অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાપણી – થ્રેસીંગ – ગ્રેડીંગ – પેકીંગ કામગીરી

કાપણી, થ્રેસીંગ, ગ્રેડીંગ

ક્ષેત્રિય નિરીક્ષણમાં ધોરણસરનો બીજ પ્‍લોટ માલુમ પડ્યેથી બીજપ્‍લોટની કાપણી જે તે બીજ ઉત્‍પાદકે પોતાની રીતે કરાવવાની રહેશે. પરંતુ બાજરી, મકાઇ, જુવાર જેવા પાકોની કાપણી જે તે વિસ્‍તારની પેટા કચેરીની પૂર્વ મંજૂરી મેળવી અધિકૃત અધિકારીની હાજરીમાં કરાવવાની રહેશે.

કાપણી બાદ ખળુ લઇ બિયારણ લાયક ચોખ્‍ખો જથ્‍થો તૈયાર થયેથી જે તે પેટા કચેરીને જાણ કરી નિયત કરેલ સમય મર્યાદા (પરિશિષ્‍ટ-૩) માં બીજ ઉત્‍પાદક/પ્રતિનિધિની હાજરીમાં નમૂના લેવાના રહેશે. એજન્‍સી તરફથી આપવામાં આવેલ અંદાજીત બીજ ઉત્‍પાદનનાં દાખલાની મર્યાદામાં (પરિશિષ્‍ટ-૧૦) વિના મૂલ્‍યે આપવાના થયેલ જથ્થામાંથી નિયત વખત અને સંખ્‍યામાં બિયારણનાં નમુના (પરિશિષ્‍ટ-૧૦) વિના મૂલ્‍યે આપવાના રહેશે. નમુના લીધા બાદ પરિશિષ્‍ટ-૧૧ માં જણાવ્‍યા મુજબ ઉત્‍પન્‍ન જથ્‍થાની સ્‍ટાન્‍ડર્ડ ભરતી કંતાનના નવા કોથળામાં કરી તેમાં સંપૂર્ણ વિગતો વાળી નમુના સ્‍લીપ (પરિશિષ્‍ટ-૧૨) ઉપર ઉત્‍પાદક/પ્રતિનિધિ અને એજન્‍સીના નમુના લેનાર અધિકારીની સહી સાથેની મુકી એજન્‍સીના સીલથી કોથળો સીલ કરવાનો રહેશે. કોથળા ઉપર પરિશિષ્‍ટ-૧૩ માં જણાવ્‍યા મુજબની વિગતો ઉત્‍પાદકે લખવાની રહેશે. પ્રોસેસીંગ પેકીંગ સમયે જે તે કોથળા ઉપર એજન્‍સીનું સીલ નહિ હોય અથવા કોથળામાંથી જરુરી સ્‍લીપ નહિ નીકળી તો તે જથ્‍થાનું પ્રમાણિકરણની કામગીરી કરી આપવામાં આવશે નહિ.

જથ્થા/ ટ્રાન્સંફર

ઉત્‍પાદિત બીજ જથ્‍થાનાં નમુના લેવાયાબાદ જે તે લોટનો પૂરેપુરો જથ્‍થો અન્‍ય પેટા કચેરીના કાર્યક્ષેત્રે હેઠળનાં માન્‍ય પ્રોસેસીંગ પ્‍લોટ ખાતે સીલબંધ હાલતમાં ફેરવવાની મંજુરી બીજ ઉત્‍પાદન હેઠળની પેટા કચેરી ખાતેથી મેળવવાની રહેશે.

બાજરી બીજ પ્‍લોટનો ઉત્‍પાદન થયેલ બિયારણનો જથ્‍થો જેતે ખળાના નિયુક્ત કરેલ ખળાના જવાબદાર અધિકારીની મંજુરી મેળવી જથ્‍થા ટ્રાન્‍સફરના નિયમ મુજબ જથ્‍થો ટ્રાન્‍સફર કરી શકશે.

બીજ ઉત્‍પાદકે જથ્‍થા ટ્રાન્‍સફર કરાવવા માટે પોતાના લેટરપેડ ઉપર અરજી કરી મંજુર કરેલ યાદી ચાર નકલમાં (વેરીફાઇ) રજુ કરી સંબંધ કર્તા અધિકારી પાસેથી મંજુરી મેળવવાની રહેશે અને બીજ ઉત્‍પાદકોની સંપૂર્ણ જવાબદારી ઉપર જથ્‍થા ટ્રાન્‍સફરની મંજુરી આપવામાં આવશે.

પ્રોસેસીંગ પેકીંગ કામગીરી

  • ઉત્‍પન્‍ન થયેલ બિયારણનો મુકરર કરેલ જથ્‍થામાં પેકીંગ કરી આપવામાં આવશે જેની મંજુરી વડી કચેરીએથી અગાઉથી મેળવી લેવાની રહેશે. (પરિશિષ્‍ટ-૧૧)
  • જે થેલીમાં બિયારણ પેક કરવાનું હોય તે થેલી કાપડ અથવા કંતાનની અંદરની બાજુએ સિલાઇ વળી હોવી જોઇએ. અને તે થેલી ઉપરનું લખાણ અને ડીઝાઇન, મુજબ એજન્‍સીની વડી કચેરીએ મંજુર કરાવવાની રહેશે. કાપડ/કંતાન સિવાય અન્‍ય કોઇ મટીરીયલમાં પેકીંગ કરાવવાનું હોય ત્‍યારે સદર મટીરીયલ એજન્‍સી પાસે થેલીની ડીઝાઇન સાથે રજુ કરી તેની માન્‍યતા મેળવવાની રહેશે. (પરિશિષ્‍ટ-૧૪)
  • લોટવાર એક લોટના જથ્‍થાનું એક સરખા પેકીંગમાં એક જ સ્‍થળે એક જ જાતની થેલીમાં એકી સાથે પૂરેપુર જથ્‍થાનું પેકીંગ કરી આપવામાં આવશે.
  • બીજાના પ્રોસેસીંગ દરમ્‍યાન પુરતી સાધન સામગ્રીના અભાવે અથવા મજુરોના અભાવે સંતોષકારક કામગીરી થતી નહિ હોય તો પ્રોસેસીંગ કામગીરી માટે તે બાબતે ઉત્‍પાદકને લેખિત જાણ કરી બીજ પ્રોસેસીંગ પેકીંગની કામગીરી મોકુફ રાખી શકાશે.
  • બિયારણનું પ્રોસેસીંગ, પેકીંગ, નમુના લેવા, રીવેલીડેશન, બલ્‍કીંગ, જીનીંગ, ડીલીન્‍ડીંગ કે અન્‍ય સર્ટીફીકેશનની કામગીરી જે તે પ્રોસેસીંગ સેન્‍ટર જીનીંગ સેન્‍ટર, ડીલીટીંગ સેન્‍ટર કે ગોડાઉન પર કરાવવાની હોય તે ગોડાઉન સેન્‍ટરનું રજીસ્‍ટ્રેશન નિયત નમુના (પરિશિષ્‍ટ-૧૫) માં અરજી કરી પેટા કચેરીના અધિકારીની ભલામણ સાથે નિયત ફી ભરી રજીસ્‍ટર્ડ કરાવવું પડશે અને દર વર્ષે નિયત ફી ભરી રજીસ્‍ટ્રેશનનું ડિસેમ્‍બર માસમાં રીન્‍યુઅલ કરાવવાનું રહેશે. રીન્‍યુઅલ ન કરાવેલ ગોડાઉન/પ્રોસેસીંગ સેન્‍ટરનું રજીસ્‍ટ્રેશન આપોઆપ રદ થશે, ત્‍યારબાદ ફરીથી નવેસરથી રજીસ્‍ટ્રેશન નિયત ચાર્જ ભરી કરાવવાનું રહેશે.
  • વિક્રેતા પેકીંગ : કોઇપણ પાકના તૈયાર થયેલ બિયારણના આખા લોટના જથ્‍થાને ખરીદ કરી પોતાના નામે વિક્રેતા પેકીંગ કરાવવા માંગે ત્‍યારે જે તે સમયે મુખ્‍ય બીજ ઉત્‍પાદકની સંમતિ તેમના પોતાના લેટરપેડ ઉપર મેળવી જથ્‍થાની વિગતો વાળી યાદી ચાર નકલમાં જે તે થેલીમાં પેકીંગ કરાવવાનું હોય તે થેલીની ડીઝાઇનની ઝેરોક્ષ ચાર નકલ સાથે વિક્રેતા પેકીંગ કરનાર પેઢી/સંસ્‍થાએ વડી કચેરીએ અરજી કરી મંજુરી લેવાની રહેશે.
  • વિક્રેતા પેકીંગ માટે જે તે સમયે જે જથ્‍થા માટે મંજુરી મેળવવાની હોય ત્‍યારે પરિશિષ્‍ટ-૫ મુજબ વિક્રેતા ચાર્જ અને થેલી એપ્રુવલ ચાર્જ ભરવાનો રહેશે. કોઇપણ જથ્‍થાનું પ્રોસેસીંગ પેકીંગ પેટા બીજ ઉત્‍પાદકના નામે થઇ શકશે નહિ.
  • હાઇરીડ કપાસ અને હા. બાજરા (ઉનાળુ) સિવાયના કોઇપણ પાકનું બિયારણનું પ્રીપ્રોસેસીંગ – પ્રીપેકીંગ કરી આપવામાં આવશે નહિ. પ્રીપેકીંગ કરેલ બિયારણના જથ્‍થાને પરિણામો મળ્યા પહેલા હેરાફેરી કરી શકાશે નહિ અને પ્રીપેકીંગ કરેલ જથ્‍થો એજન્‍સીના સીલ હેઠળ ગોડાઉનમાં રાખવામાં આવશે, જે પરિણમો મળ્યેથી પાસ કરેલ જથ્‍થો એજન્‍સીના અધિકારીની હાજરીમાં છુટો કરવામાં આવશે અને નાપાસ થયેલ જથ્‍થો ગોડાઉનમાં યથાવત એજન્‍સીના સીલ હેઠળ રાખવામાં આવશે.
  • જે બિયારણનું પ્રીપેકીંગ કરેલ હોય તે બિયારણ સંબંધકર્તા ઉત્‍પાદકે પોતાના ખર્ચે એજન્‍સીએ માન્‍ય કરેલ હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવાનો રહેશે. ગોડાઉન ઉપર ઉત્‍પાદકે પોતાનું તાળું મારવાનું રહેશે. જેની ચાવી ઉત્‍પાદક પાસસે રહેશે અને જે તે ગોડાઉનને બહારથી એજન્‍સીનું સીલ મારવાનું રહેશે.
  • કોઇપણ સંજોગોમાં એજન્‍સીના સીલ હેઠળનું ગોડાઉન એજન્‍સીના અધિકૃત અધિકારીની ગેરહાજરીમાં ખોલી શકશે નહિ.
  • સને ૧૯૯૨થી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્‍સીએ દિવેલા અને કપાસ સિવાય તમામ પાકોમાં પેકીંગ અગાઉ મશીન પ્રોસેસીંગ ફરજીયાત કરેલ છે. જેથી ઉત્‍પાદન થયેલ બિયારણનું પેકીંગ કરાવતા પહેલા મશીન ગ્રેડીંગ માટે નિયત કરેલ માપ મુજબની જરૂરી જાળી વાપરી પ્રોસેસીંગ કરાવવાનું રહેશે. (પરિશિષ્‍ટ-૧૬)
  • બિયારણ પ્રોસેસીંગ પેકીંગ કરાવતા સમયે બિયારણને બિન પારાયુક્ત દવાનો પટ આપવાનો રહેશે. દવાની પડીકી મૂકીને પેકીંગ કરવાનું થાય ત્‍યારે થેલીમાં બીજને દવાની માવજત આપવા અંગેનું માર્ગદર્શન આપતી પત્રિકા મૂકવાની રહેશે. (પરિશિષ્‍ટ-૧૭)
  • પ્રી પ્રોસેસીંગ/પ્રીપેકીંગ બિયારણ પરિણામ મળતા જો ધોરણસરનું ન જણાય અને પ્રીપેકીંગ વખતે બિયારણને જો ઝેરી દવાનો પટ આપેલ હોય તો તેવા બિયારણને નાશ કરવાની જવાબદારી જે તે બીજ ઉત્‍પાદકની રહેશે. તેમજ પ્રીપેકીંગ સમયે ઉપયોગમાં લીધેલ એજન્‍સીની પ્રમાણન ટેગ એજન્‍સીના અધિકારીની હાજરીમાં થેલી ઉપરથી અલગ કરી પરત કરવાની રહેશે.
  • ફાઉન્‍ડેશન તથા સર્ટીફાઇડ સ્‍ટેજના પ્રમાણિત થયેલ બિયારણમાં ડંખ પામેલ બિયારણ ન હોવું જોઇએ. મકાઇ અને કઠોળમાં ૧ ટકા સુધી અને અન્‍ય પાકોમાં ૦.૫ ટકા સુધી ડંખ પામેલ બિયારણ માન્‍ય રાખી શકાશે.
  • નમુનો લેવાયા બાદ જથ્‍થો સડી ગયેલ હોય અગર જીવાત અથવા અન્‍ય કારણથી બગડી ગયેલ માલુમ પડશે અને આ બગાડનું પ્રમાણ લઘુત્તમ બીજ પ્રમાણન ધોરણ કરતા વધુ હશે તો નમુનાના પરિણામો ધોરણસરનાં જણાયેલ હોવા છતાં પેકીંગ કરી આપવામાં આવશે નહિ. બિયારણ પેકીંગ કરતી વખતે ભેજનું પ્રમાણ નિયત કરેલ મર્યાદા મુજબનું હોવું જોઇએ.
  • બિયારણનો જથ્‍થો લઘુત્તમ બીજ પ્રમાણનના ધોરણોસરનો માલુમ ન પડતા ઉત્‍પાદક તેવા જથ્‍થાની ફેર ગ્રેડીંગ કરાવી ફરીથી નમુનો લેવડાવી ફરીથી ટેસ્‍ટીંગ કરાવી શકશે. એજન્‍સી જરુરી ચાર્જ લઇ ફકત એક જ વખત આવી માંગણી ગ્રાહ્ય રાખી શકશે.
  • પેકીંગ કરતા અગાઉ જરુરી લેબલ ચાર્જની ૯૦ ટકા જેટલી રકમ એજન્‍સીની વડી કચેરી / પેટા કચેરીએ જમા કરાવવાની રહેશે તેમજ લેબલ ચાર્જ પેટે જમા કરાવેલ નાણાની મેળવેલ રસીદ રજુ કરવાથી પેકીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. લેબલ ચાર્જ પેટેની બાકી ૧૦ ટકા રકમ કામગીરી પૂરી થયેથી તુરત જ ભરપાઇ કરવાની રહેશે. જે જમા કરાવ્‍યા બાદ જ જથ્‍થો છુટો કરવામાં આવશે.
  • બીજ પ્રમાણન કામગીરી અંગે જે તે સ્‍થળે અથવા અધિકૃત ગોડાઉન એજન્‍સીના અધિકારી દ્વારા કરેલ કામગીરીના ચાર્જ પેટે આપેલ બીલ મુજબના નાણા ભરપાઇ કરવાના રહેશે.
  • બીજ પ્રમાણન કામગીરી માટે બીજ ઉત્‍પાદકની તૈયારીઓના અભાવે જો કામગીરી ન થઇ શકે અને તે કામગીરી માટે અધિકારીને ફરી મુલાકાત લેવી પડે ત્‍યારે થતો ગોડાઉન ચાર્જ ભરપાઇ કરવાનો રહેશે.
  • કોઇપણ બીજ ઉત્‍પાદક તરફથી પ્રમાણન અંગેની બાકી નિકળતી લહેણી રકમ જાણ કરવા છતાં એજન્‍સીની કચેરીમાં સમયસર ભરપાઇ કરવામાં નહિ આવે તો સંબંધકર્તા ઉત્‍પાદકે હાથ ધરેલ તમામ પાકોના બીજ પ્રમાણન અંગેની કાર્યવાહી સ્‍થગિત કરવામાં આવશે અને તે અંગે ઉપસ્‍થિત થનાર સઘળા પ્રશ્નોની જવાબદારી જે તે બીજ ઉત્‍પાદકની રહેશે તેમજ ભવિષ્‍યમાં આવા ઉત્‍પાદકનો કોઇપણ બીજ પ્રમાણન કાર્યક્રમ એજન્‍સી રજીસ્‍ટર્ડ કરશે નહિ.
  • પરિણામ મળ્યેથી મુખ્‍ય ઉત્‍પાદકે પેકીંગ કરાવવાના ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ જાણ કરવાની રહેશે. જેથી એજન્‍સી અધિકૃત અધિકારીને પેકીંગ કામગીરી અંગે મોકલી શકે.

સ્ત્રોત: ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન​ એજન્સી

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/28/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate