অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુઓની પ્રાથમીક સારવાર

પશુઓની પ્રાથમીક સારવાર

પશુ ચિકિત્સક ની મદદ મળી શકે તે પહેલાં, આકસ્મિક સંજોગોમાં રોગને કાબુમાં રાખી તેને વધતો અટકાવવા માટે થતા ઉપાય અથવા સારવાર પશુપાલક પોતે ઘેરબેઠાં કરી શકે તે માટે પશુઓની પ્રાથમિક સારવાર તેમજ સામાન્ય બીમારીઓ અંગેની માહિતી જાણવી જરૂરી છે. નીચે મુજબ છે.

આફરો (bloat):

કારણ - લીલોચારો (રજકો), વાલોળ જેવાં કઠોળ વર્ગના ચારા વધું પ્રમાણમાં ખવરાવ્યા પછી ઉપર પાણી પીવામાં આવે તો આફરો ચઢે છે.

  • ક્યારેક અન્નનળીમાં બટાકા, ઘાસનો ડૂચો કે તેના જેવડા કદનાં અન્ય કોઇ પદાર્થો ભરાઇ રહેવાથી આફરો ચઢે છે.
  • સામાન્ય રીતે જઠરમાં અણીવાળી કોઇ વસ્તુ ખોરાક સાથે પ્રવેશે જેવીકે, તાર, ખીલી, તારામંડળના સલીયા વગેરે જેઓ જઠરને ભોંકાય ત્યારે આફરો ચઢે છે.
  • ઉપાય - ૫૦૦ ગ્રામ ખાવાનુ તેલ (સરસીયું, સીંગતેલ,કપાસીયાનું તેલ)ની અંદર ૨૦ થી ૩૦ ml ટર્પેંન્ટાઇનનું તેલ નાખી. જાનવરને નાળવાટે પીવડાવવું જોઇએ.
  • વિલાયતી મીઠું (મેગ્નેશીયમ સલ્ફેટ- MgSo4) ૨૫૦ ગ્રામ જેટલું પાણીમાં ઓગાળીને પાવું જેનાથી જુલાબ થશે અને પશુને રાહત થશે.
  • ત્યાર બાદ તાત્કાલિક પશુચિકિત્સક અધિકારીશ્રીનો સંપર્ક કરવો.

જખમ – ઘા (wound):

  • કારણ - કોઇઅ ઘાસવાળી ચીજમાં અચાનક વાગવાથી – જેવી કે ધારિયું, કોશ, વગેરેથી ઘા પડે છે.
    • જો જખમ થયાને થોડો વખ પસાર થઇ ગયો હોય જેમાંથી પાકપરું, રસી કે ખરાબ વાસ આવતી હોય અને તેને કારણે માખો બેસવાથી કીડા પણ પડી જાય છે.
  • ઉપાય - ઘા વાગ્યો હોય તે જગ્યાએ પી.પી. ( પોટેશિયમ પરમેંગેનેટ) ના પાણીથી ધોઇ. રૂના પુમડા ઉપર ટીંકચર આયોડીન લઇ આ પુમડું લગાડવું જે થી ઘા પાકશે નહીં. ત્યાર બાદ તેની ઉપર એન્ટિબાયોટીક પાવડર છાંટી બની શકે તો પાટો બાંધવો
  • લોહી નીકળતું હોય તેવા ઘામાં પ્રથમ ઠંડા પી.પીના પાણીથી ધોઇ તેને કોરો કરી નાંખવો. ત્યાર બાદ જો લોહી વહેવાનું ચાલુ હોય તો ટિંકચર બેન્ઝોએનનું પુમડું મૂકી તેને સખત દાબવું અને ત્યાર બાદ તેની ઉપર એન્ટિબાયોટીક પાવડર છાંટી બની શકે તો પાટો બાંધવો.
  • કીડા પડ્યા હોય તેવા જખમમાં પ્રથમ જખમોને પી.પી. ના પાયીથી ધોયા બાદ તેમાં ટર્પે- ન્ટાઇનના તેલમાં ભીંજવેલું પુમડું મુકવાથી કીડા મરી જાય છે. ત્યાર બાદ ઘામાંથી કીડા સાફ કર્યા પછી એન્ટિબાયોટીક પાવડર છાંટી બની જરૂર જણાય તો પાટો બાંધવો.

ખરવા –મોવાસા (F.M.D.D):

કારણ - ખરવા – મોવાસા વાયરસથી થતો ચેપી રોગ છે. આ રોગથી જાનવર મરતું નથી. પરુંતુ પશુપાલકને આર્થિક રીતે મારી નાખે છે. બળદની કામ કરવાની શકિત તેમજ ગાય-ભેંસની દુધ ઉત્પાદન શકિત ઘટે છે.

ઉપાય - સૌ પ્રથમ ઉપાય તો આ રોગને આવતો અટકાવવા માટે જુન જુલાઇ તેમજ નવેમ્બર- ડિસેમ્બરમાં રસી મુકવી એ સારામાં સારો ઉપાય છે.

  • પોટેશિયમ પરમેંગેનેટ (પી.પી)ના મંદ દ્રાવણથી પશુનું મોં તથા ખરીઓ સાફ કરવી.
  • પાપડિયો ખારાને તેલમાં મેળવી તેનો મોંમા ચોપડવો
  • પગની ખરીઓમાં કીડા પડ્યા હોય તો તેમાં ટર્પેન્ટાઇનનું તેલ લગાવવું.
  • પશુચિકિત્સક અધિકારીશ્રીનો સંપર્ક કરી જરૂરી સારવાર કરાવવી.
  • રોગીષ્ટ પશુને બીજા પશુઓથી અલગ બાંધવું તેમજ તેના વધેલાં ખોરાક પાણી બીજા પશુને મુક્વાં નહીં.

કાંધ આપવી (Yoke Gall):

  • કારણ - બળદ પાસે વધારે કામ કરાવવાથી, નવા બળદને પલોટવાથી નાનીમોટી બળદને જોડવાથી, ઘુંસરું ખરાબ હોવાથી, કાંધે આંચકો આવવાથી, હાંકનારની અહા આવડતથી બળદની કાંધે સોજો આવી કાંધ ખરાબ થાય છે.
  • ઉપાય - જ્યારે જ્યારે કાંધ પર સોજો આવ્યો હોય અને તે ભાગ કઠણ હોય ત્યારે સોજાવાળા ભાગ ઉપર મીઠાના ગરમ પાણીથી શેક કરવો અને કાળોમલજા (IODEX)  લાગાડી તે જગ્યા પર દશથી પંદર મિનિટ સુધી થોડા દિવસ માલીસ કરવાથી સોજો બેસી જાય છે.
  • જરૂર જણાય તો પશુચિકિત્સક અધિકારીશ્રીનો સંપર્ક કરવો

શિંગડાનું તુંટવું (Fracture of Horn):

  • કારણ - શિંગડાવાળા ઢોરના બીજા ઢોર સાથે લડવાથી, શિંગડા પર માર પડવાથી, ચાલતાં પડી જવાથી ઘણી વખત શિંગડું ભાંગી જાય છે.
  • ઉપાય - જ્યારે ઢોરના શિંગડાના ખોપચાંને ઇજા થઇ હોય અને લોહી નીકળતું હોય તો, ખુલ્લાં થયેલા શિંગડા પર ડામર અથવા મીઠા તેલનો પાટો બાંધવો
  • જ્યારે શિંગડું ભાંગી ગયું હોય ત્યારે ખુબ લોહી નીકળતું હોય તેવાં સંજોગોમાં ઇજા પામેલ ભાગ ઉપર ટીંકચર, બેન્ઝોઇનનું પુમડું સખત રીતે દાબી પાટો બાંધવો, જરૂર જણાય તો પાટાની ઉપર પણ ટીંકચર, બેન્ઝોઇન થોડા સમયે રેડવું.
  • જરૂર જણાય તો ડોક્ટરશ્રીનો સંપર્ક કરવો

આંખ આવવી અથવા આંખ દૂઝવી (conjunctivitis):

  • ચિહ્નો - આંખ રાતી થઇ સૂઝી જાય છે. અને આંખમાંથી પાણી ઝરી પિયા વળે છે.
  • ઉપાય - આંખને પાણીમાં બોરિક પાવડર નાખી તે પાણીથી સાફ કરવી ત્યાર બાદ લાલ દવા- મરક્યુરોકોમનાં છ થી આંઠ ટીપાં નાંખવાથી ઘણો ફાયદો જણાય છે.

કાનમાં પરું આવવું અથવા કાન પાકવો:

  • ચિહ્નો - કાનમાં નજર નાંખતાં સફેદ પ્રવાહી જોવામાં આવે છે. કાનમાં દુર્ગંધ આવતી હોવાથી માખીઓ બમણ્યા કરે છે. દર્દથી પીડાતું ઢોર દર્દવાળા કાન બાજુનું શિગડું વારંવાર ઠોક્યા કરે છે અને માથું તે બાજુ નમતું રાખે છે.
  • ઉપાય - પી.પી.ના સાધારણ ગરમ પાણીમાં રૂ બોળી ને નીચોવી કોરું કર્યા બાદ પૂણી આકાર બનાવી કાનમાં ફેરવી કાન બરોબર સાફ કરવો.
  • સાફ કરેલા કાનમાં લાલ દવા-મરક્યુરોકોમનાં દશેક ટીપાં નાંખી દશેક મિનિટ સુધી રૂનું પુમડું ખોસી રાખવું.

આંચળ ફાટવા:

કારણ - આ પ્રકારનું દર્દ ખાસ કરીને ઠંડીની મોસમામાં જોવામાં આવે છે. ઠંડીને લીધે આંચળ ઉપરની ચામડી કોરી થઇ તતડી ઉઠે છે. અને ઘણી વખત આંચળમાં ઉંડી તરાડો પડી લોહી નીકળે છે.

ઉપાય - આંચળને પી.પી.ના સાધારણ ગરમ પાણીથી બરોબર ધોયા બાદ ઝિંક ઓકસાઇડ પાઉડરને તેલમાં ઠાલવી ચોપડવો.

હડકાયું કૂતરું /સાદૂં કૂતરું કરડે ત્યારે:

  • કારણ - હડકવાનો રોગ એ વિષાણુજન્ય રોગ છે. હડકવા થયા પછી તેની કોઇ જ દવા નથી. આથી હડકવાનું રસીકરણ એ જ એકમાત્ર હડકવા થતો અટકાવવાનું સાધન છે. શેરીમાં કે ગામમાં રખડતા સાદા કુતરાઓમાં પણ રોગના વિષાણુઓની હાજરી હોઇ શકે છે. આથી હડકાયું કે સાદું કૂતરું કરડે ત્યારે રસીના પુરતા ડોઝ લઇ લેવા કે જાનવરને અપાવવા હીતાવહ છે.
  • ઉપાય - ઘાને સાબુ અને પાણીથી બરોબર ધોઇ નાંખો
  • ઘા પર આલ્કોહોલ, સ્પીરીટ કે અન્ય પ્રવાહી એન્ટીસેપ્ટીક દવા લગાવો.
  • ઘાને ખુલ્લો જ રહેવા દો- પાટો કે ટાંકા લેવાનું ટાળો.
  • તાત્કાલીક ડોકટરની સલાહ લઇ ૨૪ કલાકની અંદર પ્રથમ ડોઝ મુકાવો ત્યાર બાદ હડકવાની રસીના બીજા ડોઝ ડોકટર સાહેબશ્રી સલાહ મુજબ અપાવવા

મીણો ચઠવો - POISOING:

  • કારણ - ઘણી વખત કુણી લીલી જુવાર, મીણિયો બાવટો અથવા તો એરંડીના પાવ ખાવાથી ઢોરને ઝેર ચડે છે. તેને મીણો ચઢ્યો છે. તેમ કહેવાય છે, આવા કેસમા તાત્કાલિક સારવાર ન મળવાથી પશુનું મૃત્યું થઇ શકે છે.
  • ઉપાય - આવાં કેસમાં તાત્કાલીક ડોકટરશ્રીનો સંપર્ક કરવો.
  • પ્રાથમિક ઉપચાર તરીકે દેશી ગોળનું પાણી પીવડાવવું.
  • ૨૫૦ થી ૫૦૦ ગ્રામ જેટલું વિલાયતી મીઠું ખવડાવવું/પીવડાવવું
  • ફાર્મ હાઉસ/તબેલા પર પ્રાથમિક પશુસારવાર પેટી રાખવી હિતાવહ છે.

સામાન્ય દવાઓ અને તેનો ઉપયોગ

પોટેશિયમ પરમેંગેનેટ (પી.પી)

  • એક ભાગ દવા હજાર ભાગ પાણીમાં નાખીને તે પાણીનો ઉપયોગ કરવો.
  • બીજી દવાઓ લગાવતાં પહેલાં ઘા ધોવા માટી પી.પી કામમાં આવે છે.
  • ખરવા-મોવાસા – જાનવરની ખરી વચ્ચે પડેલાં ચાંદા/ઘા તેમજ તેની જીભ હોઠ અને ઉપરના તાળવા ઉપર પડેલાં ચાંદા ધોવા માટે પી.પી.ના પાણીનો ઉપયોગ થાય છે.
  • ફાર્મ હાઉસ/તબેલા પર પ્રાથમિક પશુસારવાર પેટી રાખવી હિતાવહ છે.

મેંગ્નેશીયમ સલ્ફેટ (mgso4) વિલાયતી મીઠું

  • જાનવરને આફરો ચડ્યો હોય, પોદળો કઠણ થઇ ગયો હોય અને જાનવર ખોરાક ઓછો ખાતું હોય ત્યારે અર્ધોશેર વિલાયતી મીઠું તેમજ સૂંઠ અને ગોળ સાથે પાણીમં ઓગાળવું પછીથી નાળથી જનવરને દવાવાળું પાણી પાઇ દેવું.
  • જ્યારે જાનવરના શરીરે બેઠોમાર વાગવાથી અથવા બીજી કોઇ રીતે સોજો આવ્યો હોય ત્યારે વિલાયતી મીઠાનું કોકર વરણું પાણી સોજા પર રેડવું
  • બાવલાના સોજા પર જાનવરને દોહ્યા પછી વિલાયતી મીઠાના પાણીથી શેક આપવો.
  • જ્યારે જાનવરને “મેહો ચઢ્યો” હોય ત્યારે જાનવરને ૧ શેર વિલાયતી મીઠું પાણીમાં સુંઠ અને ગોળ સાથે પાવું

ઝિંક ઓકસાઇડ:

  • આંચળ ફાટ્યા હોય ત્યારે આ પાવડરને તેલમાં ઘોળીને લગાવવો.
  • જ્યાર બળદને જોડવામાં આવે છે ત્યારે જોતર સાથે ગરદનની ચામડી ઘસવાથી કોરી પડી તતડી ઉઠે છે. આ દર્દમા આ પાવડર મીઠા તેલમાં કાલવી મલમ જેવો બનાવી થોડા દિવસ લગાવવાથી જનવરને આરામ થાય છે.
  • જ્યારે જાનવરને લીલું ખરજવું થાય એટલેકે જાનવરની ચામડી પર ચાઠાં પડે અને તે ભાગમાંથી પાણી દુમ્યા કરે ત્યારે આ દવા કામમાં આવે છે.

ટિંકચર આયોડીન:

  • જ્યારે જાનવરને વાગે છે ત્યારે ઘામા ગંદકી લગવાથી ગંદકીમાં રહેલા જીવાણુઓ તે ઘામાં દાખલ થાય છે. એક વખત પી.પી.થી ધોયા પછી પણ રોગનાં જંતુ ફરી દાખલ થાય છે. તો આવા ઘા પર ટી.આયોડીન લગાડવાથી આ દવા દાખલ થતા દરેક જંતુને મારી નાંખે છે. અને ઘા રૂઝાવવામાં મદદ કરે છે.
  • ·
  • ગુમડુ ફાટીને ઘા પડ્યો હોય ત્યારે ડ્રેસીંગ માટે.
  • છોલાયેલા ઘા પર અને ચાંદુ પડીને રૂઝાતું ના હોય તો પણ આ દવાનું પુમડું લગાડવાથી ફાયદો થાય છે.

ટિંકચર બેન્ઝોઇન:

  • આ દવામાં એવો ગુણ છે કે જો ઘા વાગીને તેમાંથી લોહી પડતું હોય તો ઘા ઉપર આ દવા લગાડવાથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

સરક્યુરોક્રોમ “ લાલ દવા “:

  • આ દવા જ્યારે જનવરની આંખમાંથી પાણી଑ પડતું હોય અથવા પરું આવતું હોય ત્યારે આંખને સાધારણ ગરમ પાણીથી સાફ કરવી પછી લાલ દવાનાં પાંચ ટીપા તે આંખમાં દિવસમાં બે વાર નાંખવા
  • જ્યારે જાનવરનાં કાનમાંથી પરું નીકળતું હોય ત્યારે કાન સાફ કર્યા પછી લાલ દવાનાં ટીપા દિવસમાં બે વાર નાખવા.

ટરપેન્ટાઇનનું તેલ:

  • જ્યારે જાનવરને વધારે પડતું લીલું ઘાસ ખાવાથી આફરો ચડ્યો હોય ત્યારે ૩૦ ml ટરપેન્ટાઇનનું તેલ લઇ તેમાં એક ચપટી હિંગ અને સંચળ મેળવવાં આ ભેગી કરેલી દવા એક શેર (૫૦૦ ગ્રામ) તેલ જોડે મેળવી જનવરને પાઇ દેવી

આયોડિનનો મલમ “કાળો મલમ “

  • જ્યારે જાનવરને ગુમડું થયું હોય અને કઠણ જ રહેતું હોય અને પાકે નહી ત્યારે કાળો મલમ દિવસમાં સવાર સાંજ ઉપયોગ કરવો.
  • બળદને કાંધ આવેલી હોય ત્યારે પણ કાળો મલમ લગાવવાથી ફાયદો થાય છે.
  • જાનવરને પગે અથવા કોઇપણ જગ્યાએ વાગવાથી સોજો આવ્યો હોય ત્યારે કાળો મલમ ઘસવાથી સોજો ઉતરી જાય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate