ખેતીમાં ગૌણ તથા સુક્ષ્મતત્વોનો ફાળો
આ બધા પોષકતત્વોની પૂર્તિ માટે કયા ખાતરો વાપરવા જોઇએ ?
- ખેડૂત મિત્રો, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશ્યિમ માટે યુરિયા, ડીએપી, એમોનીયમ સલ્ફેટ, કેલ્શીયમ એમોનીયમ નાઇટ્રેટ, મિશ્ર ખાતરો વગેરે આપવા જોઇએ. ગૌણતત્વોમાં આપણે આગળ જોયુ તમ કેલ્શિયમ અને મેગ્નેશ્યિમની જરૂર નથી. ગંધક માટે ગંધકયુક્ત કોઇ પણ ખાતરો અને ખાસ કરીને જિપ્સમનો ઉપયોગ કરવો જોઇએ. તે આપણે જાણીએ છીએ.
- જયારે સૂક્ષ્મતત્વોની પૂર્તિ માટે સૂક્ષ્મતત્વોયુક્ત ખાતરો વાપરવા જોઇએ. જેવા કે જસત માટે ઝિંક સલ્ફેટ, લોહ માટે ફેરસ સલ્ફેટ જે હિરાકાશીના નામે પણ ઓળખાય છે, ત્રાંબા માટે કોપર સલ્ફેટ (મોરથુથું), બોરોન માટે બોરિક એસિડ અથવા તો બોરેક્ષ જે ટંકર ખાર તરીકે પણ ઓળખવામાં આવે છે
ગૌણ અને સૂક્ષ્મતત્વો એટલે શું ?
- મિત્રો, સંશોધન ધ્વારા આપણે જાણી શક્યા છીએ કે છોડને તેના પોષણ અને વ્રુધ્ધિ-વિકાસ માટે ૧૭ પોષકતત્વોની જ જરૂરીયાત રહે છે. આ નક્કી થયેલા પોષક તત્વોનું વર્ગીકરણ છોડની જરૂરીયાતની માત્રા મુજબ તથા જમીનમાં તેની ઉપલબ્ધતાને આધારે કરવામાં આવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની છોડને બહોળા પ્રમાણમાં જરૂરીયાત હોવાથી આ તત્વોને મુખ્ય પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. મધ્યમ જરૂરીયાત વાળા તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશ્યિમ અને ગંધકને ગૌણ તત્વો ગણવામાં આવે છે. તે ઉપરાંત વનસ્પતિને આર્યન (લોહ), મેંગેનીઝ, ઝીંક (જસત), કોપર (તાંબુ), બોરોન, મોલિબ્ડેનમ જેવા તત્વોની જરૂરીયાત તદ્દ્ન અલ્પ પ્રમાણમાં હોવાથી અને જમીનમાં ઉપલબ્ધતા પણ ઘણી જ ઓછી હોવાથી આ જૂથના તત્વોને સૂક્ષ્મતત્વો કહેવામાં આવે છે. ટૂંકમાં છોડને જરૂરીયાત ઓછી મતલબ સૂક્ષ્મ એટલે સૂક્ષ્મતત્વો.
સૂક્ષ્મતત્વોની લભ્યતા પર અસર કરતાં પરિબળો
- જમીનમાં સૂક્ષ્મ તત્વોની સુલભ્યતા મુખ્યત્વે
- જમીનનો અમ્લતા આંક
- ઝીણી માટીનું પ્રમાણ
- મુક્ત ચૂનો
- સેન્દ્રીય તત્વ
- જમીનનો ભેજ
- સુલભ્ય ફોસ્ફેટનું પ્રમાણ
- અન્ય તત્વો સાથેનો પારસ્પરિક સંબંધ
- સૂક્ષ્મ જીવાણુઓની પ્રવૃતિઓની અસર
- જમીનની ચયાપચયની સ્થિતિ
- છોડવાઓના મૂળ પ્રદેશની અસર
- ઋતુની અસર જેવા અનેક પરિબળો ઉપર આધારિત હોય છે.
ખેતી પાકોમાં ગંધક તથા સૂક્ષ્મતત્વોની પૂર્તિ કરવાથી શું ફાયદો થાય ?
- જુઓ ખેડૂત મિત્રો, આપણા દૈનિક આહારમાં ધાન્યવર્ગ, કઠોળ તેમજ શાકભાજીનું આગવું સ્થાન છે. પોષણ મુલ્યની દ્રષ્ટિએ દરેક ખાદ્યપદાર્થમાં બધાજ પ્રકારના પોષકતત્વો રહેલા છે. આ પોષક તત્વો પુરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. વનસ્પતિને પોષક તત્વો મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત જમીન છે. તેથી જમીનમાં જે તત્વની ઉણપ હોય તે તત્વની ઉણપ જે તે પાકમાં જણાય અને આખરે આપણા શરીરમાં પણ ઉણપ વર્તાય કારણ કે માનવ શરીરના બંધારણના ઘડતર માટે વિવિધ ખાદ્યપદાર્થ જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. આમ માનવ આરોગ્ય જળવાઇ રહે અને ખેતી પાકોનું ઉત્પાદન વધે તે બન્ને માટે ખેતી પાકોમાં સૂક્ષ્મતત્વોની પૂર્તિ કરવી સલાહભર્યુ છે.
કેવી જમીનમાં સૂક્ષ્મતત્વોની ઉણપ જણાય. ?
- હલકા પ્રતની રેતાળ, ખડકાળ, પથ્થરીયા, ચૂનખડ તેમજ ઓછા નીતારવાળી ક્ષારીય જમીનો કે અમ્લતા આંક ઉંચો હોય તેવી ભાસ્મિક જમીનોમાં, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય, જમીનમાં ઉપલા પડનું ધોવાણ થયેલ હોય અથવા સુલભ્ય ફોસ્ફેટની માત્રા વિશેષ હોય તેવી જમીનોમાં સૂક્ષ્મતત્વોની ખામી વર્તાતી હોય છે. બહોળા પ્રમાણમાં એકલા રાસાયણિક ખાતરના ઉપયોગથી, લીલો પડવાશ ભાગ્યે જ કરવાથી અને પીયતની સવલત છે ત્યાં વર્ષ દરમ્યાન બે કે તેથી વધુ પાક લેવા વગેરે કારણોને લીધે સૂક્ષ્મ તત્વની ઉણપ ઘણી જગ્યાએ વર્તાવા લાગી છે.
સૂક્ષ્મતત્વોની પૂર્તિ બધા જ પાકોને જરૂરી છે ?
હા, સૂક્ષ્મતત્વોની પૂર્તિ બધા પાકને જરૂરી છે.કારણ કે કોઇ પણ પાકના સપ્રમાણ વ્રુધ્ધિ અને વિકાસ માટે બધાજ આવશ્યક પોષક તત્વો જરૂરી છે. સૂક્ષ્મપોષક તત્વો પણ આવશ્યક તત્વો તરીકે જ ગણવામાં આવે છે. ફરક માત્ર એટલો જ છે કે, આપણે આગળ જોયુ તેમ સૂજ્મતત્વોની જરૂરીયાત ઓછી છે તેથી જો જમીનમાં ઉણપ હોય તો તેની અગત્યતા મુખ્ય પોષક તત્વો જેટલી જ છે બધા જ પાકમાં તે જરૂરી છે.
સૂક્ષ્મતત્વોની ઉણપના સામાન્ય લાક્ષણિક ચિહ્નો
- .લોહ : લોહની ઉણપમાં છોડના ઉપરના ભાગોના નવા પાન પીળુ પડે છે પણ તેની ધોરી નસ લીલી રહે છે. વિકટ પરિસ્થિતિમાં પાન સફેદ થઇ જાય છે. નાના પાનની વૃધ્ધિ અટકે તેમજ વિષમ સંજોગોમાં પાનની ધાર એટલી કિનારી તથા ટોચ બળી જતા પાન મરી ગયું હોય તેવું લાગે છે.
- જસત : જસતની ઉણપને લીધે છોડનો વિકાસ બરાબર થતો નથી, ટુંકી આંતરગાંઠોને લીધે છોડ બટકો રહે છે. અને સાંઠા ઉપર ભૂખરા ચકામાં પડે છે. પાન પીળા પડે છે અને પાન પર કાટ જેવા ડાઘ દેખાય છે. નવા પાન નાના અને ઝુમખામાં આવે છે. પાન ઉપરની દિશામાં વાટકી આકારના જાડા, બરછટ થાય છે અને વળી જાય છે. જુના પાન રાખોડી-કથ્થઇ અને તેની કિનારી તપખીરીયાં રંગની થાય છે. જસતની ઉણપ હોય ત્યારે દાણા બરાબર ભરાતા નથી.
- બોરોન : બોરોનની ઉણપ પણ સર્વ પ્રથમ નવી ઉગતી કળી અને તેની આજુ બાજુના પાન પર જોવા મળે છે. ઉગતી કળીની આજુબાજુના પાન નિલવર્ણા થઇ જાય છે. પાનની ધાર, નવી કુંપણ અને તેની ટોચ પર વિશેષ અસર થાય છે. પાનની ટોચ અને ધાર બળવા લાગે છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાય છે. છોડના પાન જાડા તથા કોકડા અને બરછટ બની જાય છે. વળી આ ઉપરાંત ઓછા ફલિનિકરણને લીધે દાણા બરાબર બેસતા નથી. અંદરની પેશીઓનો બરાબર વિકાસ થતો નથી તેનાથી સાંઠા અને ફળમાં બખોલ જેવી જગા પડે છે, નવા તૈયાર થયેલ ફળ ખરી પડે છે.
- ગંધક :
- છોડનો વિકાસ રૂંધાય છે, પ્રકાંડ ટૂંકુ અને નબળુ બને છે.
- કુમળા નવા પાન પીળા પડે છે.
- ધાન્ય પાકોમાં દાણાની પરિપક્વતા મોડી આવે છે
- કઠોળ વર્ગના પાકોમાં જીવાણુંની ગાંઠોમાં ઘટાડો થાય છે.
- ઘણીવાર ફળો પૂરતા પ્રમાણમાં પાકતા નથી.
જરૂરીયાત ભલે ઓછી હોય પણ વધારે ઉમેરીએ તો વધુ સારું ઉત્પાદન મળે ને ?
- ના, પાક તેની જરૂરીયાત મુજબ જ તત્વોને ઉપયોગમાં લે છે. વધારાનું ખાતર પડી રહે, વ્યય થાય અને જમીન બગડે? ગોળ નાખીએ એટલો કંસાર ગળ્યો થાય, પણ ઓછો નાખવાથી કોઇ ન ખાય તેથી માપસર- પ્રમાણસર જ ખાતરો વાપરવા જોઇએ.
સૂક્ષ્મતત્વોયુક્ત રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા ઉપર અસર કરતાં પરિબળો. ?
- જમીનમાં રહેલ ભેજ
- જમીન સંરક્ષણ
- સંકલિત ખાતરોનો ઉપયોગ
- સમયસર ખેત માવજત
- પાકની પસંદગી
- છોડની પૂરતી સંખ્યા
- પાક સંરક્ષણ
- નિંદણ નિયંત્રણ વગેરે.
- આ પરિબળો બરાબર હોય ત્યારે સૂક્ષ્મતત્વોયુક્ત રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા વધારે હોય છે.
સૂક્ષ્મતત્વોની વિવિધ પાકોના ઉત્પાદનમાં શું અગત્યતા છે ?
- સૂક્ષ્મતત્વોની પૂર્તિનું પ્રમાણ ઓછુ છે તેથી ખેડૂત મિત્રો દ્વારા સૂક્ષ્મતત્વોનાં ઉપયોગ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ આ પોષક તત્વોનું મહ્ત્વ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા મુખ્ય પોષકતત્વોથી જરા પણ ઓછું નથી. વળી જો જરૂરી પોષકતત્વો સમયસર અને પૂરતી માત્રામાં મળી ના રહે તો પાક ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને તેની ગુણવત્તાને પણ અસર થાય છે. તેથી ગુણવત્તાવાળુ વધુ ઉત્પાદન મેળવવા માટે સૂક્ષ્મતત્વોની પૂર્તિ કરવી જરૂરી બને છે. જો સૂક્ષ્મતત્વોની ઉણપ હોય અને બાકીના તત્વો પૂરતા પ્રમાણમાં હોય તો પણ ઉત્પાદન બરાબર મળતું નથી.ખૂટતા સૂક્ષ્મતત્વોની પૂર્તિ કરવાથી મુખ્ય પોષક તત્વોની ઉપયોગીતા પણ વધે છે.
- ટુંકમાં કહુ તો સૂક્ષ્મતત્વોની જરૂરીયાત ઓછી છે પણ જોઇએ- “ નાનો પણ રાઇનો દાણો” સ્વાદિષ્ટ દાળ માટે રાઇ નો વઘાર જોઇએ જ તેમ ખેતી પાકોના ગુણવતા સભર સારા ઉત્પાદન માટે સમતોલ પોષણ વ્યવસ્થામાં સૂક્ષ્મતત્વો ઉમેરવા પડે જ. ઉભા પાકમાં ઉણપ જણાય તો છંટકાવ દ્વારા પણ પૂર્તિ કરી શકાય
ગૌણ અને સૂક્ષ્મતત્વોની ઉણપનું નિવારણ કેવી રીતે કરી શકાય ?
જમીનમાં જે પોષક તત્વોની ઉણપ વર્તાતી હોય તે ખૂટતા તત્વની પ્રમાણસર અને સમયસર જમીનમાં પૂર્તિ કરવાથી, અલગ પાક પર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જો જમીન ચકાસણીથી ઉણપ નક્કી કરવામાં આવી હોય તો શરૂઆતથી જે તે પાક માટે પાયાના ખાતર સાથે ખૂટતા સૂક્ષ્મતત્વોનું પ્રમાણસર ખાતર જમીનને આપી દેવું જોઇએ. જેથી છોડના તત્વની ખામી નિવારી શકાય. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે જસત માટે દર ત્રણ વર્ષે એક વખત ૨૫ કિ.ગ્રા. ઝિકસલ્ફેટ/હે જમીનમાં આપવાથી જસતની ઉણપવાળી જમીનોમાં જસતની ખામી નિવારી શકાય છે. જયારે ઉભા પાકમાં ઉણપના લક્ષણો દેખાય ત્યારે નિદાન કરી માત્ર ખૂટતા તત્વની પ્રમાણસર પૂર્તિ છંટકાવથી કરવી જરૂરી છે. ઉદાહરણ તરીકે લોહની પૂર્તિ ૦.૫%, ફેરસ સલ્ફેટના આગલી રાત્રે ઓગાળી રાખેલ ચૂનાના નીતર્યા પાણીથી શિથિલ કરેલ દ્રાવણના છંટકાવ કરી શકાય છે. આ ઉપરાંત રાજ્ય સરકારશ્રી દ્વારા જમીનમાં તેમજ ઉભા પાકમાં છંટકાવ માટેનો મિશ્ર સૂક્ષ્મતત્વોના વિવિધ ગ્રેડસ માન્ય કરેલ છે. જેમાં જસત, લોહ, મેંગેનીઝ, ત્રાંબુ અને બોરોન આવરી લેવામાં આવેલ છે. આ ગ્રેડસનો પણ પૂર્તિ કરવા ઉપયોગ કરી શકાય છે. જમીનમાં સૂક્ષ્મતત્વોની લભ્યતાની જાણકારી મેળવવા માટે તેનું દર બે થી ત્રણ વર્ષે પૃથ્થકરણ કરાવી લેવું જોઇએ કે જેથી ખૂટતા પોષકતત્વોની આપણને માહિતી મળી જાય અને ભલામણ મુજબ તેની જે તે તત્વોના નિવારણના પગલા લઇ શકાય.
સ્ત્રોત:
આણંદ કૃષિ યુનીવર્સીટી ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.