অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જીરૂના પાકની વૈજ્ઞાનિક ખેતી અપનાવો

જીરૂ એ આપણા દેશને હૂંડિયામણ કમાવી આપનાર અગત્યનો મસાલા પાક છે. દુનિયામાં ભારત જીરૂનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકાર દેશ છે. જીરૂનું વાવેતર દેશમાં ગુજરાત અને રાજસ્થાનના સૂકા અને અર્ધસૂકા જીલ્લાઓમાં મોટા પાયે થાય છે. જીરૂની ખેતી વધુ કાળજી માંગી લેતો પાક હોવાથી ખેડૂતોએ જીરૂ પાકતા સુધી સજાગ રહેવું ખૂબ જરૂરી છે. જીરૂની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને લીધે જીરૂનું ઉત્પાદન વધવા લાગ્યું છે. પરિણામે આવક વધતાં જીરૂની ખેતી કરવાનો ઉત્સાહ દર વર્ષે ખેડૂતોને વધતો જ જાય છે. જીરાનો પાક અન્ય પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનત અને ઓછા ખર્ચે વધુ વળતર આપનારો રોકડીયો પાક છે. જીરૂનું ઉત્પાદન સીઝનલ હોવાથી અને સ્થાનિક | અને દરિયાપારની માંગ વ્યાપક રહેવાથી ભાવોમાં વધઘટ જોવા મળે છે. પરંતુ જો હવામાન અનુકૂળ ન આવે તો ઓછી આવક થતા ખેતી ખર્ચ પણ મળતો નથી. તેથી જે ખેડૂતો જીરાની ખેતી કરવા માંગતા હોય તો જીરૂની વૈજ્ઞાનિક ખેતીનો અભ્યાસ કર્યા પછી સમજ કેળવીને ત્યાર બાદ જ ખેતી કરવી જોઈએ.

જમીન અને આબોહવા :

જીરાના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ઉપરાંત, આ પાકને ઠંડું અને સૂકુ હવામાન વધુ માફક આવે છે. આથી મહત્તમ ઉત્પાદન લેવા જીરૂના પાકની સમયસર વાવણી કરવી જોઈએ.

બીજની પસંદગી :

જનીનિક તેમજ ભૌતિક શુદ્ધતાવાળુ, સારી સ્કૂરણશક્તિ ધરાવતું અને શુદ્ધ બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ કૃષિ યુનિવર્સિટીઓ અને માન્ય સરકાર સંસ્થાઓ જેવી કે રાજય રાષ્ટ્રીય બીજ નિગમ પાસેથી જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો અને આવા બિયારણો ૨-૩ વર્ષ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું.

જાતો :

  1. ગુજરાત જીરૂ-૨ :આ જાત સને ૧૯૯૨માં બહાર પાડવામાં આવી ત્યારે ગુજરાત જીરૂ-૧ કરતાં ૧૫ ટકા જેટલું વધારે ઉત્પાદન આપતી હતી શરૂઆતમાં આ જાત સૂકારા રોગ સામે ટકી શકતી નથી પરિણામે એ કમ વિસ્તારમાં ઉત્પાદન ઘટી જાય છે.
  2. ગુજરાત જી-૩ : સને ૧૯૯૯માં આ જાત તેના સૂકારા પ્રતિકારક શક્તિ ધરાવવાના વિશિષ્ટ ગુણના કારણે બહાર પાડવમાં આવેલ છે. સામાન્ય પરિસ્થિતિમાં આ જાતનું ઉત્પાદન ગુજરત જીરૂ-૨ જેટલું જ મળે છે. દાણામાં સુગંધિત તેલના ટકા ગુજરાત જીરૂ-૨ (૩.૧ ટકા) કરતાં ગુ. જીરૂ-૩માં (૩.૫ ટકા) વધારે છે. ખેડૂતમિત્રોને ગુજરાત જીરૂ-૩ જાત માત્ર સૂકારાગ્રસ્ત જમીનોમાં વાવવા ભલામણ છે.
  3. ગુજરાત જીરૂ-૪ : અગાઉ બહાર પાડેલ જાતો ગુજરાત જીરૂ-ર અને ગુજરાત જીરૂ-૩ પૈકી સારી દાણાની ગુણવત્તા ગુજરાત જીરૂ-ર માં છે પરંતુ સૂકારા રોગ સામે ટકી શકતી નથી. જ્યારે ગુજરાત જીરૂ-૩માં સુકારા રોગ પ્રતિકારકતા છે પરંતુ દાણા ફાડા થવાનો ગુણ ધરાવે છે. આથી આ બંને જાતોના વિકલ્પ રૂપે વધારે ઉત્પાદન આપતી અને આખા, રાખોડી રંગના, સારી ગુણવત્તા ધરાવતા દાણાવાળી અને સૂકારા સામે પ્રતિકારકશક્તિ ધરાવતી જાત ગુજરાણ જીરૂ ૪ સને -૨g૩માં બહાર પાડવામાં આવેલ છે. આ જાતની સરેરાશ ઉત્પાદક્ષમતા (૧૨૫૩ કિ.ગ્રા./હે.) ગુજરાત જીરૂ-૨ અને ગુજરાત જીરૂ-૩ કરતાં અનુક્રમે ૩૬.૦૫ અને ૨૫.૪૩ ટકા વધારે છે. જ્યારે મહત્મ ઉત્પાદનક્ષમતા ૧૮૭પ કિ.ગ્રા./હે. છે.

આમ ગુજરાત જીરૂ-૪ના દાણાની સારી ગુણવત્તા, સૂકારા અને ચરમી સામેની રોગ પ્રતિકારકતા તેમજ ઉત્પાદન ક્ષમતા મહત્તમ હોવાથી આ જાતનું વાવેતર કરવું વધારે હિતાવહ છે. ખેડૂતમિત્રો, આ જાત રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા પ્રાપ્ત કરેલ છે જેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને બીજ ઉત્પાદકો દ્વારા સઘન બીજ વૃદ્ધિ કાર્યક્રમ હેઠળ બહોળા પ્રમાણમાં પ્રમાણિત બીજ ઉત્પન્ન કરવામાં આવે છે.

વાવેતર :

નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં જયારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું ઉષ્ણતામાન ૩૦ થી ૩ર સે. આસપાસ થાય ત્યારે જીરૂનું વાવેતર કરવું જોઈએ.

વાવણી પદ્ધતિ :

કોઈપણ પાકની ઉત્પાદકતા ઉપર અસર કરતા પરિબળો પૈકી એકમ વિસ્તારમાં છોડની પુરતી સંખ્યા એ | ખૂબ જ અગત્યનું પરિબળ છે. મોટા ભાગે ખેડૂતો ચાસમાં વાવણી કરવાને બદલે પંખીને વાવેતર કરે છે, જેને કારણે બિયારણ એકસરખા પ્રમાણમાં જમીનમાં પડતું નથી અને ભેળવાતું નથી. જેથી જીરૂનું વાવેતર હારમાં ૩૦ સે.મી. ના અંતરે બીજનો દર હેકટર ૮ થી ૧૦ કિ.ગ્રા. રાખીને કરવું હિતાવહ છે.

ખાતર વ્યવસ્થા :

જીરૂની ખેતીમાં ભલામણ કરેલ તત્ત્વોનો અડધો જથ્થો રાસાયણિક ખાતરો રૂપે અને અડધો જથ્થો રાયડાના ખોળના સ્વરૂપે સેન્દ્રિય ખાતર તરીકે આપવાથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે તેમજ ઉપજની મૂલ્ય વૃદ્ધિ કરી શકાય છે. ઘણી વાર ખેડૂતો પાયાના ખાતરને વાવણી પહેલા પૂંખી દે છે. આમ કરવાથી છોડના મૂળના સંસર્ગમાં ન આવવાથી છોડ તેનો પુરેપુરો ઉપયોગ કરી શકતો નથી. આથી કરેલ ખર્ચ સામે ઉત્પાદન ઓછું મળવાથી પુરતું વળતર મળતું નથી. ફોસ્ફરસયુક્ત ખાતરોનો બધો જ જથ્થો વાવણી સમયે પાયાના ખાતર તરીકે ૪ થી ૬ સે.મી. બીજની નીચે ચાસમાં આપવાથી કાર્યક્ષમતા વધતા પાકનું ઉત્પાદન વધે છે. જીરૂના પાકમાં હેકટરે ૧૫ કિલો નાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ તત્ત્વ જમીન તૈયાર કરતી વખતે આપવા. આ માટે ૩૩ કિલો ડી.એ.પી. અને ૨૦ કિલો યુરિયા ખાતર આપવું. બાકી રહેલો ૧૫ કિલો નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ૩૦ દિવસે આપવો જે માટે ૩૩ કિલો યુરિયા ખાતર આપવું.

પિયત વ્યવસ્થા :

  • પિયત એ જીરૂ પાકનું જોખમી પાસે છે માટે જમીનની પ્રત અને વાતાવરણને ધ્યાને રાખી પિયત વ્યવસ્થા અપનાવવી જરૂરી છે.
  • જીરૂના પાકમાં પ્રથમ પિયત વાવણી બાદ તૂરત જ આપવું. જીરૂનો ઉગાવો ૧૧ થી ૧૨ દિવસે થતો હોવાથી સારા ઉગાવા માટે બીજુ પિયત જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસે સમયસર આપવું. ત્રીજુ પિયત નીંદામણ કર્યા બાદ ૩૦ દિવસે આપવું અને ચોથું પિયત પ૦ દિવસે આપવું.
  • સૌરાષ્ટ્ર વિસ્તારની છીછરી કે બનાસકાંઠાની રેતાળ જમીનમાં પાંચમું પિયત ૭૦ દિવસે આપવું.
  • જીરૂના પાકમાં ચરમી રોગનો ઉપદ્રવ હોય તો પિયતમાં ખૂબ જ કાળજી રાખવી. વાદળછાયું અને ભેજવાળુ વાતાવરણ હોય તેમજ ઝાકળ પડતું હોય અથવા ચરમીનો રોગ આવવાના ચિહનો દેખાય તો પિયત ન આપવું.

નીંદણ વ્યવસ્થા :

જીરૂના પાકમાં જીરાળો નીંદામણ મોટાભાગે જોવા મળે છે. નીંદણનું પ્રમાણ અને પ્રકારને ધ્યાનમાં લઈ કલ્ચરલ/રાસાયણિક પદ્ધતિથી નીંદણનું નિયંત્રણ થઈ શકે

કલ્ચરલ પદ્ધતિ :

  1. શેઢાપાળા અને ઢાળિયા નીંદામણમુક્ત રાખવા.
  2. બીજ વાવતાં પહેલા મજૂરોથી નીંદણો દૂર કરવા.
  3. નીંદણમુક્ત બીજનું વાવેતર કરવું.
  4. ઊભા પાકમાં આંતરખેડ તથા હાથથી નીંદામણ કરવું.

રાસાયણિક પદ્ધતિ:

જીરૂને ઘણીવાર પૂંખીને વાવેતર કરવામાં આવે છે તેથી તેમાં રાસાયણિક પદ્ધતિથી નીંદણ નિયંત્રણ કરવું આવશ્યક બને છે. આ પદ્ધતિમાં પેન્ડીમિથેલીન ૧.૦ | કિ.ગ્રા. સક્રિય તત્ત્વ હેકટરે પથી ૬0 લિટર પાણીમાં ઓગાળી વાવણી પછી પ્રથમ પિયત બાદ જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે પાકના ઉગાવા પહેલા એકસરખી રીતે જમીન પર છંટકાવ કરવો. આ ખૂબ જ અસરકારક પદ્ધતિ છે અને મોટાભાગના નીંદણોનો ઉગાવો થતો નથી. આ ઉપરાંત, પાછળ જૂજ પ્રમાણમાં ઉગતા નીંદણો અને જીરાળાના નિયંત્રણ માટે વાવણી બાદ ૨૫ થી ૩૦ દિવસે અને ૫૦થી ૬૦ દિવસે હાથથી નીંદામણ કરી નીંદણમુક્ત રાખી શકાશે.

રોગ નિયંત્રણ :

ઘણીવાર જીરૂ જેવા પાકો રોગને કારણે સદંતર નિષ્ફળ જતા હોય છે. આવા સંજોગોમાં પાર્કમાં આવતા રોગોનું અસરકારક અને વૈજ્ઞાનિક રીતે નિયંત્રણ કરવું ખૂબ જ આવશ્યક છે.

કાળીયો અથવા ચરમી:

 

 

 

 

 

લક્ષણો : આ રોગ જમીનજન્ય તેમજ બીજજન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે. ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર ડાળી ઉપર પણ આવા ધાબા પડે છે. અંતે પાન અને ડાળીઓ સાથે આખા છોડ સૂકાઈ જાય છે. રોગિષ્ટ છોડ ચીમળાઈ જઈ કાળો પડી જાય છે. દાણા બેસતા નથી. જો દાણા બેસે તો કાળા અથવા ચીમળાયેલા અને નાના દાણા બેસે છે. સામાન્ય રીતે આ રોગની શરૂઆત વાવણી પછી ૩૦ થી ૪૦ દિવસે થાય છે.

રોગની શરૂઆત ખાસ કરીને વધારે પડતું ઘાટું વાવતેર તેમજ કયારામાં છેવાડે પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી થતો જોવા મળે છે. શિયાળાની ઋતુમાં ઘણી વખત કમોસમી વરસાદ (માવઠું) થાય ત્યારે આ રોગની વૃદ્ધિ અને ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે તેથી પાક નિષ્ફળ જાય છે.

નિયંત્રણ :

  1. પાકની ફેરબદલી કરવી.
  2. પંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી.ના ગાળે ચાસમાં વાવણી કરવી.
  3. કયારા નાના સમતલ રાખવા. કયારાના છેવાડે પાણી ભરાઈ ન રહે તે પ્રમાણે હળવું પિયત આપવું.
  4. વધુ પડતા નાઈટ્રોજનયુક્ત ખાતરોથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થતા રોગ ઝડપથી ફેલાય છે તેથી ગળતિયા છાણિયા ખાતરનો વધુ ઉપયોગ કરવો.
  5. ભેજવાળુ વાતાવરણ આ રોગ માટે ખૂબ જ અનુકૂળ હોવાથી પાણીની વધુ જરૂરિયાતવાળા પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવું નહી.
  6. જીરૂના પાકની વાવણી નવેમ્બર માસમાં ઠંડીની શરૂઆત થતાં કરવી.
  7. જીરૂના પાકને ૪ થી પ સે.મી. ઊંડાઈના જરૂર મુજબના અને જમીનની પ્રત પ્રમાણે ૨ થી ૫ પિયત આપવાથી પાકમાં ચરમીના રોગની તીવ્રતા ઓછી રહે છે.

રાસાયણિક નિયંત્રણ :

  1. જીરૂનો કાળીયો બીજ દ્વારા ફેલાતો હોવાથી રોગમુક્ત બીજની પસંદગી કરવી તેમજ બીજને વાવતા પહેલા મેન્કોઝેબ અથવા થાયરમ દવાનો ૩ ગ્રામ પ્રતિ કિલો બિયારણ દીઠ પટ આપવો.
  2. પાક ૩૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫% વે.પા. ૦.૨% (૨૭ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) દ્રાવણના જરૂરિયાત મુજબ અને હવામાનના ઝાકળ, ઠારને ધ્યાને લઈને ૮ થી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો.

દવા છાંટતી વખતે છોડના બધા જ ભાગો પર દવા બરોબર છંટાય તેની કાળજી રાખવી. જરૂર જણાય તો સ્ટિકર ૫મિ.લિ. પંપમાં નાંખીને દવાનો છંટકાવ કરવો.

સૂકારો :

લક્ષણો :

 

 

 

 

 

આ રોગ જમીનજન્ય ફુગથી થાય છે. આ રોગ લાગવાથી તંદુરસ્ત છોડના પાન અને ડાળીઓ એકાએક નમી પડે છે. સામાન્ય રીતે ૨૫-૩૦ દિવસના છોડ થાય ત્યારે આ રોગ દેખાય છે. રોગનો ચેપ લાગેલ છોડ ત્યારબાદ સૂકાઈ જાય છે. રોગની શરૂઆત ખેતરમાં ગુંડીઓમાં જોવા મળે છે. જે ધીમે ધીમે વધારે વિસ્તારમાં પ્રસરે છે. રોગિષ્ઠ છોડમાં દાણા બેસતા નથી. થોડા દાણા બેસેલ હોય તેનો વિકાસ થતો નથી. તેથી દાણા ચીમળાયેલા વજનમાં હલકા, ઉતરતી ગુણવત્તાવાળા હોય છે.

નિયંત્રણ :

  1. સૂકારાના રોગ સામે પ્રતિકારક એવી ગુજરાત જીરૂ-૩ અથવા ગુજરાત જીરૂ-૪નું વાવેતર કરવું.
  2. ઉનાળે ઊંડી ખેડ કરવી અને ચોમાસામાં જુવાર પાક લેવાથી આ રોગનું પ્રમાણ ધટે છે.
  3. ગળતિયા છાણિયા ખાતરનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવો.
  4. મેન્કોઝેબ કે થાયરમની ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજ માવજત આપવી.
  5. દર વર્ષે એકની એક જમીનમાં જીરૂનો પાક ન લેવો.
  6. સૂકારો લાગેલ છોડને ઉપાડી નાશ કરવો.

ભૂકી છારો:

લક્ષણો : પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.

નિયંત્રણ :પ્રથમ છંટકાવ વાવેતર પછી ૪૦ દિવસે 300 મેશનો ગંધક હેકટરે ૧૫ કિલો પ્રમાણે વહેલી સવારે કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

સંકલિત જીવાત વ્યવસ્થાપન :

આ પાકમાં જીવાતનો ઉપદ્રવથી પ થી ૬૭ ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. ખેડૂતોએ જીવાત દ્વારા થતું નુકસાન અટકાવી ગુણવત્તા સભર પાક મેળવવા માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવું જરૂરી છે.

જીરૂમાં મુખ્યત્વે મોલોમશી, થ્રિપ્સ અને લાલ કથીરી જેવી જીવાતો જોવા મળે છે. આ જીવાતોના છોડના કોઈપણ ભાગમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે.

સંકલિત નિયંત્રણ:

  1. જીરૂના પાકની સમયસર વાવણી કરવી.
  2. જ્યારે મોલોનો ઉપદ્રવ શરૂઆતની અવસ્થાએ હોય ત્યારે મોલો સહિતના પાકનાં ભાગોને તોડીને નાશ કરવો.
  3. મોલોમશી શ્રિણના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. ડાયમીથોએટ અથવા ૩.૫ મિ.લિ. ઈમીડાકલોપ્રીડ અથવા ૨૦ મિ.લિ. કાર્બોસલ્ફાન મિશ્ર કરી ૧૦-૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
  4. નાઈટ્રોજનયુક્ત ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવાથી તેમજ સેન્દ્રિય ખાતરો જેવા કે લીમડાના ખોળ, દિવેલીનો ખોળ વાપરવાથી ચૂસિયાં પ્રકારની જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય.
  5. મોલોમશીના પરિક્ષણ માટે પીળા ચીકણા ૧૦પિંજર હેકટર પ્રમાણે ગોઠવવા.
  6. થાયોમેથોકઝામ ૭૦ ડબલ્યુએસ દવા ૪.૨ ગ્રામ કિ.ગ્રા. બીજ અને ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ દવા ૧૦ ગ્રામ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપીને વાવણી કરવાથી મોલોનું પાકની શરૂઆતની અવસ્થાએ નિયંત્રણ મળે છે.
  7. લાલ કથીરીના અસરકારક નિયંત્રણ માટે ફેનાઝાકવીન અથવા પ્રોપરગાઈટ (૧૦ મિ.લિ. ૧૦ લિ.) પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

કાપણી :

જીરાની કાપણી વહેલી સવારે કરવી. પાકની ગુણવત્તા તેનો રંગ સુગંધ, દાણાનો દેખાવ અને બાહ્ય કચરા ઉપર આધારિત હોવાથી યોગ્ય સમયે કાપણી અને તે પછીની પ્રક્રિયાઓનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. પાક તૈયાર થાય ત્યારે કાપણીનાચે સમય પાકની પરિપકવતા ધ્યાનમાં રાખી નક્કી કરવો જોઈએ. દાણાની પરિપક્વતા આધારિત કાપણીની ત્રણ અવસ્થાઓ છે. આ ત્રણેય અવસ્થાઓની પરખ મુખ્યત્વે દાણાનો રંગ અને દેખા ઉપરથી કરી શકાય છે.

યોગ્ય અવસ્થાએ કાપણી બાદ નીચેની બાબતોનો અમલ કરવો :

  • કાપણી પછી સારા અને ખરાબ દાણાનું વર્ગીકરણ (ગ્રેડિંગ) કરવું.
  • કાપણીથી ૨૦ થી ૨૫ દિવસ પહેલાં વધુ સમય માટે અસર ધરાવતી જંતુનાશક દવાઓ ન છાંટવી.
  • પ્રતિબંધિત દવાઓના છંટકાવ ન કરવો.
  • કાપણી વખતે છોડ સાથે માટી કે કાંકરીનું પ્રમાણ ઘટે અને ભૌતિક શુદ્ધતા જળવાઈ રહે તે જોવું.
  • રોગિષ્ટ છોડની કાપણી અલગ કરવી.

ઉત્પાદન :: ૮૦૦ થી ૧૦૦૦ કિલો પ્રતિ હેકટર

પ્રો. એસ. આર. જાડેજ , ડૉ. એ. એસ. જેઠવા , શ્રી વી. કે. બારૈયા શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ - ૩૬૨૦૦૧ ફોન : (૦૨૮૫) ૨૬૭૨૦૮૦

કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate