જૂન - જુલાઈ માસમાં પૂરતો વરસાદ થયે વાવેતર કરવું, જુલાઈ માસના બીજા પખવાડીયામાં વાવેતર કરવાથી ચોમાસાના પાછોતરા વરસાદથી પાકને થતા નુકશાનથી બચાવી શકાય.
સોયાબીનના છોડના મૂળ ઉંડા જતા હોય હળથી ખેડ કરી ત્યાર પછી કરબથી આડી ઉભી ખેડ કરી જમીન ભરભરી કરવી. આવી રીતે તૈયાર કરેલ જમીનમાં વાવણી સારી રીતે થઈ શકે છે અને ઉગાવો સારો અને એકસરખો થાય છે. જમીનની તૈયારી વખતે સારૂ કહોવાયેલું છાણિયુ ખાતર ૧૦ ટન પ્રતિ હેકટરે નાંખવું.
ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ગુજરાત સોયાબીન-૧ જયાં વધારે વરસાદ વાળા વિસ્તાર માટે ગુજરાત સોયાબીન-ર જાતની પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત ગુજરાત સોયાબીન-૩ અને કલાર્ક જાતોની મિશ્ર/આંતર પાક તરીકે પસંદ કરવી. એન.આર.સી-૩૬ અને જે.એસ.-૩૩પ જાતનું ઉત્પાદન પણ આપણે ત્યાં સારૂ મળે છે.
ફળદ્રુપ જમીનમાં બે હાર વચ્ચે ૪પ સે.મી. અને હલકી જમીનમાં ૩૦ સે.મી. અંતર રાખવું અને એક જ હરોળમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧પ સે.મી. અંતર જળવાય તે રીતે બીજની વાવણી કરવી. બીજની વાવણી ૪-પ સે.મી. ઉંડાઈએ કરવી જોઈએ. વધારે ઉંડી કે વધારે છીછરી વાવણી કરવાથી ઉગાવો બરાબર થતો નથી.
જાત અને ઉગાવાના ટકાને આધારે હેકટરે ૬૦ થી ૭પ કિલો બિયારણની જરૂર પડે છે.
સોયાબીનનો પાક નવો હોવાથી વાવેતર કરતાં પહેલાં રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવી જરૂરી છે. ભલામણ મુજબ રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપી છાંયડામાં અડધો કલાક સૂકવવું. આ ઉપરાંત બીજ જન્ય રોગોથી પાકને બચાવવા ફુગનાશક દવાનો પટ પણ આપવો જોઈએ. સોયાબીન જો ઉંડે વવાય જાય તો ફુગથી કહોવાઈ જાય છે. તેનાથી બચવા બિયારણને કિલો બીજ દીઠ ૪.પ૦ ગ્રામ થાયરમ કે ર.પ ગ્રામ કાર્બેંદિજામ દવાનો પટ આપવો.
પાકની વાવણી સમયે ચાસમાં ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું. ખાતરનો બધો જ જથ્થો એકી સાથે પાયાના ખાતર તરીકે આપ્યા બાદ બીજનું વાવેતર કરવું.
મોલોમશી જીવાત છોડમાંથી રસ ચૂસી છોડની વૃદ્ધિ અટકાવે છે. તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે, ડાયમીથોએટ ૧૦ મિ.લી., ફોસ્ફામીડોન પ મિ.લી., મીથાઈલ ઓડીમેટોન ૧૦ મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
સોયાબીન ના પાકમાં ર૦ અને ૪૦ દિવસે આંતરખેડ કર્યા બાદ હાથથી નિંદણ કરવાથી નિંદણ નિયંત્રણ કરી શકાય છે, પરંતુ જયાં નિંદણનો ઉપદ્રવ વધુ હોય તો એલાકલોર નિંદામણ નાશક દવા હેકટરે ૧.૦ કિ.ગ્રા. પ૦૦ લિટર પાણીમાં ઓગાળી સોયાબીનના વાવેતર બાદ તૂરત જ છંટકાવ કરવાથી અસરકારક નિંદણ નિયંત્રણ કરી શકાય છે.
જાત અને ઋતુ પ્રમાણે સોયાબીન ૮૦ થી ૧૧પ દિવસમાં કાપવા માટે તૈયાર થઈ જાય છે. મોટા ભાગના પાન પીળા પડી જાય અને મોટા ભાગની પકવ શીંગો પીળી પડી જાય એટલે પાક કાપણી માટે તૈયાર થઈ ગયો ગણાય અને સત્વરે કાપણી કરી લેવી. કાપણીમાં વિલંબ થવાથી શીંગો છોડ પર જ ફાટી જઈ દાણા ખરી પડે છે અને હાથમાં આવેલુ ઉત્પાદન ગુમાવી દેવાનો વારો આવે છે. જમીનના સપાટીએથી છોડ કાપ લઈ પ-૬ દિવસ સુકવી ઝુડીને દાણા છૂટા પાડવા. બળદો ફેરવીને, ટ્રેકટર ફેરવીને કે પાવર થ્રેસરથી પણ દાણા છુટા પાડી શકાય. દાણા સાફ કરી તાપમાં ર-૩ દિવસ સુકવી સંગ્રહ કરવો જોઈએ.
પૂરતી માવજત અને સમયસર ખેતી કાર્યો કરવામાં આવે તો હેકટરે ૧પ૦૦ થી ર૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મેળવી શકાય છે.
સ્ત્રોત: પ્રશ્નોતરી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020