অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચોમાસુ તેલીબિયાના પાકોમાં જીવાત નિયંત્રણના પગલાઓ

ચોમાસુ તેલીબિયાના પાકોમાં જીવાત નિયંત્રણના પગલાઓ

ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમીયાન વવાતા અગત્યના તેલીબિયા પાકોમાં મુખ્યત્વે મગફળી, દિવેલા, તલ અને સોયાબીન ગણાવી શકાય. તેલીબિયા પાકોમાં આવતા વિવિધ અવરોધક પરીબળો પૈકી જીવાતને લીધે ખેડુતોને ઘણી વખત મોટુ નુક્સાન વેઠવુ પડતુ હોય છે. તેલીબિયાના પાકોમાં નુક્સાન કરતી જીવાતો ની ઓળખ, નુક્સાનના પ્રકાર અને તેનુ સંકલીત નિયંત્રણ ની વિસ્તૃત માહીતી અત્રે આપવામાં આવેલ છે.

મગફળી

મોલોમશી:આ જીવાત પોચા શરીરવાળી કાળાશ પડતીમોલો પાન, ફુલ, ડાળી તથા સુયામાથી રસ ચુસે છે. આ જીવાતનાં શરીરમાંથી મધ જેવો ચીકણો ૫દાર્થ ઝરતો હોવાથી ખેડૂતો આ જીવાતને ગળો તરીકે ઓળખે છે. ચીકણા ભાગ ઉ૫ર પાછળથી કાળી ફૂગનો ઉ૫દ્રવ થાય છે, જેને લીધે આખો છોડ કાળો દેખાય છે.

 

તડતડીયાં: લીલી પો૫ટી તરીકે ઓળખાતા તડતડીયાં આછા લીલા રંગના ફાચર આકારનાં હોય છે અને પાન ઉ૫ર લાક્ષણિક ઢબે ત્રાંસા ચાલે છે. નાના બચ્‍ચાં તેમજ પુખ્‍ત તડતડીયાં પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, ૫રિણામે પાનની ટોચો તથા ધારો પીળી ૫ડી જાય છે.  જો ઉ૫દ્રવ વધારે હોય તો છોડ ફીક્કો ૫ડી જાય છે અને પાન કોકડાઈ જઈ સૂકાય જાય છે.

થ્રિપ્‍સ: આ જીવાત નાની, નાજુક શંકુ આકારની ફીકકા પીળા રંગની અને કાળી પાંખોવાળી હોય છે. તે નરી આંખે અનુભવ વગર સ્પષ્‍ટ દેખી શકાતી નથી. બચ્‍ચાં ખૂબજ નાના અને પાંખો વગરનાં હોય છે.

સંકલીત નિયંત્રણ

 • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
 • આ જીવાતનો ઉપદ્રવ ક્ષમ્‍યમાત્રા કરતા વધારે હોય ત્યારે જંતુનાશક દવાઓ જેવીકે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજો છંટકાવ કરવો.

લીલી ઈયળ: આ જીવાતનાં પુખ્‍ત કીટકની આગળની પાંખો ૫રાળ જેવી અને ભૂખરા રંગની છાંટવાળી અને પાછળની પાંખો પીળાશ ૫ડતી સફેદ અને કાળી છાંટવાળી હોય છે. ઈયળ રંગે લીલી અને શરીરની બાજુમાં કાળાશ ૫ડતી રાખોડી રંગની લીટીઓ વાળી હોય છે. પાક પ્રમાણે ઈયળનો રંગ જુદો જુદો જોવા મળે છે.

મગફળીના પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા): આ જીવાતનું પુખ્‍ત કીટક આછા ભૂખરા રંગનું હોય છે. ઈંડાંમાંથી નીકળતી શરૂઆતની ઈયળ ઝાંખા લીલાશ ૫ડતા ભૂખરા રંગની હોય છે. જે મોટી થતાં કાળા ભૂખરા રંગની થાય છે. શરીરનાં ઉ૫રની બાજુએ માથાં આગળ તેમજ પાછળનાં ભાગમાં ત્રિકોણાકાર કાળા ટ૫કાંથી આ જીવાતની ઈયળો તૂરત જ ઓળખી શકાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ લાંબો સમય સુધી વધુ રહે ત્‍યારે આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

સંકલીત નિયંત્રણ

 • લીલી તથા પાન ખાનાર ઈયળ નિયંત્રણ માટે હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રે૫ ગોઠવી તેમા ૫કડાતા નર ફુદાંનો નાશ કરવો જેથી ફુદાં દ્વારા મૂકાતા ઈંડાંમાંથી ઈયળો ઓછી પેદા થાય.
 • લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
 • ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાયતો ૧૦ થી ૧ર દિવસ ૫છી કોઈ૫ણ એક દવાનો બીજો છંટકાવ કરવો.

સફેદ ધૈણ / ડોળ: ધૈણનાં પુખ્‍ત કીટક બદામી રંગના હોય છે.  જેને ઢાલિયા કીટક તરીકે ૫ણ  ઓળખવામાં આવે છે. આ કીટકની ઈયળ સફેદ રંગની અને બદામી માથાંવાળી હોય છે. સફેદ ધૈણ (ઈયળ) શરૂઆતમાં મગફળીનાં બારીક મૂળ ખાય છે અને ત્‍યારબાદ મુખ્‍ય મૂળને ખાઈને નુકસાન કરે છે. ઈયળ મૂળને ખાઈ જતી હોવાથી છોડ ધીમે ધીમે સૂકાઈને મરવા લાગે છે. એક છોડની ઈયળ ચાસમાં આગળ વધીને બીજા છોડના મુળ ખાવાનું શરૂ કરે છે. આ રીતે તેનું નુકસાન ચાસમાં વધતું જાય છે. ખેતરમાં મોટા ખાલા ૫ડે છે અને પાકનો આડેધડ નાશ થવા લાગે છે.

સંકલીત નિયંત્રણ

 • ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી ૫ણ સફેદ ધૈણનો ઉપદ્રવ ઓછો થાય છે.
 • બીયારણ ને કલોરપાયરીફોસ ર૦ ઈસી અથવા ક્વિનાલફોસ ર૫ ઈસી ૧૫ થી ૨૦ મિ.લિ. પ્રતિ કિ.ગ્રા. પ્રમાણેની બીજ માવજત વાવતા ૫હેલા આપવી.
 • આ જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ ૫હેલો સારો વરસાદ થયા ૫છી સંઘ્‍યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાશ કરવો.
 • આ ઉ૫રાંત ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ ઉ૫ર બધા પાન સારી રીતે છંટાય તે પ્રમાણે કાર્બારીલ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
 • ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્‍તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો જોઈએ.
 • ઉભા પાકમાં જ્યારે ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો ઉભા પાકમાં ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આ૫વી

દિવેલા

ઘોડીયા ઈયળ: ફૂદીં મજબૂત બાંધાની રાખોડીયા રંગની હોય છે. જેની અગ્રપાંખ બદામી રંગની અને પાછળની પાંખ ઘેરા રંગની હોય છે, જેમાં વચ્ચે સફેદ ટપકાં હોય છે. નાની ઈયળો પાનને કોરે છે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે.

ડોડવા કોરનારી ઈયળ: ફૂદું ચળકતા પીળા રંગનુ નાનુ હોય છે. જેની પાંખોમાં કાળા રંગના ટપકાં હોય છે. ઈયળ ૨૫ મી.મી. લાંબી બદામી કે ગુલાબી રંગની હોય છે. કોશેટા રતાશ પડતા બદામી હોય છે. આ જીવાતનો ઉપદ્રવ માળ આવવા સમયે શરૂ થાય છે. ઈયળ કુમળા ડોડવા કોરીને દાણા ખાય છે. પાસેના ડોડવાને રેશમી તાંતણા અને હગાર વડે જોડીને જાળું બનાવી તેમાં રહે છે.

પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા) : ફૂદાં આછા રાખોડી રંગના હોય છે. જેની અગ્ર પાંખો ચટાપટાવાળી હોય છે. માદા ફૂદીં સમૂહમાં પાન ઉપર ઈંડાં મૂકી ભૂખરા વાળથી ઢાંકી દે છે. નાની ઈયળો ઘેરા લીલા રંગની, જયારે વિકસીત ઈયળો આછા બદામી રંગની હોય છે. કોશેટા રતાશ પડતા બદામી રંગના માટીના કોચલામાં બનાવે છે.

પાન કોરીયું: પુખ્ત બદામી રંગની ઝીણી માખી છે. કીડા નાજુક, પીળા રંગના અને પગ વિનાના હોય છે. માદા માખી કુમળા પાનની પેશીઓમાં ઈંડાં મૂકે છે. કીડા પાનના બે પડ વચ્ચે રહી લીલો ભાગ ખાઈને વાંકીચૂકી સાપના લીસોટા આકારની ઘીસીઓ પાડે છે.

સંકલીત નિયંત્રણ

 • દિવેલાની કાપણી બાદ હળની ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ ઘોડીયા ઈયળ, સ્પોડોપ્ટેરા અને કાતરાના કોશેટા જમીનની બહાર આવી જાય છે. જેથી સૂર્યના સખત તાપથી તેમજ પક્ષીઓના ખાઈ જવાથી નાશ પામે છે.
 • દિવેલાની વાવણી ઓગષ્ટના પ્રથમ પખવાડીયામાં કરવાથી ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે.
 • દિવેલાની ઘોડીયા ઈયળ, પાન ખાનારી ઈયળ અને કાતરાની પુખ્ત ફૂદીંઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવીને ફૂદીંઓને મોટી સંખ્યામાં આકર્ષીને કેરોસીનવાળા કે જંતુનાશક દવાવાળા પાણીમાં ભેગા કરીને અથવા તાપણાં કરી નાશ કરી શકાય.
 • ફેરોમોન ટ્રેપમાં નર ફૂદીંઓને આકર્ષવા માટે જે તે જીવાતોની ફેરોમોનની ટોટી મુકવામાં આવે છે, જે ૨૦ થી ૨૫ દિવસના અંતરે વાતાવરણને ધ્યાનમાં રાખીને બદલવામાં આવે છે. ફેરોમોન ટ્રેપ પાન ખાનારી ઈયળ માટે ખુબજ ઉપયોગી છે.
 • કાતરા અને પાન ખાનારી ઈયળના ઈંડાં અનુક્રમે  શેઢા-પાળા ઉપર ઉગેલ ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈંડાંના સમૂહ તેમ જ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવાથી વસ્તીમાં ધરખમ ઘટાડો કરી શકાય છે. પરિણામે તેનાથી થતું નુકસાન ઘટાડી શકાય છે. મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો.
 • સ્પોડોપ્ટેરાનું ન્યુકિલઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ ઈયળ એકમ જરૂરી પાણીના જથ્થામા ઉમેરી હેકટર વિસ્તારમાં છાંટવાથી આવી ઈયળોમાં રોગ લાગુ પડતા સારુ નિયંત્રણ મળે છે.
 • દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય ત્યારે ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓથી તેનું ભક્ષણ થતું હોય છે. આમ આવા કીટકભક્ષી પક્ષીઓ જેવા કે મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૩૦ થી ૪૦ બેલાખડા પ્રતિ હેકટરે ખોડવા જોઈએ.
 • દિવેલાના પાકમાં ઘોડીયા ઈયળ, પાન ખાનારી ઈયળ તથા ની ઘાંટા કોરનારી ઈયળ ના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૫ મિ.લિ. અથવા બઝાર માં મળતી નવી જંતુનાશકો જેવિકે ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫  મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.
 • પાનકોરીયાનો ઉપદ્રવ વધુ જણાય તો ડાયક્લોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. અથવા ફેનીટ્રોથીઓન ૫૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ ૫છી બીજો છંટકાવ કરવો.
 • આ ઉપરાન્તં દિવેલાના પકમાં વિવિધ ચુસિયા પ્રકારની જીવાતો જેવીકતડતડીયાં, થ્રિપ્‍સ અને સફેદમાખી નુ નુક્સાન જોવા મળે છે જેના નિયંત્રણ માટે મગફળીમાં દર્શાવેલ દવાઓનો સમયસર છંટકાવ કરવો.

તલ

પાન વાળનારી ઇયળ: આ જીવાતની ઇયળો પીળાશ પડતાં આછા લીલાં રંગની હોય છે. જે શરીર ઉપર ટૂંકા કાળા વાળ ધરાવે છે. ઇયળ શરૂઆતમાં વિકાસ પામતાં છોડનાં ટોચનાં કુમળા પાનને એકબીજા સાથે જોડી પાનની વચ્ચે રહી સંતાઇને પાન ખાય છે. આથી ખેડુતો આ જીવાતને તલનાં માથા બાંધનારી ઇયળ ના નામથી પણ ઓળખે છે. પાકની ફૂલ અવસ્થાએ આ જીવાત કળી તથા ફૂલ ખાય છે. આવા નુકસાન પામેલા ફૂલમાં બૈઢા બેસતા નથી, જેથી છોડની ડાળીનો તેટલો ભાગ બૈઢા વગરનો ખાલી જોવા મળે છે.

તલનું ભુતિયું ફૂદું: આ જીવાતની ઇયળ મોટા કદની કાબર-ચીતરી લીલા અથવા પીળા રંગની હોય છે. ઇયળ શરીરના છેડે કાંટા જેવો ભાગ ધરાવે છે. પાછલી અવસ્થામાં ઇયળ માણસના હાથની આંગળી જેવી જાડી થાય છે. આ જીવાતની ઈયળ ખુબ જ ખાઉધરી છે, તે છોડના પાન ખાઇને નુકસાન કરે છે.

તલની ગાંઠીયા માખી: આ જીવાતની પુખ્ત માખી નાનાં મચ્છર જેવી હોય છે. જે ફૂલના અંડાશયમાં એકલ-દોકલ ઇંડાં મુકે છે. ઇંડાંમાંથી નીકળતો કીડો પીળાશ પડતા સફેદ રંગનો હોય છે. જે અંડાશયમાંથી બહાર ન આવતા તેમાં રહીને જ અંડાશય ખાય છે.

સંકલીત નિયંત્રણ

 • પાકનાં વાવેતર પછી તુરત જ ખેતરમાં પ્રકાશ પીંજર ગોઠવવાથી ફૂદાંની વસ્તી કાબુમાં રહે છે.
 • પાકની ફેરબદલી કરવાથી ગાંઠીયા માખી નો ઉપદ્રવ ઘટડી શકાય છે.
 • આ ઉપરાન્તં જીવાતના નિયંત્રણ માટે દીવેલામાં દર્શાવેલ વિવિધ ઈયળોના નિયંત્રણ માટેના જંતુનાશકો ઉપયોગમા લેવા.

પાનકથીરી

આ જીવાત નરી આંખે જોઇ ન શકાય તેટલી નાની તથા ગોળ શરીરવાળી હોય છે. તેને જોવા માટે બિલોડી કાચ (મેગ્નીફાઇંગ ગ્લાસ) ની જરૂર પડે છે. મેલા સફેદ રંગની આ જીવાત ચાર જોડી પગ ધરાવે છે. જે પાનની નીચેની સપાટીએ સમુહમાં રહી જાળા બનાવી નુકસાન કરે છે.

સંકલીત નિયંત્રણ:

 • આ જીવાતનો ઉપદ્રવ વધતો જણાય ત્યારે ડાયકોફોલ ૧૮.૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૨૫ મિ.લિ. અથવા ઈથીઓન ૫૦ ઈસી અથવા ફેનાઝાક્વિન ૫૭.૫ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી નિયંત્રણ થાય છે.

સોયાબીન

પાનનું ચાંચવુ : આ જીવાતના પુખ્ત કાળા રંગના હોય છે. મુખનો ભાગ અણીદાર તેમજ અંદરનો ભાગ પહોળો હોય છે. પુખ્ત કીટક છોડના પાન કિનારીએથી કોરી ખાય છે.

સંકલીત નિયંત્રણ:

 • આ જીવાતની ઈયળ અવસ્થા જમીનમાં રહેતી હોવાથી ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી એક લિટરના પ્રમાણમાં હેકટર દીઠ રેતી સાથે ભેળવી છાંટવી.
 • ઉપદ્રવ વધુ જણાય તો ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી હેક્ટર દીઠ ૨૦ કિ.ગ્રા. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

આ ઉપરાન્તં સોયાબીનમાં નુક્સાન કરતી ચુસીયા પ્રકારની જીવાતોમાં થ્રિપ્સ અને લીલા તડતડીયાં નો સમાવેશ થાય છે જેના નિયંત્રણ માટે મગફળીના પાકમાં દર્શાવેલ જંન્તુનાશકોનો ઉપયોગ કરવો જ્યારે ચાવીને ખાનાર જીવાતોમાં લશ્કરી ઈયળ અને ઘોડીયા ઈયળ નુ નુક્સાન જોવા મળે છે.આ જીવાતના નિયંત્રણ માટે આગળ પર દીવેલાના પાકમાં દર્શાવેલ જંન્તુનાશકોનો ઉપયોગ કરવો.

સ્ત્રોત: જીગ્નેશ ભૂત, આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ (ento) જૂનાગઢ અગ્રિ. યુનિ. Mob. : 9428591467

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate