વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટપક સિંચાઇ પધ્ધતિથી કપાસમાં ફાયદો

ગુજરાતના ખેડૂતે ટપક સિંચાઇ પધ્ધતિથી કપાસના પાકમાં મેળવ્યું દોઢુ ઉત્પાદન

આજે કિસાન દિવસ હોય ત્યારે આપણે એવા ખેડૂતની વાત કરવાની છે કે તેમણે આધુનિક ખેતી તરફ પગરણ માંડી કપાસના પાકમાં સફળતા મેળવી છે. વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા ગુજરાતમાં અનેક ખેડૂતો છે. પહેલા ખેડૂતો પાસે કોઇ પ્રકારના આધુનિક સાધનો નહોતા. આથી ખેડૂતોએ શારીરિક શ્રમ વધુ કરવો પડતો. ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદ પણ અનિયમિત થઇ રહ્યા છે. પરંતુ દરેક ખેડૂત ટપક સિંચાઇ પધ્ધતિથી ખેતી કરતો થાય તો ઓછા પાણીએ વધુ ઉત્પાદન લઇ શકાય છે. આવા જ એક જસદણ તાલુકાના શિવરાજપુર ગામના ખેડૂતે કપાસના પાકમાં ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી દર વર્ષે ઓછા ખર્ચમાં દોઢુ ઉત્પાદન લઇ રહ્યા છે.

શિવરાજપુરના જીવરાજભાઇ રાદડીયા ૧૫ વીઘા જમીન ધરાવે છે. તેમાં તેમણે ૬ વીઘામાં ટપક સિંચાઇ પધ્ધતિથી કપાસનો પાક વાવ્યો છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે પાણી તો ખૂટી ગયા છે. પરંતુ ટપક સિંચાઇથી તેમણે કપાસમાં દોઢુ ઉત્પાદન મેળવ્યું છે. ટપક સિંચાઇ પધ્ધતિથી પાણીનો બગાડ પણ થતો નથી.

જીવરાજભાઇના પુત્ર સુભાષભાઇ હાલ જસદણમાં યશ કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ નામની દુકાન ચલાવી રહ્યા છે. પરંતુ ખેતી વિશે તેઓ બહોળુ જ્ઞાન ધરાવે છે. સુભાષભાઇનું કહેવું છે કે, અમારી પાસે પાણીના સ્ત્રોતમાં એક કૂવો અને એક બોર છે. ઉનાળામાં કૂવામાં પાણી જતું રહે છે. જ્યારે બોરમાં થોડુઘણું પાણી રહે છે.  ટપક સિંચાઇ પધ્ધતિથી શરૂઆતમાં ૫ હોર્સપાવરની ઇલેક્ટ્રીક મોટર ૧૦ મિનિટ ચાલે એટલે પાંચ વીઘામાં કપાસના પાકને ઉગાડી શકાય છે. જ્યારે ટપક સિંચાઇ પધ્ધતિ વગર ક્યારા કરીને પાણી પાવામાં આવે તો ૮-૧૦ કલાક મોટર ચાલે ત્યારે પાંચ વીઘામાં કપાસનો પાક ઉગાડી શકાય. ચોમાસમાં પૂરતું પાણી હોય છે. પરંતુ દિવાળી પછી જ પાણીની ખેંચ વર્તાય છે અને ત્યારે ટપક સિંચાઇ આર્શીવાદરૂપ નિવડે છે. ઓછા પાણીએ કપાસનું આરામથી પિયત થઇ જાય છે. 
ટપક સિંચાઇ પધ્ધતિથી થતા ફાયદા વિશે સુભાષભાઇ આગળ જણાવે છે કે, આ પધ્ધતિ અપનાવાથી ખેડૂતોને પાકનું નિંદામણ કરવું પડતું નથી. આથી નિંદામણની મજૂરીનો ખર્ચ ઘટી જાય છે. ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવતા ન હોય તેવા ખેડૂતોને ક્યારામાં છૂટક રાસાયણિક ખાતરનો છંટકાવ કરવો પડે છે. આથી ખાતરનો જરૂરિયાત કરતા વધારે ઉપયોગ થઇ જાય છે. જ્યારે ટપક સિંચાઇ પધ્ધતિમાં એક બેરેલમાં ખાતરને ઓગાળી મશીનમાં સેટીંગ કરી પાણીની સાથે ભેળવી દેવામાં આવે છે. આથી કપાસના છોડને જરૂરિયાત મુજબનું જ ખાતર મળે છે અને વિકાસ જલ્દી થાય છે. આ પધ્ધતિથી ૫૦ ટકા રાસાયણિક ખાતરમાં ખર્ચ ઘટી જાય છે. 
સુભાષભાઇ કહે છે કે, આ પધ્ધતિ અમે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અપનાવી છે. જ્યારે ટપક સિંચાઇ પધ્ધતિ નહોતી ત્યારે અમારે વીઘે કપાસનો ઉતારો ૧૫-૨૦ મણનો આવતો હતો. પરંતુ આ પધ્ધતિ અપનાવતા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કપાસનો ઉતારો વીઘે વધીને ૨૫-૩૦ મણનો આવવા લાગ્યો છે અને તે પણ પહેલાના ખર્ચ કરતા અડધા ખર્ચમાં. સુભાષભાઇને ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે આ પધ્ધતિ અપનાવાનો વિચાર આવ્યો. ખાસ વાત એ છે કે, થોડુઘણું પાણી હોય તો નબળા વર્ષમાં કપાસના પાકને આરામથી પકવી શકાય છે. વળી પાકમાં રોગનું પ્રમાણ પણ ઓછુ આવે છે. આવી જ રીતે સૌરાષ્ટ્રના બધા ખેડૂતો ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવે તો ખેતીને વધારે હરિયાળી બનાવી શકાય.

કપાસના ભાવ અંગે પૂછતા સુભાષભાઇ જણાવે છે કે, આ વર્ષે એક તો વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને ઉપર જતા સરકાર કપાસના ભાવ પૂરતા આપતી નથી. સરકાર 1200 રૂપિયાના ભાવે કપાસની ખરીદી કરે તો જ ખેડૂતને ખર્ચ સરભર થાય તેમ છે. એક બાજુ નબળા વર્ષને કારણે કપાસનું ઉત્પાદન પણ ઓછુ આવ્યું છે. સરકાર હાલ ચાલી રહેલા ભાવથી કપાસની ખરીદી કરે તો ખેડૂતોને મણદીઠ 200થી 300 રૂપિયાની ખોટ ખાવી પડે છે. ખેડૂતોને આ ભાવમાં પોતાની મજૂરી પણ સૂઝતી નથી. કપાસનું ગમે તેટલું ઉત્પાદન આવે પરંતુ આ ભાવમાં તો ખોટ જ છે.

સ્ત્રોત: દિવ્ય ભાસ્કર

3.01449275362
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top