ગુજરાત રાજ્યમાં કુલ વાવેતર લાયક જમીનના લગભગ પ% વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે. જેનો કુલ વિસ્તાર લગભગ ૭ થી ૭.પ લાખ હેકટર જેટલો છે. રાજ્યમાં ડાંગરનું લગભગ ૧૬ થી ૧૭ લાખ ટન જેટલું ઉત્પાદન થાય છે. ડાંગરના પાકમાં તેની જુદી-જુદી અવસ્થાએ લગભગ ૧૦૦ જેટલી જીવાતો ડાંગરના પાકમાં નુકશાન કરતી જોવા મળે છે. ડાંગરની ગાભમારાની ઈયળ, પાન વાળનાર ઈયળ અને થડ ચર નુકશાન કરતા ચૂસિયાં મુખ્ય જીવાત ગણાય છે.
ડાંગરના પાકમાં નુકશાન કરતી ગાભમારાની ઈયળની પાંચ જાત પૈકી આપણા રાજ્યમાં મુખ્યત્વે પીળી ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની માદા ફુદીની આગળની પાંખો પીળાશ પડતા રંગની હોય છે. અને તેના પર વચ્ચેના ભાગે એક કાળુ ટપકું હોય છે. જ્યારે નર ફુદી સૂકા ઘાસ જેવા રંગની હોય છે. અને તેની પ્રથમ પાંખ પર અસંખ્ય નાના-નાના ટપકાં હોય છે. નાની ઈયળ પીળાશ પડતાં સફેદ રંગની હોય છે. જ્યારે પુખ્ય ઈયળ પીળા રંગની, બદામી માથાવાળી અને આશરે ર૦ થી રર મી.મી. લંબાઈની હોય છે.
માદા ફુદી પાનની ટોચ પર સમુહમાં ઈંડા મૂકે છે. ઈંડા સેવાતા, તેમાંથી નીકળતી નાની ઈયળ ચમકતા તાંતણા વડે લટકી પાણીની સપાટીએથી થડમાં દાખલ થઈ બે ત્રણ દિવસ સુધી કુમળો ભાગ ખાધા પછી થડના ગાંઠ નજીકના ભાગ અંદરનો ગર્ભ ખાવા માંડે છે. તેથી ડાંગરના છોડનો વચ્ચેનો પીલો સુકાઈ જાય છે. તેને ‘ડેડ હાર્ટ’ કહે છે. જો કંટી આવવાના સમયે આ જીવાતનો ઉપદ્રવ થાય તો ઉપદ્રવિત છોડની કંટી સફેદ નીકળે છે. તેમાં દાણા ભરાતા નથી. તે ‘વ્હાઈટ ઈયર હેડ’ તરીકે ઓળખાય છે. આવી કંટીને ખેંચતા તે સહેલાઈથી ખેંચાઈ આવે છે તેને ખેડૂતો સફેદ પીંછીના રોગથી ઓળખે છે.
પુખ્ત ઈયળ ૪૦ મી.મી. લંબાઈની અને માથા ઉપર ‘જ‘ આકારનું ચિન્હ હોય છે. ઈયળો પાનની ધારને થોડા અંતરે દરજીએ ટાંકા માર્યા હોય તેવા ટાંકા મારી ભૂંગળી બનાવી તેમાં રહે છે અને પાનની ટોચ કાપી નૂકશાન કરે છે.
પોપટી શંગની અને માથાના ભાગ ઉપર શંગડા જેવા ભાગ ધરાવે છે. પૂંછડીએ બે કાંટા જેવા ભાગ ધરાવે છે. પુખ્ત ઈયળ પ૦ મી.મી. લંબાઈની હોય છે. પાનને ધાર ઉપરથી વિશિષ્ટ રીતે કાપી ખાય છે.
પુખ્ત ઈયળો લીલાશ પડતા સફેદ રંગની ૧ર મી.મી. લંબાઈ ધરાવે છે. ઈયળ પાનના ટુકડા કરી ભૂંગળી બનાવી તેમાં રહી પાન ખાઈને નુકશાન કરે છે.
આ જીવાત ‘જૂથી ઈયળ’ કે ‘કંટી કાપનાર ઈયળ’ તરીકે ઓળખાય છે. તેનું પુખ્ત ફુદુ મજબુત બાંધાનું આશરે ર સે.મી. લાંબુ અને પીળાશ પડતાં તપખીરીયા રંગની પાંખોવાળું હોય છે. ઈયળ ૩ થી ૩.પ સે.મી. લાંબી મજબુત બાંધાની, લીલાશ પડતા પીળા રંગની અને બદામી રંગના માથાવાળી હોય છે. તેના શરીર પર તપખીરીયા ભૂખરાં અથવા સફેદ રંગની ઉભી પટ્ટીઓ હોય છે. ઈયળને સહેજ અડકતાં તે ગુંચળૂં વળી જાય છે.
આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડિયામાં અને રોપાણ કરેલ ડાંગરમાં જોવા મળે છે. દિવસના સમયે ઈયળો જમીનની તિરોડો, પાનની ગડીઓમાં કે થુંમડામાં વચ્ચે ભરાઈ રહે છે. અને રાત્રે પ્રવૃત્તિમય બને છે. ઈયળ રાત્રિના સમયે બહાર નીકળી છોડના પાન પુષ્કળ પ્રમાણમાં ખાય છે. ઉપદ્રવ વધુ હોય તો પાનની ફક્ત નશો જ બાકી રહે છે. કંટી આવવાના સમયે જો આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ઈયળ કંટીને કાપી નાખે છે. ઉપદ્રવિત ખેતરમાં આવી કાપી નાખેલ કંટીઓ જમીન પર પડેલી જોવા મળે છે. ઉપદ્રવિત ખેતરની બધીજ કંટીઓ જાણે લણી લીધી હોય તેમ છોડ કંટી વિનાનો દેખાય છે.
ડાંગરના પાકમાં મુખ્યત્વે પાનના લીલા ચૂસિયા, સફેદ પીઠવાળા ચૂસિયા અને બદામી ચૂસિયા નુકશાન કરતા જોવા મળે છે.
પુખ્ત લીલા ચૂસિયાં પાંખોવાળા અને ફાચર આકારના હોય છે. તેની પાંખો પર છેડાના ભાગે કાળા ધાબા હોય છે. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત જીવાત પાનમાંથી રસ ચૂસે છે તેથી પાન પીળા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન ફીક્કા દેખાય છે અને આખો છોડ પીળો પડી સુકાઈ જાય છે. જોકે તેનાથી થતું નુકશાન ભાગ્યે જ વધુ હોય છે.
સફેદ પીઠવાળા ચૂસિયાંના તાજા જન્મેલા બચ્ચાં ભૂખરા સફેદ રંગના અને પાંખ વગરના હોય છે. પુખ્ત કીટક આશરે ૩ મિ.મી. લંબાઈના, ફીક્કા સફેદ રંગના અને પીઠના ભાગે કાળુ ટપકું ધરાવે છે. તેની પાંખો પારદર્શક હોય છે. બદામી ચૂસિયાંના બચ્ચાં જાંખા રતાશ પડતા અથવા ભૂખરા રંગના અને પાંખો વગરના હોય છે. જ્યારે પુખ્ત કીટક આશરે ૩ મિ.મી. લંબાઈના અને ઘાટા બદામી રંગના હોય છે.
સફેદ પીઠવાળા અને બદામી ચૂસિયાંનાં બચ્ચાં તથા પુખ્ત એમ બન્ને અવસ્થાએ છોડના થડમાંથી રસ ચૂસે છે. ઉપદ્રવિત છોડના પાન પીળાશ પડતા બદામી અથવા ભૂખરાં રંગના થઈ સૂકાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય છે જેને હોપર બર્ન કહે છે. ખેતરમાંં તેનાથી થતું નુકશાન ગોળ/કુંડાળા ટાલા રૂપે આગળ વધે છે. ઉપદ્રવિત છોડની કંટીમાં દાણા પોચા રહે છે અને ઉત્પાદન પર ખુબ જ માઠી અસર થાય છે.
પુખ્ત કીટક લીલાશ પડતાં પીળા કે બદામી રંગના અને ૧પ થી ૧૭ મિ.મી. લાંબા હોય છે. તેના પગ શરીરના પ્રમાણમાં ઘણાં લાંબા હોય છે. આ જીવાતના શરીરમાંથી ખાસ પ્રકારની અપગમતી વાસ આવતી હોવાથી તે ‘ગંધી બગ’ તરીકે ઓળખાય છે. તેના બચ્ચા તેમજ પુખ્ત કીટક કંટીમાં દૂધ ભરાયેલ દાણામાંથી રસ ચૂસે છે. ઉપદ્રવ વધુ હોય તો કંટી પર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખા રહે છે.
પુખ્ત કીટક ઘેરા લીલાશ પડતાં ભૂરાં રંગના, સંવાળા, સમચતુષ્કોણ આકારના,પ થી ૬ મિ.મી. લંબાઈના અને ૩ મિ.મી. પહોળા હોય છે. આ જીવાત પુખ્ત અને ઈયળ એમ બન્ને અવસ્થાએ પાન પરનો લીલો ભાગ ખાસ પધ્ધતિથી ખાતા હોઈ પાન પર મધ્ય નસની સમાંતર સફેદ ધાબા જોવા મળે છે. ઉપદ્રવ વધુ હોય તો આવા પાન સફેદ થઈ સુકાઈ જાય છે. સામાન્ય રીતે જીવાતનો ઉપદ્રવ ખેતરની ધરીથી શરૂ થઈ અંદરની તરફ ફેલાય છે.
આ જીવાતના પુખ્ત નાના (૩ થી ૪ મિ.મી. લંબાઈના), લંબચોરસ આકારના અને કાળાશ પડતા ભૂરા રંગના હોય છે. તે કાળી કાંટાવાળી પાંખ ધરાવે છે. ઈયળ પીળાશ પડતાં રંગની અને જાડી હોય છે જે પાનને કોરીને નીલકણો ખાઈને નુકશાન કરે છે. જ્યારે પુખ્ત કીટક પાનની સપાટી પર ખાસ પધ્ધતિથી ખાય છે. નુકશાન પામેલ પાન પર સફેદ રંગના ધાબા જોવા મળે છે.
ડાંગરના ભૂરાં કાંસિયા અને ઢાલપસ ભૂંગાની ઉપદ્રવ વધુ જણાય તો કાર્બોરીલ પ૦% વે.પા. ૪૦ ગ્રામ અથવા મોનોક્રોટોફોસ ૧ર મિ.લિ. અથવા ફોસ્ફોમીડોન ૩ મિ.લી. દવા ૧૦ લીટર પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરવો.
કીટક સિવાયના નુકશાન કરતા પ્રાણીઓ જેવાકે અળસી, કરચલા, ઉંદર અને પક્ષીઓના નિયંત્રણ માટે :
શ્રી અરવિંદ બી. પરમાર,
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી, તા.માતર, જી.ખેડા., ફોન : ૦ર૬૯૪-ર૯૧રપર, ૯૯૭૯૭૨૮૧૯૩
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020