অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આઉનો સોજો અને તેને અટકવવાના ઉપાય

આઉનો સોજો અને તેને અટકવવાના ઉપાય

ભારતમાં છેલ્લા પાંચ વર્ષથી દૂધ ઉત્પાદનમાં સારો એવો વધારો થયેલ છે. ભારતનું હાલનું દૂધ ઉત્પાદન ૧૪૬ મિલિયન ટન છે. હાલની ગાય / ભેંસ પહેલા કરતા સરેરાશ પ્રતિદિન વધુ દૂધ ઉત્પાદન આપે છે. જેની સાથે સાથે આઉના રોગો પણ વધ્યા છે. દુધાળા પશુઓમાં આઉનો સોજો એક અગત્યનો રોગ છે. ઘણીવાર આઉના સોજાના કારણે આઉ કઠણ થઇ જતા તેની સારવાર પણ શક્ય બનતી નથી અને આખું પશુ નકામું થઇ જતા મોટા પાયે આર્થિક નુકસાન થાય છે અને આઉના સોજાના કારણે એક વેતર દરમ્યાન પશુપાલકોને ઘણું નુકશાન થાય છે. આમ તે હાલના તબ્બકે તે પશુપાલકનો નંબર વન (૦૧) દુશ્મન છે.

આઉના સોજાને અંગ્રેજીમાં મસ્ટાઈટીસ કહે છે અને ગુજરાતીમાં ગળીયો, બાવલાનો રોગ, બાવલાનો ચેપ, પણ કહે છે. તે થવા માટે ઘણા પરીબળો – કારણો જવાબદાર છે. જો થોડા નિયમોનું પાલન કરવામાં આવે તો આ રોગ થતો રોકી/અટકાવી શકાય છે. આ રોગ થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે.

1)   પશુના રહેઠાણને જંતુમુક્ત ન કરવું (અસ્વચ્છ રાખવું).

2)  દૂધ દોહવાની ખોટી રીત.

3)  રહેઠાણમાં પુરતી જગ્યાનો અભાવ જેના કારણે અન્ય પશુ કે તેના બચ્ચાના સતત ધાવવાના કારણે ચેપની સંભાવનાઓ વધી જાય છે.

4)  પ્રજનનતંત્રનો રોગ હોવો કે તેનો ચેપ લાગવો.

5)  પશુના બાવલાને ઇજા થવી.

6)  જરૂરી પોષકતત્વોની ઉણપ હોવી.

ઉપર જણાવ્યા પ્રમાણેના કોઈપણ કારણથી આઉનો સોજો થઇ શકે છે. જેમાં જીવાણુઓ આઉના કોષોમાં પ્રવેશી શારીરિક તેમજ રાસાયણિક ફેરફારો કરે છે. જીવાણુઓનો પ્રવેશ આંચળના મુખ્ય ધ્વારમાંથી થાય છે. સામાન્ય રીતે દૂધ-દોહન કર્યા પછી ૩થી ચાર કલાક સુધી આંચળનાં મુખ્ય ધ્વાર ખુલ્લા રહે છે. દોહવામાં જો મશીનનો ઉપયોગ થતો હોય તો આ ધ્વાર ૪ થી ૬ કલાક સુધી ખુલ્લો રહે છે અને આ દરમ્યાન જીવાણુઓ આઉમાં પ્રવેશે છે.

જીવાણુઓ ગાય/ભેંસના શારીરિક વાતાવરણમાં રહેતા અને ઈ. કોલાઇ જેવા જીવાણુઓ જે પશુના મળથી, ચેપી-ખરાબ પાણીથી અને ખરાબ અસ્વચ્છ ભોયતળિયા ફેલાતા હોય છે. તેમનો સ્વચ્છ વાતાવરણ અને આંઉ-આંચળને દોહવાન પહેલા સ્વચ્છ રાખવાથી ગળીયાને અટકાવી શકાય છે. એસ. ઉબેરીસ નામના જીવાણુઓ સર્વ વ્યાપી છે. સ્વચ્છ વાતાવરણ, સ્વચ્છ પશુ રહેઠાણ અને પુરતા ફિનાઈલ જેવી જીવાણુંનાશક સમયાંતરે ઉપયોગ કરવાથી તેમનો ચેપ નિયંત્રણમાં રાખી શકાય છે.  એસ. અગેલેક્શીયા, એસ. ઓરીયસ અને એસ. ડીસગેલેક્શીયા જેવા ચેપી જીવાણુઓ, દુષિત હાથથી, દુષિત દોહવાણના વાસણોથી અને આઉના ચેપવાળી ખરીદેલ ગાય/ભેસથી  ફેલાય છે. સ્વચ્છ વાતાવરણ રાખવાથી તેમને દુર રાખી શકાય છે. ૯૫% આઉનો ચેપ ઉપરોક્ત જણાવેલ જીવાણુઓ થાય છે.  

રોગ અટકાવવા લેવામાં આવતા પગલાં :

  1. કોઈપણ પ્રકારના ચેપના નિયંત્રણ માટે પશુઓને રહેઠાણમાં સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવું, સમતોલ, પોષ્ટિક અને પુરતો આહાર આપવો. જેથી પશોને તેના તાણથી અને ચેપથી બચાવી શકાય છે.
  2. સ્વચ્છ અને તંદુરસ્ત આંચળનો દેખાવ જ દર્શાવે છે કે પશુ રહેઠાણમાં, દોહવાણની વ્યવસ્થામાં અને દોહવાની રીતમાં ક્વાલીટી છે. અને આજ એક પરિમાણ છે જેનાથી નક્કી કરી શકાય કે આઉં-આંચળમાં ચેપ થવાની સંભાવના છે કે નહિ? આંચળનાં છેડે વધુ પ્રમાણમાં જીવાણુઓ હોય તો બાવલાંના ચેપની સંભાવના વધુ રહે છે. ત્યાં ચીરા જેવું કે ઘા હોય અથવા તો ખરબચડું હોય તો જીવાણુઓની સંખ્યાનું પ્રમાણ વધીને, ગળિયો/ચેપ થઇ શકે છે.
  3. દૂધ દોહવાની પ્રક્રિયા સ્વચ્છ (Hygenic) હોવી જોઈએ. પશુ, દોહવાણનાં વાસણો અને પશુનુ રેહઠાણ સ્વચ્છ હોવુ જરુરી છે. દોહનારના હાથ સાબુથી ધોયેલા હોવા જોઈએ. દોહન પહેલા બાવલું હૂંફાળા પાણીથી સાફ કરવું જોઈએ. પશુની પથારી જો ભૂસું નાખીને બનાવેલી હોય તો ભૂસું રોજે રોજ બદલતા રહેવું.
  4. દોહવા પહેલા સ્વચ્છ, ચોખ્ખા પાણીથી બાવલું ધોવું, ત્યારબાદ સુકા અને સ્વચ્છ ટુવાલ વડે બાવલું સાફ કરવું. અને સમયસર દોહવાણ કર્યા બાદ જીવાનુંનાશક દવાઓ જેવી કે હાય્પોક્લોરાઇટ/આયોડોફોર કે ક્લોરહેક્સીદડીન થી આંચળને સાફ કરવા.
  5. દોહવા માટે અંગુઠો વાળીને દોહતાં પુરા હાથનો ઉપયોગ કરીને દોહવું. અંગુઠાથી દોહન કરવાથી આંચળમાં ઈજા થાય છે. અંગુઠો એક હાડકું જ છે જે પથ્થર સમાન છે, જે રોજે રોજ ૧૦ મિનીટ સવારે અને ૧૦ મિનીટ સાંજે સતત ૧૦ મહિના સુધી આંચળને અંગુઠાથી દોહવાથી લાંબા ગાળે આંચળમાં ઈજા થાય છે. જેના પરીણામેં કે જીવાણુઓ  પ્રવેશ માટે  ગ્રહણશીલ/સંવેદનશીલ બની જાય છે. કારણ કે જ્યાં ઈજા હોય ત્યાં જીવાણુંઓનું રહેઠાણ બની વસવાટ કરે છે અને તેમની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. અને ખાસ લાંબા ગાળે આંચળમાં અંદર ગાંઠ બનવાની સંભાવનાઓ વધી જાય છે.
  6. પશુને ૭-૧૦ મિનીટમાં દોહી લેવુ અને નિયત કરેલ સમયે સમયસર દોહી લેવુ જરુરી છે.
  7. દૂધદોહ્યા બાદ આંચળને પોવિડોન આયોડીન જેવા એન્ટીસેપ્ટિક વડે સાફ કરવા જોઈએ.
  8. બાવલાને સાફ કરવા સ્વચ્છ કાપડના ટુકડાનો ઉપયોગ કરવો જોઈએ.
  9. ચિહ્નો વગરના બાવલાના સોજાના રોગમાં દર પંદર દિવસે તપાસ કરાવવી. આ તપાસમાં એક પ્લાસ્ટીકના કપમાં ૨ મિલી. એમ.ડી.આર. રસાયણ નાખી ૨ મિલી.દૂધ નાખવામાં આવે છે. તેનાથી દુધમાં થતા ફેરફાર જોઈ નિદાન કરી શકાય છે. ચિહ્નો વઘરના આઉના સોજામાં ચિહ્નોવાળા સોજા કરતા ૪ થી ૬ ઘણું વધારે નુકશાન થાય છે. તેથી જો આ રોગનું નિદાન વહેલું કરાવવામાં આવે તો મોટું નુકશાન થતું અટકાવી શકાય છે.

10. પશુપાલક માટે આવા રસાયણ લાવવા એક અઘરું કામ છે. પરંતુ બજારમાં એક મેસ્ટ્રીપ (MASTRIP) નામની આછા પીળા રંગની પટ્ટીઓ મળે છે. જે સસ્તી છે. તેમાંથી એક પટ્ટી કાઢીને દર ૧૫ દિવસે દરેક પશુના દરેક આંચળનું દૂધ ટેસ્ટ કરવું. જેમાં થોડુક દૂધ લઈને તેમાં પટ્ટી દુબાડવી અને તુરંત બહાર કાઢીને બદલાયેલ રંગ પટ્ટીના બંડલ ઉપર દર્શાવેલ ૪ રંગ સાથે સરખાવવો/મેચ કરવો. જો પીળો બતાવે તો સામાન્ય સ્થિતિ, આછો લીલો બતાવે ચેપની શરૂઆત, ઘાટો લીલો બતાવે સબ-કલીનીકલ ચેપ (આગળ વધી ગયેલો ચેપ) અને વાદળી બતાવે તીવ્ર પ્રકારનો ચેપ/ગળીયોકહી શકાય. આમ ચેપની શરૂઆત અથવા સબ કલીનીકલ નાં સમયે જો સારવાર કરાવવામાં આવે તો રોગને કાબુમાં જલ્દી લાવીને વધુ નુકશાન અટકાવી શકાય છે. ઘણીવાર તીવ્ર પ્રકારના ચેપમાં દવા કરાવવા છતાં પરિણામ ના મળતા આંચળને ગુમાવવાનો/ખોવાનો વારો આવે છે.

11.  જયારે ગાય-ભેંસ વસુકી જાય ત્યારે છેલ્લું દૂધ દોહ્યા પછી વસુકેલ પશુની સારવાર કરવી. તેમાં દરેક આંચળમાં જીવાણુંનાશક દવાની ટ્યુબ ચડાવવી (પેન્ડીસ્ત્રીન-SH/મેમીટેલ/કોબાકટન). કારણ કે વસુકેલ ગાળા દરમ્યાન આંચળમાં ચેપ પ્રવેશવાની શક્યતા છે. આંચળમાં દવા ચડાવ્યા પહેલા જંતુમુક્ત સાવચેતીઓ રાખવી જોઈએ. આ નિયંત્રણ માટે એક અકસીર પહેલ છે. પેહલીવાર વિયાણ કરતી હોય તેવી વાછરડી/પાડીમાં વિયાણનાં દોઢ મહિના/૬ અઠવાડિયા પહેલા પણ દરેક આંચળમાં જીવાણુંનાશક દવાની ટ્યુબ ચડાવી શકાય અને વિયાણ બાદના ચેપમાં નિયંત્રણ લાવી શકાય છે.

12. જે પશુને આઉના સોજાની સારવાર ચાલતી હોય તેનો સારવારને લગતો રેકર્ડ રાખવો જરૂરી છે.

13. જયારે કોઈ પણ પશુને આઉના સોજા અંગેની સારવાર કરવામાં આવે ત્યારે તેનું બગડેલ દૂધ કાઢી નાખવું જરૂરી છે. આવા દુધને બોટલમાં ભરી જંતુનાશક દવા નાખી પશુના રહેઠાણથી દુર ખાડામાં નાશ કરવો.

14. આઉના ચેપનો આધાર પ્રજનનતંત્રની તન્દુરસ્તી પર પણ રહેલ છે. જો તે સ્વસ્થ હશે તો આઉનો ચેપ લાગવાની શક્યતાઓ ઘટી જશે.

15. કોઈપણ ઘણમાં આવા પશુઓનું પ્રમાણ દસ ટકાથી વધવું જોઈએ નહિ.

16. જે પશુમાં વાંરવાર આઉનો ચેપ લાગતો હોય તેનો નિકાલ કરવો જોઈએ જેથી તે બીજા જાનવરોમાં ફેલાવો ન કરે.

17. વર્ષમાં એકાદવાર ટી.બી., જે. ડી. તેમજ બ્રુસેલોસીસ (ગર્ભપાત) જેવા રોગોની તપાસ કરાવવી અને ચેપ લાગેલ પશુને ઘણમાંથી દુર કરવા જોઇએ.

18. પશુને પુરતો સમતોલ આહાર આપવો. વિટામીન- એ, ઈ અને સેલેનીયમ જેવા ખનીજ તત્વ આઉને તંદુરસ્ત રાખવા મદદરૂપ થાય છે. વિયાણબાદથી 4 મહિના સુધી રોજનું 50 ગ્રામ લેખે મિનરલ મિકચર આપવાથી પણ ગળિયાને મહદઅંશે નિયંત્રણ માં રાખી શકાય છે.

19. અને ખાસ વિયાણના ૨ (બે) મહીના પેહલાં પશુને વસુકાવી બાવલાને આરામ આપીને ઘસાયેલ આઊની ગ્રન્થીઓને મુળ સ્થિતિમાં લાવવી ખુબ જ જરુરી છે નહીતર તેને આવનાર વેતર માં બાવલાને ચેપ લાગવાની સમ્ભાવના રહે છે જ.

20. વેચાણ થાકી લાવેલ પશુનું પશુ ચિકિત્સક જોડે બાવલાની અને ગર્ભાશયની તપાસ કરાવીને જ ખરીદવું જેથી ચેપી પશુ આપના ધણમાં પ્રવેશે નહિ જેથી અન્ય પશુઓમાં ચેપ થતો અટકાવી શકાય.

21.  ખાસ કરીને પશુઓને એવી જગ્યાએ ચરાણમાં લઇ ના જવા જ્યાં માખીઓનો ઉપદ્રવ વધુ હોય કે પછી નીચાણવાળી જગ્યા જ્યાં ભેજ અને માખીઓ વધુ હોય. પશુ રહેઠાણમાં પણ માખીઓનો ઉપદ્રવ ઘટાડવો. માખીઓના કારણે આંચળ પર ઘા થવાની સંભાવનાઓ વધુ રહેલી છે. જેના પરિણામે ચેપ વકરી શકે છે.

22. ગળીયાના ચિન્હો- કોઈ પણ એક અથવા વધુ આંચળમાં દૂધ ઓછું આવવું/દુધમાં ફોદા આવવા/દૂધમાં પાણી જેવું આવવું/દૂધમાં લોહી આવવું/દૂધમાં પરુ આવવું/ કોઈ પણ એક અથવા વધુ અથવા ચારે ચાર આંચળ/બાવલામાં સોજા આવવા/દોહવાણ વખતે દુખાવો થવો. જણાવેલ ચિન્હો જીવાણુની સંખ્યા અને તેના પ્રકાર ઉપર આધાર રાખે છે. આમ આવા કોઈપણ ચિન્હ જણાય તો તુરંત પશુ ચિકિત્સકની સલાહ લેવી અને સારવાર કરાવવી જરૂરી છે. 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate