શ્રી'  પધ્ધતિમાં છોડનો મુળ વિસ્તાર ભીનો હોવો જોઈએ. પાકની જીવ પડવાની અવસ્થા સુધી જમીનમાં હવાની અવરજવર સારી રીતે થાય તે માટે ખેતરને વારાફરતી ભીનું /કોરું થવા દેવું.

પાણી ભરવાની પ્રથા સામાન્ય છે. પાણી ભરી રાખવાથી નિંદણનો વિકાસ રુંધાય છે.જેથી નિંદામણનો પ્રશ્ન ઘટે છે.

નિંદણ વ્યવસ્થા

ખેતરમાં પાણી ભરી રાખવામાં આવતું ન હોવાથી નિંદણનો વિકાસ ઝડપી થાય છે. જેથી અવારનવાર નિંદામણ કરવું જરૂરી છે. રોપણી પછી ૧૦–૧ર દિવસે પ્રથમ આંતરખેડ કોનો/રોટરી વીડરથી કરવી. ૧૦–૧ર દિવસના અંતરે ઓછામાં ઓછી ૪ આંતરખેડ બંને બાજુથી કરવી. છોડની બાજુમાં રહી ગયેલું નિંદણ હાથથી કરવું. કોનોવીડરથી આંતરખેડ કરવાથી ઉગેલ નીંદામણ જમીનમાં દબાય છે.

નિંદણનો વિકાસ મર્યાદીત રહે છે અને સાંકડાગાળે અથવા અસ્તવ્યસ્ત રોપણી કરેલ હોવાથી મીકેનીકલી નિંદામણ કરવું અનુકુળ નથી. કયારેક હાથથી નિંદામણ કરવામાં આવે છે.

. 'શ્રી' પધ્ધતિમાં શું કરવુ અને શું ન કરવુ ?

શું કરવું

  1. પાણીના નિયમન અને સારી નિતાર વ્યવસ્થા વાળું સારી રીતે સમતલ ખેતર પસંદ કરવું.
  2. મુખ્ય રોગ જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવતી વધુ ફુટની ક્ષમતા ધરાવતી વધુ ઉત્પાદન આપતી જાતોની પસંદગી કરવી.
  3. કાળજીપૂર્વક ધરૂ ઉછેરવા માટે તંદુરસ્ત અને ભરાવદાર બીજનો ઉપયોગ  કરવો.
  4. ધરૂવાડીયામાં દરરોજ બે વખત ઝારાથી પાણી આપવું.
  5. ખરીફ ૠતુમાં ૮–૧ર દિવસનાં ( ર પાનવાળા) ધરૂના છોડને તેની સાથે ચોંટેલી માટી સાથે રોપણી કરવી જોઈએ. જયારે શિયાળામાં ઠંડા તાપમાનને લીધે ધરૂની ઉંમર ૧૮–ર૦ દિવસની ( ર પાન અવસ્થા) હોવી જોઈએ.
  6. છોડને બીજ અને ચોંટેલી માટી સાથે ટ્રે અથવા ટોપલીમાં ઝડપથી રોપણીના ખેતર સુધી પહોંચાડી એક કલાકમાં જ રોપણી કરવી.
  7. ધરૂવાડીયામાંથી ધરૂને કોઈ જ ખલેલ વગર હળવેથી ઉંચકવા અને રોપણી માટે મુખ્ય ખેતરમાં જરૂર પ્રમાણે પહોંચાડવું.
  8. મુખ્ય ખેતરને સારી રીતે સમતલ કરવું તેમજ વધારાનું પાણી બરાબર નીતારવા ખેતરની ચારેય બાજુ નીતારનીકો  બનાવવી.
  9. નિયત સમયાંતરે પાકનું મુલ્યાંકન કરવું.
  10. જમીનની તંદુરસ્તી જાળવવા સાથે સાથે સારૂ ઉત્પાદન મેળવવા માટે સેંદ્રીય ખાતર અને જૈવીક ખાતરોનો મહત્તમ વપરાશ કરવો.
  11. નિંદામણના એક દિવસ અગાઉ હળવુ પિયત આપવું અને કોનોવીડર ની મદદથી ૩–૪ આંતરખેડ  કરવી.
  12. કોનોવીડરથી આંતરખેડ કરી નિંદણને ફરીથી જમીનમાં ભેળવીને દબાવી દેવું.
  13. જમીન સંતૃપ્ત રહે તેટલું પાણી જાળવવું. ખેતર વારાફરતી ભીનું અને કોરુ કરવું, જીવ પડવાની અવસ્થા સુધી ખેતરમાં  પાણી ભરાઈ ન રહે, તે ધ્યાન રાખવું.
શું ન કરવુ?
  1. પાણી ભરાઈ રહેતું હોય તેવી નબળી તેમજ ક્ષારવાળી જમીનમાં શ્રી પધ્ધતિ ન અપનાવી શકાય, વળી  નીચાણવાળા, કમાન્ડ વિસ્તારમાં ખરીફ ૠતુ દરમ્યાન 'શ્રી' પધ્ધતિ અનુકુળ નથી.
  2. ભલામણ કરતા ઓછા વિસ્તારમાં ધરુ ઉછેર ન કરો.
  3. ખાસ કરીને ચીકણી માટી વાળી જમીનમાં ઉંડે સુધી ધાવલ કરવું નહીં કારણ તે કોનોવીડર ચલાવવામાં   અવરોધ રૂપ બને છે.
  4. ધરૂવાડીયામાંથી ધરૂના છોડ ને ખેંચીને ઉપાડવા નહી. (શોવેલની મદદથી ધરૂને  માટી અને બીજસાથે હળવેકથી ઉંચકીને લેવા.)
  5. વધુ ઉંડાઈએ છોડ ન રોપવા અને ભરબપોરે પાણી ન આપવું.
  6. ધરૂના મૂળ ઉપરની માટી ધોઈને દુર ન કરવી.
  7. વારંવાર પાણી ન આપતાં ખેતરને ભેજવાળી પરિસ્થિતીમાં રાખો.
  8. જમીનમાં ઉંડી તિરાડ પડે તેટલી કોરી ન કરો.
  9. જીવ પડવાની અવસ્થા પહેલાં પાણી ભરવાનું ટાળો.
  10. ખેતરમાં પાણી ન હોય તો કોનોવીડરની આંતરખેડ ન કરો અને નિંદામણ પછી તરત પાણી બહાર  ન કાઢો.

'શ્રી' એસઆરઆઈ ની સફળતાના કારણો

  1. ઓછી ઉંમરના ધરૂની રોપણીને લીધે પાકના વિકાસનો સમય લંબાય છે અને વધુમાં વધુ ફુટ થવામાં અનુકૂળતા રહે છે.
  2. ખેતરને વારાફરતી ભીનું અને કોરું કરવાનું હોવાથી જમીનમાં એરોબીક પરિસ્થિતીનું નિર્માણ થયું  હોવાથી તેમજ કોનોવીડરની આંતરખેડથી સારા પ્રમાણમાં મૂળનો તંદુરસ્ત વિકાસ થાય છે તેમજ સારી ફુટ  થાય છે.
  3. કોનોવીડરથી આંતરખેડ કરવાથી નિંદણ જમીનમાં દબાવાથી સેંદ્રીય પદાર્થ ઉમેરાય છે.
  4. છોડના મૂળ વિસ્તારમાં હવાની સારી અવરજવર રહેવાથી ઉપયોગી સુક્ષ્મ જીવાણુંની કાર્યક્ષમતા વધે છે.
  5. ''શ્રી'' પધ્ધતિમાં સાનુકુળ પરિસ્થિતીને લીધે કાર્બનનો મહત્તમ ઉપયોગ તેમજ પોષક તત્વોનો  કાર્યક્ષમ રીતે ઉપાડ થઈ છોડમાં ઝડપી વહન થાય છે.
  6. ચીલાચાલુ રોપણીની પધ્ધતિમાં ઉંડે ઉતરી જતાં ખાતરની સરખામણીએ ''શ્રી'' પધ્ધતિમાં ખાતરનો અસરકારક ઉપયોગ થાય છે.
  7. શ્રી પધ્ધતિમાં પહોળા અંતરે રોપણી તેમજ સેંદ્રીય ખાતરના વધુ ઉપયોગને લીધે જમીનમાં હવાની સારી અવરજવર થવાથી છોડ મજબુત બને છે આથી રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

'' શ્રી '' પધ્ધતિના છ ઘટકો

સારાંશ

ડાંગરની ખેતીમાં પાણીની ઉત્પાદકતા વધારવામાં ''શ્રી'' એસઆરઆઈ પધ્ધતિ એ એક મહત્વનો વિકલ્પ છે. આ પધ્ધતિમાં ધરૂ ઉછેર, રોપણી સમયે ધરૂની ઉંમર,રોપણી અંતર  પોષણ અને પિયત વ્યવસ્થા માં કેટલાંક ફેરફારો કરવામાં આવેલ છે. ઓછી ઉમરનાં ધરૂની રોપણી, વારાફરતી જમીનને ભીની અને કોરી કરવાથી તેમજ કોનોવીડરની આંતરખેડને લીધે પાકના વૃધ્ધિ અને વિકાસમાં સારો ફાયદો જોવા મળે છે.

શ્રી પધ્ધતિમાં ધરૂના વિસ્તારમાં ઉપયોગી સુક્ષ્મ જીવાણુંની સક્રિયતા વધવાથી પાકનો વૃધ્ધિ અને વિકાસ સારો થવાથી ચીલાચાલુ પધ્ધતિની સરખામણીમાં ૧પ–ર૦ % જેટલું ઉત્પાદન વધેલ છે.''શ્રી'' પધ્ધતિ દરેક જગ્યાએ તેમજ દરેક વ્યકિતથી અપનાવી શકાય નહી. શ્રી પધ્ધતિમાં પાકના વિકાસની અવસ્થાએ પુરતી કાળજી રાખવી જરૂરી છે. ચોમાસા દરમ્યાન નીચાણવાળા, વધુ વરસાદવાળા, તેમજ નહેર સિંચાઈ વિસ્તારમાં પાણીનું નિયમન કરવું વધુ મુશ્કેલ હોવાથી શ્રી પધ્ધતિ અપનાવવી મુશ્કેલ જણાય છે. સામાન્ય રીતે 'શ્રી' પધ્ધ્તિમાં નિંદણનો મુખ્ય પ્રશ્ન રહે છે. કોનોવીડર ધ્વારા આંતરખેડ કરવામાં વધુ મજુરની જરૂર રહે છે. જુદી જુદી જમીનમાં અનુકુળ બને તેવા સુધારેલા યાંત્રિક કોનોવીડર વિકસાવી તેનો ઉપયોગ કરવાથી શ્રી પધ્ધતિ અપનાવવાનો રસ્તો સરળ બની શકે.''શ્રી'' પધ્ધતિ ખેડૂતોમાં પ્રચલિત કરવા માટે ખેડૂતો તેમજ ખેતમજુરોને શ્રી પધ્ધતિના સરળ પરંતુ મહત્વના પાસા અંગે તાલીમ આપવી જરૂરી છે.  જયાં અનુકુળ હોય ત્યાં ''શ્રી'' પધ્ધતિ અપનાવવાથી વધતી જતી પાણીની કટોકટી /અછતને લીધે ડાંગરની ખેતીમાં ઉભા થયેલા ભયની સામે લડવામાં સફળતા મળી શકે.

શ્રી' (એસ.આર.આઈ.) ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ :એક એકરના નિદર્શન માટે વ્યવસ્થાપન

 

  1. ખેતરની પસંદગી : સમતલ અને સારા નિતારવાળા ખેતરની પસંદગી કરવી.
  2. જાતની પસંદગી :   સામાન્ય રીતે જે તે વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી  વધુ ઉત્પાદન આપતી વધુ ફુટની ક્ષમતા ધરાવતી જાતો જીઆર–૧૧, જીઆર–૧ર, જીએઆર–૧૩, દાંડી તથા મોડી પાકતી જાત નર્મદા, જીઆર–૧૦૧,  મસુરી અથવા સંકર જાતો પસંદ કરવી.
  3. બીજનો દર : એકરે બે કીલો મુજબ.
  4. ધરૂવાડીયું તૈયાર કરવું :
  • એક એકરની રોપણી માટે  તે જ ખેતરના  એક ખૂણામાં અથવા બાજુમાં જ ૪૦ ચો.મી. વિસ્તાર પસંદ કરવો.
  • છાણીયું ખાતર : માટી,  પ્રથમ છાણિયુ ખાતર, પછી માટી એમ ર.પ સે.મી. જાડા ચાર થર કરવાથી ૧૦ સે.મી.  ઉંચાઈના ગાદી કયારા થશે અથવા ૧ઃ૧ ના પ્રમાણથી છાણિયા ખાતર અને માટીનું મિશ્રણ કરી ગાદી કયારા બનાવવા.

ફણગાવેલા બીજને પુંકવા :

  • ર કિલો બીજને સાદા પાણીમાં ર૪ કલાક પલાળવુુ. દર ૬ કલાકે પાણી બદલવું. પાણી નીતારી કંતાનમાં ૧ર કલાક સુધી દબાવી રાખો જેથી ફણગાવા(અંકુરણ)ની શરૂઆત થાય.
  • ફણગાવેલ બીજના ૪ સરખા ભાગ કરી ( ૧૦ × ૧ મી)ના ૪  ગાદી કયારામાં સાંજના સમયે એકસરખા પુંકવા. ૧૦ ચોરસ મીટર દીઠ ૧૦  કિલોગ્રામ સારું કહોવાયેલું ઝીણા છાણીયા ખાતરનું આવરણ કરવું, ત્યારબાદ  રક્ષણ  માટે તેજ જાતના ડાંગરનું ઘાસ/ પરાળ પાથરવું.
  • ત્યાર બાદ દરરોજ ઝારાથી દરેક ગાદી કયારા ઉપર બે થી ત્રણ વાર .(સવાર, બપોર,  સાંજ)પાણી છાંટવું
રોપણી માટે મુખ્ય ખેતર તૈયાર કરવું અને રોપણી સમય :
  • જુનના છેલ્લા પખવાડીયાથી જુલાઈના પ્રથમ પખવાડીયામાં  સમયસર રોપણી કરવી.
  • એકર દીઠ ર ટન સારુ. કહોવાયેલું છાણીયું ખાતર એકસરખું પુંકીને ખેડ કરી જમીનમાં ભેળવી  સાનુકુળ લેવલરથી ખેતર સમતળ કરવું.
  • ૮ થી ૧૦ સે.મી.પાણી ભરીને  ટે્રકટર/ બળદથી ચાલતા પડલરથી ઘાવલ કરવં.
  • બીજા દિવસે વધારાનું પાણી નિતારી લાકડાના પાટીયા અથવા લાંબા વાંસથી જમીનનુ માઈક્રો લેવલીંગ કરવું અને પાણી ભરાઈ ન રહે તે માટે દર બે મીટરે નીતાર નીક  બનાવવી જરૂરી છે.
'' શ્રી '' પધ્ધતિથી રોપણી માટે નિશાની કરવી :
  • રોપણી કરવા  રપ સે.મી. × રપ સે.મી.ના અંતરે ચોકડીમાં જીસલીથી માર્કીંગ કરવું અથવા રપ સે.મી.ના અંતરે દોરીની મદદથી પણ રોપણી કરી શકાય.
રોપણી :
  • ધરૂ ૮ થી ૧ર દીવસનું ( બે પાનનું ) થાય ત્યારે પાતળી લોખંડની પ્લેટ કે પાવડા જેવા સાધનને
  • ધરૂના  ગાદી કયારાના તળીયેે  ઘૂસાડી માટી સહીત એવી રીતે ઉંચકો કે ઘરૂના મૂળને કે રોપાને બીલકુલ નુકશાન ન થાય.
  • રપ × રપ સે.મી.ના અંતરે નિશાની કરેલ જગ્યાએ માત્ર એક જ રોપાની છીછરી  રોપણી એક કલાક કરતાં પણ ઓછા સમયમાં કરી દેવી.
  1. પિયત વ્યવસ્થા : રોપણી પછી  પાણી ચુસાયા બાદ ખેતરમાં વાળ જેટલી પાતળી   તીરાડ પડે એટલે હળવું પિયત  આપવું ( ખેતર વારા ફરતી કોરું– ભીનું  કરવું.) પ૦ ટકા ફુલ અવસ્થાથી દાણા પાકટ થવાની અવસ્થા સુધી છીછરૂ પાણી ( પ સે.મી.)ભરી રાખવું. કાપણીના ૧૦–૧પ દિવસ પહેલાં ખેતરને સંપૂર્ણ રીતે કોરું કરવું.

