অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચાફ કટરની અગત્યતા

પશુપાલનમાં પોષક પશુઆહાર એ મુખ્ય ઘટક છે જેના કારણે પશુપાલનનો વ્યવસાય ખૂબ સારી રીતે વિકાસ પામ્યો છે. કુલ ખર્ચા પર પશુઆહારનો ૬૦ થી ૭૦ ટકા ખર્ચો પશુપોષણ પર જાય છે. સહકારી ધોરણે વિકાસ પામેલો ડેરી ઉદ્યોગ પશુપાલન વ્યવસાયની પ્રગતિનું ચાલકબળ છે. સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો ઘણો સારો વિકાસ થયેલ છે.

ખેડૂતો પોતાને ત્યાં દુધાળ પશુનો નિભાવ કરી સારુ ખાતર મેળવે છે તથા ખેતીની આડ પેદાશો જેવી કે બાજરી પૂળા, જુવારના પૂળા, ઘઉનું ભુસુ, મગફળીનો પોલો, કઠોળ પાકના ગોતર વિગેરેનો ઉપયોગ કરી પશુ નિભાવે છે. ખરેખર પશુપાલકો તો ખેતીની આડ, પેદાશોમાંથી દૂધ જેવી સમાજને જરૂરી અને પોષણક્ષમ વસ્તુ પેદા કરે છે. વ્યાપારી ભાષામાં કહીએ તો ખેતીની આડપેદાશોની મૂલ્યવૃધ્ધિ કરે છે.

ખેડૂતો બાજરી જુવારના પૂળો મોટે ભાગે પશુને આખાને આખા નીરે છે. કેટલાક પશુ ચાલકો એના બે કે ત્રણ ટુકડા કરે છે. ટૂકડા લાંબા હોવાથી પશુના ખાવામાં સરળતા રહેતી નથી અને લગભગ ર૦ થી ૩૦ ટકા જેટલા ચારાના ઓગાટમાં રહી જાય છે અને ઉકરડામાં જાય છે. ટુકડા કર્યા વગરની જુવાર અને બાજરીની કડબના સુકા પાંદડા પશુ ખાઈ જાય છે અને દાંડા એમના એમ રહેવા દે છે. આવા દાંડામાં રહેલા પોષકતત્વો નકામા જાય છે. આ ઉપરાંત લગભગ ૩૦ ટકા એટલે ૧૦ કિ.ગ્રા. કડબમાંથી ત્રણ કિ.ગ્રા. કડબ પશુના પેટમાં જવાના બદલે ઉકરડામાં જાય છે. આર્થિક રીતે વિચારીએ તો રૂા.ર ના કિ.ગ્રા.ના ભાવની ત્રણ કિ.ગ્રા. એટલે કે છ રૂપિયાની કડબ આપણે ઉકરડે નાંખીએ છે. આ વાત આજના મોંઘવારીના જમાનામાં કોઈ રીતે ચાલે એમ નથી. એક વરસના ર૧૬૦/ રૂા. ગુમાવવાનું વાજબી નથી.

જુવાર બાજરીના પૂળાના જો નાના ટુકડા કરવામાં આવે તો પશુ બધો ચારો બગાડયા વગર ખાઈ શકે છે અને ચારાનો  બગાડ અટકાવી શકાય છે.કેટલાક ખેડૂતો ચારાના નાના ટુકડા કરવા હાથસૂડા વાપરે છે તથા વધુ દુધાળ પશુ ધરાવતા પશુપાલકો ઈલેકટી્રક ચાફકટર પણ વાપરે છે. આ હાથસૂડા તથા ઈલેકટી્રક ચાફકટરનો ઉપયોગ વ્યાપક બને એ માટે એની માહિતી પ્રસ્તુત છે.

ઘાસના ટુકડા કરવાના હાથસુડાઃ

આ હાથસુડા ઉત્તર ગુજરાતના ઘણા બધા પ્રગતિશીલ પશુપાલકોએ અપનાવી લીધેલ છે. આ હાથસુડાથી બાજરી જુવારના પૂળા તથા ડાંગરના પૂળાના પણ ટુકડા કરી શકાય છે. સુડાની બ્લેડ તભ્?ઉભ્ચ્ભ્મ્ કત્ભ્ભ્િ ની  બનાવેલ હોવાથી વપરાશ થાય તેમ તેમ વધુ ધારવાળી થાય છે અને જલદી ઘસાવવી પડતી નથી.આ સુડા ખૂબ જ સરળતાથી વાપરી શકાય છે. જમીન પર બેસીને ટુકડા કરવાનું કંટાળાભર્યુ લાગતું હોય તો ત્રણ ફૂટ ઉંચો દોઢ ફૂટ પહોળો અને ત્રણ ફૂટ લાંબા એક ગારમાટી અને પથ્થરનો ઓટલો બનાવી તેના પર આ સુડો ઘીસી પાડી ગોઠવી દઈ ઉભા ઝડપથી ટૂકડા કરી શકાય છે.સુડાનું હેન્ડલ લાંબુ હોય ઘાસ કાપણી વખતે ઓછી તાકાત વપરાય છે. એક માણસ પૂળા બ્લેડ પર મૂકે છે અને એક માણસ કાપે તો આ કામગીરી ઝડપથી થાય છે. આવા સુડા રૂપિયા ૩૦૦ થી ૪૦૦માં ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત ર.પ ફૂટ ઉંચા સ્ટેન્ડ પર ગોઠવેલા હાથસુડા પણ મળે છે. તે પણ અંદાજે રૂા. ૮૦૦ થી રૂા. ૯૦૦ માં મળે છે.

ગોળ પૈડાવાળું ચાફકટરઃ

આ ગોળ પૈડાવાળું ચાફકટર ઉત્તર ભારતમાં ખૂબ પ્રચલિત છે. તમામ પશુપાલકો આ ચાફ કટરનો ઉપયોગ કરે છે. આવા ચાફકટરમાં એક ગોળ પૈડું (ફલાય વ્હીલ) હોય છે. જેની અંદરના ભાગમાં બે બ્લેડ આપેલ હોય છે. વ્હીલને હાથો હોય છે. જેથી તેને ફેરવતા બ્લેડને ટર્નિંગ ગતિ મળે છે. આ ફલાય વ્હીલ લોખંડના સ્ટેન્ડને બિલકુલ અડીને ફરે  એ રીતે ઘરી પર લગાવેલ હોય છે. તે જ ધરી પર દાંતવાળા ચક્રો ગોઠવવામાં આવેલા હોય છે. સ્ટેન્ડ પર ગોઠવેલ રોલરમાંથી પુળા લીલું ઘાસ વગેેરે કાળજીપૂર્વક રોલમાં ધકેલવામાં પડે છે. હાથસુડા કરતા આવા ચાફકટરમાં કામગીરી થોડી વધુ ઝડપી અને ઓછી મહેનતે થાય છે તેની કિંમત રૂા. ૩પ૦૦ થી ૪૦૦૦ ની આસ પાસ હોય છે.

 

આવા ગોળ પૈડાવાળા ચાફકટરનું કટર સાથેનું પૈડું, ડીઝલ એન્જીન કે ટ્રેકટર સાથે પૂલીનો ઉપયોગ કરી જોડી શકાય છે અને ફેરવી શકાય. આવા ચાફકટરનો ફાયદો એટલો જ વીજળીના હોય તો પણ ચાફકટર ચલાવી શકાય છે. અલાયદી મોટર વસાવવી પડતી નથી. આવા ચાફકટરથી એક કલાકમાં ૪૦૦ થી પ૦૦ કિ.ગ્રા. કડબના ટૂકડા કરી શકાય છે.

સિલિન્ડર પાઈ ચાફકટરઃ

આ પ્રકારના ચાફકટર  હાથથી તેમજ ઈલેકટી્રક ચાલતા એમ બે પ્રકારના હોય છે. આવા ચાફકટરમાં સિલિન્ડરમાં ત્રણ થી ચાર બ્લેડ લગાવેલ હોય છે. એમાં રોલરની મદદથી પૂળા પસાર કરવામાં આવે છે. જેથી સિલિન્ડરમાં રહેલ બ્લેડના સંપર્કમાં આવતા તેના નાના ટુકડા થાય છે. ઈલેકટ્રીક ચાલતા ચાફકટરમાં કાપેલ કડબના ટુકડાઓને બ્લોઅરની મદદથી બંધ ભૂંગળામાં ઉચકી ઢગલો બનાવવાની સગવડ હોય છે. આ ભૂંગળામાંથી ચારો સીધે સીધો પરિવહન કરવાના ગાડામાં કે ટ્રેકટરની ટ્રોલીમાં પર ભરી શકાય છે. આ પ્રકારના ચાફકટર સરકારી પશુ ઉછેર કેન્દ્ર, મોટા ખાનગી ફાર્મ પર રાખવામાં આવે છે. આવા ચાફકટર મોટરમાં ક્ષમતાના પ્રમાણમાં ચારો કાપે છે અને તેની કિંમત પણ રૂા.૧૦ થી ૧ર હજાર જેટલી હોય છે.

ચાફકટર વાપરવાથી થતા ફાયદાઃ

  • કડબના કે અન્ય ચારાના ટુકડા કરીને નીરવાથી ચારાનો પાંદડાવાળો ભાગ અને દાંડાવાળો ભાગ નાના નાના ટુકડામાં ભેગો થઈ જાય છે એટલે દાંડાવાળો ભાગ જે સામાન્ય રીતે પશુ ખાતા નથી તે પણ પાન સાથે મીકસ થવાથી પશુ ખાઈ જાય છે અને ચારો બગડતો નથી. લગભગ ૩૦ ટકા જેટલો ચારો બચે છે. ચાફકટરથી ચારાના નાના નાના ટુકડા થવાથી પશુ સારી રીતે ચાવીને ખાઈ શકે છે.
  • ચાફકટરના ઉપયોગથી કુહાડીથી ટુકડા કરવાની તુલનામાં ઓછી મહેનત પડે છે તથા કુહાડીથી ફકત ૮ થી ૧૦ ઈંચ લંબાઈના મોટા મોટા ટૂકડાને બદલે ૧ થી ર ઈંચના નાના નાના ટુકડા કરી શકાય છે.
  • ચાફકટરમાં ટૂકડા કરીએ ત્યારે લીલો ચારો અને સુકો ચારો ભેગા કરી કાપી શકાય છે. આથી સુકો ચારો પણ પશુઓ બગાડયા વગર ખાઈ જાય છે.
  • ઈલેકટ્રીકથી ચાલતા ચાફકટરમાં ઈલેકટ્રીક  ન હોય ત્યારે તકલીફ પડે છે. પણ આ માટે આપણે એક દિવસ અગાઉથી જ ચારો કાપી ઢગલો બનાવી રાખવાની પ્રથા ચાલુ કરીએ. નવરાશના સમયનો ઉપયોગ કરી ચારો કાપી રાખવાનું આયોજન કરી શકાશે.

ચાફકટરની સાચવણીઃ

  • ચાફકટરની બ્લેડને સમયાંતરે ધાર કાઢવી યોગ્ય રીતે વાપરવી જોઈએ. આમ કરવાથી કાપવાની કામગીરીમાં ઝડપ જળવાઈ રહે છે.
  • ચાફકટર ચલાવતા પહેલા ચક્રો દાંતામાં અને જરૂરી હોય ત્યાં ઓઈલ પુરવું જોઈએ.
  • ચાફકટર ચલાવતા પહેલા ઢીલા પડી ગયેલા બોલ્ટ નટ ટાઈટ કરવા જેથી અકસ્માત નહી થાય.
  • ચાફકટરનું નિયમિત ઓવરહોલીંગ કરવું જોઈએ.
  • ચાફકટર ઉપયોગમાં ન  હોય ત્યારે એને વ્યવસ્થિત રીતે ઢાંકીને રાખવું જોઈએ જેથી વરસાદમાં ભીંજાય નહી.

દૈનિક બે પશુ માટે ૧૦ કિ.ગ્રા. કડબ વપરાતી હોય તો એમાંથી પશુના પેટમાં લગભગ સાત કિ.ગ્રા. કડબ જાય છે. આજ કડબ તમે ટૂકડા કરી આપો તો સાત કિ.ગ્રા.માં પશુ ધરાઈ જશે અને ત્રણ કિ.ગ્રા. કડબ એટલે કે રૂા. ૬ ની દૈનિક બચત માસિક ૧૮૦.૦૦ અને વર્ષે રૂા.ર૧૬૦.૦૦ની બચત થશે. ફકત ટૂકડા કરીને કડબ ઘાસ ખવડાવવાથી રૂા.ર૧૬૦/ બે પશુઓ માટે બચે એવી રીતે રૂા.૩૦૦ થી ૪૦૦ માં ખરીદેલ હાથસૂડો બે મહિનામાં જ મફત પડી જશે.

આ તો એક ગણતરી બતાવી પણ ચારા જે વેડફાય છે તે રોકવાની પણ આપણી નૈતિક ફરજ છે. ચારો ઉકરડે નાખીએ તેના ટુકડા ટુકડા કરીને આપણા આશરે નભતા પશુને ખવડાવીએ તો એમની આંતરડી ઠરે અને આપણે તો ઉત્પાદનમાં લાભમાં જ રહીશું. હવે વાત હૈયે બેસી હોય તો વાર ના કરશો. એક ચાફકટર ખરીદવામાં ઢીલ ના કરો ઉતાવળ કરો અને વધારે ફાયદો મેળવો.
સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate