ચોમાસુ પાકોમાં જુદા જુદા પ્રકારના સુકારા અને મૂળખાઇ રોગ જમીન જન્ય રોગકારક જીવાણુ દ્વારા ફેલાતા હોય છે. આ રોગ દ્વારા ઘણુ જ નુકશાન થતું હોય છે. કોઇપણ રોગની ઓળખ અને થવાનું કારણ સંપૂર્ણપણે જાણતા હોઇએ તો જ તેને નિયંત્રણ માટે સમયસરના યોગ્ય પગલા ભરી શકાય. અહીં સુકારા અને મૂળખાઇ-રોગની ઓળખ અને તેનું નિયંત્રણ સુચવવામાં આવેલ છે. જે ખેડૂતમીત્રો ને ઉપયોગી પૂરવાર થશે.
કપાસ
સુકારો
રોગની ઓળખ: પાકની કોઇપણ અવસ્થાએ રોગનું આક્રમણ થાય છે. છોડની નાની અવસ્થાએ બીજપત્રો ધીમે ધીમે પીળા પડે છે. છેવટે છોડ સુકાઇને મરી જાય છે. આ રોગ લાગુ પડેલ છોડની ટોચ ઉપરના પાન કરમાવાથી એની શરૂઆત થાય છે. પૂર્ણપણે રોગનો ભોગ બનેલા છોડના પાન ચીમળાઈને ખરી જાય છે. અને માત્ર ડાળીઓવાળો છોડ ખેતરમાં ઉભેલો દેખાય છે. મૂળના ઉપલા અને થડના હેઠળના ભાગમાં છાલ નીચે કથાઇ રંગની રેખાઓ દેખાય છે. આવા મૂળ અને થડ જયારે ચીરવામાં આવે છે ત્યારે તેમની જલવાહિનીઓ કથાઇ રંગની દેખાય છે. રોગની ઉતરાવસ્થામાં આવી રેખાઓ થડના ઉપરના ભાગમાં ડાળીઓ સુધી પણ દેખાય છે.
નિયંત્રણ પગલા :
- બીજને ફૂગનાશક દવાઓ થાયરમ, કેપ્ટાન અથવા મેન્કોઝેબ ર- ૩ ગ્રામ એક કિલો બીજ દીઠ પટ આપવો.
- રોગ જમીન જન્ય હોય, લાંબાગાળાની પાક ફેરબદલી અપનાવવવી.
- સારુ કોહવાયેલ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો, જરૂરી પોટાશ સાથે નાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
મુળખાઈ (મૂળનો સડો)
રોગની ઓળખ: છોડ એકાએક ચીમળાઈ જાય છે. ખેતરમાં ગોળાકાર સ્વરૂપમાં બીજા છોડ એકાએક સુકાતા જાય છે. રોગિષ્ટ છોડનાં મૂળ સડી જાય છે. તેથી તેવા છોડ સહેલાઇથી જમીનમાંથી ખેંચી શકાય છે. તે વખતે એમનું આદિમૂળ અકબંધ હોય છે. પરંતુ અન્ય મૂળ તૂટેલા હોય છે. તરત ચીમળાયેલા છોડમાં મૂળ સહેજ ચીકણું અને ભીનું હોય છે. તેની છાલ કોહવાઈને તેના રેસા માત્ર રહયા હોય છે.
નિયંત્રણ પગલા :
- લાંબાગાળાની પાક ફેરબદલી કરવી, સપ્રમાણ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનો ખાતર તરીકે ઉપયોગ કરવો. કપાસના પાક સાથે મિશ્રપાક તરીકે મઠ અથવા અળદાક નું વાવેતર કરવું, લીલોપડવાશ તરીકે ઇક્કડ નો ઉપયોગ, રોગનું આક્રમણ ટાળી શકે તે રીતે વાવણીનો સમય વગેરે ઉપાયો કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
- મેન્કોઝેબ (ડાયથેન એમ-૪૫) ૦.૨% એટલે કે દસ લીટર પાણીમાં ર૬ ગ્રામ ભેળવી સુકાતા છોડની ફરતે દ્રાવણ આપવું અને ત્યારબાદ ૪ થી ૫ દિવસ પછી યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું નિયંત્રણ થઇ શકે છે.
મગફળી
ઉગસુક
રોગની ઓળખ : બીજ જમીનમાં જ સ્કૂરણ થયા પહેલા સડી જાય છે. બીજ જમીનમાંથી બહાર કાઢી જોવામાં આવે તો કાળી ફૂગના બીજાણુંઓ તેના પર છવાયેલા હોય છે. આ રોગ બીજ ઉગતા પહેલા આવે તો આગોતરો સુકારો કહેવાય છ. બીજા તબકકામાં બીજ જમીનમાંથી સ્ફૂરણ થઇ ગયા બાદ લગભગ દોઢ માસ સુધી આ ફૂગના કારણે સુકાઇ જાય છે. તેને પાછોતરો સુકારો કહેવાય છે. મોટાભાગે આ રોગ પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે. ચોમાસું લંબાતા પાકની શરૂઆતની અવસ્થામાં તેનો ઉપદ્રવ જોવા મળે છે.
નિયંત્રણ પગલા :
- નુકશાન વિનાના બીજ વાવેતરના ઉપયોગમાં લેવા તેમજ મગફળીના બીજ ફોલીને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં.
- બીજને વાવતા પહેલા એક કીલો બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ કેપ્ટામ, થાયરમ કે મેન્કોઝેબ અથવા ટેબલ્યુકેનાઝોલ ૧.૨૫ ગ્રામ દવાનો પટ આપીને વાવેતર કરવું.
- મગફળી ઉપાડી લીધા બાદ તેને સૂર્ય તાપમાં બરાબર સુકવવી અને ભેજ રહિત જગ્યાએ સંગ્રહ કરવો જેથી ફૂગનો ચેપ લાગે નહિં.
થડનો કોહવારો અને ડોડવાનો સડો
રોગની ઓળખ : આ રોગમાં જમીનને અડીને મગફળીના થડ ઉપર આછા ભૂખરા રંગના ધાબા દેખાય છે. જમીનની અંદર રહેલા થડ ઉપર પણ આવા ચિન્હો દેખાય છે. શરૂઆતમાં આ રોગિષ્ટ છોડ પર જમીન અડીને થડ ઉપર સફેદ ફૂગના તાંતણા જોવા મળે છે અને તેમાં ઝીણી ગોળાકાર સફેદ રંગની પેશીઓ બને છે. જે ત્યારબાદ કથાઇ રંગની બને છે. રોગગ્રસ્ત છોડ સુકાઇ જાય છે. આ રોગ મગફળીના ડોડવાને લાગે છે અને તેના કારણે ડોડવા સડી જાય છે.
નિયંત્રણ પગલા :
- ઉનાળામાં હળથી ઉંડી ખેડ કરી આગલા પાકના રોગનાં અવશેષોને ૧૦ સે.મી. થી વધારે ઉંડાઇએ દાટી દેવી જોઇએ. ત્યારબાદ ભારે સમાર મારી જમીન ધેડ લાવવી.
- શક્ય હોય તો જુવાર, લસણ, ડુંગળી જેવા પાક સાથે ફેરબદલી કરવી, ચાસ દર વર્ષે એકનો એક ન રાખતા બદલવા.
- બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ, કેપ્ટાન અથવા મેન્કોઝેબ દવાનો પટ આપીને વાવેતર કરવું.
- ટ્રાયકોડમાં ફૂગ આધારીત પાવડર ર.પ કિ.ગ્રામ. ૩૦૦ કિ.ગ્રા. એરંડીના ખોળ અથવા ગળતીયા ખાતરમાં ભેળવી, મગફળી વાવતી વખતે ચાસમાં આપવો. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો વાપરવા.
- મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહીં, વધારે પડતી આાંતરખેડ કરવી નહીં.
- ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય કે તૂરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ખાડો ઢંકાઇ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી.
દિવેલા
સુકારો
રોગની ઓળખ : રોગની શરૂઆતમાં છોડની ટોચના પાંદડા પીળા પડી આછા બદામી રંગના થઇ ખરી પડે છે. ઘણીવાર અમુક ડાળીઓ સૂકારાના રોગથી સૂકાઇ જાય છે. જયારે બાકીની ડાળીઓ તંદુરસ્ત રહે છે જેને અંશ:ત સૂકારો કહેવામાં આવે છે. રોગિષ્ટ છોડ ધીરે ધીરે ૮ થી ૧૦ દિવસમાં કાળો પડી સૂકાઇ જાય છે. ઘણીવાર થડ ઉપર કાળી પટી જેવું જોવા મળે છે. છોડને ઉપાડીને તપાસતા મૂળનો ભાગ ભીનો અને ચીકણો માલૂમ પડે છે. થડની રસવાહિનીઓ કાળા રંગની થઇ ગયેલ જોવા મળે છે. થડને વચ્ચેથી ઉભું ચીરીને જોતા અંદરના ભાગમા સફેદ રૂ જેવી ફૂગ જોવા મળે છ.
નિયંત્રણ પગલા :
- આ રોગ જમીન જન્ય હોવાથી લાંબા ગાળા સુધી પાકની ફેરબદલી કરવી.
- ઉનાળામાં ઉડી ખેડ કરવી, જેથી જમીનની અંદર રહેલ રોગપ્રેરક ફૂગનો નાશ થાય.
- રોગ પ્રતિકારક જાતની વાવણી માટે પસંદગી કરવી જેવી કે જીસીએસ-૭.
- બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપીને વાવેતર કરવું.
- એરંડીનો ખોળ અથવા લીમડાનો ખોળ વાવેતર સમયે ચાસમાં નાખવાથી નિયંત્રણ મળે છે.
- સેન્દ્રિય ખાતર તેમજ લીલો પડવાશ કરવાથી રોગ માત્રા ઘટાડી શકાય છે.
મૂળને કોહવારો
રોગની ઓળખ : આ રોગના મુખ્ય લક્ષણોમાં શરૂઆતમાં છોડ પાણીની ખેંચ અનુભવતો હોય તેવું લાગે છે અને ખૂબ જ ટૂંકાગાળામાં એકાએક આખો છોડ સૂકાઇ જાય છે. પાન ચીમળાઈ જઈ, સૂકાઇને ખરી પડે છે. રોગિષ્ટ છોડને ખેંચીને ઉપાડવામાં આવે તો સહેલાઇથી ઉપડી જાય છે. મુખ્ય મૂળ અને પેટામૂળ કોહવાઇ જવાથી તેની છાલ સહેલાઇથી છૂટી પડી જાય છે. છોડના થડને ચીરીને જોતા અંદરની બાજુએ ફૂગના કાળા બીજાણુંઓ જોવા મળે છે.
નિયંત્રણ પગલા :
- સુકારા રોગમાં જણાવેલ નિયંત્રણ પગલા લેવા
- વાવણી વખતે ટા૯ક આધારિત ટ્રાયકોર્ડમાં પ૦૦ કિ.ગ્રા. લીમડાના ખોળમાં અથવા રાઇનાં ખોળમાં ભેળવી ચાસમાં આપવું.
- જો ટ્રાયકોડમાં ફૂગ આધારીત પાવડર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે ૧ પંપમાં પ૦ ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડનાં મૂળની આસપાસ રેડી શકાય.
- ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફૂગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાક પાકતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો.
તલ
મૂળનો સૂકારો
રોગની ઓળખ : આ રોગકારક છોડના મૂળ દ્વારા જલવાહિનીમાં દાખલ થઇ પાણી અને ખોરાકનો રસ્તો બંધ કરી દે છે. જેને લીધે છોડ સૂકાવા લાગે છે. રોગની તીવ્રતા વધતા, પર્ણદંડ અને થડ ઉપરના ભૂખરા ધાબા દેખાય છે. અનુકુળ વાતાવરણ મળતાં ખૂબજ મોટી સંખ્યામાં છોડ સૂકાય
નિયંત્રણ પગલા :
- આ રોગ જમીન જન્ય હોવાથી પાકની ફેરબદલી કરવી.
- ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ દવાનો પટ આપી વાવેતર કરવું. ઉનાળામાં ઉંડી ખેડ કરવી.
થડનો સૂકારો
રોગની ઓળખ : ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે આ રોગ જોવા મળે છે. આ રોગ જમીનને અડીને થડ ઉપર બહારની સપાટીએ લાગ છે. થડ ઉપરની છાલ કથ્થાઇ રંગની થઇ જાય છે. વધારે આક્રમણ હોય ત્યારે આ રોગના કાળા ડાઘા ડાળી અને મૂળ ઉપર પણ જોવા મળે છે. તેની અંદર ટાંચણીના માથા જેવી કાળી બીજાણુંધાની બને છે. તે ભાગ ચાંદી જેવો ચળકતો દેખાય છે. અને છેલ્લે આખો છોડ સૂકાઇ જાય છે. તલના દાણાં ઉપર પણ ફૂગની સખત પેશીઓ નાના કાળા ટપકાંના રૂપમાં જોવા મળે છે.
- રોગ મુક્ત બીજની પસંદગી કરવી.
- થાયરમ ૩ ગ્રામ/કિલો બીજ મુજબ દવાનો પટ આપી વાવેતર કરવું.
- ઉભા પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે..પા. ૧૦ ગ્રામ અથવા હેકઝાકોનેઝોલ પ ટકા પ્રવાહી ૧૦ મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
પાન અને થડનો કોહવારો
રોગની ઓળખ : આ રોગ વધુ વરસાદ વાળા વર્ષોમાં વધારે જોવા મળે છે. રોગની શરૂઆતમાં પાન ઉપર આછા ભૂખરા પાણી પોચા ટપકા પડે છે. તિવ્રતા વધતા આખા પાનને અસર કરે છે. જેને કારણે પાન સુકાઇ ખરવા લાગે છે. રોગ વધુ હોય તો પર્ણદંડ અને ફૂલના ભાગો પર પણ જોવા મળે છ. અસરગ્રસ્ત ભાગ પર સફેદ ફૂગ જોવા મળે છે. આ રોગના કારણે બેઢા ચીમળાઇ જઇ દાણા બંધાતા નથી.
નિયંત્રણ પગલા:
- પાકનું વાવેતર સારી નિતારવાળી જમીનમાં કરવું.
- કોપર ઓકઝીકલોરાઈડ પ૦% ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ પ્રમાણે ભેળવીને પ્રથમ છંટકાવ કરવો, ત્યારપછી બીજો છંટકાવ ૧૫ દિવસે જરૂર જણાય તો કરવો.
- મેટાલેકસીલ ૮% + મેન્કોઝેબ ૬૪% (રીડોમીલ) તિયાર મિશ્રણ ર૦ ગ્રામ અથવા મેન્કોઝેબ (ડાયથેન એમ-૪૫) ૦.૨% એટલે કે દસ લીટરમાં ર૬ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મેળવીને ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
સંદર્ભ: જુનાગઢ કૃષિ યુનિવર્સિટી
ખેડુતમિત્રો, તમે સફલ કિસાન પર બીજા પાકો વિશે માહીતી મેળવવા અહીં ક્લીક કરો.