જમીનમાં એવા ઘણા પ્રકારના સૂક્ષ્મજીવાણુંઓ વસવાટ કરે છે જે વનસ્પતિને બહુ ઉપયોગી હોય છે. આવા જીવાણુંઓ હવામાંના મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાનું અથવા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ ત્રણ દાયકાનાં સંશોધનને અંતે જુદા જુદા પ્રકારના જૈવિક ખાતરોની ભલામણો બહાર પાડી છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો રાસાયણિક ખાતરની 25% સુધી બચત થઇ શકે છે.
(અ) નાઇટ્રોજન સ્થિર કરનાર જૈવિક ખાતર
એઝોટોબેકટર, એઝોસ્પાઇરીલમ અને રાઇઝોબિયમ
(૧) એઝોટોબેકટર
એઝોટોબેકટર એ એક પ્રકારના બેકટેરિયા છે જે હવામાંના મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે. આ જ કારણે તેનો જૈવિક ખાતર તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે. રાઇઝોબિયમ પ્રકારના બેકટેરીયાને નાઇટ્રોજન મેળવવા જેમ કઠોળ વર્ગના પાકની હાજરીની જરૂર પડે છે [3] તેમ અઝોટોબેકટરને કોઇપણ પાકની હાજરીની જરૂર પડતી નથી. તેઓ એકલા જ પોતાની મેળે હવામાંના નાઇટ્રોજન સ્થિર કરી શકે છે. ખેતરની જમીન તેમનું રહેઠાણ છે. આ બેકટેરિયાને વૃધ્દ્રિ તેમજ વિકાસ માટે હવામાંનો પ્રાણવાયુ જરૂરી છે. તેથી ખેતરના ૧૫-૩૦ સે.મી.ના ઉપરના પડમાં તેઓ વિશેષ સંખ્યામાં આવેલા હોય છે. આ સંજોગોમાં જમીનની ફળદ્રુપતા સાચવવા તેમજ મોંધા રાસાયણિક ખાતરની બચત કરવા કાર્યક્ષમ જાતની ભલામણ કરેલ અઝોટોબેકટરની જાતના જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવો જરૂરી છે. આ પ્રકારના બેકટેરિયા હવામાંનો મુક્ત નાઇટ્રોજન વાપરી પોતાનામાં રહેલા નાઇટ્રોજીનેઝ ઉત્સેકચની મદદથી અમોનિયા બનાવે છે. આ અમોનિયા પાણીમાં દ્રાવ્ય છે જેથી સહેલાઈથી લઇ શકે છે. જે જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઓછા હોય ત્યાં આ બેકટેરિયાની સંખ્યા વધે છે. કઠોળ વર્ગ સિવાયના પાકો માટે આ જૈવિક ખાતર ભલામણ કરવામાં આવે છે.
(૨) એઝોસ્પાઇરીલમ
આ એક પ્રકારના સુક્ષ્મજીવાણું છે. તેમનું કદ મિલિમીટરના હજારમા ભાગનું તેમજ આકાર અડધો વાળેલો સર્પાકાર હોય છે. એઝોસ્પાઇરીલમ જીવાણુંની બે પ્રજાતિઓ છે, લીપોફેરમ અને બ્રાસીલેંસ. આવા કલ્ચર વનસ્પતિ વ્રુધ્દ્રિ વર્ધકો જેવા કે ઇન્ડોલ એસિટીક એસિડ, ઇન્ડોલ બ્યુટારિક એસિડ, ઓકઝીન, ગીબરેલીન્સ બનાવી પાકની વૃધ્દ્રિમાં મદદ કરે છે.
(૩)રાઇઝોબિયમ
બાયોફર્ટીલાઇઝ રાઇઝોબિયમ કલ્ચર મૂળ ઉપર નાની નાની ગાંઠો બનાવતા હોવાથી ફક્ત કઠોળ વર્ગના પાક માટે જ વાપરી શકાય. મગનું કલ્ચર મગ માટે અને ચણાનું કલ્ચર ચણા માટે જ વાપરવું હિતાવહ છે. પાકમાં રાઇઝોબિયમ કલ્ચરના ઉપયોગથી હેકટર દીઠ ૮૦-૧૦૦ કિલોગ્રામ નાઇટ્રોજનની બચત થાય છે.
(બ) ફોસ્ફેટ કલ્ચર
ફોસ્ફેટ કલ્ચર પૈકી બેસીલસ, સ્યુડોમોનાસ, એસ્પરજીલસ અને માઇકોરાઇઝા મુખ્ય છે. આપણી જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું છે. જમીનમાં સુપર ફોસ્ફેટ કે અન્ય સ્વરૂપે જે કોઇ ફોસ્ફરસ ઉમેરીએ છીએ તે થોડા વખતમાં અલ્ભય બની જાય છે. પાકને ઉપયોગમાં આવતો નથી. જમીનમાં એવા ધણાં જીવાણુઓ છે કે જે વિવિધ પ્રકારના એસિડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. આપણા દેશમાં ૨૬૦૦ લાખ ટન રોક ફોસ્ફેટનો ભંડાર છે. આવા કિંમતમાં સસ્તા રોક ફોસ્ફેટનો યોગ્ય ફોસ્ફેટ કલ્ચર સાથે ઉપયોગ કરી શકાય છે.
(ક) પોટાશ લભ્ય કરનાર
જમીનમાં એવા ધણાં જીવાણુઓ છે કે જે વિવિધ પ્રકારના એસિડ અને પોલીસેકેરાઈડ બનાવી જમીનમાં રહેલા અલભ્ય પોટાશનું છોડના મૂળ શોષી શકે તેવા સ્વરુપમાં રૂપાંતર કરે છે. મોંઘા પોટાશયુક્ત રાસાયણીક ખાતરના વિકલ્પ સ્વરુપે કિમંતમાં સસ્તા ખનીજ માઈકા, ફેલ્ડ્સ્પારનો પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મજીવાણુંઓ સાથે વપરાશ કરવાથી 25 % પોટાશયુક્ત રાસાયણીક ખાતરની બચત થઈ શકે.
હાલમાં ગુજરાતમાં મળતા તમામ જૈવિક ખાતર લીગ્નાઇટ નામના ખનીજ કોલસાના ૧૦૦ મેશના પાવડર આધારિત છે. આવા કેરિયરયુક્ત જૈવિક ખાતરની ધણી મર્યાદાઓ છે. જેવીકે અવધિ 6 મહિના અને જીવંત સૂક્ષ્મજીવાણુંની સંખ્યા ઓછી તથા ટપક પધ્ધતિ અને ગ્રીન હાઉસમાં વાપરી શકાય નહી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી અને બાયોફર્ટીલાઇઝર પ્રોજેકટના ત્રણ દાયકાના સંશોધનોના પરિણામોના ફળ સ્વરૂપે વિવિધ પાકોમાં જૈવિક ખાતરનાં વપરાશ અંગેની કુલ 40 ખેડુતોપયોગી ભલામણો કરવામાં આવેલ છે અને તેના નિદર્શનો જુદા જુદા વિસ્તારોમાં થયેલ છે. તદ્ઉપરાંત પ્રયોગશાળાથી ખેતરે પહોંચાડવાનો પ્રયાસ છેલ્લા 5 વર્ષથી કૃષિ મહોત્સવ દરમ્યાન કરવામાં આવેલ છે. તે અંતર્ગત કૃષિ કિટમાં અનુભવ પ્રવાહી જૈવિક ખાતર ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના સહયોગથી ગુજરાતના ગામડે ગામડે પહોંચાડવામાં આવેલ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
જૈવિક ખાતરને લઇ ને માહિતી આપવામાં આવી છે
છાણમાંથી સેન્દ્રિય-જૈવિક ખાતર ઉત્પાદન કરવાની યોજના...