অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ પ્રજનન અને સંવર્ધન

પશુ પ્રજનન અને સંવર્ધન

ગામમાં વેતરે આવેલ ગાય- ભેંસોને કુદરતી રીતે ફળવવા /બંધાવવા માટે સાંઢ/પાડો કેવો હોવો જોઈએ?

સાંઢ/પાડો શુદ્ધ ઓલાદના બધા ગુણ ધરાવતો હોવો જોઈએ . તેની વૃષણકોથળી વધુ પડતી લટકતી ન હોવી જોઈએ. તેના બંને શુંક્રપિંડના કદમાં મોટો ફેરફાર ના હોવો જોઈએ એટલે કે બંને શુંક્રપિંડ લગભગ સરખા કદના હોવા જોઈએ.ઓછામાં ઓછો ૩ વર્ષ કે તેથી વધુ ઉમરનો હોવો જોઈએ . ચેપી રોગો જેવા કે ગળસૂંઢો ,ખરવા – મોવાસો,ગાંઠિયો તાવ વગેરે સામે રસી મુકાવેલ હોવો જોઈએ તથા ચેપી , ગર્ભપાત (બ્રુસેલોસીસ ) , ટી .બી., જહોન્સના રોગોથી મુક્ત હોવો જરૂરી છે.

વેતરે આવેલ ગાય-ભેંસ (વાછરડી- પાડી)કેવા ચિન્હો દર્શાવે છે?
  • વેતરમાં આવેલ પશુ નીચે જણાવેલ ચિન્હો તમામ અથવા થોડો વધુ ઓછી તીવ્રતાથી દર્શાવેલ છે.
  • વારંવાર બરાડે છે/આરડે છે.
  • યોનિમાર્ગમાં લાલશા દર્શાવે છે,સોજો જણાય તથા ત્યાંથી તેલની ધાર જેવી ચીકણી-સ્વચ્છ પારદર્શક લાળી કરે છે.
  • સમૂહમાં છુટ્ટા રાખેલ ગાય/ભેસ અન્ય પશુ ઉપરઠેકે છે અથવા અન્ય પશુને પોતાના પર ઠેક્વા ડે છે.
  • અન્ય પશુ ઠેકે ત્યારે શાંતિથી ઉભા રહે છે.
  • વારંવાર થોડો-થોડો પેશાબ કરે છે.
  • દૂધાળ પશુ ડબકાય છે.આહાર ઘટે છે.બેચેની ઉશ્કેરાટ વધે છે.
ગાય- ભેંસ કેટલા દિવસે ફરી વેતરમાં આવે છે?

સામાન્ય રીતે ગાય-ભેંસ ગાભણ ન થાય ત્યાં સુધી દર ૨૦ થી ૨૧ દિવસે નિયમિત વેતરે/ગરમીમાં આવે છે.

ગાય- ભેંસ સરેરાશ કેટલો સમય વેતરમાં/ ગરમીમાં રહે છે?

સામાન્ય રીતે ગાય-ભેંસ ૧૮ થી ૨૪ કલાક વેતરમાં ગરમીમાં રહે છે.ઉનાળાની ઋતુમાં ભેંસો ફક્ત ૬-૭ કલાક જ ગરમીમાં રહે છે.

વેતર આવેલ ગાય- ભેંસ ક્યારે ફેળવવી?

વેતર ચિન્હો દર્શાવતી ગાય- ભેંસને ૧૨ થી ૧૮ કલાક ફેળવવાથી કે કૃત્રિમ બીજદાન કર્વવાથી ગર્ભધારણ થવાની તકો વધી જાય છે એટલે કે સવારે વેતરે આવેલ ગાય- ભેંસ ને સાંજે અને સાંજે ગરમીમાં આવેલ ગાય- ભેંસ ને બીજા દિવસે સવારે ફેળવવી.

વિયાણ બાદ ગાય/ભેંસને ફરી ક્યારે ફેળવવી?

વિયાણ બાદ પ્રથમ બે મહિના(૬૦ દિવસ) ગાય/ભેંસો વેતરે આવે તો પણ ફેળવવી નહીં બે મહીના પછી પ્રથમ કે બીજીવાર વેતરે આવે ત્યાબાદ ફેળવવાનું/કૃત્રિમ બીજદાન કરાવવાનું રાખવું.વિયાણ સમયે ગર્ભાશય મોટું થઇ ગયેલ હોય તેને મૂળ સ્થિતિમાં આવતા સમય લાગે છે.આ ઉપરાંત ગર્ભાશયમાં કોઈપણ બગાડ/સ્ત્રાવ હોય તો તે દૂર થઇ જાય છે.

કૃત્રિમ બીજદાન પદ્ધતિના ફાયદા શા છે?

કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં ઉત્તમ ગુણવત્તાવાળા સાંઢ-પાડા કે જેનું માતાનુ દૂધ ખૂબ જ વધારે હોય તેનું વીર્ય વાપરવામાં આવે છે. આથી તે થાકી ઉત્પન થતી વાછરડી-પાડી ઊંચી ગુણવત્તાવાળી અને વધુ દૂધ ઉત્પાદન આપણી ગાય- ભેંસ બની શકે છે.કુદરતી રીતે ફેળવવાથી જો સાંઢ/પાડા જાતીય રોગો (બ્રુસેલોસીસ) થી પીડાતા હશે તો ચેપ  ગાય/ભેંસમાં પણ પ્રસરે છે જયારે કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં આ ભય નિવારી શકાય છે.એક પાડા/સાંઢ વડે કુદરતી સમાગમથી વરસે ૧૦૦ જેટલો ગાય/ભેંસ ફેળવી શકાય છે.જયારે કૃત્રિમ બીજદાન પદ્ધતિથી ૨ થી ૩ હજાર ગાય/ભેંસોને એક વર્ષમાં ફેળવી શકાય છે.

માટી ખસી જવી એટલે શું ?

ગર્ભાશયનો અમૂક ભાગ અથવા આખું ગર્ભાશય શરીરની બહાર આવી જતું હોય છે તેને માટી ખસી કહેવામાં આવે છે. ઘણી વખત યોનિનો ભાગ પણ બહાર આવે છે. વિયાણ બાદ આ પ્રકારની તકલીફ વધુ થતી જોવા મળે છે.

મેલી ન પડવાના કારણો શું છે ?

અસમતોલ આહાર, કસરતનો અભાવ (પશુને એક જ જગ્યાએ બાંધી રાખવામાં આવતા હોય તેવા કિસ્સામાં),  ભોંયતળિયું સમતળ ન હોય તેવા કિસ્સામાં મેલી ન પડવાના કેસ વધુ જોવા મળે છે.

વિયાણ પછી પશુઑમાં કેવા કેવા રોગો જોવા મળે છે?

વિયાણ પછી પશુઓમાં મેલી પડવી નહી, માટી ખસી જવી, બાવલાનો સોજો, સુવારોગ (દૂધિયો તાવ), કીટોસીસ, ગર્ભાશયનો બગાડ જેવા અનેક રોગો થવાની શક્યતા હોય છે.

વિયાણ બાદ મેલી ક્યારે પડાવી જોઈએ?

વિયાણ બાદ મેલી(ઓર) બચ્ચાના જન્મ સમયે જ પડી જતી હોય છે. ઘણા કેસ માં ૮ – ૧૦ કલાકે મેલી પડતી હોય છે. જો આથી મોડુ થાય તો તેને રોગ ગણી, પશુ ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ.

ગાય/ભેંસ કે વાછરડી/પાડી વેતરે આવેલ છે કે કેમ તેનું અવલોકન ક્યારે કરવું?

ગરમીમાં/વેતરમાં આવવાનો કોઈ ચોક્કસ સમય હોતો નથી. ૨૪ કલાક દરમ્યાન કોઈપણ સમયે ગાય/ભેંસ વેતરે આવતી હોય છે. આથી ઓછામાં ઓછું ૨ થી ૪ વાર દરરોજ અવલોકન કરવાથી ગરમીમાં/તાપે આવતી ગાય/ભેંસો વાછરડી/પાડી ને ઓળખી કાઢે છે.

વાછરડાઑ પ્રથમવાર કઈ ઉમરે તાપે/ગરમીમાં આવતી હોય છે?

દેશી વાછરડી (ગીર/કાંકરેજ) ૨ થી ૨.૫ વર્ષની થાય ત્યારે જયારે સંકર વાછરડીઓ સવા થી દોઢ વર્ષની ઉમરે તાપે/ગરમીમાં આવતી થઈ જાય છે.

ફેલવેલ પશુઓની ગર્ભવસ્થાની તપાસ ક્યારે કરાવવી?

ગાય/ભેંસને ફેળવ્યા બાદ દોઢ-બે મહિને પશુ ડોક્ટર પાસે ગાભણ છે કે ખાલી તેની તપાસ કરાવવી જોઈએ. ગભાણ પશુઓ વેતરે આવતા નથી પણ ઘણી વખત કોઈ બીમારીના કારણે પણ પશુ વેતરમાં આવતા નથી. આથી વેતરમાં ન આવતી ગાય/ભેંસ ગાભણ છે તેમ માની લેવું નહીં તેની તપાસ અવશ્ય કરાવવી.

કેવા પશુઓ ની પશુ ડોક્ટર પાસે તપસ કરાવવી?

  • ફેળવેલ પશુઓને દોઢ બે મહિને ગર્ભાવસ્થાની તપાસ માટે.
  • વિયાણ બાદ ૬૦-૭૦ દિવસે પણ વેતરે ન આવતી ગાય-ભેંસોની તપાસ માટે.
  • બિલકુલ વેતરે ન આવતી હોય તેવી ગાય/ભેંસો કે પુખ્ત વાછરડી/પાડીઑની તપસ માટે.
  • અનિયમિત વેતર દર્શાવતા પશુઓની તપાસ માટે.
  • વારંવાર (ત્રણ-ચાર વખત ) ફેળવવા છતાં ગાભણ ન થતાં પશુઓની તપાસ માટે.
  • ગર્ભપાત થઈ ગયેલ પશુઓની તપાસ માટે.
  • વિયાણ બાદ મેલી પડતી ન હોય કે માટી ખસી ગઈ હોય તેવા પશુઓની તપાસ પશુ ડોક્ટર પાસે આવશ્ય કરાવવી જોઈએ.

સંકર વાછરડીઓ/ગાયો માટે આદર્શ પ્રજનનક્ષમતા કયારે ગણાય?

  • પ્રથમ વખત ગરમીમો આવવાની ઉંમરે : ૧૫ મહિના
  • પ્રથમ વખત ફેળવવાની ઉંમરે : ૧૮-૨૧ મહિના
  • પ્રથમ વખત ફેળવતી વખતે જરૂરી વજન : ૨૪૦-૨૬૦ કિલો
  • પ્રથમ વિયાણની ઉંમર : ૨૭-૩૦ મહિના
  • પ્રથમ વિયાણ વખતે વજન : ૩૨૫ કિલો
  • વિયાણ પછી ફરી ગાભણ થવા માટે જરૂરી બીજદાનની સંખ્યા : ૧.૭૫
  • વાર્ષિક વિયાણ દર : ૮૫-૯૦ ટકા
  • ગર્ભાવસ્થા ગાળો : ૨૭૯-૨૮૫ દિવસ

ભેંસો માટે આદર્શ પ્રજનનક્ષમતા કયારે ગણાય?

ભેંસોમાં આદર્શ પ્રજનનક્ષમતા માટેના માપદંડ નીચે મુજબ છે.

  • પ્રથમ વખત ગરમીમો આવવાની ઉંમરે : ૨૪ મહિના
  • પ્રથમ વખત ફેળવવાની ઉંમરે : ૩૦-૩૨ મહિના
  • પ્રથમ વખત ફેળવતી વખતે જરૂરી વજન : ૨૫૦-૨૭૫ કિલો
  • પ્રથમ વિયાણની ઉંમર : ૪૦-૪૨ મહિના
  • પ્રથમ વિયાણ વખતે વજન : ૩૫૦-૩૬૦ કિલો
  • વિયાણ પછી ફરી ગાભણ થવા માટે લાગતો સમય : ૧૦૦-૧૨૦ દિવસ
  • બે વિયાણ વચ્ચેનો ગાળો : ૧૪ મહિના
  • ગાભણ થવા માટે જરૂરી બીજદાનની સંખ્યા : ૧.૭૫ થી ૨.૦૦
  • વાર્ષિક વિયાણ દર : ૮૦ ટકા
  • ગર્ભાવસ્થા ગાળો : ૩૧૦ દિવસ

વોડકીઓ /પાડીઓને પ્રથમ વખત ફેળવવા માટેના કયા ધોરણો છે?

દેશી (કાંકરેજ/ગીર) વોડકીઓને ૨૩૦ થી ૨૫૦ કિલો વજન થયા બાદ ૨૪ થી ૩૦ મહિનાની ઉમરે ફેલાવવી જોઈએ. પડીઓને ૨૪૦થી ૨૫૦ કિલો વળી થયા બાદ ૨૪-૩૦ મહિનાની ઉંમરે ફેલાવવી જોઈએ. જયારે એચ.એફ. સંકર વાચર્દીઓને ૨૭૦-૨૮૦ કિલો વજન થયા બાદ ૧૮-૨૦ મહિનાની ઉમરે ફેલાવવી જોઈએ.

સ્ત્રોત : I-ખેડૂત કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate