જે રોગકારક સામે રસાયણનો ઉપયોગ થાય તે પ્રમાણે દવાના નામ અપાય છે. દા.ત. ફૂગ સામે વપરાતા રસાયણને ફુગનાશક દવા કહે છે. તેવી જ રીતે જીવણુ માટે જીવાણુનાશક, કૃમિ માટે કૃમિનાશક.
ભાષાકીય રીતે વાત કરીએ તો ફૂગનાશક દવા એટલે કોઈપણ વસ્તુ કે જે ફૂગને મારવા કે નાશ કરવા માટે શકિતમાન હોય. આ અર્થમાં ભૈાતિક રીતો જેવી કે સુકી ગરમી, ભેજવાળી ગરમી, ભેજ કે પારજાંબલી કિરણોને ફૂગનાશક કહેવાય પરંતુ સામાન્ય ભાષામાં જે રસાયણનો ઉપયોગ ફૂગનાશક તરીકે થાય તેને ફૂગનાશક દવા કહેવામાં આવે છે. ફૂગનાશક દવાની સર્વ સામાન્ય વ્યાખ્યામાં જે રાસાયણિક પદાર્થો પાકની વૃધ્ધિ અને તેનાં ઉત્પાદનને અસર કરતી ફૂગનું નુકસાન ઘટાડે તેવા રસાયણોને ફૂગનાસક દવા કહેવામાં આવે છે.
ફૂગનાશક દવા જુદા જુદા પ્રકારની અસર પેદા કરતી હોય છે. દા.ત. અમુક દવા રસાયણ ફૂગનો સંપુર્ણ નાશ ન કરતાં ફકત થોડા સમય માટે તેની વૃધ્ધિ અટકાવતી હોય તેને ''વૃધ્ધિ અવરોધક '' કહેવાય. અમુક દવા વૃધ્ધિને ન અટકાવતાં ફકત ફૂગનાં બીજાણુઓનો જ નાશ કરે છે અથવા બનતા અટકાવે તેને ''બીજાણુ અવરોધક'' કહેવાય.
ફૂગનાશક દવા બજારમાં જુદા જુદા સ્વરૂપમાં મળે છે. જેમકે પાણીમાં ઓગળી શકે તેવા પાવડર, પ્રવાહી, દાણાદાર, પેસ્ટ કે સ્લરી.
ફૂગનાશક દવાનું વર્ગીકરણ કરવાની જુદી જુદી રીત છે જેવીકે
રક્ષણાત્મક દવા : આ પ્રકારની ફૂગનાશક દવા સ્પર્શીય ઝેર ધરાવે છે. ફૂગનો ચેપ લાગ્યા પહેલાં વાપરવામાં આવે તો વધારે અસરકારક સાબિત થાય છે. દા.ત. બીજ માવજત તરીકે વપરાતી જુદા જુદા પ્રકારની દવાઓ થાયરમ, કેપ્ટાન, મેન્કોઝેબ અને ગંધક વગેરે.
રોગકારકને નાબુદ કરતી દવા: ફૂગનાશક દવા ફૂગનો ચેપ લાગ્યા પછી પણ ફૂગનો નાશ કરી છોડને તંદુરસ્ત કરી શકતી હોય તેવી દવાઓનો આ વર્ગમાં સમાવેશ થાય છે. ખાસ કરીને આ દવાઓ શોષક પ્રકારની હોય છે. દા.ત. ઓકિઝથીન અને એન્ટીબાયોટીક દવાઓ.
નાશકારક દવા: જે ફૂગનાશક દવા સુષુપ્ત કે સક્રિય રોગકારકનો ચેપવાળા વિસ્તારમાંથી દૂર કરી શકે છે. દા.ત. કાર્બનીક પારાયુકત દવા, લાઈમ સલ્ફર, ડોડાઈન.
શોષક અને બિન શોષક પ્રકારની દવા: જે દવા વનસ્પતિનાં કોષોની અંદર દાખલ થઈને રોગકારક સામે કાર્ય કરતી હોય તેને શોષક પ્રકારની દવા કહેવાય છે. દા.તા. બેન્ઝામીડેઝોલ, ઓકિઝથીન અને ટ્રાઈઝોલ્સ વર્ગની દવાઓ. બાકીની બધી જ જે દવા કોષોમાં દાખલ થઈ શકતી ન હોઈ કે સ્થળાંતર કરી શકતી ન હોય તેને બિનશોષક દવાઓ કહેવાય છે. દા.ત. કેપ્ટાન, મેન્કોઝેબ, થાયરમ, વગેરે.
બીજની માવજત તરીકે : દા.ત. કેપ્ટાન, થાયરમ, મેન્કોઝેબ, અને પારાયુકત દવાઓ.
જમીનમાં આપી શકાય તેવી દવાઓ: દા.ત. કલોરોપીક્રીન, ફોમાંલ્ડીહાઈડ, વેપામ વગેરે.
ડાળીઓ અને પુષ્પવિન્યાસનાં રક્ષણ માટે.:
ફળરક્ષક દવા: દા.ત. મેન્કોઝેબ, કોપર ઓકિસીકલોરાઈડ, થાયોબેન્ડેઝોલ વગેરે.
થડના ઘાવ ઉપર પટી લગાડવાની દવા: દા.ત. બોર્ડો પેસ્ટ, ચોબાટીયા પેસ્ટ, ચેસનટ કમ્પાઉન્ડ અને બરગંડી મિક્ષચર.
તાંબાયુકત દવા.
કોપર સલ્ફેટવાળી દવાઓ: દા.ત. બોર્ડો મિશ્રણ, બોર્ડો પેસ્ટ, ચેસનટ કમ્પાઉન્ડ અને બરગંડી મિક્ષચર.
કોપર કાર્બોનેટ વાળી દવાઓ: દા.ત. ચોબાટીયા પેસ્ટ.
કોપર ઓકઝીકલોરાઈડ વાળી દવાઓ: દા.ત. બ્લાઈટોકસ–પ૦, બ્લુ કોપર.
કોપર હાઈડ્રોકસાઈડ વાળી દવા: દા.ત. કોસાઈડ.
ગંધયુકત દવા.
કવીનોન્સ અને ફીનોલ વર્ગની દવાઓ: કલોરેનીલ, સેરેડાન અને ડાયકલોન જેવી દવાઓ આ વર્ગમાં આવે છે. પરંતુ ભારતમાં આ દવાઓ બનતી નથી કે વેચાણમાં પણ નથી.
પારાયુકત દવાઓ: આ વર્ગની દવાઓ ફકત બીજની માવજત તરીકે જ ઉપયોગ થાય છે. બહુ જ વિષકારકતા ધરાવતી હોવાથી છંટકાવ તરીકે ઉપયોગ થતો નથી પરંતુ ફળપાકમાં ઘાવ સાફ કરવામાં ઉપયોગ થાય છે.
અકાર્બનીક પારાયુકત દવા: મરકયુરી કલોરાઈડ અને મરકયુરસ કલોરાઈડ ૧ :૧૦૦૦ ના મંદ દ્રાવણ તરીકે ઉપયોગ લેવાય છે.
કાર્બનીક પારાયુકત દવા: દા.ત. ઈથાઈલ મરકયુરી કલોરાઈડ, ફીનાઈલ મરકયુરી કલોરાઈડ, મીથોકસીલ ઈથાઈલ મરકયુરી કલોરાઈડ, ફીનાઈલ મરકયુરી એસીસેટ
ઉપયોગ: ૦.૧ થી ૦.ર ટકા ધાત્વીય પારાયુકત દવા સૂકી બીજની માવજત માટે, ૩ થી ૬ ટકા પારાયુકત પ્રવાહી ભીની બીજની માવજત તરીકે અને ૦.રપ થી ૦.પ ટકા પ્રવાહી બીજ કે કટકાની માવજત માટે ઉપયોગ થાય છે.
બાષ્પશીલ પદાર્થો: દા.ત. પી. સી. એન. બી. (પેન્ટાકલોરોનાઈટ્રોબેન્ઝીન), હેકઝાકલોરોબેન્ઝીન, ડાયકલોરાન.
હેટ્રોસાઈકલીક નાઈટ્રોજીનીયસ કમ્પાઉન્ડ: દા.ત. કેપ્ટાન, ફોલપેટ, કેપ્ટા ફોલ, આઈપ્રોડાયન.
લેખ : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ
સ્ત્રોત: કૃષિ માર્ગદર્શિકા, ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020