ગુજરાત રાજ્યમા પાકનું ઉત્પાદન મેળવવામાં ખેત સામગ્રીઓ જે વપરાય છે તેમાં બીજનું સ્થાન મહત્વનું છે. ખેડૂતોને શુદ્ધ, ખાત્રીવાળુ પ્રમાણિત બીજ મળી રહે તેના માટે ભારત સરકારે બિયારણ અધિનિયમ ૧૯૬૬ અને બિયારણ નિયમો ૧૯૬૮ અમલમાં મુકેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા માન્ય (નોટીફાઇડ) જાતોને આ નિયમો લાગુ પાડેલ છે. બીજની શુદ્ધતા, આનુવંશિક ગુણધર્મો જળવાઇ રહે તે માટે બીજ પ્રમાણનની કાર્ય પદ્ધતિ પ્રસ્થાપિત કરેલ છે. રાજ્યમાં બીજ પ્રમાણનની જવાબદારી બીજ પ્રમાણન એજન્સીને સોંપેલ છે.
બીજ પ્રમાણન માટે સને ૧૯૭૧મા ઇંડીઅન મીનીમમ સીડ સર્ટીફીકેશન સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા હતા. વર્ષો વર્ષ નવા પાકો, નવી જાતો ને નોટીફાઇડ કરવામાં આવે છે. ખેતીના નવા સંશોધનો બીજ પ્રમાણનનાં અનુભવો, મુશ્કેલીઓના અભ્યાસ બાદ કેન્દ્ર સરકારશ્રીએ સીડ સર્ટીફીકેશન સ્ટાન્ડર્ડમાં સુધારા વધારા કરવા તાંત્રિક સમિતિની રચના કરી, સુધારેલા ન્યુનત્તમ ધોરણોને કેન્દ્ર સરકારશ્રીના કૃષિ વિભાગના મેમોરેન્ડમ નંબર ૧૮-૯-૮૮ એસ.ડી. ૪ તારીખ ૨૬-૭-૧૯૮૮ થી મંજુરી આપેલ છે. આ સુધારેલ સ્ટાન્ડર્ડ ખરીફ ૧૯૮૮ થી અમલમાં આવેલ છે.
ગુજરાત રાજ્યમાં બીજ પ્રમાણનની કામગીરી ૧૯૬૯થી ખેતીવાડી ખાતા દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ બીજ પ્રમાણનની કામગીરી કાયદાકીય અમલીકરણ સરળતાથી કરી શકાય તે હેતુથી એજન્સી ને સ્વાયત્ત રાખવાની ભલામણોને ધ્યાનમા રાખી ગુજરાત સરકારે માર્ચ, ૧૯૮૦ થી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીતને સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપના કરી છે. આ સંસ્થા રાજ્યમાં બીજ પ્રમાણનની જવાબદારી અદા કરે છે.
લધુત્તમ બીજ પ્રમાણન ધોરણો જુલાઇ ૧૯૮૮ અનુસાર બીજ પ્રમાણન એજન્સીંની કામગીરી ક્રમાનુસાર મુખ્યાત્વે છ તબક્કામાં વહેંચવામાં આવેલ છે. જે તબક્કા ક્રમાનુસાર પૂર્ણ થયા બાદ બીજ પ્રમાણનની કામગીરી પૂર્ણ થયેલી ગણાશે.
બિયારણ નિયમો ૧૯૬૮ નાં ભાગ-૪ નિયમ-૬-બ થી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીને મળેલ સત્તાની રુએ કેન્દ્ર સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ બિયારણ પ્રમાણિત કરવાના લઘુત્તમ ધોરણો જુલાઇ-૧૯૮૮નો સમાવેશ કરી બીજ પ્રમાણન માટે અરજીઓ સ્વીકારવા, વાવેતર પદ્ધતિ, નિરીક્ષણ, કાપણી, પ્રોસેસીંગ, સ્ટોવરેજ, લેબલીંગ વિગેરે માટે એજન્સી દ્વારા કાર્યરીતી કરવામાં આવેલ છે. જે તમામ બીજ ઉત્પાદકોને માર્ગદર્શિકા તરીકે ઉપયોગી થાય તે હેતુથી આ ‘‘માર્ગદર્શિકા’’ એજન્સી જ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ નિયત કરેલ કાર્યરીતીમાં હવામાન, વરસાદ કે અન્ય સંજોગો અનુસાર જે તે સીઝનને અનુરુપ ફેરફાર કરવાની સત્તા નિયામકશ્રી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીની રહેશે.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2020