પોષણ વ્યવસ્થા :

  • એકર દીઠ ર ટન છાણીયું  સારું કહોવાયેલું કોમ્પોસ્ટ  ખાતર/ રપ૦ કિલો. દિવેલીનો ખોળ/ ૭૦૦ કિલો. વર્મીકમ્પોસ્ટ એકસરખું પુંકીને રોટોવેટરથી જમીનમાં  પુરતું ભેળવવું.
  • છેલ્લા ધાવલ પછી રોપાણ પહેલા પાયામાં આપવાના રાસાયણિક ખાતર : એકર દીઠ૧૧ કિલો ડીએપી (૧ર.પ   કીલો ફોસ્ફરસ / હે. મુજબ )અને ૧૩ કિલો. યુરિયા (ર૦ કીલો નાઈટ્રોજન / હે.મુજબ ) આપવુું. જમીનનુ પૃથ્થકરણ કરાવવું. ઝીંક તત્વની ઉણપ હોયતો એકર દીઠ ૧૦ કિલો ઝીંંક સલ્ફેટ અને લોહ તત્વની ઉણપ હોય તો એકર  દીઠ ર૦ કિલો ફેરસ સલ્ફેટ આપવું નાઈટ્રોજન યુકત ખાતરનો  બીજો હપ્તો એકર દીઠ ૧૮કિલો. યુરિયા (ર૦ કીલો નાઈટ્રોજન / હે. મુજબ) ફુટ અવસ્થાએ આપવું.
  • નાઈટ્રોજન યુકત ખાતરનો છેલ્લો ત્ર્રીજો હપ્તો જીવ પડવાની અવસ્થાએ એકર દીઠ ર૦ કિલો એમોનિયમ સલ્ફેટના (૧૦ કીલો નાઈટ્રોજન / હે.મુજબ) રૂપમાં આપવું.
  • જૈવિક ખાતરનો ઉપયોગ રોપણીના ત્રણથી ચાર દિવસમાં એઝેટોબેકટર (એબીએ–૧) અને ફોસ્ફોબેકટેરીયા (પીબીએસ–૧૬) પ્રત્યેક ૪૦૦મિ.લિ/એકરના પ્રમાણ મુજબ ૪ તગારા સારા કહોવાયેલા, ચાળેલા છાણિયા ખાતર સાથે ભેળવીને એક સરખા પૂંખવા.

નિંદણ વ્યવસ્થા : રોપણીના ૧૦ દિવસ બાદ  આતર ખેડ કરવા આગલા દિવસે હળવું ( પિયત) આપી કોનોવીડર/ રોટરી વીડરની મદદથી ઓછામાં ઓછી ૪ આંતર ખેડ ૧૦ દિવસના અંતરે કરી નિદણને જમીનમાં દબાવવા. કોનોવીડરથી જમીનમાં ન દબાય તેવાં છોડની નજીકનાં નિંદણનું હાથથી નિંદામણ કરવું.

કાપણી અને કાપણી પછીની વ્યવસ્થા :

  • દાણાને સખત થવા દેવા અને દાણા ખરતા અટકે તે માટે ફુલ અવસ્થાના ૩૦–૩પ દિવસ પછી જયારે છોડનો રંગ લીલો હોય ત્યારે દાણામાં ભેજનું પ્રમાણ ર૦ થી ર૪ ટકા થાય તે  સમયે  કાપણી  કરી લેવાય તેની કાળજી રાખવી.
  • કાપણી બાદ ર–૩ દિવસમાં પુળા બાધી  જેમ બને તેમ વહેલા ઝુડીને ઉપણી લઈને સુર્યના તાપમાં તપાવી દાણામાં ૧૪ ટકા ભેજ હોય ત્યારે  સંગ્રહ કરવો.

ર્ડા.ડી.બી.પ્રજાપતિ અને  ર્ડા.એમ.બી.પરમાર, મુખ્ય  ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ  યુનિવર્સિટી, નવાગામ–૩૮૭ પ૪૦, તા. જી.–ખેડા

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate