অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ પ્રજનનતંત્રના મુખ્ય રોગો

પશુ પ્રજનનતંત્રના મુખ્ય રોગો

સ્વસ્થ પ્રજનનતંત્ર તો સ્વચ્છ, સ્વસ્થ અને નફાકારક દૂધ ઉત્પાદન. અત્યારે ઋતુકાળમા ન આવવુ, વારમ્વાર ઉથલા મારવા પશુપાલનમા પશુપાલકો માટે  મુખ્ય મુંજવતા પ્રશ્ન છે. કુલ ગાયો/ભેંસોમા ૩૦ થી ૪૦% ગાયો/ભેંસો, ઉથલા મારવા અને ગરમીમા ન આવવુ જેવા પ્રજનન રોગોથી પિડીત છે. વાછરડી/પાડીઓ-જોટીઓ પુખ્ત વયની થવા છતા અને ભેંસો અને ગાયો વિયાણ બાદ ઋતુકાળમા નથી આવતી. જેથી વાછરડી/પાડીઓમા પ્રથમ વિયાણની ઉમર લમ્બાઇ જાય છે તેનાથી મોટુ આર્થીક નુકશાન જાય છે અને આના કારણે હવે ઘણા પશુપાલકો વાછરડી/પાડી તરફ ધ્યાન આપતા નથી અને તે કા તો પછી મરણ પામે છે કા તો પછી તે ધાવણ છોડે ત્યારે તેનુ વેચાણ થઈ જાય છે. પરિણામે ઉચ્ચ/સારી ગુણવાન ગાય/ભેંસની ઓલાદની જાળવણી ન થતા હવે ઉચ્ચ ઉત્પાદન ધરાવતુ જનન મટેરીયલ ખલાસ થઈ રહ્યુ/ગયુ છે. આ પ્રકરણમા મુખ્ય પાંચ (0૫) રોગોનો ઉલ્લેખ કરીશુ.

૧ ઋતુકાળમા ન આવવુ (Anestrous)

૨ વારમ્વાર ઉથલા મારવા (Repeat breeding)

૩ ગર્ભાશયનો ચેપ (Endometritis)

૪ મેલ ન પડવો (Retention of Placenta)

૫ યોનિ અને ગર્ભાશયનુ અપભ્રંશ (Prolapse)

ગર્ભપાત (બ્રુસેલ્લોસીસ)

૧ ઋતુકાળમા ન આવવુ / ઋતુકાળ નિષ્ક્રિયતા (Anestrous)

જાનવરોમાં પ્રજનન માટેનો સમય નક્કી હોય છે. સામાન્ય રીતે માદા જાનવર અમુક સમયના ચોક્ક્સ અંતરે મર્યાદીત સમય માટે જ નર સાથે સમાગમ માટે ઇચ્છીત હોય છે. જો આપણે ગાય અને ભેંસ જેવા પશુઓની વાત કરીએતો આ પશુઓ દર વીસથી એકવીસ દિવસના અંતરે ૧૨ થી ૧૮ કલાક માટે નર સાથેના સમાગમ માટે ઇચ્છુક હોય છે. જે માદા પશુઓમાં નિયમિત રીતે જોવા મળતો ફેરફાર છે. ટુંકમાં માદા પશુ જયારે જાતીય સમાગમ માટે તૈયાર હોય તે સમયને ઋતુકાળ કહેવામાં આવે છે. તેન છતાં વાછરડી/પાડીઓ-જોટીઓ પુખ્ત વયની થવા છતા અને ભેંસો અને ગાયો વિયાણ બાદ ઋતુકાળમા નથી આવતી. આવા જાનવરોમાં ઋતુકાળ નિષ્ક્રિયતા છે એમ કહેવાય છે. સાદી ભાષામાં જાનવરનું ગરમીમાં કે વેતરે ન આવવુ અથવા ના બંધાવું જેવા શબ્દોથી ઋતુકાળ નિષ્ક્રિયતા ને વર્ણવવામાં આવે છે. અંગ્રેજી માં આને એનઇસ્ટ્રસ કહેવાય છે.

જેથી વાછરડી/પાડીઓમા પ્રથમ વિયાણની ઉમર લમ્બાઇ જાય છે તેનાથી પશુપાલક્ને મોટુ આર્થીક નુકશાન જાય છે. ભેંસો અને ગાયો વિયાણ બાદ ઋતુકાળમા ન આવવાના કારણે બે વિયાણ વચ્ચેનો ગાળો વધી જાય છે, જે મોટુ આર્થીક નુકશાન આપે છે. પરિણામે પશુપાલકો પશુ સારુ હોવા છતા એક વેતર દોહન કર્યા બાદ પશુનુ વેચાણ કરી દે છે અને નવી દુધ આપતી ગાય/ભેંસ લાવે છે. જે પણ મોટુ આર્થીક નુકશાન આપે છે.

ઋતુકાળ નિષ્ક્રિયતા થવા માટેના કારણો

શારિરીક રચના મુજબ પ્રજનનનું જટીલ કાર્ય અંતઃસ્ત્રાવોની વધ ઘટને આધારે હોય છે. મસ્તિષ્કમાં આવેલ પિટ્યુટરી ગ્રંથીમાંથી ઝરતા અમુક અંતઃસ્ત્રાવો છેવટે માદા અંડપીંડ ઉપર અસર કરી ઋતુચક્રનું નિયમન કરતા હોય છે. આમ ઋતુકાળ પણ પશુના શરીરમાં થતા અંતઃસ્ત્રાવોના ફેરફારને આભારી છે. કોઇ કારણસર જો આ અંતઃસ્ત્રાવોનુ નિયમન ના થાય તો માદા અંડપીંડ પર થતા ફેરફારો જેવા કે પુટ્ટીકાની રચના અને અંડવિમોચન તથા પીળા મસાનું નિર્માણ જેવી પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો થાય છે. પરીણામે ઋતુકાળ નિષ્ક્રિયતા ઉદભવે છે. આ અંતઃસ્ત્રાવોની અનિયમીતતા માટે જવબદાર કારણો નિચે મુજબ હોઇ શકે,

(૧) સમતોલ ખોરાકનો અભાવ કે જેમાં કાર્બોદીત, પ્રોટીન, ચરબી ઉપરાંત વીટામીન, મીનરલની ઉણપ હોવી.

(૨) પશુ કોઇ જુના એટલે કે લાંબા ગાળાના રોગથી પીડાતું હોય જેથી તેનું શરીર દિવસે ને દિવસે ઓગળતું જાય.

(૩) પશુઓમાં થતા ઉંમર આધારીત ફેરફારો.

(૪) જાનવરના શરીરમાં અંતઃ કે બાહ્યપરોપજીવોનું પ્રભુત્વ હોવુ.

(૫) પશુ માટે તણાવપૂર્ણ અતિશય ગરમી કે ઠંડી વાળું વાતાવરણ. વગેરે...

પશુઓમાં ઋતુકાળ નિષ્ક્રિયતાના લક્ષણો

ઉપર વર્ણન કર્યા મુજબ જો પશુ નિયમીત ઋતુકાળના લક્ષણો દર્શાવે તો એમ કહેવાય કે જાનવર નિયમીત પણે ગરમીમાં – વેતરે – ઇશ્વરે – પાડે કે ઋતુકાળમાં આવે છે. ઋતુકાળના ચિહ્નો ચોક્કસ સમયાંતરે જોવા મળે છે તેની નોંધ લઈ પશુપાલક પોતના જાનવરને ક્રુત્રિમ બિજદાન અથવા કુદરતી સમાગમ દ્વારા ફેળવે છે. જો આવા ચિહ્નો જણાય નહિ તો પશુપાલક પોતનુ જાનવર ઋતુકાળ નિષ્ક્રિયતાથી પીડતુ હોવાનું જાણે છે. ઋતુકાળના ચિહ્નો દરેક પશુપાલક મિત્રોએ ખુબજધ્યાન પુર્વક યાદ રાખવા જોઇએ.

ઋતુકાળ નિષ્ક્રિયતાનું વર્ગીકરણ

ઋતુકાળ નિષ્ક્રિયતાને જો વર્ગીકૃત કરવી હોય તો બે રીતે કરી શકાય છે.

() પ્રથમ રીતમા ચોક્કસ કારણોસર જાનવરમાં ઋતુકાળ નિષ્ક્રિયતા જોવા મળે છે. આ રીતે ઋતુકાળ નિષ્ક્રિયતાને નીચેના ચાર પ્રકારોમાં વહેંચી શકાય

૧. દેહધાર્મિક ક્રિયાઓના કારણે ઉદભવતિ  ઋતુકાળ નિષ્ક્રિયતા : આ નિષ્ક્રિયતા ગર્ભાવસ્થા તેમજ પ્રસુતિ થયા બાદ અમૂક સમય સુધી જાનવરોમાં જોવા મળે છે જે સમાન્ય પ્રક્રિયા છે.

૨. જાનવરના ગર્ભાશયમાં ઉદભવેલી કોઇ અસમાન્ય બાબત- રોગ ના કારણે ઊભી થયેલ ઋતુકાળ નિષ્ક્રિયતા : જેમાં મમીભૂત ગર્ભ, મ્રસીભૂત ગર્ભ, જલશોષ, ગર્ભાશયમાં પરૂનો ભરાવો વગેરે જવબાદાર છે.

૩. શાંત/પ્રછ્છન ઋતુકાળ / મુંગી ગરમી: આ પ્રકારની નિષ્ક્રિયતામાં જાનવર ખરેખર ઋતુકાળના ફેરફારોમાંથી પસાર થાય છે. પરંતુ પરિપક્વ થયેલ પુટક દ્વારા પુરતા પ્રમાણમા ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થતો નથી ઉપરાંત અન્ય કોઇ કારણસર ઋતુકાળના ચિહ્નો બતાવતું નથી અથવા તો ખૂબ જ થોડા સમય માટે બતાવે છે જેથી પશુપાલકના ધ્યાન બહાર જવાથી પશુ ગરમીમા છે પણ યોગ્ય સમયે તેનુ નિદાન નથી થતુ. ગરમીમં આવેલ પશુને ઓળખવાની યોગ્ય રીતો ન હોવાથી અથવા તેના રેકોર્ડ પુરતા ન હોવાથી પણ આ જાનવરોને ઋતુકાળ નિષ્ક્રિયતાની શ્રેણીમાં સમાવવામાં આવે છે. જો કે આવા જાનવર ખરેખર ઋતુકાળ નિષ્ક્રિયતાથી પીડાતા હોવાનું માની શકાય નહી.

૪. જાનવરના અંડપિંડ નિષ્ક્રિય હોવા : આ પ્રકારની ઋતુકાળ નિષ્ક્રિયતામાં પશુના શરીરમા અશક્તિ હોવી, વાતાવરણનો તણાવ, કુપોષણ, પગમા લંગડાવવાનો રોગ,  વિયાણ સમયે શારિરીક સ્થિતિ યોગ્ય ન હોવી, દુધ ઉત્પાદનનો તણાવ, બચ્ચાનુ ધાવવુ, વગેરે ના કારણે અંડપિંડમા ઉપચેતક ગ્રંથીઓના અંતહસ્ત્રાવની અપુરતી ઉત્તેજનાના કારણે  સમયાંતરે થતા જરૂરી ફેરફારોનો અભાવ વર્તે છે. એટલે કે અંડપિંડ/ડિમ્બ/સ્ત્રીબીજનો વિકાસ થતો નથી અથવા ડિમ્બના જનન કોષોની સંખ્યા ઓછી હોવી, તેમજ તેમનુ જડપથી પતન થવુ જેવા કારણો પણ આ માટે જવાબદાર છે. આવા જાનવરોને સાચી રીતે ઋતુકાળ નિષ્ક્રિયતાથી પિડાતા જાનવરો તરીકે ગણી શકાય.

() દ્રિતિય રીતે ઋતુકાળ નિષ્ક્રિયતાનું વર્ણવી નીચે મુજબ કરી શકાય.

જાનવર તેની ઉંમરના નિશ્ચિત તબક્કે પહોંચ્યા બાદ જ પ્રજનન કાર્ય શરૂ કરે છે એટલે કે જાનવર જન્મ બાદ તેના પ્રજનન કાર્ય માટેના સમયે પહોંચી જવા છતાં પણ જો ઋતુકાળ ન બતાવે તો આને “યુવાવસ્થા ઋતુકાળ નિષ્ક્રિયતા” તરીકે ઓળખવામાં આવે છે. જો જાનવર વિયાણના ૬૦ દિવસ બાદ પણ જો ઋતુકાળ ન બતાવેતો તેને “વિયાણ બાદની ઋતુકાળ નિષ્ક્રિયતા” કહે છે. ઘણાં જાનવરો કૃત્રિમ કે કુદરતિ રીતે ફેળવ્યા બાદ ઋતુકાળ બતાવતા નથી તેને “ સંવર્ધન બાદની  ઋતુકાળ નિષ્ક્રિતા” કહે છે.

ઋતુકાળ નિષ્ક્રિયતા માંથી પશુને ઉઘારવા માટેના ઉપાયો:

. આરામદાયક રહેઠાણ : ગરમીના દિવસોમાં જાનવરને ઠંડા છાંયડામાં રહેઠાણ મળી રહે એ માટે વૃક્ષો નીચે જાનવરને રાખવા. છાપરા ઉપર પૂળા, કંતાન જેવો સામાન મૂકી પશુના રહેઠાણનું તાપમાન જળવી શકાય છે. જો શક્ય બને તો ગ્રીન નેટ દ્વારા પણ જાનવરને ગરમીથી રક્ષણ આપી શકાય. જાનવરને ઉનાળાના દિવસોમાં પાણીનો પુરવઠો સતત મળી રહે એવી વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. ઘણી જગ્યાએતો જાનવરોને પાણીથી નવડાવવામાં પણ આવે છે. ઉપરાંત ઘણા તબેલાઓમાં પશુઓ માટે સૂક્ષ્મ-ફુવારા (ફોગર) પણ રાખવામાં આવે છે. જેનાથી પશુના રહેઠાણનુ તાપમાન જળવાઇ રહે છે અને જાનવર તાણ અનુભવતું નથી, પરીણામે નિયમીત ગરમીમાં આવવાનું ચાલુ રાખે છે.

. સમતોલ આહાર : જાનવરને અપાતા ખાણદાણા સમતોલ હોવા જોઈએ. પશુપાલક જાતે પણ જાનવર માટે દાણ બનાવી શકાય છે. ખાસ કરીને જાનવરના વિયાણ બાદ અપાતા ખોરાકમાં પશુમાલિકે ખૂબ ચીવટ રાખવી જરૂરી છે. વિયાણ બાદ માતાના શરીરમાંથી બચ્ચા રૂપે તથા દૂધના સ્ત્રોત રૂપે મોટાભાગના તત્વો વહી જાય છે અને આ સમય દરમિયાન મોટાભાગના દુધાળ જાનવરો “નકારાત્મક ઉર્જાની સ્થિતિ:શક્તિ સંતુલન ઘટ”  માંથી પસાર થાય છે. જે ઋતુકાળ હિનતા માટે ખુબ જ મોટુ પરિબળ છે. આમ, જાનવરની પ્રજનન ક્ષમતા ટકાવી રાખવા પશુપાલકે ખૂબ જ જરૂરી એવા ખાણ-દાણમાં મીનરલ મીક્ષર-ખનીજ ક્ષારોનો પાવડર ઉમેરવાનું ભૂલવું નહી.

૩.આજ રીતે નાની પાડી કે વાછરડીના ઉછેરમાં પણ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. આ નાનકડાઓ આવતી કાલની ભેંસ કે ગાય છે માટે એમનું યોગ્ય જતન કરી સારી માવજત-પોષણ આપીશું તો એ પણ યોગ્ય ઉંમરે પ્રજનન ક્ષમતા ધરાવતી થઇ જશે.

૪. જાનવરોને બાહ્ય તેમજ આંતરિક પરોપજીવીઓથી મુક્ત રાખવા સમયાંતરે યોગ્ય ઉપાયો કરતા રહેવા જોઇએ.

૫.પશુમાલિકે ગાભણ ન હોય એવા જાનવરનું દિવસમાં ઓછામાં ઓછું ત્રણ થી ચાર વખત બારીકાઇથી નિરીક્ષણ કરવું જોઇએ જેથી જાનવર દ્વ્રારા ગરમીમાં આવ્યાનું/ઋતુકાળનું કોઇપણ ચિહ્ન પ્રદર્શિત કરેલ હોય તો એ જાણી શકાય.

૬. દરેક પશુપાલકે જાનવરમાં જોવા મળતાં ઋતુકાળના ચિહ્નોથી વાકેફ રહેવું જોઇએ.

ગાય-ભેંસમાં ઋતુકાળ દરમ્યાન જોવા મળતા બાહ્ય લક્ષણો...

  • લાળી કરવી
  • ભાંભરવુ કે બરાડવું
  • વારંવાર પેશાબ કરવો
  • યોનિના ભગોષ્ઠ ઉપર સોજો આવવો
  • પશુની ખોરાક-પાણીમાં રૂચી ઓછી થવી
  • પશુઓનું બેચેન રહેવું
  • છુટા ધણમાં રહેતા પશુઓનું એકબીજા પર ઠેકવું કે ઠેકાવા દેવું
  • દુધ આપતા જાનવરોમાં ખાસકરીને ભેંસોમાં ઋતુકાળના દિવસે જાનવર દુધ ઉત્પાદનમાં થોડો ઘટાડો દર્શાવે છે.

૭. જે જાનવરમાં ગર્ભાશયની અસામાન્ય સ્થિતિના કરણે ઋતુ હિનતા ઉદભવી હોય એવા જાનવરોને ગર્ભાશયમાં ઉદભવેલી વિકૃતિના આધારે યોગ્ય દવા કરવાથી ગર્ભાશય સામાન્ય સ્થિતિમાં આવ્યા બાદ ઋતુચક્ર ફરીથી સક્રિય બને છે.

૮. જે જાનવરના અંડપિંડ નિશ્ક્રિય બનેલા હોય અને ખરેખર ઋતુ હિનતા જોવા મળે એવા જાનવરની સારવાર નીચે મુજબની રૂપરેખા મુજબ આપવાથી સારા પરિણામો મેળવી શકાય છે.

ગાય કે ભેંસને કૃમિનાશક દવા આપવી જોઈએ.  જો શરીર ઉપર બાહ્ય પરોપજીવીઓનો ઉપદ્રવ માલૂમ પડે તો એ દૂર કરવા મટેના યોગ્ય પગલાં લેવા જોઈએ. જાનવરની શારીરિક સ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ . જો જાનવર શારીરિક રીતે દૂબળુ હોયતો પ્રથમ યોગ્ય આહારની ભલામણ કરવી જોઈએ. આહારમાં કઠોળ તેમજ અનાજ વર્ગનો સમાવેશ થાય તે જરૂરી છે. જેનાથી શરીરનું બંધારણ ઘડાય અને ઉર્જાની સ્થિતિ જળવાઇ રહે. ઉપરાંત આહારમાં મિનરલ મિક્ષર (ખનિજ ક્ષાર મિશ્રણ) ની ભલામણ કરવી પણ જરૂરી છે.

૨ વારમ્વાર ઉથલા મારવા (Repeat breeding)

સંકર ગાયોમા વારમ્વાર ઉથલા મારવા એટલે કે ફળાવ્યા પછી ગર્ભધારણ ના કરવો, પશુપાલકો માટે એક માથાનો દુખાવો બની ગયો છે. જ્યારે ભેંસોમા પણ આ સમસ્યા તો છે જ. પરંતુ સંકર ગાયોની સરખામણીમા ઓછી છે. આ સમસ્યાના કારણે બે વિયાણ વચ્ચેનો આદર્શ ગાળો (૧૨ થી ૧૪ મહીના) લમ્બાઇ જાય છે. જેનાથી પશુપાલકને મોટુ આર્થીક નુકશાન થાય છે. પરંતુ તેમ છતા પશુપાલક નીચેના કારણો પૈકી તેના હાથમા છે તેનુ જો તે નિવારણ કરે તો મહદઅંશે તેનુ નિવારણ કરી શકાય છે.

જવાબદાર કારણો

  • શરીર નિર્બળ/અશક્ત હોવુ જેના કારણે શારિરીક ઉર્જાની ઉણપ હોવી (નેગેટીવ એનેર્જી બેલેંસ-“નકારાત્મક ઉર્જાની સ્થિતિ:શક્તિ સંતુલન ઘટ”). જેના કારણે ઇંસ્યુલીન અંતર્સ્ત્રાવ્નુ પ્રમાણ ઘટે છે જે અંડ્પીંડ (ઓવરી) ઉપર આવેલ અંડ (ફોલીકલ) ને પ્રજનનતંત્રને લગતા છુટા પાડતા અંત્રસ્ત્રવો (GnRh) પ્રત્યે ઓછી સભાનતા બતાવે છે.
  • વિયાણબાદ પોષણ અગત્યનો ભાગ ભજવે છે. વધુ દુધ ઉત્પાદન આપતા પશુઓ વિયાણબાદથી ૭૦ દિવસ દરમિયાન શારિરીક ઉર્જાની ઉણપ (નેગેટીવ એનેર્જી બેલેંસ) મા રહેતા હોય છે. પરંતુ શરુઆતના ૨ થી ૩ અથવાડીયામા શક્તિની ઉણપ વધુ હોય છે. વિયાણના શરુઆતના ૨૦ દિવસ બાદ એક (૦૧) મેગાજુલ એનેર્જીની ઉણપ થવાથી અંડ્મોચન (ઓવ્યુલેશન) ૦.૭ દિવસ મોડુ થાય છે. આમ વધુ દુધ ઉત્પાદન આપતા પશુઓની વિશેષ માવજત કરવી જોઇએ.
  • કુપોષણના કારણે ઋતુકાળમા આવવાનો સમય લમ્બાય છે અથવા પશુ ઋતુમા આવતુ નથી અથવા ઋતુકાળમા આવે તો અંડમોચન થતુ નથી અથવા સ્ત્રીબીજનો વિકાસ થતો નથી. આમ કુપોષણથી પીડીત પશુને વધુ વખત ફળાવવી પડે છે.
  • કુપોષણમા વીટામિન-એ અને અમુક સુકસ્મ તત્વો જેવા કે કોપર, કોબલ્ટ, સલ્ફર અને જિંકની ઉણપ હોવાના કારણે પણ ઉથલા મારવાના પ્રશ્નો બને છે.
  • શરીર અંદર કૃમી હોય કે બાહ્ય શરીર ઉપર પરોપજીવીઓ હોય, જેના કારણે લોહીની અને પોષકતત્વોની ઉણપ રહેતી હોય અને તેનાથી કુપોષણનુ કારણ બની શકે છે.
  • વધુ પડતો આહાર આપવાથી, શરુઆતના ગર્ભનુ મરણ થાય છે જેના લીધે ગર્ભધારણ દર ઘટે છે. જે શરીરમા પ્રોજેસ્ટેરોન અંતસ્ત્રાવ ઘટવાથી થાય છે.
  • આમ ઉપરોક્ત કારણોના લીધે-ઋતુકાળમા અંડમોચન ના થવુ, અથવા સમયસર ન થવુ અથવા મોડુ થવુ.
  • ગર્ભાશયમા ચેપ હોય તો પણ ગાય/ભેંસ ઉથલા મારે છે. તેની લાળી સ્વચ્છ નથી હોતી, લાળીમા સફેદ ફોદા, કે પરુ જેવુ કે સદંતર લાળી એક્દમ સફેદ દહી જેવી હોય છે. જણાવેલ લાળીના ચેપના ચિંહો જીવાણુના પ્રકાર અને સંખ્યાને અધારીત છે.
  • ઘણીવાર પશુપાલકો ફળાવવાનો સમય જાળવતા નથી. જે પણ એક કારણ છે.
  • ગર્ભાશયની નળી (ફેલોપીયન ટ્યુબ) બંધ હોવી.
  • શરુઆતના તબક્કે (૪ થી ૧૦ દિવસમા) ગર્ભનુ મરણ થવુ (અર્લી એમ્બ્ર્યોનીક ડેથ).
  • ઓક્સીટોસીન સ્ત્રાવની કમી હોવી.
  • પ્રોજેસ્ટેરોન હાર્મોન (અંતર્સ્ત્રાવ) ની ઉણપ હોવી.
  • ઇસ્ટ્રોજન હાર્મોન (અંતર્સ્ત્રાવ) વધુ હોવો-ખોરાક અથવા અન્ય સારવારના કારણે.
  • વતાવરણમા તાપમાન અને ભેજ વધુ હોવો.
  • કોઇપણ પ્રકારનો તણાવ જેમ કે ગાય/ભેંસ જ્યારે ઋતુકાળમા હોય ત્યારે તેનુ પરિવહન કરવુ, રહેઠાણમા/વાતાવરણમા ગરમી, શરીરમા ગ્લુકોસ/શર્કરાની ઉણપ, વધુ પડતુ કામ- જેના તણાવના કારણે CRF, ACTH, B-endorphin ઉત્પન્ન થવાથી પ્રજનનતંત્રને લગતા છુટા પાડતા અંત્રસ્ત્રવો (જનનગ્રંથી અંત:સ્ત્રાવોના મુક્તી ઘટકો/GnRh) ને અટકાવે છે. ઉનાળાની ઋતુમા ભેંસો ગરમીના તણાવના (કોર્ટીસોલ ઉત્પન્ન થતો હોવાથી) કારણે હોવાથી ઋતુકાળમા નથી આવતી.
  • બચ્ચાના ધાવવાના કારણે આંતરીક ઓપીયમ જેવા સન્યોજન નો સ્ત્રાવ થવાના કારણે એલએચ (પિત્ત પિંડકર અંત:સ્ત્રાવ/LH)  અંત્રસ્ત્રાવ છુટો પડતા અટકાવે છે. જો બચ્ચાને ધાવતા અટકાવવામા આવે તો ૭૨ કલાક પછી ઓપીયમ જેવા સન્યોજનોનુ પ્રમાણ ઘટતા એલએચ (પિત્ત પિંડકર અંત:સ્ત્રાવ/LH)  અંત્રસ્ત્રાવ થાય છે.

અટકાવ/નિયંત્રણ

  • સમયાંતરે કૃમીનાશક દવાઓ પશુચિકિત્સકની સલાહથી આપવી જોઇએ.
  • દુધ ઉત્પાદનના અધારે સમતોલ પોષ્ટીક આહાર આપવો.
  • તેમજ વીટામિનો અને સુક્શ્મ તત્વો ધરાવતુ મીનરલ મિશ્રણ નિયમીત ખવડાવવુ જોઇએ.

ભલામણ

  • વિયાણબાદથી નિયમીત રોજનુ ૨૫ ગ્રામ સવારે અને ૨૫ ગ્રામ સાંજે દાણમા વીટામીનયુક્ત, ખનીજ તત્વો સભર મીનરલ મિશ્રણ ૪ (ચાર) મહીના સુધી ખવડાવવુ.
  • વિયાણબાદના ૬૦ દિવસ બાદ પશુ ઋતુકાળમા આવે તો ફળાવવાની સલાહ આપવામા આવે છે. ઘણા પશુપાલકો પોતાના લાભ માટે (સીજનને અનુલક્સીને-ઉનાળામા પશુનુ વિયાણ થાય તે માટે અને તાજુ વિયાણ ગણીને) ફળાવતા નથી. પછી એવુ બને છે કે પછી પશુ ખાસ કરીને ભેંસો ગરમીમા/ઋતુકાળમા નથી આવતી (બચ્ચાના ધાવવાના કારણે). પરંતુ પશુને જો વિયાણ બાદના ૬૦ દિવસ થી ૧૨૦ દિવસ સુધીમા ફળાવવામા આવે તો તે પશુનુ ૧૨ થી ૧૪ મહીનામા વિયાણ થાય. તો જ પશુપાલન નફાકારક બની શકે છે.
  • પશુ (ગાય/ભેંસ) ઋતુકાળમા આવે ત્યારે તેની લાળી અવશ્ય જોવાની સલાહ આપવામા આવે છે. લાળી સ્વચ્છ- કાચ જેવી અને ચીકણી હોય છે. જો પશુપાલકે લાળી ના જોઇ હોય તો બીજદાન કરાવો ત્યારે બીજદાન માટે આવેલ ડૉક્ટર અથવા બીજદાન કર્મચારીને કહેવુ કે પહેલા તપાસ કરે કે સાહેબ મારી ગાય/ભેંસ યોગ્ય ગરમીમા છે કે નહી અને તેની લાળી સ્વચ્છ છે કે નહી.

ખાસ અગત્યનુ

  • બીજદાન કરાવો ત્યારે ગરમ પાણી અને ઠંડુ પાણી આવેલ ડૉક્ટર અથવા બીજદાન કર્મચારીને સીમેન ડોજને થોઇંગ કરવા માટે આપવુજેથી તેનો ઉપયોગ કરીને બીજદાન કરી શકાય થોઇંગ એટલે કે સુશુક્ત અવસ્થામા રહેલા શ્રુકાણુઓને જીવંત અવસ્થામા લાવવાની પ્રક્રિયા જે પશુના શરીરના તાપમાન જેટલુ ગરમ પાણીમા સીમેન ડોજને ૧૫ થી ૨૦ સેકંડ રાખવાની પ્રક્રીયાને થોઇંગ કહેવાય છે).
  • બીજદાનના સમયે ગરમીમા આવેલ પશુને સારી રીતે કાબુમા રહે તે રીતે બાંધો બાંધો. શક્ય હોય તો ઘોડીમા બીજદાન કરાવવાની સલાહ છે. પશુને કાબુમા રાખવાથી ગર્ભધારણ દર ઉંચો રહે છે. ફળાવ્યા બાદ લામ્બા  અંતરની મુસાફરી અથવા પશુને ચલાવવુ હીતાવહ નથી.
  • ફળાવવાનો યોગ્ય સમય સાચવવો- ગરમીના ૧૨ થી ૧૮ કલાકમા. એટલે કે પશુ સવારે ગરમીમા આવ્યુ હોય તો સાંજે અને સાંજે ગરમીમા આવ્યુ હોય તો સવારે ફળાવવુ/બીજદાન કરાવવુ.
  • જો લાળી ખરાબ હોય તો પશુચિકિત્સકને બોલાવી સારવાર કરાવવાની સલાહ છે.

૩ ગર્ભાશયનો ચેપ (Endometritis)

ભેંસોમા વિયાણબાદનો ગર્ભાશયનો ચેપ અગત્યનો રોગ છે. જેના કારણે વિયાણબાદથી ગર્ભધારણનો સમય (સર્વીસ પીરયડ) વધવાથી બે વિયાણ વચ્ચેનો ગાળો (ઇંટરકાવિંગ પીરયડ) વધી જાય છે. જેના કારણે પશુપાલકને મોટુ આર્થીક નુકશાન જાય છે. જે અનિચ્છાએ પશુ વેચવાનુ/નિકાલનુ કારણ બની જાય છે. વિયાણ દરમ્યાન ગર્ભાશયને જીવાણુઓનો ચેપ લાગવાથી આ રોગનુ નિર્માણ થાય છે. આ જીવાણુઓ ગર્ભાશયમા પ્રવેશ થયા બાદ ગર્ભાશયની ઉપકલા (એપીથીલીયમ) ઉપર ચોટીને અંદર પ્રવેશ પામે છે, જ્યા જીવાણુઓની સંખ્યામા વધારો થાય છે અને તેઓ ત્યા જેર ઉત્પન્ન કરે છે. રોગના પ્રમાણનો આધાર- પશુની રોગ પ્રતીકારક શક્તિ, જીવાણુઓનો પ્રકાર અને તેની સંખ્યા ઉપર આધાર રહેલો છે. ગર્ભાશયના ચેપનુ પ્રમાણ ગાય કરતા ભેંસોમા વધુ પ્રમાણમા જોવા મળે છે.

જવાબદાર કારણો-

  • ગર્ભાશયમા ચેપ કરવા માટે ઘણા પ્રકારના ગ્રામ પોજીટીવ અને ગ્રામ નેગેટીવ જીવાણુઓ જવાબદાર છે ( E. coli, A. pyogen, F. necrophorum, Bacteroides, Streptococcus, Stephalococcus વિગેરે)-     જીવાણુઓ વિયાણબાદના દોઢ મહીના સુધીના બગાડમાથી મળી શકે છે.
  • ભેંસ/ગાય જ્યારે તળાવમા નહાવા જાય છે ત્યારે યોની અને બાહ્ય પ્રજનન અંગોને ચેપ લાગવાની સમ્ભાવના રહેલી છે જે  ગર્ભાશયમા ચેપમા પરીણમી શકે છે.
  • કોઇ કારણસર વિયાણબાદ મેલ ના પડ્યો હોય અથવા અપુરતો પડ્યો હોય તો પણ તે ગર્ભાશયના ચેપમા પરિણમી શકે છે.

ચિંહો

ગર્ભાશયમા જીવાણુઓના ચેપના કારણે જેર ઉત્પન્ન થવાથી તાવ આવવો, ખોરાક અપુરતો અથવા ન ખાવો, સુનમુન રહેવુ, ગર્ભાશયમાથી ખરાબ દુર્ગંધ મારતો બગાડ આવવો, ખાસ- દુધ ઉત્પાદન ઉપર અસર થવી- દુધમા ઘટાડો થવો, જેવા ચિંહો જોવા મળે છે. ગર્ભાશયના ચેપના કારણે ગળીયો-બાવલાનો રોગ પણ ક્યારેક જોવા મળે છે, ક્યારેક વધુ પડતો ચેપ હોવાના કારણે મ્રુત્યુ પણ થઇ શકે છે.

ગર્ભાશયના ચેપનુ વર્ગીકરણ

ઘણા વૈજ્ઞાનિકો દ્વારા ગર્ભાશયના ચેપનુ વર્ગીકરણ આપેલ છે. પરંતુ શેલ્ડમ અને સાથીઓએ ૨૦૦૬મા આપેલ વર્ગીકરણ નીચે મુજબનુ છે.

). વિયાણબાદનો જેરી ગર્ભાશયનો ચેપ

- આ એક તીવ્ર પ્રકારનો ચેપ છે જેમા વિયાણબાદથી ૧૦ દિવસમા જીવાણુઓ થકી ગર્ભાશયને ચેપ લાગે છે. આ પ્રકારમા ગર્ભાશયમાથી દુર્ગંધ મારતો લાલ-પરુ જેવો બગાડ આવે છે.

- જીવાણુઓએ ઉત્પન્ન કરેલ જેરના કારણે તાવ આવે છે.

- દુધ ઉત્પાદન ઘટે છે.

- પશુ મંદ અને સુસ્ત બને છે.

- પશુ ખોરાક ઓછો અથવા ખાતુ નથી.

- હદયના ધબકારા વધે છે, શરીરમા પાણીનુ પ્રમાણ ઘટે છે.

- ગર્ભાશયમાથી ૫૦% થી વધુ પરુ અને ગર્ભાશયનો બગાડ આવતો હોય છે.

). ક્લીનીકલ પ્રકારનો / ચિંહોના સ્વરુપમા દેખાય તેવો ગર્ભાશયનો ચેપ

- વિયાણબાદના ૨૬ દિવસ પછી બગાડ નિકળતો દેખાય છે.

- ગર્ભાશયમાથી ૫૦% પરુ અને ૫૦% ગર્ભાશયનો બગાડ આવતો હોય છે.

). સબ-ક્લીનીકલ પ્રકારનો / ચિંહોના સ્વરુપમા ના દેખાય તેવો ગર્ભાશયનો ચેપ

- આ પ્રકારમા ગર્ભાશમાથી બગાડ નિકળતો દેખાતો નથી.

અટકાવ-નિયંત્રણ

-     ગર્ભકાળના છેલ્લા બે (૦૨) મહિના દરમ્યાન ગાભણ પશુની યોગ્ય અને પુરતી માવજત. જેમા વિયાણના ૦૨ મહિના પહેલા વસુકાવવુ, પુરતો સમતોલ આહાર આપવો (લીલોચારો+ સુકોચારો+દાણ), ગળીયો થયેલ હોય તો આંચળમા એંટીબાયોટીક ટ્યુબ ચડાવવી, વિયાણના ૦૧ મહીના અને ૧૫ દિવસ પહેલા વિટામિન એ, ડી, ઇ, કે ના ઇંજેક્શન અપાવવા અને યોગ્ય રહેઠાણ પુરુ પાડવુ જોઇએ.

-     વિયાણબાદ ૫૦૦ ગ્રામ ગોળ અને ૧૦૦ ગ્રામ સુવાનો ઉકાળો આપવો, ૫૦ ગ્રામ કેલ્સીયમ/મીનરલ મિશ્રણ દાણમા આપવુ, વાતાવરણ ઠંડુ હોય તો હુફાળુ ગરમ પાણી પીવા માટે આપવુ, સુકાચારાનુ નીરણ કરવુ, ૧.૫ કલાકની અંદર બચ્ચાને ખીરુ પીવડાવવુ/ધવડાવવુ.

-     કુદરતી રીતે મેલ/ઓર ના પડી હોય અને પશુ ચિકિત્સક જોડે પડાવવી પડી હોય તો તેને પછી પશુ ચિકિત્સક સલાહ મુજબ સમ્પુર્ણ સારવાર કરાવવી. તેમજ ગર્ભાશય સાફ થાય તે માટે કાળી જીરી 30 ગ્રામ સવારે, ૩૦ ગ્રામ સાંજે અને એક્શાપાર/યુટ્રોવેટ/મેટ્રા જેવી પ્રવાહી દવા ૫૦ મીલી સવારે, ૫૦ મીલી સાંજે, ૧૦ દિવસ સુધી દાણમા આપવી.

સારવાર-

-     પશુ ચિકિત્સકની સલાહ મુજબ સમ્પુર્ણ સારવાર કરાવવી.

-     તેમ છતા સામાન્ય બગાડ આવતો હોય તો એક વખત, થોડોક વધુ બગાડ હોય તો બે વખત અને અતિશય વધુ હોય તો ત્રણ વખત ગર્ભાશયમા દવા છોડાવાની સલાહ આપવામા આવે છે.

૪ મેલ ન પડવો (Retention of Placenta)

ગાય/ભેંસમા વિયાણબાદના ૧૨ કલાક સુધી મેલ/ઓર ના પડે તો તેને મેલ ન પડ્યો/પડવો કહેવાય છે. વિયાણના ત્રીજા કાળ/તબક્કામા, મેલ/ઓરના માંસાકુરો (કોટીલેડન), ગર્ભાશયના માંસાકુરોથી છુટા ના પડતા, મેલ ન  પડવાની સ્થિતિ સર્જાય છે. મેલ/ઓર ના પડવાની સ્થિતિ, ગાય/ભેંસમા સામાન્ય રીતે વિયાણ પછી દેખાય છે જેના કારણે ગર્ભાશય મુળ સ્થિતિમા સમયસર નથી આવતુ, દૂધ ઉત્પાદનમા ઘટાડો થવો અને સમયસર ગર્ભનુ ધારણ નથી થતુ, જે પશુપાલકને મોટુ આર્થીક નુકશાન આપે છે. સમયસર પશુચિકિત્સકની જોડે ન પડાવવામા આવે તો, ગર્ભાશયમા ચેપ/બગાડ થાય છે.

જવાબદાર કારણો

-     કોઈકારણથી સમય કરતા વહેલા અમુક દવાઓથી (સ્ટીરોઈડ, ફ્લુનીક્સીન) વિયાણ કરાવ્યુ હોય.

-     કોઇ કારણસર ગર્ભકાળ ઓછો રહ્યો હોય જેમ કે ગર્ભપાત.

-     ગર્ભપાત- જીવાણુ જેવા કે બ્રુસેલ્લા, લેપ્ટોસ્પાયરા, વિષાણુ- આઈબીઆર (ઇંફેક્શીયસ બોવાઇન રાઈનોટ્રેકાઈટીસ) અને કુપોષણના કારણે.

-     બચ્ચાની ગર્ભાશયમા સામાન્ય સ્થિતિ કરતા અલગ સ્થિતિ હોય અને અને કોઇ કારણસર વિયાણમા તકલીફ પડી હોય.

-     જોડીયા/વિકૃત બચ્ચા આવ્યા હોય, જેના કારણે વિયાણમા તકલીફ પડી હોય.

-     કુપોષણના કારણે.

-     પ્રજીવક/વીટામીન-એ, ઈ અને ખનીજ તત્વ- કેલ્સીયમ, સીલેનીયમ ની ઉણપના કારણે.

-     કોઇપણ તણાવના કારણે ઇસ્ટ્રાડાયોલનુ પ્રમાણ છેલ્લા વિયાણના તબક્કામા ઓછુ હોય.

-     વધુ પડતા આહારના કારણે શરીરમા ચરબીનુ પ્રમાણ વધી ગયુ હોય અને જેના કારણે વિયાણમા તકલીફ પડી હોય.

-     ઉપરના ઘણા કારણોના કારણે વિયાણમા તકલીફ પડી હોય અને બચ્ચાને કાપવુ પડ્યુ હોય (ફીટોટોમી) અથવા પેટ ચીરીને (સીજેરીયન) ઓપરેશન કરવુ પડ્યુ હોય.

-     શરીરમા રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય જેના કારણે અમુક જરુરી એંજાયમ (કોટીલેડન કોલીજીનેજ) નો સ્ત્રાવ થતો ના હોય, જે મેલના અને ગર્ભાશયના માંસાકુરોને છુટા પાડવામા મદદ કરે છે.

રોગનો અટકાવ/નિયંત્રણ

-     પશુને સમતોલ પુરતો આહાર આપવો (પ્રજીવક/વીટામીન-એ, ઈ અને ખનીજ તત્વ- કેલ્સીયમ, સીલેનીયમ પુરતા પ્રમાણમા હોય).

-     વિયાણના ૩૦ દિવસ પહેલા વીટામીન એ, ડી, ઈ નુ એક અને ૧૫ દિવસ પહેલા, બીજુ ઈંજેક્શન અપાવવુ.

-     રહેઠાણની વ્યવસ્થા. પથારી પુરી પાડવી, જેના કારણે તણાવ ઘટાડી શકાય.

-     સમયાંતરે ચેપી રોગોનુ નિદાન કરાવવુ.

-     વોડકી/વાછરડી/જોટાને, તેની કદના પ્રમાણે સાંઢ/આખલા/પાડાની પસંદગી કરવી. અને તેને લગતો સઘળો રેકોર્ડ રાખવો અને સાચવવો.

સારવાર

-     સમયસર ૧૨ કલાક પછી પશુચિકિત્સકની જોડે ઓર/મેલી પડાવવી અને ડોકટરની સલાહ મુજબ વર્તવુ.

૫ યોનિ અને ગર્ભાશયનુ અપભ્રંશ  (Prolapse)

સામાન્ય રીતે યોનિ, ગર્ભાશય ગ્રિવા અને ગર્ભાશય શરીરમા તેની જગ્યાએ હોય છે. પરંતુ તે જ્યારે કોઇપણ કારણસર બહાર આવે તો તેને  અપભ્રંશ કહેવાય છે. જુદા જુદા પ્રદેશ પ્રમાણે તેને દિલ બતાવવુ, શરીર બતાવવુ, ગાતર કાઢવુ, જેવા વિવિધ શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. યોનિ, ગર્ભાશય ગ્રિવા અને ગર્ભાશયમાના કોઇપણ એક અંગનુ અથવા એકબીજાના સાથેનુ અપભ્રંશ, ભેંસ/ગાયમા ખાસ કરીને પુખ્ત માદામા છેલ્લા ત્રણ મહિનાના ગર્ભકાળ દરમિયાન જોવા મળે છે. ક્યારેક ૪ થી ૫ મહીનાની ગાભણ ભેંસ/ગાયમા પણ જોવા મળે છે. ભેંસોમા ચોમાસાની ઋતુમા વધુ પ્રમાણમા જોવા મળે છે.

જવાબદાર કારણો-

-     વધુ ઉમરના કારણે- વધુ વખત વિયાણ થયેલ પશુમા પણ અપભ્રંશ જોવા મળી શકે.

-     અસામાન્ય/સામાન્ય ગર્ભના કારણે પેટમા દબાણ થવુ.

-     પેટમા વધુ પડતી ચરબી હોવી.

-     બીજા નમ્બરના પેટ (રુમેન) નુ ગેસના અથવા અપચાના કારણે વધુ પડતુ ફુલવુ.

-     નિતમ્બ મેખલા (પેલ્વિક ગર્ડલ) અને તેની સાથે જોડાયેલા અવયવોનુ કોમળ થવુ.

-     સાથે સાથે છેલ્લા તબક્કાના ગર્ભકાળ સમયે ઇસ્ટ્રોજન અને રીલેક્શિન જેવા અંત:સ્ત્રાવોનુ પ્રમાણ વધવુ.

-     આડુ પડેલા, બેસી ગયેલા ગાભણ પશુમા ગર્ભાશયમા રહેલ બચ્ચાના કારણે પેટનુ દબાણ વધી જવાથી પણ અપભ્રંશ જોવા મળે છે.

-     એવો ઘાસચારો જેમા ઇસ્ટ્રોજન જેવા અંત:સ્ત્રાવોનુ પ્રમાણ વધુ હોય જેમ કે રજકો, રજકા બાજરી- આવો ઘાસચારો વધુ પ્રમાણમા ખવડાવવાથી પણ અપભ્રંશ જોવા મળે છે.

-     એવી દવાઓ જેમા ઇસ્ટ્રોજન જેવા અંત:સ્ત્રાવોનુ પ્રમાણ વધુ હોય.

-     પશુને એક જ જગ્યાએ બાંધી રાખવુ- એટલે કે ચરીયાણ માટે ના લઇ જવુ.

-     એવી ગાયો/ભેંસો જેમા સુપર ઓવ્યુલેશન પધ્ધત્તિ કરવામા આવી હોય.

-     આનુવંશિકતા પણ જવાબદાર હોઇ શકે. એટલે કે  ભેંસ/ગાયની પાડી/વાછરડીને પણ ભવિષ્યમા અપભ્રંશ થઇ શકે છે.

-     અમુક જેરી તત્વો (જીરાલેનોન-જે ધાન્ય વર્ગના પાકો- જેવા કે મકાઇ, ઘઊ, બાજરી, જુવાર, ઓટ્મા ફુગ લાગવાથી ઉત્પન્ન થાય છે) જે ફુગજન્ય હોય જેની અસર ઇસ્ટ્રોજન જેવી હોય, તો પણ અપભ્રંશ થઇ શકે છે.

-     કુપોષણ- પશુઓને સમતોલ પોષણયુક્ત આહાર ન આપવો.:- કુપોષણના કારણે ગાય/ભેંસ અશક્ત રહેવાથી અપભ્રંશ થઈ શકે છે. તેમા પણ કેલ્સીયમ, ફોસ્ફોરસ જેવા ખનિજ તત્વોની ઉણપ હોવી.

-     સમયસર પાણી ન આપવાના કારણે મળ કે પેશાબની કબજીયાત થવાથી પણ અપભ્રંશ થઈ શકે છે.

-     ખોરાકના અચાનક બદલાવથી અપચો થવાથી/ ઘઊ કે પછી ડાંગરના પરાળના વધુ પડતા ઉપયોગના કારણે અથવા ક્રૃમિના કારણે મળની કબજીયાત થવાથી – મળ પ્રવ્વુત્તિ માટે જોર કરવાથી યોની પર દબાણ આવવાથી પણ અપભ્રંશ થઈ શકે છે.

નિયંત્રણ/અટકાવ

-     કેલ્સીયમ અને ફોસ્ફરસ યુક્ત પુરતો પોષ્ટીક સમતોલ આહાર આપવો.

-     ઘાસચારની અછતમા ઘઊ કે પછી ડાંગરના પરાળની સાથે અન્ય લીલુ ઘાસ અને 50 ગ્રામ નમક અને 50 ગ્રામ ખાવાના સોડા આપવા જોઇએ. જેથી મહદઅંશે કબજીયાત નિવારી અપભ્રંશ અટકાવી શકાય.

-     લીલો ઘાસચારો જેમ કે રજકો/રજકા બાજરી પ્રમાણસર ખવડાવવા.

-     ચોમાસાની ઋતુમા પશુને એકલો લીલો ચારો ન ચરાવતા, ઘરે સુકુ ઘાસ પણ આપવુ જોઇએ.

-     ૨૪ કલાક પીવાનુ સ્વચ્છ પાણી મળી રહે તેવુ આયોજન કરવુ. અથવા ઋતુ પ્રમાણે દિવસમા ૩-૬ વખત પાણી પીવડાવવુ. ઉનાળામા ૪-૬ વખત અને શિયાળામા ૩-૪ વખત પાણી આપવુ જોઇએ.

-     અપભ્રંશ થતુ હોય તેવા કિસ્સામા આગળની પગની દિશાએ પાછળના પગ કરતા સામાન્ય ઢાળ રાખવો, જેથી કરીને પેટનો કે બચ્ચાનો વજન પાછળની યોની તરફ ના જતા, અપભ્રંશ અટકાવી શકાય.

-     જેરી તત્વ- જીરાલેનોન - જે ધાન્ય વર્ગના પાકો- જેવા કે મકાઇ, ઘઊ, બાજરી, જુવાર, ઓટ્મા ફુગ લાગવાથી ઉત્પન્ન થાય છે. આથી બગડેલ કે ફુગ લાગેલ ખોરાકો ખવડાવવા નહી.

-     વિયાણના છેલ્લા તબક્કાએ જાળી લગાવી શકાય (ફોટામા દર્શાવ્યા મુજબ). જે મળ અને પેશાબના સમયે જરુર પડે તો ઢીલી કરવી. જાળીના કારણે યોનીની આજુબાજુ તેમજ બાવલાની અને પગની વચ્ચે કાપા પડવાના કારણે ઘા પડી શકે છે તેથી સમયાંતરે દેખરેખ રાખવી.

-     શક્ય હોય તો એક (૦૧) માણસની હાજરી હોય તો વધુ સારી-જેથી પશુની સારસમ્ભાળ-સુશ્રુષા કરી શકાય અને તેમજ ઘણીવાર અપભ્રંશ થયેલ યોની, ગ્રીવા કે ગર્ભાશયને કુતરા કે પક્ષીના બચકા-ઇજાથી બચાવી સમયસર પશુ ચિકિત્સકને બોલાવી શકાય.

-     ખાસ- અપભ્રંશ થતુ હોય તેવા કિસ્સામા અનુભવી પશુ ચિકિત્સક જોડે સારવાર કરાવીને જ આગળ વધવાની સલાહ આપવામા આવે છે.

ચેપી ગર્ભપાત (બ્રુસેલોસીસ)

પ્રાણીઓમા થતો ચેપી ગર્ભપાત એક અગત્યનો જુનોટીક રોગ છે જેમાં પશુઓમાં ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં ગર્ભપાત થાય છે અને ઓર/મેલ પડવામાં વિલંબ/અવરોધ થાય છે. જુનોટીક એટલે પશુમાંથી મનુષ્યમાં થતો રોગ. આ રોગ મુખ્યત્વે બ્રુસેલા અબોરટસ, બ્રુસેલા મેલીટેન્સીસ, બ્રુસેલા સુઈસ, બ્રુસેલા કેનીસ, બ્રુસેલા ઓવીસ, બ્રુસેલા નીયોટોમી નામના જીવાણુઓથી ગાય, ભેંસ, ઘેટા, બકરા, ડુક્કર, કુતરા માં જોવા મળે છે.

પ્રાણીઓમા રોગ થવાના કારણો-

ગર્ભપાત થયેલ પશુના નીકળતા મેલ/ઓર થકી દુષિત થયેલ પાણી, ખોરાક , દ્વારા, ચેપી ગર્ભપાતથી રોગગ્રસ્ત પાડા/આખલાનાં સંવર્ધન થકી, આ રોગથી પીડાતા પશુના છાણથી અને શ્વાસથી, ગર્ભપાતનાં રોગથી પીડિત માદા થકી જન્મેલ બચ્ચામાં માં પણ થાય છે.

મનુષ્યમા રોગ થવાના કારણો-

ચેપી માદા/નર પશુના ઉકાળ્યા વગરના દૂધ/માંસનું સેવન કરવાથી, ગર્ભપાત થયેલ પશુના નીકળતા મેલ/ઓરનાં સંપર્ક માં આવવાથી, આંખ દ્વારા, ચામડી ઉપર ઘા/ઉઝરડા દ્વારા પશુના ઘનિષ્ટ સંપર્ક માં રહેવાથી પણ થઇ શકે છે. રોગ લાગેલ મનુષ્યમાં ઝીણો, ચઢ-ઉતર તાવ આવે, સાંધા જકડાવવા, પુરુષનાં વૃષણમા સોજો આવવો, અને ખુબ પરસેવો થવો જેવા લક્ષણો જોવા મળે છે.

રોગના લક્ષણો-

ગાય-ભેંસમાં ગર્ભાવસ્થાના અંતિમ તબક્કા (૭ થી ૯ મહીને)માં ગર્ભપાત થવો, ઘેટા અને બકરામાં ૩ થી ૪ મહિનાના ગર્ભાવાસ્થાએ ગર્ભપાત થવો, અને કૂતરામાં ૫૦ દિવસે ગર્ભપાત થવો, મેલ/ઓર પાડવામાં અવરોધ થવો, નર પશુના વૃષણમા સોજો આવવો, પશુના પગનાં સાંધાઓમાં સોજો આવવો,

રોગ નિયંત્રણ અને પ્રતિબંધક ઉપાયો

ગર્ભપાત થયેલ પશુને તંદુરસ્ત પશુઓથી અલગ કરવા અને તેના બગાડને નિયમિત ખાડામાં દાટવા, ગર્ભપાત બાદ મૃત બચ્ચું અને ઓર/મેલને પશુ રહેઠાણ થી દુર ખાડામાં દાટવું, ગર્ભપાત થયેલ  જગ્યાને સાફ કરીને જંતુમુક્ત કરવી, શક્ય હોય તો ધણમાં દરેક પશુનું ચેપી ગર્ભપાત રોગ નું પ્રયોગશાળામાં નિદાન (પુન્જીકરણ) કરાવવું, નવીન પશુની ખરીદી આ રોગનું નિદાન કરાવ્યા બાદ જ ખરીદી કરવી. આવા પશુઓની નિષ્ણાત પશુ ચિકિત્સક જોડે શક્ય હોય તો ત્વરિત દવાનો કોર્ષ/સારવાર કરાવવી.

ખાસ- છ (૬) માસની પાડી/વાછારડીઓને આ રોગની રસી મુકાવવી. આ રસી પશુના જીવનમા એક જ વાર આપવામાં આવે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate