ડાંગરની ઉનાળુ પાકની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ
યોગ્ય જાતની પસંદગી
- રાજયની કૃષિ યુનિવર્સીટીઓ દ્વારા ભલામણ કરવામાં આવેલ સુધારેલ જાતોના પ્રમાણિત બિયારણ વાવવાનો આગ્રહ રાખવો જોઇએ.
- ઉનાળુ: ગુર્જરી, જયા, જી.આર.૧૧. જી.આર.૧૦૩, જી.આર.૭. અને જી.એન. આર.- 3.
રોગ અને જીવાત નિયંત્રણ
- ડાંગરની મુખ્ય જીવાતો જેવીકે પાન વાળનાર ઈયળ, ગાભમારાની ઈયળ, સફેદ પીઠવાળાં ચૂસીયાં અને લશ્કરી ઈયળ છે. અને ડાંગરના રોગો જેવાકે જીવાણુંથી થતો સુકારો, કરમોડી (બ્લાસ્ટ), ભૂખરા દાણા (ગ્રેઈન ડીસક્લરેશન) અને ગલત અંગારિયો છે. આ તમામનું વૈજ્ઞાનિક ભલામણો અનુસાર નિયંત્રણ કરવું અત્યંત આવષ્યક છે.સંકલિત રોગ-જીવાત નિયંત્રણ દ્વારા પણ ઉપયોગી જીવાતોનું સંવર્ધન કરવું પણ અત્યંત આવષ્યક છે.
પિયતનું વ્યવસ્થાપન
- ડાંગર એ પાણી ભૂખ્યો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવું જોઈએ નહીં.
- ડાંગરના ખેતરમાં ૫-૭ સી.મી.પાણી ભરીને ફૂલ આવે ત્યાં સુધી અવાર નવાર ભરવાની અને નિતારી દેવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી જમીનમાં હવાની સારી અવર જવર થઈ શકે. નીંધલ પડ્યા પછી દાણા ભરાવાની અવસ્થા સુધી ફક્ત ૫-૭ સે.મી. પાણી જ ભરી રાખવું અને કાપણીના ૨-૩ અઠવાડીયાં પહેલાં સંપૂર્ણ નીતારી દેવું જોઈએ.
નિંદણ વ્યવસ્થા
- ધરૂવાડીયામાં તેમજ ફેરરોપણી કર્યા પછી નિંદણ નિયંત્રણ માટે ભલામણ મુજબ નિંદણનાશકો રોપણી પછી ચાર દિવસમાં ખેતરમાં થોડુંક પાણી હોય ત્યારે રેતી સાથે ભેળવી પૂંકવા.
ખાતર
- કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ અનુસાર વહેલી, મધ્યમમોડી તેમગ મોડી પાક્તી ડાંગરની વિવિધ જાતો માટે નાઇટ્રોજન યુકત ખાતરો યુરીયા અથવાતો એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો તેમજ ફોસ્ફરસ યુકત ખાતરો જેવાકે ડી.એ.પી. અથવાતો સીંગલ સુપર ફોસ્ફેટનો વપરાશ કરવો. રોપણી વખતે પાયામાં ઝિંક સલ્ફેટ આપવું હિતાવહ છે.
ફણગાવેલ બીજ પધ્ધતિ
- ઝીણા દાણાવાળી જાતો માટે હેક્ટરે ૫૦ કિલો જ્યારે જાડા દાણાવાળી જાતો માટે હેક્ટરે ૬૦ કિલો મુજબ ફણગાવેલ બીજને ઘાવલ કરીને સમતળ કરેલ જમીન પર અનુભવી માણસ દ્વારા જોરથી પૂંકવામાં આવે છે અથવા ૨૨.૫ સે.મી. અંતરે લાઈનમાં દરેડવામાં આવે છે. જેનાથી ધરૂવાડિયું ઉછેરવાનો અને રોપણી માટેના મજૂરી ખર્ચની બચત થાય છે.
ફેરરોપણી માટે જમીનની તૈયારી
- રોપણીના ૧૫ દિવસ પહેલાં જમીનમાં હેક્ટરે ૧૦ ટન મુજબ છાણિયું ખાતર આપવું કે વીઘે ૧૦ થી ૧૨ કિલો બીજ વાપરી શણ અથવા ઈક્કડનો લીલો પડવાશ કરવો. ફેરરોપણી નીચેના સમયે કરવી
- રવી (ઉનાળુ): ફેબ્રુઆરીનું પ્રથમ પખવાડીયું. (૫૦ થી ૫૫ દિવસનું ધરૂ રોપવું).
- રોપણીનું અંતર નીચે મુજબ રાખવું :-
- અસ્ત વ્યસ્ત રોપણી : એક ચોરસ મીટરમાં ૩૦-૩૫ રોપા.
- હારમાં રોપણી : ૨૦ x ૧૫ સે.મી. અથવા ૧૫ x ૧૫ સે.મી.એક થુંમડે ૧-૨ રોપા.
ધરૂવાડીયું
- એક હેક્ટર (૧૦૦ ગુંઠા) ની રોપણી માટે ૧૦૦૦ ચો.મી.(૧૦ ગુંઠા) વિસ્તારમાં ધરૂવાડિયુ કરવું. જે માટે ભારે કાળી જમીનમાં ગાદી ક્યારા જ્યારે હલકી રેતાળ જમીનમાં ૧૦ મીટર x ૧ મીટર ના સપાટ ક્યારા બનાવવા અને પ્રતિ ક્યારા દીઠ પાયામાં ૨૦ કિલો સારૂ કહોવાયેલ છાણિયું ખાતર + ૧ કિલો દિવેલી ખોળ + ૨૫૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ + ૫૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ આપવું. વાવણીના ૧૫ દિવસ બાદ ક્યારા દીઠ ૨૫૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે આપવું.
બીજ અને માવજત
- બિયારણને વૈજ્ઞાનિક ભલામણો અનુસાર સુકી તેમજ ભીની માવજત આપવી જરૂરી છે.
- સૂકી બીજ માવજત : ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી. અથવા થાયરમ દવાનો બીજને પટ આપવો.
- ભીની બીજ માવજત : ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવા ના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.
કાપણી અને સંગ્રહ
- ડાંગરને પાકવાના દિવસોના આધારે દાણા પરિપક્વ થાય ત્યારે લીલી સળીએ કાપણી કરવાથી આખા ચોખાનું મળતર વધુ મળે. ડાંગર ગરતી નથી અને બગાડ ઓછો થાય. ઝૂડીને ૧૦ થી ૧૨ ટકા ભેજ રહે તેટલી સૂકવી સંગ્રહ કરવો.
સ્ત્રોત :
આણંદ કૃષિ યુનીવર્સીટી ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.