অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બિયારણની જાળવણી અને તેના સંગ્રહ દરમ્યાન અસર કરતા પરિબળો

બિયારણની જાળવણી અને તેના સંગ્રહ દરમ્યાન અસર કરતા પરિબળો

ખેતીમાં બીજ એ એક પાયાની જરૂરિયાત છે. વધારે ઉત્પાદન મેળવવા માટે ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવતું બિયારણ જરૂરી છે. બીજ એ છોડની સુષુપ્ત અવસ્થા પણ કહી શકાય. જ્યારે આ સષુપ્ત અવસ્થામાં સીધી કે આડકતરી રીતે ખલેલ પહોંચાડવામાં આવે ત્યારે બીજનું સ્કૂરણ થાય છે જેના માટે ઉષ્ણતામાન અને ભેજ જવાબદાર ગણાય છે. બિયારણને વિવિધ હેતુસર ટૂંકા તથા લાંબા ગાળા માટે સંગ્રહ કરવામાં આવે છે. ઘણી વખત બિયારણોની જાળવણી દરમ્યાન સૂક્ષ્મ જીવાણુઓ સંગ્રહિત અનાજના કીટકો, કથીરી વગેરેના ઉપદ્રવથી અથવા તો અન્ય વાતાવરણીય પરિબળોના કારણે બીજની સ્કૂરણશક્તિ ઓછી નાશ થાય છે અને બિયારણ વાવણી લાયક રહેતું નથી. તેથી બિયારણનો વ્યવસ્થિત સંગ્રહ કરવો અતિ આવશ્યક છે. તેથી બિયારણના સંગ્રહ દરમ્યાન તેની સ્કૂરણશક્તિ પર અસરકર્તા વિવિધ પરિબળો વિષે જાણવું આવશ્યક છે.

ભેજ:

  • ભેજ એ બિયારણની જાળવણી માટે અસર કરતું એક મુખ્ય પરિબળ છે. સામાન્ય રીતે બીજની અંદર ૪૫ થી ૬૦ટકા કરતાં વધારે ભેજનું પ્રમાણ થાય ત્યારે બીજનું સ્કૂરણ થાય છે. જ્યારે ૧૮ થી ૨૦ ટકા ભેજ હોય ત્યારે બીજ અને બીજના જથ્થા સાથે રહેલ સૂક્ષ્મ જીવાણુઓની શ્વાસોશ્વાસની ક્રિયા અતિ પ્રમાણમાં વધી જાય છે. જેના કારણે બીજના જથ્થામાં ગરમી પેદા થાય છે જેથી ઉષ્ણતામાન ૪૩° થી ૬૩° સે. સુધી ઊંચું જાય છે જે બીજભૃણનો નાશ કરે છે. બીજમાં ૧૨ થી ૧૪ ટકા કે તેથી વધારે ભેજના કારણે હાનિકારક ફૂગનો વિકાસ થાય છે અને ૮ થી ૧૦ ટકા જેટલી બીજની સ્કૂરણશક્તિ ઘટી શકે છે. પરંતુ બીજની અંદર, જો ભેજનું પ્રમાણ ૮ થી ૧૦ ટકા જેટલું હોય તો બીજને ૧ થી ૩ વર્ષ સુધી આસાનીથી સુરક્ષિત રીતે સંગ્રહી શકાય છે. જ્યારે પોલીથીલીન બેગમાં બીજનો સંગ્રહ કરવાનો હોય ત્યારે ભેજનું પ્રમાણ બીજમાં ૪ થી ૮ ટકાની અંદર હોવું જરૂરી છે.
  • બીજ હવામાનમાંથી સીધેસીધો ભેજ શોષે છે જેથી હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે બિયારણમાં પણ ભેજનું પ્રમાણ વધે છે. આવા સંજોગોમાં બિયારણ લાંબો સમય સુધી સુરક્ષિત રીતે જાળવી શકીએ નહિ. તેથી ગોડાઉન કે કોઠાર એવા બનાવવા જોઈએ કે હવામાનનાં ભેજની અસર અંદરના ભાગ સુધી પહોંચી શકે નહિ અને સંગ્રહેલા બિયારણો લાંબો સમય સુધી જાળવી શકીએ. બીજની સુરક્ષિત જાળવણી માટે બીજની અંદર ભેજનું પ્રમાણ ૧૦ ટકાથી નીચે હોવું જરૂરી છે.

ઉષ્ણતાપમાન :

  • બીજના સુરક્ષિત સંગ્રહ અને સ્કૂરણશક્તિ માટે ઉષ્ણતાપમાન એક અગત્યનું પરિબળ છે. નીચા ઉષ્ણતાપમાને વધારે ભેજ ધરાવતા બીજને પણ લાંબા સમય સુધી સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકાય છે. બીજના સંગ્રહ દરમ્યાન ઉષ્ણતાપમાનમાં વધઘટ થાય તો તેની તાત્કાલિક અસર બીજની સ્કૂરણશક્તિ પર પડે છે. ૬૬°સે. ઉષ્ણતાપમાને બીજની સ્કૂરણશક્તિ પર ખૂબ જ માઠી અસર પડે છે.
  • જ્યારે ૪ર૦ સે. ઉષ્ણતાપમાન સુધી સંગ્રહિત બિયારણમાં કીટકોનો ઉપદ્રવ વધે છે. જેથી નુકસાનનું પ્રમાણ વધતા સ્કૂરણશક્તિ ઘટે છે. ઉષ્ણતાપમાન ૧૫° સે. કરતાં નીચું રહે તો કીટકોનો વિકાસ અને પ્રજનન અટકે છે જયારે ૧૦° સે. કરતા ઓછા ઉષ્ણતાપમાને બિયારણને આસાનીથી સુરક્ષિત રાખી શકાય છે. તેથી બિયારણને સલામત રીતે જાળવવા માટે કોઠાર કે ગોડાઉનમાં ૧૦° થી ૧૫° સે. ઉષ્ણતાપમાન જાળવવું જોઈએ.

કીટકો :

કીટકો સામાન્ય રીતે બીજના ભૃણનો જે ભાગ આવે છે તેને પ્રથમ ખાઈને નુકસાન કરે છે જેથી બિયારણની સ્કૂરણશક્તિ પર સીધી જ અસર થાય છે. આ ઉપરાંત જીવાત અને ઉદરના મળમૂત્ર, શરીર પરથી ખરતા વાળ તથા ચામડી, મૃત કીટકો વગેરે બિયારણમાં ભળવાથી ભેજનું પ્રમાણ વધે છે. જેના કારણે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ થાય છે અને બીજાને નકામુ બનાવી દે છે.

બીજની સલામત જાળવણી માટે આટલું યાદ રાખો :

  • બિયારણમાં ૮ થી ૧૦ ટકા જેટલું ભેજનું પ્રમાણ જાળવો. શક્ય હોય તેટલા પ્રમાણમાં ભેજ અને ઉષ્ણતાપમાન નીચુ રાખો.
  • બિયારણને કીટકો કથીરી, ઉંદર વગેરેથી મુક્ત રાખો.
  • વ્યવસ્થિત રીતે બિયારણને સૂર્યના તાપમાં સૂકવી, બરાબર સાફ કર્યા બાદ સંગ્રહ કરો.
  • કોથળામાં બિયારણનો સંગ્રહ કરો ત્યારે કોથળો દિવલા કે ભોયતળિયે અડકે નહિ તેની કાળજી રાખો. કોથળામાં સંગ્રહ કરતી વખતે લાકડાના પાટીયા કે વાંસનો ઉપયોગ કરી તેના પર કોથળાની થપ્પી કરવાથી ભેજનું પ્રમાણ વધતું અટકાવી શકાય છે.
  • અન્ય ખાદ્ય અનાજ, ઉપદ્રવિત બિયારણ કે રાસાયણિક ખાતરો જે ગોડાઉનમાં સંગ્રહ કરેલ હોય ત્યાં તેની સાથે તંદુરસ્ત બિયારણનો સંગ્રહ કરવો નહિ.
  • નિયમિત સમયાંતરે બિયારણને તપાસતાં રહેવું. કોઠાર અથવા ગોડાઉનની સ્વચ્છતા જાળવવી અને સફાઈ દરમ્યાન નિકળેલ કચરાને બાળીને નાશ કરવો.
  • બિયારણ સંગ્રહ કરતાં પહેલાં કોઠાર કે ગોડાઉનની દિવાલો, છત અને તળીયામાં આવેલ તિરાડો તથા ઉંદરના દરોને સિમેન્ટથી પૂરી દેવા. કોઠારની દિવાલો ઉપર જંતુનાશક દવાઓ જેવી કે ડાયકલોરોવોસ ૦.૫ ટકા (૫ લિટર પાણીમાં ૫ મિ.લિ.) અથવા મેલાથીઓન ૫૦ ઈસી (લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) અથવા ડેલ્ટામેથીન ૨.૮ ઈસી (લિટર. પાણીમાં ૪ મિ.લિ.) અથવા સાયપરમેથ્રીન ૨૫ ઈસી (૫ લિટર પાણીમાં ૫ મિ.લિ.) મિશ્રણ પ્રતિ ૧૦૦ ચો.મી.ના હિસાબે છાંટવું અને કોઠારને બંધ કરી દેવો અથવા એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ (૭ થી ૧૦ ટીકડી પ્રતિ ૧૦૦ ઘનફૂટ પ્રમાણે) થી ધૂમિકરણ કરવું. હંમેશા નવા કોથળાનો ઉપયોગ કરો. જ્યારે જૂના કોથળામાં બિયારણનો સંગ્રહ કરવાનો હોય ત્યારે તેને ઉલટાવીને તેના ઉપર અગાઉ જણાવેલ દવામાંથી કોઈપણ એક દવાનું છાંટણ કરવું અને તેને છાંયડામાં સૂકવીને બિયારણ ભરવું.
  • બિયારણને જીવાતનો ઉપદ્રવથી બચાવવા માટે મેલાથીઓન ૫ ટકા ભૂકી ૨૫૦ ગ્રામ ક્વિન્ટલ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૪ મિ.લિ. ક્વિન્ટલ પ્રમાણે ભેળવીને સંગ્રહ કરવો.
  • લાંબા સમય માટે સંગ્રહ કરેલ બિયારણને દર ત્રણ મહિને એલ્યુમિનિયમ ફોસ્ફાઈડની ટીકડીથી ૧૨ ગ્રામની એક એવી ત્રણ ટીકડીઓ 1000 કિલોગ્રામ બિયારણમાં મૂકી પૂમિકરણ કરવું. જ્યારે હવાચૂસ્ત મેટલ પીપમાં બિયારણનો સંગ્રહ કરેલ હોય ત્યારે એલ્યુમિનિયમ ફોસ્ફાઈડની ૧ ટીકડી એક ટન બિયારણ માટે પૂરતી છે. ત્યારબાદ ૭ દિવસ સુધી મેટલ પીપ હવાચૂસ્ત રાખવા. એલ્યુમિનિયમ ફોસ્ફાસઈડની ટીકડીને બિયારણના મેટલ પીપમાં મૂકતા પહેલા મસલીન કલોથ અથવા ગરણાના કાપડના ટૂકડાને પાણીમાં પલાળીને નીચોવીને પીપને હવાચૂસ્ત બનાવી દેવું. જેથી ભીના કપડાના કારણે થોડા સમયમાં ટીકડીમાં રહેલ ફોસ્ફીન ગેસ એકદમ છૂટો પડી હવાથી ભારે હોવાને લીધે નીચે તરફ ગતિ કરશે અને આખા પીપમાં પ્રસરી જશે તેથી તૂરત જીવાતનો નાશ કરશે.
  • બીજમાં ૮ થી ૧૦ ટકા જેટલો ભેજ હોય ત્યારે એલ્યુમિનિયમ ફોસ્ફાઈડની ટીકડીથી વારંવાર ધૂમિકરણ કરવા છતાં તેમજ ઊંચો ડોઝ રાખવામાં આવે તો પણ બિયારણની સ્કૂરણશક્તિ પર કોઈપણ જાતની વિપરીત અસર પડતી નથી.

કૃષિગોવિધા જાન્યુઆરી-ર૦૧૮ વર્ષ : ૭૦ અંક : ૯ સળંગ અંક : ૮૩૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી


ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate