অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગજેન્દ્ર સુરણની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

અંગ્રજી નામઃએલીફન્ટ ફૂટ યામ વાનસ્પતિક નામઃ Amorphophallus paeoniifolius (Dennst. Nicolson) મૂળ વતન:ટ્રોપીકલ એશિયા

આબોહવાઃ

રોપણી બાદ આંખો ફૂટવા માટે ઉંચુ ઉષ્ણતામાન હોવું આવશ્યક છે. વાનસ્પતિક વૃધ્ધિ દરમ્યાન ગરમ અને ભેજવાળું         તેમજ કંદના વિકાસ દરમ્યાન ઠંડુ અને સુકું હવામાન વધુ અનુકુળ આવે છે. રપ૦ થી ૩પ૦ સે. ગ્રેડ તાપમાન ખૂબ જ અનુકુળ છે.

વરસાદ :

૧૦૦૦ થી ૧પ૦૦ મિમિ. જેટલો સારી રીતે વહેંચાયેલો  વરસાદ સુરણની વૃધ્ધિ અને કંદના વિકાસ માટે અનુકુળ છે. પરંતુ સુરણની વૃધ્ધિ અને  વિકાસ દરમ્યાન કોઈ પણ તબકકામાં  ખેતરમાં પાણીનો ભરાવો થવા પામે તો તે હાનિકારક છે.

જમીન :

સુરણ એ કંદ વર્ગનો પાક હોવાથી પોચી, ભરભરી, ૬૦ થી ૭પ સે.મી. ઉંડી, સેન્દ્વિીય તત્વથી ભરપુર અને સારા નિતારવાળી જમીન ઉત્તમ ગણાય છે. ગોરાડુ, મધ્યમ કાળી અને ભાઠાની જમીન અનુકુળ રહે છે. ભારે કાળી અને ચીકણી જમીન તેને અનુકુળ આવતી નથી કારણ કે તેમાં પાણી સતત ભરાઈ રહેતું હોવાથી કંદ કોહવાઈ જાય છે. પ.પ થી ૬.પ પી. એચ. ખૂબ જ અનુકૂળ આવે છે.

સુધારેલી જાતો :

  1. ગજેન્દ્ર (૧૯૯૧, સરેરાશ ઉત્પાદન  ૪ર ટન/હેકટર)
  2. શ્રી પદમા (૧૯૯૮, સરેરાશ ઉત્પાદન  ૪ર ટન/હેકટર)
  3. બીસીએ–૧ (ર૦૦ર, સરેરાશ ઉત્પાદન ૪૧ ટન/હેકટર)
  4. એનડીએ–૯ (ર૦૧૧, સરેરાશ ઉત્પાદન ૩૮ થી ૪૦ ટન/હેકટર)

હાઈબ્રીડ જાતઃ શ્રી અથીરા, શ્રી કાર્થીકા      લોકલ જાત : લાલ માવા, સફેદ માવા

ગજેન્દ્ર તથા સાન્ત્રાગચી જાતની ખાસિયતો :

આ વવળાટ વગરની વધુ ઉત્પાદન આપતી જાત છે. આંધ્ર પ્રદેશના કોવુર સંશોધન કેન્દ્ર દ્વારા પસંદગીની પધ્ધતિ દ્વારા વિકસાવેલી જાત કે જેની ગુજરાત સહિત ૧૦ રાજયોમાં વ્યાપારિક ધોરણે વાવેતર માટે ભલામણ થયેલ છે. તેના  કંદ સુવાળા હોય છે. માતૃકંદની બાજુમાંથી બીજી અંગુલીગાંઠ ખુબજ ઓછી સંખ્યામાં નીકળે છે.

આ જાતના કંદ રાંધવામાં સારા, સ્વાદિષ્ટ હોય છે તેમજ તેની સંગ્રહ શકિત પણ વધુ હોય છે. તેની ગુણવત્તા સારી, ૧૮૦ થી ર૧૦ દિવસમાં તૈયાર થાય છે.

જમીનની તૈયારી :

પાકના વાવેતર પહેલા અગાઉના પાકના જડીયાં વિગેરેને દુર કરવા માટે જમીનને હળથી કે ટ્રેકટરથી ર૦ થી રપ સે.મી. ઉંડી ર થી ૩ ખેડ કરવી. ત્યારબાદ સમાર મારી એપ્રિલના પહેલાં અડવાડિયામાં જમીન પોચી અને ભરભરી બનાવવી. સારું કોહવાયેલું છાણિયુ ખાતર / કમ્પોસ્ટ ખાતર હેકટરે ર૦ થી રપ ટન પ્રમાણે જમીનમાં ભેળવવું.

વાવણી ઉંડાઈ : ૪'' થી ૬''

વાવેતર પધ્ધતિ : ગજેન્દ્ર જાતના ઉપયોગ વડે સુરણનું વાવેતર વાનસ્પતિક પ્રસર્જન પધ્ધતિ દ્વારા આખે આખી માતૃગાંઠની રોપણી વડે કરવામાં આવે છે. જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય, જમીનનો નિતાર સામાન્ય હોય અને વાવેતર કરેલ ખેતરમાં પાણીનો ભરાવો થવાની શકયતા હોય તેવા વખતે વાવણી પહેલાં ૧પ થી ર૦ સે.મી. ઉંચા ગાદી કયારા બનાવી તેના ઉપર ગાંઠો વાવવી. જયાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને જમીનનો નિતાર સારો હોય ત્યાં સપાટ કયારા બનાવી વાવેતર કરી શકાય.

  • જનરલ મલ્ટીપ્લીકેશન રેશિયો :   ૧ઃ૪
  • મીનીસેટ મલ્ટીપ્લીકેશન રેશિયોઃ   ૧ઃ૧પ

બિયારણનો દરઃ વ્યાપારિક ખેતી માટે : પ૦૦ થી ૧૦૦૦ ગ્રામ વજનના કંદ (આખા  અથવા ટુકડા). મીની સેટ પધ્ધતિ દ્વારા બીજ ઉત્પાદન કાર્યક્રમ માટે આશરે ૧૦૦ ગ્રામ વજનનાં કંદ/ટુકડાનો ઉપયોગ કરી શકાય.  બરોબર વચ્ચેથી ઉભો કાપ મુકી ૧.પ કિલો વજનના  કંદમાંથી ૧પ ટુકડા મેળવી શકાય.

વાવણી સમયઃમે માસના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂનના પ્રથમ અઠવાડિયામાં વરસાદ શરૂ થાય તે પહેલાં. જો પિયતની સગવડતા હોય તો ફેબ્રુઆરી – માર્ચ માસમાં પણ રોપણી કરી શકાય છે. આમ કરવાથી પાછોતરો વધુ વરસાદ આવે તો કંદને માઠી અસર ઓછી થાય છે.

વાવણી અંતર :

  • ૩૦ × ૩૦ સે.મી. (બીજ ઉત્પાદન  કાર્યક્રમ તરીકે ૧૦૦ ગ્રામ વજનનાં કંદ/ટૂકડા માટે)
  • અથવા ૭પ × ૭પ સે.મી. (જનરલ વાવેતર માટે પ૦૦ થી પપ૦ ગ્રામ કંદ/ટૂકડા માટે)
  • અથવા ૯૦ × ૯૦ સે.મી. (૧ કિલો વજનનાં કંદ /ટૂકડા માટે)
  • અથવા ૬૦× ૬૦ સે.મી. (રપ૦ ગ્રામ વજનની ગાંઠ)

બિયારણની જરૂરીયાતઃ

૭પ×૭પ સે.મી.ના અંતર માટે એક હેકટરે પ૦૦ ગ્રામ વજનની ૧૦૦ કવીન્ટલ ગાંઠ અથવા પ૦ × પ૦ સે.મીના અંતર માટે એક હેકટરે પ૦૦ ગ્રામ વજનની રપ૦ કવીન્ટલ ગાંઠની જરૂરીયાત રહે છે.

બીજ માવજત :૦.ર ટકા મેન્કોઝેબ અથવા ૦.૧ ટકા કાર્બેન્ડાઝીમ સાથે ગાયના તાજા છાણની બનાવેલ રબડીમાં કંદને / ટુકડાને બોળી, છાંડયામાં સુકવી પછી રોપણી કરવામાં આવે છે. સુરણમાં રહેલી સુષુપ્ત અવસ્થાને તોડવા માટે કેટલીકવાર તેની ગાંઠને ૦.૧ ટકાના થોયોયુરિયાના દ્વાવણમાં (ર૦૦ મિલી/લિટર) અથવા પોટેશિયમ નાઈટ્રેટના દ્રાવણમાં (૧૦૦૦ મિ.ગ્રા./લિટર) ૬ કલાક સુધી બોળી રાખી પછી રોપણી કરવામાં આવે છે. જીએ–૩ અને ઈથરલ પણ અસરકારક જણાયેલ છે.

ખાડાનું કદ :

  1. પ૦૦ ગ્રામ વજનના કંદ / ટૂકડા માટે ૩પ × ૩પ સે.મી.
  2. ૧ કિલો વજનના કંદ / ટૂકડા માટે ૬૦ × ૬૦ × ૬૦ સે.મી.
  3. નાના કદના કંદ માટે ખાડાનું કદ નાનું કરી શકાય.

નોંધઃસુરણની લોકલ જાતોમાં અંગુલી ગાંઠ (સાંઢિયા), ચકરતું, ચકરી નામથી ઓળખાતી ગાંઠોનો ઉપયોગ કરી બજારમાં વેચાણલાયક સુરણના મોટા કંદ ચોથા વર્ષના અંતે તૈયાર થાય છે.જયારે સુરણની સુધારેલી જાત ગજેન્દ્વ  દ્વારા ૬ થી ૭ માસમાં જ બજારમાં વેચાણ લાયક સુરણના કંદ મોકલી સારી એવી આવક મેળવી શકાય છે.

રોપણી બાદ :સુરણના ઉગતા અંકુરોને સુર્યના સીધાં કિરણોથી રક્ષણ મળે તથા સુરણના પાકમાં છાંયો અને ભેજવાળુ વાતાવરણ જળવાઈ રહે એ માટે લીલો પડવાશ કરવો આમ કરવાથી જમીનમાં સેન્દ્રિય તત્વ પણ ઉમેરાય છે. કંદ રોપી દીધા બાદ કયારાઓમાં હેકટર દીઠ ૪૦ થી પ૦ કિ.ગ્રા. પ્રમાણે શણ અથવા ગુવારનું બીજ પુંકવું. શણ અથવા ગુવાર ૪ થી ૬ અઠવાડિયાના થાય ત્યારે તેને ઉપાડી જમીનમાં દાબી દઈ લીલો પડવાશ કરવો.

ખાતર વ્યવસ્થાઃ જમીનના પૃથ્થકરણને આધારે ખાતરનો જથ્થો નકકી કરવો.

અ.નં.

ખાતર

જથ્થો કિ.ગ્રા./હેકટર

ખાતર આપવાનો સમય

ખાતરની જરૂરીયાત હેકટરે

૧.

છાણિયું ખાતર અથવા કંમ્પોસ્ટ ખાતર

ખાડા દીઠ ર થી ર.પ કિ.

જમીન તૈયાર કરતી વખતે

ર૦ થી રપ ટન

ર.

રાસાયણિક ખાતર

નાઃ ફોઃપો

૧પ૦:૬૦:૧પ૦

 

૭પઃ ૬૦:૭પ

 

૩૭.પઃ૦૦:૩૭.પ

 

૩૭.પઃ૦૦:૩૭.પ

ત્રણ હપ્તામાં

રોપણી સમયે પાયામાં

રોપણી બાદ ૩પ દિવસે

 

રોપણી બાદ ૭૦ દિવસે

યુરિયા ૧૬૩ કિ. સીંગલ સુપર ફોસ્ફેટ ૩૭પ કિ.

મ્યુરેટ ઓફ પોટાશ ૧૩૦ કિ.

 

યુરિયા ૮ર કિ.

મ્યુરેટ ઓફ પોટાશ ૬પ કિ.

 

યુરિયા ૮ર કિ.

મ્યુરેટ ઓફ પોટાશ ૬પ કિ.

નોંધઃ– રાસાયણિક ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે રોપણી પહેલા પાયામાં હેકટરે પ લીટર પ્રમાણે જૈવિક ખાતર એઝોસ્પીરીલમ અને પીએસબી કલ્ચર આપવાથી ફાયદો થાય છે. તેની તથા ટ્રાયકોડર્મા કલ્ચરની જરૂરિયાત માટે બાયોપેસ્ટીસાઈડ યુનિટ, વનસ્પતિ રોગ શાસ્ત્ર વિભાગ, ન.મ. કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ, નવસારીનો સંપર્ક સાધી શકાય. (ફોન નં. ૦ર૬૩૭ ર૮ર૭૭૧ થી ૭પ એક્ષ. ૧ર૧૦). એઝોસ્પીરીલમ, પીએસબી કલ્ચર તથા ટ્રાયકોડર્મા કલ્ચરનો હાલનો ભાવઃ રૂા. ૭૦ પ્રતિ લીટર/કીલો પ્રમાણે છે.

પિયતઃપ્રથમ પિયત રોપણી પછી તુરત જ, બીજું પિયતઃ રોપણી બાદ એક અઠવાડિયે ત્યારબાદઃ ૠતુ અને જમીનનાં પ્રકારને ધ્યાનમાં લઈ ૬ થી ૧૦ દિવસના ગાળે

પાનની સંખ્યાઃ સુરણના છોડના જીવનકાળ દરમ્યાન તેના ઉપર બે કે ત્રણ પાન નીકળતાં હોય છે. પ્રથમ પાન કંદની રોપણી બાદ દોઢ માસે નીકળે છે. કંદની રોપણી બાદ ત્રણેક માસે બીજું પાન નીકળે છે. કેટલીક વાર છોડ ઉપર બે થી વધારે પાન પણ જોવા મળે છે.

નિંદામણ અને થડની આસપાસ માટી ચઢાવવીઃ

  1. રોપણી બાદ ૩પ દિવસે (હાથ વડે) – ખાતર આપતી વખતે
  2. રોપણી બાદ ૭૦ દિવસે (હાથ વડે) – ખાતર આપતી વખતે

નોંધઃ

  1. હાથ વડે નિંદામણ તથા થડની આસપાસ માટી ચઢાવતી વખતે કોઈ પણ સંજોગોમાં છોડના થડને ઈજા  ન પહોંચે તેની ખાસ   કાળજી રાખવી.
  2. જયાં શ્રમજીવીઓની ખેંચ હોય ત્યાં નિંદામણના નિયંત્રણ માટે પ્રિ–ઈમરજન્સ તરીકે  પેન્ડીમિથાલીન  નિંદામણનાશક  દવા ૧૦ લીટર પાણીમાં પપ મિલી પ્રમાણે રોપણી બાદ પિયત આપ્યા પછી જમીનની સપાટી પર પુરતો ભેજ હોય ત્યારે ફલેટ ફેન નોઝલવાળા સ્પ્રેયરથી દવાનો એકસરખો છંટકાવ કરવો.

પાક સંરક્ષણઃ

રોગઃ

  • સ્કલેરોશીયમથી થતો થડનો કોહવારો : કોલર રોટઃ Sclerotium rolfsii Sacc.
  • પચરંગિયોઃ Mosaic
  • પાનનો ઝાળઃ Leaf blightv Phytophthora colocasiae Racib

સંકલિત રોગ નિયંત્રણ વ્યવસ્થાઃ

રોગિષ્ટ છોડને ઉખેડીને નાશ કરવો. પાકની ફેરબદલી કરવી. રોગમુકત બિયારણની પસંદગી કરવી. જમીનની નિતારશકિત વધારવી. જૈવિક ફુગનાશક ટ્રાયકોડર્મા હરજીનીયમનો ઉપયોગ કરવો. ૦.ર ટકા કેપ્ટાન અથવા ૦.પ ટકા બેન્ઝીમીડાઝોલ નું પ૦૦ થી ૧૦૦૦ મિલિ. દ્વાવણ છોડના થડની આસપાસ રેડવું. કાર્બેન્ડાઝિમ પ૦ % વે. પા. (૧૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં) નું ડ્રેન્ચીંગ પણ થડની આસપાસ કરી શકાય. લીમડાનો ખોળ જમીનમાં આપવો. ખેતી કાર્યો દરમ્યાન છોડને થતું નુકશાન નિવારવું. રોપણી માટે તંદુરસ્ત અને રોગમુકત તથા ઈજામુકત કંદની પસંદગી કરવી. રોગગ્રસ્ત છોડને ખેતરમાંથી કાઢી નાંખીને નાશ કરવો. વાહક કીટકોને શોષક પ્રકારની જંતુનાશક દવા/લીમડા આધારિત જૈવિક જંતુનાશક દવાના છંટકાવ દવારા નિયંત્રણમાં લાવવા. ખેતરની આજુબાજુના રોગિષ્ટ છોડનો નાશ કરવો. પાનના ઝાળ રોગના  ઉપદ્રવની શરૂઆત જણાય ત્યારે ર ગ્રામ મેટાલેકસીલ ૭ર % વે.પા. + ર ગ્રામ મેન્કોઝેબ ૭પ % વે.પા. ૧ લીટર પાણીમાં નાંખી ૩ અઠવાડિયાના ગાળે છંટકાવ કરવાથી ઉપદ્રવ કાબુમાં લઈ શકાય છે. કલોરોથાલોનીલ અને કોપર ઓકઝીકલોરાઈડનો ઉપયોગ કરવાથી પણ સારું પરિણામ મેળવી શકાય છે. મેન્કોઝેબ (૦.ર %) અને કલોરપાયરીફોસ (૦.૦પ %) ના બે છંટકાવ વાવણી બાદ ૬૦ અને ૯૦ દિવસે કરવાથી મોટા ભાગના રોગ – જીવાતનું નિયંત્રણ કરી શકાય છે.

ટ્રાયકોડર્મા વીરીડી સાથેની ગાયના તાજા છાણની રબડીની બીજ માવજતઃઆ માટે ૧ લીટર પાણીમાં ૧ કિલો ગાયનું તાજુ છાણ  નાંખી તેમાં ટ્રાયકોડર્મા (પ ગ્રામ/કિ.ગ્રા. કંદ/ટૂકડા) પ્રમાણે ભેળવી એકસરખું મિશ્રણ કરી તૈયાર કરેલ આ મિશ્રણમાં કંદને / ટુકડાને પ થી ૧૦ મિનિટ સુધી બોળી રાખવા પછી છાંયડે સુકવ્યા બાદ રોપણી કરવી.

ટ્રાયકોડર્મા વીરીડીથી સમૃધ્ધ કંમ્પોસ્ટનો ઉપયોગઃ૧ ટન સંપૂર્ણ કંમ્પોષ્ટના જથ્થામાં ૧ કિલો ટ્રાયકોડર્મા વીરીડી તથા લીમડાનો ખોળ મિશ્ર કરી આ સમગ્ર જથ્થાને ૭ દિવસ સુધી પોલીથીન શીટ વડે ઢાંકી રાખવો. આ તૈયાર થયેલ કંમ્પોષ્ટને કંદની રોપણી કરતાં પહેલાં તૈયાર કરેલા ખાડાનાં ૧ કિેગ્રા. પ્રમાણે આપવો.

જીવાતઃ મશી (Aphis gossypii),થ્રીપ્સ (Caliothrips indivus, પાન ખાનારી ઈયળ (Spodoptera litura)4 ભીંગડાવાળી જીવાત (Aspidiella hartii), મીલીબગ (Pseudococus citriculus and Rhizopus sp.) જેવી જીવાત જોવા મળે તો ડાયમિથોએટ અથવા કવીનાલફોસનો છંટકાવ રોપણી પછી ૩૦ અને ૬૦ દિવસે કરવાની ભલામણ છે. આ જીવાતના જૈવિક નિયંત્રકો માટે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કીટકશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલયોનો અગાઉથી સંપર્ક સાધી મેળવી શકાય. પરજીવી ટ્રાયકોગ્રામાના એક ટ્રાયકોકાર્ડ (૧૮,૦૦૦  ઈંડાનું) ની કિંમત રૂા. ૧પ/– જયારે પરભક્ષી ક્રાયસોપર્લાના એક ક્રાયસોકાર્ડ (૧૦૦ ઈંડાંનું) ની કિંમત રૂા. ર૦/– છે.

ગાંઠની પરિપકવતા અને કાપણીઃ  ગજેન્દ્ર સુરણની રોપણી પછી ૬ થી ૭ માસ પછી ગાંઠો પરિપકવ થઈ જાય ત્યારે  બીજું પાન પાકટ થઈ પીળું પડે છે. જયારે જમીનમાં સુરણની ગાંઠ પુરેપુરી બંધાઈ જાય ત્યારે બધા પાનપીળા પડી જમીન પર ઢળી પડે છે ત્યારે જમીનની અંદર રહેલ સુરણની ગાંઠો બરાબર તૈયાર થઈ ગઈ છે એમ જાણવું.

  • કાપણીના દિવસોઃ ૧૮૦ થી ર૧૦ દિવસો
  • સંગ્રહ દરમિયાન પાક સંરક્ષણઃ–
  • સંગ્રહ દરમિયાનનો સડોઃ સ્ટોરેજ રોટઃ

સુરણના સંગ્રહ દરમિયાન સ્ટોરમાં આ રોગ ખૂબ જ ગંભીર ગણાય છે. કાપણી દરમિયાન કે વહન દરમિયાન જો કંદને ઈજા થયેલ હોય તો આ રોગ ઝડપથી ફેલાય છે. કંદના સંગ્રહ દરમિયાન હવા ઉજાસવાળી જગ્યા ન હોય અને સંગ્રહ દરમિયાન તાપમાન વધુ હોય તો કંદને આ રોગ લાગુ પડે છે. આ રોગ થવા પાછળ ૬ પ્રકારના પેથોજન નોંધાયેલ છે જેમાં પ પ્રકારની ફુગ અને ૧ પ્રકારનું જીવાણું નોંધાયેલ છે.

નિયંત્રણઃ

  • કંદનો સંગ્રહ એક અથવા બે થરમાં હવા ઉજાસવાળી જગ્યાએ કરવો.
  • વારંવાર સ્ટોરની પ્રત્યક્ષ મુલાકાત લઈ રોગીષ્ટ કંદને દુર કરવા.
  • કાપણી દરમ્યાન કે વહન દરમ્યાન કંદને ઈજા ન થાય તેની કાળજી રાખવી.
  • કાર્બેન્ડાઝિમ ૦.૧ % + સ્ટ્રેપ્ટોમાયસીન ૧પ૦ પીપીએમના દ્વાવણનો છંટકાવ કંદની કાપણી પહેલાં ૩૦ દિવસે કરવો.

સંગ્રહ દરમ્યાનની જીવાતઃ ભીંગડાવાળી જીવાતઃ– Scale: Aspidiella hartii Cockerell (Hemiptera: Diaspididae)

કંદના સંગ્રહ દરમ્યાન કેટલીકવાર આ જીવાતનો ઉપદ્રવ સ્ટોરમાં જોવા મળે છે.

નિયંત્રણઃ કલોરપાયરીફોસ ૦.૦પ % ના છંટકાવ દ્વારા પાંચમાં દિવસે કંદ ઉપર રહેલ ભીંગડાવાળી જીવાતનું  ૧૦૦ %  નિયંત્રણ મેળવી શકાય છે.

ઉત્પાદનઃ

સુરણનું ઉત્પાદન સુરણની કેટલા કંદની (વજનની) ગાંઠ રોપી છે તથા પાક ઉછેર વ્યવસ્થાનો કેવો અમલ કરેલ છે તેના ઉપર આધારિત છે. વ્યાપારિક ધોરણે જો ૯૦ × ૯૦ સે.મી. ના અંતરે પ૦૦ ગ્રામ વજનની ગાંઠની રોપણી       કરવામાં આવે તો હેકટરે ૬ ટન બિયારણની જરૂરીયાત રહે છે અને તેમાંથી હેકટરે ૩પ થી ૪૦ ટન ઉત્પાદન મળે છે. સામાન્ય રીતે હેકટરે સરેરાશ પ૦ થી ૬૦ ટન જેટલું ઉત્પાદન મેળવી શકાય છે.

ગ્રેડીંગઃ કપાયેલા કે રોગને લીધે બગડી ગયેલા ભાગો દુર કરવા.

મૂલ્યવર્ધિત બનાવટોઃ અથાણું, ચાટ, પાપડ, ચીપ્સ, કટલેટ, સમોસા, કેક, પકોડા, ખીર, ગુલાબ જાંબુ

દેહ ધાર્મિક વિકૃતિઃ સુરણના ખેતરમાં જો કોઈ પણ સંજોગોમાં પાણીનો ભરાવો રહેવા પામે તો '' હાર્ડ ટુ કૂક '' નામની દેહ ધાર્મિક વિકૃતિ જોવા મળે છે.

આંતર પાકઃ નાળિયેરી, સોપારી, રબર, કેળ (નેન્દ્રેન), રોબુસ્ટા, કોફી તથા આંબાવાડિયામાં લઈ શકાય.

સ્ત્રોત : શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ ('કૃષિ સારથિ'',અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી )

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate