অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આમળાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

આમળા સૂકા અને અર્ધસૂકા વિસ્તારોના ફળપાકોમાં અગત્યનું અને મોખરાનું સ્થાન ધરાવે છે. એક યા બીજા કારણોસર આ પાક જોઈએ તેટલી ખ્યાતિ પ્રાપ્ત કરી શકયો નથી. આમળાના ઝાડ ખડતલ હોવાથી પ્રતિકૂળ હવામાનમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. તેમજ આમળાના ફળ અને તેની વિવિધ બનાવટોની વધતી જતી માંગ અને ફળના ઉપજતા સારા ભાવોના કારણે છેલ્લા થોડા વર્ષોથી આમળાના પાક તરફ સંશોધકો અને ખેડૂતોનું ધ્યાન ખેંચાયેલ છે.

હવામાન :

આમળા સમશીતોષ્ણ કટિબંધનો પાક છે. પરંતુ તે સમશીતોષ્ણ તેમજ ઉષ્ણ કટિબંધ એમ બંને પ્રદેશોમાં સફળતાપુર્વક ઉગાડી શકાય છે. પાકને ગરમ અને સુકુ હવામાન ખાસ માફક આવે છે. આ પાક પ્રતિકૂળ હવામાન (ગરમ ઠંડા હવામાનના થતા ફેરફાર) ને સહી શકે છે. આમળાનો પાક સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં ઘણો સારો થાય છે. પુખ્ત ઉંમરના ઝાડને ગરમ પવન કે હિમથી ખાસ નુકશાન થતું નથી. ફૂલ આવવાના સમયે ગરમ વાતાવરણ હોય તો તે સાનુકૂળ ગણાય છે. ગુજરાતના હવામાનમાં આ પાક સફળતાપુર્વક ઉગાડી શકવા માટે કોઈ શંકા નથી.

જમીન :

આમળાનો પાક જુદા જુદા પ્રકારની ઘણી જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ ઉંડી, ફળદ્રુપ, ગોરાડુ અને મધ્યમ કાળી જમીનમાં ઘણી જ સારી રીતે ઉગાડી શકાય છે. સાધારણ અમ્લીય તેમજ સાધારણ ખારાશવાળી (પી.એચ.આંક ૬–૮) જમીનમાં પણ ઉગાડી શકાય છે. રેતાળ જમીનમાં બોરોન તત્વની ઉણપ વર્તાય છે જેના પરિણામે ફળ ઉપર બદામી કે કાળા રંગના ડાઘ જોવા મળે છે. વધારે ચુનાયુકત જમીન આ પાક માટે અનુકુળ નથી.

જાતો :

આમળામાં ૩૦૦–પ૦૦ જેટલી જુદી જુદી જાતો પેટા જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ તેનું વર્ગીકરણ વૈજ્ઞાનિક પ્રમાણ વિના કરવામાં આવેલ હોય તેમ જણાય છે. ફળના કદ, રંગ અથવા સ્થળ ઉપરથી જાતોના નામ આપવામાં આવેલ છે. આણંદ–૧ અને ગુજરાત આમળા–૧ ગુજરાતની સુધારેલ જાતો છે. જયારે બનારસી, ફ્રાન્સીસ, ક્રિશ્ના, કંચન, ચકૈયા અને એન.એ. ૬,૭,૮,૯,૧૦ વિગેરે ઉત્તર પ્રદેશની મહત્વની જાતો છે. આ ઉપરાંત આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર ખાતે આણંદ–૩, સીલેકશન નંબર–૧,ર,૩,૪,પ અને ૬  નામની જાતો હાલમાં ચકાસણી હેઠળ છે. મહત્વની જાતોનાં ગુણધર્મ નીચે મુજબ છે.

ગુજરાત આમળા–૧(આણંદ–ર) :

આ જાતની આણંદ કેન્દ્ર ખાતેથી ૧૯૯૪માં ભલામણ કરવામાં આવી છે. અગાઉ આ જાત આમળા આણંદ–ર તરીકે ઓળખાતી હતી. ઝાડ મધ્યમથી મોટા કદના ઉંચા વધતા તથા ઘેરા લીલા રંગના પાન ધરાવે છે. થડ ભુખરા રંગનું હોય છે. ફળ મોટા કદના, સરેરાશ ૪૦ થી ૪પ ગ્રામ વજનનાં, ગોળાકાર અને આછી લીલી છાલવાળા અને અર્ધપારદર્શક હોય છે. માવો આછા લીલા રંગનો અને રેસા વગરનો હોય છે અને ૧૦૦ ગ્રામ માવામાં ૮૧પ મીલીગ્રામ વિટામીન 'સી' હોય છે. આ જાતમાં ૧૬.૩૩ ટકા કુલ ઘનપદાર્થો રહેલા છે. ૧૦ વર્ષના ઝાડનું સરેરાશ ઉત્પાદન ૧૪૦ કિલો મળેલ છે.

આણંદ૧ : ઝાડની ઉંચાઈ ઓછી અને ફેલાવો સારો, ફળ મધ્યમ કદનાં, આછા લીલા રંગના, ચળકતાં

ક્રિશ્ના :

બનારસી આમળામાંથી પસંદ કરેલી ઉત્તરપ્રદેશની આ જાત નરેન્દ્ર દેવ કૃષિ વિશ્વવિદ્યાલય, ફૈઝાબાદ દ્વારા પ્રમાણીત કરવામાં આવી છે.આ જાતના વૃક્ષો મધ્યમ કદનાં, ફેલાતી ડાળીઓવાળાં છે. ફળો મોટા કદનાં, સરેરાશ ૪પ ગ્રામ કરતા વધારે વજન, આછા પીળા રંગના અને આકર્ષક હોય છે. ફળો અર્ધપારદર્શક અને નીચેના ભાગેથી સહેજ ઉપસેલા હોય છે. માવાનો રંગ પણ આછોપીળો અને માવો રેસા વગરનો હોય છે. ફળના ૧૦૦ ગ્રામ માવામાં ૭૭૦ મિ.ગ્રા. વિટામીન 'સી' રહેલું છે. ફળોમાં ડાઘા પડવાનું પ્રમાણ ઓછું છે. ફળો મોટા હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે પણ ફળો ઓછા બેસે છે તથા એકંદરે સરેરાશ ઉત્પાદન ઓછું છે.

બનારસી આમળા :

આ વહેલી પાકતી જાત છે. ફળ મધ્યમથી મોટા કદના, ગોળાકાર અને લીલાશ પડતા રંગના હોય છે. માવો સાધારણ રેસાવાળો,પોચો અને અર્ધપારદર્શક હોય છે. ફળ ખરવાનું પ્રમાણ ઠીકઠીક છે. આ જાત પ્રમાણમાં મોટા ફળ પરંતુ સંખ્યામાં ઓછા ફળ આપે છે. ફળો ઓછા બેસે છે. થોડા પ્રમાણમાં ફળો ઉપર ડાઘ પડે છે.

ચકૈયાઃ

ઊંચા વધતા ઝાડ છે તેમજ મોડી પાકતી જાત છે. પ્રશાખામાં ૪ ટકા માદા ફૂલ હોય છે. ફળ મધ્યમ કદના (૩ર ગ્રામ વજન) છાલ સુંવાળી અને લીલાશ પડતા રંગની હોય છે. માવો રેસાવાળો અને સખ્ત હોય છે અને ૧૦૦ ગ્રામ માવામાં ૭૧પ મીલીગ્રામ વિટામીન 'સી' હોય છે. ફળની ટકાઉ શકિત મધ્યમ અને ઉત્પાદન શકિત સારી છે. અથાણા અને અન્ય બનાવટો માટે સારી જાત છે.

કંચન :

ખુબજ ફળ ધારણ કરવાની શકિત ધરાવતી આ જાત ચકૈયા જાત માંથી પસંદગી પામેલ હોય તેમ લાગે છે. પ્રશાખામાં ૪ ટકા માદા ફૂલો હોય છે. ફળાઉ શકિત સારી છે. ફળ મધ્યમ કદનાં (૩૩ ગ્રામ વજન) હોય છે. ફળની છાલ સુંવાળી અને પીળાશ પડતા રંગની હોય છે. માવો રેસાવાળો અને થોડો સખ્ત હોય છે. ૧૦૦ ગ્રામ માવામાં ૭૪ર મીલીગ્રામ વિટામીન 'સી' હોય છે. અથાણા માટે સારી જાત છે. ત્રિફળાની બનાવટ માટે સારી જાત ગણી શકાય છે. ડાઘા પડવાનું પ્રમાણ ઓછું છે.

એન.એ–૭ (નિલમ) :

નરેન્દ્ર દેવ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ જાત છે. જેની ફળાઉ શકિત ખૂબજ સારી છે. ઝાડ મધ્યમ કદના ઊંચા વધતા, માદા ફૂલોનું પ્રમાણ વિશેષ (એક ડાળીમાં ૯.૭), ફળની છાલ સુંવાળી, આછા લીલા પીળા રંગની અને અર્ધપારદર્શક હોય છે. ફળમાં રેસાનું પ્રમાણ ઓછું છે. ફળો ખાવામાં સારા હોય છે. ખેડૂતોમાં આ જાત પણ પ્રચલિત છે અને ઘણા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. કેન્દ્રિય બાગાયત સંશોધન સંસ્થા (આઈ.સી.એ.આર.), ગોધરા ખાતેના સંશોધન પ્રમાણે સરેરાશ ઝાડ દીઠ ૬પ કિલો કરતાં વધુ વજનની ડાળીઓ વજનને કારણે ભાંગી જાય છે. ફળોની ટકાઉ શકિત ઓછી, ફળમાં ૮.૩પ % કુલ દ્રાવ્ય ક્ષારો (ટી.એસ.એસ.), ખટાશ ર.૧પ % અને વિટામીન ''સી'' પર૭ મી. ગ્રામ/૧૦૦ ફળનો માવો છે. પ્રોસેસીંગ માટે ખૂબ જ ઉપયોગી જાત.

ગોમા ઐશ્વર્યા :

આ જાત સી.એચ.ઈ.એસ. ગોધરાની પસંદગી નં. ૧ તરીકે ચકાસણી કરતાં સારી માલૂમ પડેલ છે, જેને ''ગોમા ઐશ્વર્યા'' તરીકે કેન્દ્રિય બાગાયત સંશોધન સંસ્થા, ગોધરાએ બહાર પાડેલ છે. આ જાત સૂકારા સામે ટકી શકે છે. ઝાડનું ઉત્પાદન ૧૦ર.૯ કિ.ગ્રા. છે. ફળમાં રેષાનું પ્રમાણ ઓછું હોઈ પ્રોસેસીંગ માટે તેમજ નિકાશ માટે ભલામણ કરેલ છે. ઝાડ મધ્યમ કદના ઊંચા, ડાળીઓ મધ્યમ પ્રમાણમાં વિકસિત, પાંચ વર્ષનું ઝાડ ૩.૬૩ મી. ઊંચું અને ૩.૭૮ × ૩.૪૯ મી. ઘેરાવાવાળું, ફળનું કદ મધ્યમ ૪પ.૧૭ ગ્રામ વજનનું, ૪૭ % રસ, ૧૦.૩૪ % કુલ દ્રાવ્ય ક્ષારો (ટી.એસ.એસ.) અને વિટામીન ''સી'' પપ૪.૭૮ મી.ગ્રા. નોંધાયેલ છે.

આંખ કલમ ધ્વારા આમળામાં વર્ધન :

આમળામાં આંખ કલમ ધ્વારા વર્ધન કરવામાં સારી સફળતા મળે છે. આંખ કલમની ઢાલાકાર, થીંગડાકાર અને રીંગ આકાર, કલિકારોપણ એમ જુદી જુદી પધ્ધતિઓ પૈકી થીંગડાકાર કલિકા રોપણ પધ્ધતિ સોૈથી વિશેષ સાનુકુળ જણાયેલ છે. આ પધ્ધતિમાં રપ–૩૦ સે.મી. ઉંચાઈના અને ૦.૮ સે.મી. જાડાઈના થડવાળા દેશી આમળાના મુળકાંડ ઉપર ૩–૪ સે.મી.ની ઉંચાઈએ સુધારેલ જાતની આંખ થીંગડાકાર પધ્ધતિથી બેસાડવામાં આવે છે. આંખ ચઢાવવાની હોય તે વખતે પસંદગીની આમળાની જાતની પાકટ ડાળી પરથી છાલ સાથે લંબચોરસ આકારની આંખ સાથે થીંગડુ કાઢવું. દેશી મુળકાંડ થડ ઉપર ધારદાર ચપ્પુ વડે ૧.પ સે.મી.ના માપે બે અર્ધગોળ આડાકાપ ફકત છાલ કપાય ત્યાં સુધી મુકવો અને આ અર્ધગોળ કાપના છેડે બંને બાજુએ ઉભા કાપ મુકી ચપ્પુની અણી ધ્વારા છાલનું થીંગડુ ઉપાડી લેવુ. પસંદગીની જાતની ડાળીમાંથી કાઢેલી આંખનું થીંગડું આ જગ્યાએ બરાબર બેસાડી દઈ આંખ ખુલ્લી રહે તેવી રીતે પોલીથીલીનની પાતળી પટ્ટી હવાચુસ્ત રીતે બાંધી દેવી.

આણંદ કેન્દ્ર ખાતે થયેલ સંશોધન પ્રમાણે ૧પ મી જુનથી ૩૦મી જુન દરમ્યાન કલમ કરવાથી ૮૩–૮૭ ટકા જેટલી સફળતા મળે છે. પરંતુ જે તે સ્થળે ઉછરેલા રોપ ઉપર કલમ કરવાથી સારી સફળતા મળે છે. તેમજ કલમની વધ પણ જુસ્સાદાર થાય છે. બેસાડેલ આંખ ફુટીને ૮–૧૦ સે.મી. જેટલી લાંબી થાય ત્યાં સુધી સાંધાના ભાગથી ઉપરના મુળકાંડ પરથી નીકળતા દેશી પીલાની ફૂટ સતત કાઢતા રહેવુ. ઓગષ્ટ માસમાં કલમ રોપવા લાયક બનશે. જો મુળકાંડ જ સીધા જમીનમાં રોપી તેના ઉપર કલમ કરવામાં આવે તો સફળતા વધારે મળે તેમજ કલમનો ઝડપી વિકાસ થાય છે.

રોપણી અને તેની પુર્વ તૈયારી :

જે જમીનમાં આમળાની ખેતી કરવી હોય છે તે જમીનને એપ્રિલ–મે માસ દરમ્યાન સારી રીતે ખેડી આગળના પાકનાં જડીયાં–થડીયાં વીણી જમીન સમતળ કરવી. ભલામણ પ્રમાણેના ચોકકસ અંતરે ૬૦×૬૦×૬૦ સે.મી.ના માપના ખાડા તૈયાર કરી પંદર દિવસ તપવા દેવા. ત્યારબાદ દેશી ખાતર અને માટી સરખા ભાગે લઈ તેમાં ખાડાદીઠ ર૦૦ ગ્રામ ડીએપી અને ર૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ મિશ્ર કરી તેના વડે ખાડા ભરી દેવા.

એકાદ સારા વરસાદ બાદ પસંદગીની જાતના કલમી છોડ અથવા જે તે સ્થળે કલમ કરવાની હોય તો ત્યાં સારા જુસ્સાદાર દેશી મુળકાંડની રોપણી ૮×૮ મીટરના અંતરે કરવાથી હેકટરે ૧પ૬ ઝાડ સમાવી શકાશે. અન્ય બાગાયતી પાકોની જેમ ઘનિષ્ટ ખેતીના આધુનિક અભિગમ પ્રમાણે ૬×૮ મીટરનું અંતર રાખી રોપણી કરવાથી હેકટર દીઠ બાવન છોડ વધારે સમાવી શકાય. એટલે કે હેકટરદીઠ ર૦૮ છોડ સમાશે. રોપણી બાદ તુરત જ હળવુ પાણી આપવુ. આણંદ ખાતે આમળાના મુલકાંડ કોથળી અથવા કુંડામાં હોય તેને સીધા ખેતરમાં ઉછરેલા છોડ ઉપર કલમ કરવાથી ૯પ ટકા સફળતા મળી હતી ત્યારે કુંડામાં કરેલ કલમમાં ૭૬ ટકા સફળતા હતી. ઉપરાંત સીધા ખેતરની કલમનો જુસ્સો તથા ડાળીની લંબાઈ પણ કુંડાની કલમ કરતાં વધારે મળેલ હતી.

આંતરપાક : શરૂઆતના ૩–૪ વર્ષ સુધી જે તે વિસ્તારને અનુકૂળ આંતરપાકો લઈ શકાશે.

ખાતરો :

આમળાના પાકની ખાતરોની જરૂરીઆત બાબતે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે થયેલ સંશોધનના આધારે ઝાડની ઉંમર મુજબ કોઠામાં દર્શાવ્યા પ્રમાણે ખાતરો આપવા જોઈએ. નાઈટ્રોજનનો અડધો જથ્થો તથા ફોસ્ફરસ, પોટાશ અને છાણિયા ખાતરનો બધો જથ્થો જૂન માસમાં થડથી દુર જમીનમાં આપવો. નાઈટ્રોજનનો બાકીનાેં અડધો જથ્થો સપ્ટેમ્બર માસમાં આપવો. અત્રે ખાતરો તત્વના રૂપમાં દર્શાવેલ છે પરંતુ તેના સપ્રમાણમાં બજારમાં ખાતરોની ઉપલબ્ધીને અનુલક્ષી સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરો વાપરવા.

ઝાડની ઉંમર વર્ષ

કિલોગ્રામ/ઝાડ

ગ્રામ/ઝાડ

છાણિયુ ખાતર

નાઈટ્રોજન

ફોસ્ફરસ

પોટાશ

૧૦

૧૦૦

પ૦

પ૦

ર૦

ર૦૦

૧૦૦

૧૦૦

૩૦

૩૦૦

૧પ૦

૧પ૦

૪૦

૪૦૦

ર૦૦

ર૦૦

પ૦

પ૦૦

રપ૦

રપ૦

૬૦

૬૦૦

૩૦૦

૩૦૦

૭૦

૭૦૦

૩પ૦

૩પ૦

૮૦

૮૦૦

૪૦૦

૪૦૦

૯૦

૯૦૦

૪પ૦

૪પ૦

૧૦ વર્ષ અને ત્યારબાદ

૧૦૦

૧૦૦૦

પ૦૦

પ૦૦

પિયત :

આમળાના ઉછરતા છોડને જરૂરીયાત પ્રમાણે  ઉનાળામાં ૧૦–૧ર દિવસે અને શિયાળામાં ૧પ–ર૦ દિવસના અંતરે પિયત આપવુ. પુખ્તવયના ફળાઉ ઝાડને એપ્રિલથી જુન સુધી ર૦–રપ દિવસના અંતરે ર–૩ પાણી આપવામાં આવે તો ફુલ બેસવામાં વધારો થાય છે. ચોમાસામાં વધારે સુકો સમય હોય તો પાણી આપવુ. ચોમાસા બાદ ર–૩ પાણી આપવાથી ફળનો વિકાસ સારો થાય છે. થડની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી.

નિંદામણ અને આંતરખેડ :

ઉછરતા છોડ નિંદણમુકત રહે તે ખાસ જરૂરી છે. જરૂર મુજબ નિંદામણ કરવુ. જમીન પોચી અને ભરભરી રહે તે માટે વર્ષમાં ર–૩ વખત હાથથી અથવા સાંતી લાકડા ચલાવી નિંદામણ કરવુ. રાસાયણિક ઉપાયોમાં છોડને બચાવી ગ્રેમોક્ષોન ૧૦૦ લીટર, ૩૦૦ મી.લી. છાંટવાથી બધાજ નિંદામણ દુર થશે.

પાક સંરક્ષણ :

જીવાત :ડુંખ કોરી ખાનાર ઈયળ / ગાંઠીયા ઈયળઃ ગાઢા કાળા રંગની ઈયળ નવી નીકળતી કુમળી ડાળીઓમાં કોરે છે. ગાંઠોને ચીરવાથી તેમાં રહેલ ઈયળો જોવા મળે છે. મે માસથી આ ઈયળનો ઉપદ્રવ શરૂ થાય છે. તેના નિયંત્રણ માટે નવી ફુટ આવે ત્યારે કલોરપાયરીફોસ ૧૦ લિટર પાણીમાં ર૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. દવાનો છંટકાવ કરવો. તેમજ ગાંઠોવાળી ડાળીઓ કાપીને તેનો નાશ કરવાથી આ જીવાતનું નિયંત્રણ થાય છે.

પાન કોરીયું: આ ઈયળ ખૂબ જ નાની અને આછા પીળા રંગની હોય છે. તે પાનાના બે પડ વચ્ચે દાખલ થઈને પાનનો લીલો ભાગ કોરી ખાય છે જેથી પાનમાં સફેદ પારદર્શક ધાબાં પડે છે. ઉપદ્રવ વધારે પ્રમાણમાં હોય તો પાન સુકાઈને ખરી જાય છે. તેના નિયંત્રણ માટે કવીનાલફોસ જેવી દવાનો છંટકાવ જૂનની શરૂઆતમાં કરવો.

કાતરાઃ આમળાના પાન ખાઈને કાતરા નુકશાન કરે છે. કાતરાનો ઉપદ્રવ જુલાઈથી ઓકટોબર માસ દરમ્યાન જોવા મળે છે. પાનકોરીયા માટે જણાવેલ નિયંત્રણ મુજબના પગલાં લેવા.

થડ અને ડાળીની છાલ કોરી ખાનાર ઈયળ (ઈન્ડરબેલા): આ ઈયળ થડ અને ડાળીની છાલ ખાય છે અને જાળા બનાવે છે. ત્યારબાદ થડ અને ડાળીઓને કોરીને તેમાં પેસી જાય છે. તેના નિયંત્રણ માટે જાળાં તથા કાણાં સાફ કરી, કેરોસીનમાં કલોરપાયરીફોસ મિશ્ર કરી કાણામાં રેડીને કાણાં રૂ વડે બંધ કરવા તથા ચીકણી માટી લગાવવી, અવાર નવાર તપાસ કરતા રહી ઉપાયો કરવાથી નિયંત્રણ થાય છે.

દેહધાર્મિક વિકૃતિઓ :

ફળો ઉપર કાળા ડાઘા પડવાઃ આમળાનો આ કોઈ રોગ નથી પરંતુ બોરોન તત્વની ઉણપથી ફળના માવામાં ભુખરાકાળા ડાઘ પડે છે. આ માટે ૧૦ લિટર પાણીમાં ૩૦ ગ્રામ બોરેક્ષ મેળવીને ફળ નાના હોય ત્યારે ૧પ દિવસના અંતરે બે છંટકાવ કરવા અથવા જુન માસમાં અન્ય ખાતરની સાથે ઝાડ દીઠ ૧૦૦ ગ્રામ બોરેક્ષ આપવુ.

કાચા ફળો ખરવાઃ આમળાના પાકમાં આ એક વિકટ પ્રશ્ન છે. ભારે વરસાદ અથવા લાંબા સુકા સમયે એકાએક વધુ પાણી આપવાથી ફળો ખરી પડે છે. ખરણ ૯૮ ટકા સુધી જોવા મળે છે. આમળાના પાકમાં ફળ નાની અવસ્થામાં હોય ત્યારથી ફળ ખરવાનું શરૂ થાય છે તથા ફળ મોટા થાય ત્યાં સુધી ખરવાનું ચાલુ રહે છે. શરૂઆતની અવસ્થામાં પરાગનયન અને ફલીનીકરણની ખામીના કારણે ફળ ખરે છે. પાછળની અવસ્થામાં મુખ્યત્વે અંતઃસ્ત્રાવો (ઓકિઝન્સ)ની ખામીના કારણે ફળ ખરતાં હોવાનું મનાય છે. આથી ફળ બેઠા બાદ પંદર દિવસના અંતરે બે વખત ૧૦૦ લીટર પાણીમાં ર ગ્રામ એન.એ.એ. તથા ર કિલો યુરિયા મેળવીને છાંટવાથી ફળનું ખરણ ઘટાડી શકાય છે.

ફૂલફળનું બેસવું : સામાન્ય રીતે બીજથી ઉછરેલા ઝાડ ઉપર ૮ વર્ષ બાદ ફૂલ આવે છે અને ૧૦–૧ર વર્ષનો છોડ ઉત્પાદનમાં સ્થિર થાય છે. જયારે કલમી વૃક્ષોમાં થોડા પ્રમાણમાં ત્રીજા વર્ષથી જ ફળ બેસવા લાગે છે અને ઉત્પાદન ૭–૮ વર્ષે સ્થિર થાય છે. આમળામાં કળીઓનું બેસવુ અને કલિકાભેદીકરણ માર્ચ માસમાં થાય છે અને ત્યારબાદ તુરત નર અને માદા પુષ્પોનો સામાન્ય વિકાસ શરૂ થાય છે. ફૂલ માર્ચના અંતમાં અથવા એપ્રિલથી શરૂઆતમાં ખીલવા લાગે છે. ટૂંકી ડાળીના નીચેના ભાગ પર પાનની કક્ષમાંથી પ્રથમ નર ફૂલ ઝૂમખામાં નીકળે છે. ત્યારબાદ તે જ ડાળી પર પાનની કક્ષમાંથી માદા ફૂલ નીકળે છે. માદા ફૂલો ડાળીની ટોચ તરફના ભાગે વધારે હોય છે.

નર ફૂલો સવારના ૬ થી ૭ વાગ્યાના સમયગાળામાં ખીલે છે. અને ત્યારબાદ ૧૦–૧પ મિનિટ બાદ તેમાંથી પરાગરજ નીકળે છે. માદા ફુલો ખીલવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગે છે. ત્યારબાદ ફલીનીકરણની પ્રક્રિયા થાય છે. આમળાના પાકમાં પરાગનયનની ક્રિયા પવન અને મધમાખી ધ્વારા થાય છે. નર ફૂલ મોટી સંખ્યામાં આવતા હોવાથી લગભગ ૧ર થી ૧૮ ટકા જેટલો ફળલાગ થાય છે, પરંતુ હાથ વડે કૃત્રિમ રીતે પરાગનયન કરવામાં આવે તો ફળલાગ ર૮ ટકા સુધી થઈ શકે છે.

ફળનો વિકાસ :

માર્ચ એપ્રિલ માસમાં ફલીનીકરણ થયા બાદ ભ્રૂણ સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે. ભ્રૂણની આ આરામ અવસ્થાને કારણે બહારથી ફળના વિકાસના કોઈ ચિહ્‌નો ઓગષ્ટ માસ સુધી જોવા મળતા નથી. સુષુપ્તાવસ્થા પુરી થયેથી સપ્ટેમ્બર માસથી ફળની વૃધ્ધિ થવા માંડે છે અને નવેમ્બરથી ડીસેમ્બરના અંત ભાગ સુધીમાં ફળ પુરા કદના વિકસે છે અને ઉતારવા યોગ્ય બને છે.

ફળની વીણી અને ઉત્પાદન :

ફળો લગભગ ડીસેમ્બર–જાન્યુઆરીમાં પાકવા લાગે છે. ફળ લીલાશ પડતા પીળા રંગના બને ત્યારે ઉતારવા યોગ્ય ગણાય છે. આ સમયે તેમાં પ્રજીવકો વધારેમાં વધારે હોય છે તથા રેસા ઓછા હોય છે. પરિપકવ થયેલ ફળ હાથ વડે અથવા લાકડીના છેડે  લગાડેલ હુક ધ્વારા ઝોળીમાં એકઠા કરવા. ફળ ઉતારવા માટે નિસરણીનો ઉપયોગ કરવો. ફળ ઉતારીને છાંયડે રાખી કદ અને ગુણવત્તા પ્રમાણે ફળોનું વર્ગીકરણ કરવું. દશ વર્ષનું સારું ઝાડ ૧૦૦ થી રપ૦ કિલો જેટલું ઉત્પાદન આપે છે. આણંદ કેન્દ્ર, આણંદ  ખાતે એક ઝાડ દર વર્ષે પ૦૦ કિલો ફળ આપે છે. આ ઝાડને ઉત્તમ ઝાડ તરીકે પસંદ કરેલ છે.

સ્ત્રોત: સંશોધન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ, આણંદ,નવસારી અને સરદારકૃષિનગર એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિ

સ્ત્રોત: સંશોધન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ, આણંદ,નવસારી અને સરદાર કૃષિનગર,સ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate