অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાગલી -ધાન્ય પાકો

નાગલી

ગુજરાતમાં વવાતાં તૃણ ધાન્ય પાકોમાં નાગલી, મોખરાનું સ્થાન ધરાવે છે. નાગલી એ ડુંગરાઉ પ્રદેશમાં વસતાં આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતાં તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેક્ટરે ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. ગુજરાતમાં કુલ ૧૪,૧૬૧ હેક્ટર જમીનમાં નાગલીનું વાવેતર થાય છે. તેમાંથી ૧૮,૯૦૫ મે.ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સૌથી વધારે નાગલી ડાંગ, વલસાડ તાપી અને પંચમહાલ જીલ્લામાં થાય છે. નાગલીને અંગ્રેજીમાં ફીંગર મિલેટ અથવા આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં રાગી, બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે.

નાગલી પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે. તેના દાણાંમાં પ્રોટીન, ખનીજ તત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેષાની માત્રા વધારે હોવાથી ડાયબીટીસ અને હ્રદય રોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે. નાગલીમાં કેલ્શિયમ અને લોહનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં સવિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવામાં થાય છે. નાગલી ઉગાડતાં આદિવાસી ખેડૂતો નાગલીના લોટમાંથી રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદી જુદી મૂલ્યવર્ધક વાનગીઓ બનાવી શકાય છે.

જમીનની પસંદગી

નાગલી વિવિધ પ્રકારની જમીન, આબોહવા તથા જ્યાં અન્ય પાક ઉગાડવાની શક્યતા ઓછી હોય તેવી ઓછી ફળદ્રુપ અને ઢાળવાળી જમીનમાં લઈ શકાય છે. પરંતુ સારા નિતારવાળી, લાલ, રાખોડી, ગોરાડું અને હલકી અથવા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.

બીજની માવજત

બીજ જન્ય રોગ અટકાવવા માટે સ્યુડોમોનાસ ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ પ્રમાણે તેમજ રાસાયણિક ખાતરના કાર્યક્રમ ઉપયોગ માટે બીજને એઝેટોબેકટર/એઝોસ્પિરીલમ તેમજ પીએસબી જેવા જૈવિક ખાતરનો પટ આપવો.

બિયારણનો દર

ભલામણ કરેલ જાતોનું પ્રમાણિત, શુધ્ધ, ગુણવત્તા સભર બિયારણની પસંદગી કરી એક હેક્ટર દીઠ ૪ થી ૫ કિ.ગ્રા. બિયારણ વાપરવું.

જાતો

ગુજરાત નાગલી-૪ (લાલ)

આ જાત લાલ દાણવાળી, ૧૫-૧૩૦ દિવસમાં એટલે કે મધ્યમ મોડી પાકતી જાત છે. આ જાતના ડુંડા લાંબા અને અર્ધ ઘટ્ટ તથા ડુંડામાં દાણની સંખ્યા વધારે હોય છે. એકરે સરેરાશ ૧૨૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. કરોડી જેવા રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે.

ગુજરાત નાગલી-૫ (સફેદ)

સફેદ દાણાંવાળી આ જાત ૧૨૦-૧૨૫ દિવસમાં પાકી જાય છે. એકરે સરેરાશ ૧૨૫૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. કરમડી જેવા રોગ અને ગાભમારાની ઇયળ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

ગુજરાત નવસારી નાગલી -૬ (ઘાટા કથ્થાઇ દાણાવાળી)

ભરાવદાર આકર્ષક, ઘાટા કથ્થાઇ દાણાંવાળી આ જાત ૧૧૫-૧૨૦ દિવસમાં એટલે કે મધ્યમ મોડી પાકતી જાત છે. એકરે સરેરાશ ૧૨૫૦ થી ૧૩૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. કરમડી જેવા રોગ અને ગાભમારાની ઇયળ સામે પ્રતિકારક જાત છે.

ધરૂવાડિયું

ધરૂવાડીયાની જમીન સહેજ ઊંચાણવાળી, પિયતની સગવડતાવાળી અને નીંદણમુક્ત હોવી જોઈએ. જમીનને હળ અને કરબથી ખેડી ભરભર બનાવી, સમાર મારી સમતળ બનાવવી. સારું, તંદુરસ્ત અને ચિપાદર ધરૂ ઉછેરવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

  1. એક હેક્ટર રોપણી માટે ૧ મીટર પહોળા, ૫ મીટર લાંબા અને ૧૫ સે.મી. ઊંચાઈના ૨૦ ગાદી ક્યારા બનાવવા.
  2. ક્યારા દીઠ ૧૦ કિ.ગ્રા. સારૂ કોહવાયેલુ છાણીયું ખાતરા વર્મીકમ્પોસ્ટ, ૧૦ કિ.ગ્રા. દિવેલીનો ખોળ આપી જમીનમાં બરાબર ભેળવી દેવું.
  3. વરસાદની શરૂઆત થતાં ક્યારામાં ૧૫ સે.મી.ના અંતરે કોદાળીથી છીછરા ચાસ ખોદી બિયારણને ચાસમાં વાવેતર કરવું.
  4. ધરૂવાડીયામાં ભેજ રહે તે રીતે પાણી આપવું.
  5. નિંદામણ જરૂરિયાત મુજબ કરતાં રહેવું.
  6. સામાન્ય રીતે ૨૧ થી ૨૫ દિવસના ધરૂનો રોપણી માટે ઉપયોગ કરવો.

ફેરરોપણી

નાગલીની ફેરરોપણી માટે જુલાઇનું પ્રથમ અઠવાડિયું આદર્શ ગણાય છે. ૫ થી ૭ પાનવાળું ૨૧ થી ૨૫ દિવસના ધરૂની ફેરરોપણી બે હાર વચ્ચે ૨૨.૫ થી ૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૭ થી ૮ સે.મી.નું અંતર જાળવી ટોચ કાપી એક થી બે ચિપા રોપવા. ફેરરોપણી બાદ ૮-૧૦ દિવસ બાદ ખાલાં પડ્યા હોય તે પૂરવા.

ખાતર વ્યવસ્થાપન

એક હેક્ટર દીઠ ૬ થી ૮ ટન સારૂ કોહવાયેલુ છાણીયું ખાતર આપવું અથવા શણ/ ઈકકડનો લીલો પડવાશ કરવો. સેન્દ્રિય ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો. નાગલીના ધરૂને ઉપાડીને રોપણી પહેલાં ૨૦૦ મી.લી./ હેક્ટર પ્રવાહી એઝેટોબેકટર, પીએસબી અને કેએમબી ૧૦ મી.લી. ને ૧ % ગોળના દ્રાવણમાં મિશ્ર કરી ૩૦ મિનિટ બોડી ફેરરોપણી કરવી તથા જમીન માવજત માટે ૧ લી. પ્રવાહી એઝોટોબેક્ટર ૨૦ કિ.ગ્રા./ હેક્ટર ભરભરી માટી સાથે મિશ્ર કરી નાગલીના મૂળ વિસ્તારમાં આપવુ.

પિયત વ્યવસ્થાપન

  • વરસાદનું પ્રમાણ સારું અને નિયમિત હોય તો પિયત આપવાની જરૂર પડતી નથી. પરંતુ, પિયતની સગવડ હોય અને પાછોતરો વરસાદ ખેંચાય તો એક બે પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. નાગલીના પાકમાં કોઈપણ અવસ્થામાં પાણીનો ભરાવો સહન કરી શકતો નથી. જેથી જ્યાં પાળાવાળા ખેતરમાં કે છીછરી ક્યારીમાં ધાવલ કરી ફેરરોપણી કરી હોય ત્યાં જો છૂટું પાણી હોય તો તે નિતારી દેવું.
  • નાગલીના છોડનો શરૂઆતનો વિકાસ ધીમો હોવાથી શરૂઆતના ૪૫ દિવસ સુધી પાકને નીંદણમુક્ત રાખવો. ફેરરોપણી બાદ જરૂર પ્રમાણે નિંદામણ કરવાથી રોગ-જીવાત ઓછા કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

પાક સંરક્ષણ

સામાન્ય રીતે નાગલીના પાક ઉપર રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. તેમ છતાં ગાભમરાની ઇયળનો કે કરમોડી (બ્લાસ્ટ) રોગનો ઉપદ્રવ જણાયતો નીચે પ્રમાણે પગલાં લેવા.

કરમોડી (બ્લાસ્ટ) રોગ:

  1. પ્રતિકારક જાતો વાવવી,
  2. સ્યુડોમોનાસ એરૂજીનોસાનો ૬૦ મી.લી. પ્રતિ ૧૦ લી. પાણીમાં દ્રાવણ બનાવી ત્રણ છંટકાવ, પ્રથમ રોગની શરૂઆતમાં ત્યારબાદ ૧૫ દિવસના અંતરે કરવા.

ગાભમારાની ઈયળ:

  • ટ્રાયકોકાઈ પાંચા હેક્ટર મુજબ રોપણી બાદ ૨૫ દિવસે નાગલીના ખેતરમાં ગોઠવવાં. કાપણી અને સંગ્રહ નાગલીનો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થઈ જાય છે. નાગલીના કણસલાં જેમ તૈયાર થાય તેમ કાપતાં જઇ ખળામાં સૂકવી દાણાં છૂટાં પાડવાં. દાણાને સાફસૂફ કરી અનાજ ભરવાની કોઠીમાં સંગ્રહ કરવો. નાગલીના ચીપટ કાપી સંગ્રહ કરવો, જે ઢોરના સૂકા ચારા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

સહ સંશોધન વૈજ્ઞાનિક કૃષિ સંશોધન કેન્દ્ર મીલેટ,ન કૃ. યુ., વઘઈ

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate